ઓક્સિમોરોન: વિરોધાભાસી શબ્દ અલંકાર/પરેશ પ્ર વ્યાસ

ઓક્સિમોરોન: વિરોધાભાસી શબ્દ અલંકાર
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં –
એમાં આસમાની ભેજ,
એમાં આતમાનાં તેજ :
સાચાં તોયે કાચાં જાણે કાચનાં બે કાચલાં :
ઊનાં રે પાણીનાં અદભુત માછલાં.
-વેણીભાઇ પુરોહિત
આંખ વિષે આવું અદભૂત વિશ્લેષણ અમે ક્યાંય વાંચ્યું નથી. ભેજ અને તેજ બન્ને આમ તો વિરોધાભાસી ભાવ છે. એક હોય તો બીજું ન જ હોય. કવિ તો એને આગળ જતા આંખોને ‘છીછરા અતાગ’ એવા વિશેષણ આપે છે. આ વિરોધાભાસી અલંકાર છે. અંગ્રેજીમાં એને ઓક્સિમોરોન (OXYMORON) કહે છે.
હમણાં હમણાં એક શબ્દ છાશવારે છપાય છે, ચર્ચાય છે, ટ્વિટાય છે. એ છે લવ જિહાદ. આઝમ ખાન કહે છે કે લવ અને જિહાદ બન્ને પવિત્ર શબ્દો છે. લવ એટલે પ્રેમ અને જિહાદ એટલે ધર્મ યુદ્ધ. જેની ભેંસ શોધવા આખી યુ.પી. પોલિસ ધંધે લાગી હતી એ આઝમ ખાન ક્યારેક સાવ સાચી વાત કરે છે. લવ અને જિહાદ બન્ને શબ્દો પવિત્ર જ છે, પણ છે વિરોધાભાસી. અને સાથે આવે ત્યારે ડખો થઇ જાય. આપણે લવ જિહાદ વિષે વાત નથી કરવી. આપણે વિરોધાભાસી અલંકાર માટેનાં અંગ્રેજી શબ્દ ઓક્સિમોરોન અને હાલમાં સમાચારમાં કયા ઓક્સિમોરોન ચર્ચામાં છે, એ વિષે વાત કરવી છે.
બીજી વાત પહેલાં કરીએ. એશિયાઇ ખેલમાં મુક્કાબાજીમાં સરિતાદેવી દેખીતી વિજેતા હતી પણ ગોલ્ડ મળ્યો યજમાન કોરિયાની મુક્કાબાજને. રેફરીએ અંચઇ કરી. સરિતાદેવીએ વિરોધ કર્યો. ‘ફર્સ્ટ પોસ્ટ’એ લખ્યું કે બોક્સિંગમાં મેચ ફિક્સિંગ થાય જ છે. સેલ્ફ રેગ્યુલેશન (સ્વયં અનુશાસન) માત્ર એક ઓક્સિમોરોન જ છે. વાત તો સાચી છે. સ્વયં અને અનુશાસન બે વિરોધાર્થી શબ્દો છે. મુંબઇમાં સમલિંગી(ગે) દેશી લોકોની સંસ્થા ગે-શી છેલ્લાં ત્રણ વર્ષથી ડર્ટી ટોક શૉ કરે છે. ડી. એન. એ.નાં તાજા અહેવાલ મુજબ ગયા 400 વ્યક્તિઓની સભામાં તેઓએ એસિડ એટેક પીડિત 25 વર્ષીય યુવતી આરતી ઠાકુરનો ઇન્ટરવ્યૂ લીધો અને એને આર્થિક મદદ પણ કરી. જ્યારે પત્રકારે સવાલ પૂછ્યો કે આ શૉનું નામ ડર્ટી ટોક કેમ છે? તો ગે-શીનાં ટોક શૉ હોસ્ટ હરીશ ઐયરે કહ્યું કે ડર્ટી ટોક શબ્દ તો ઓક્સિમોરોન છે. એક અન્ય સમાચાર જોઇએ. ભારતીય ક્રિકેટની વોલ ગણાતા રાહુલ દ્રાવિડે વિષે પુણે મિરરે લખ્યું કે ‘ક્રિકેટિંગ ઇન્ટેલેક્ચ્યુઅલ’ એ બે શબ્દો બીજા બધા માટે ઓક્સિમોરોન હશે, રાહુલ માટે નથી કારણ કે રાહુલ માને છે કે ક્રિકેટ શરીરની નહીં પણ દિમાગની રમત છે. ક્રિકેટર શ્રમજીવી હોય તે કરતા બુદ્ધિજીવી હોવો જરૂરી છે. ભલે એ બે શબ્દો વિરોધાભાસી હોય. અમેરિકન હફિંગટન પોસ્ટ અખબાર ચીનની પ્રંશસા કરતા લખે છે કે ચીને ક્લીન કોલ (સ્વચ્છ કોલસા) ટેકનોલોજી વિકસાવી છે. કોલસો ઇંધણ તરીકે જરૂરી છે પણ પ્રદૂષણ પણ એટલું જ કરે છે. પણ હવે ચીન માટે ક્લીન કોલ ઓક્સિમોરોન નથી. આવા તો અનેક ઓક્સિમોરોન સમાચારમાં જોવા મળ્યા. ગવર્નમેન્ટ ઇનોવેશન(સરકારી સુધારાઓ), ફ્રેન્ડલી પંજાબ કોપ (માયાળું પંજાબી પોલિસમેન) વગેરે. પણ એમાં શિરમોર સમાચાર હતા ઇઝરાયેલનાં વડાપ્રધાનનાં. ગયા મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું એ પછી એ જ જગ્યાએ એમણે યુનોની સભાને સંબોધતા યુનોની જ હ્યુમન રાઇટ્સ (માનવ અધિકાર) સંસ્થાને ઓક્સિમોરોન કહી નાંખી. સી.એન.એન. અનુસાર ઇઝરાયેલી વડાપ્રધાનનાં મતે યુનોની આ સંસ્થા માનવ અધિકાર માટે નહીં પણ આતંકવાદ સામે નમ્ર વલણ રાખીને, એને પરોક્ષ રીતે પોષે છે.
ઓક્સિમોરોન મૂળ ગ્રીક શબ્દ છે. ઓક્સિ એટલે તીક્ષ્ણ, ધારદાર અને મોરોન એટલે મૂર્ખ, મંદબુદ્ધિ. જે કુશાગ્ર હોય એ મૂર્ખ કેવી રીતે હોઇ શકે? પણ આવા બે શબ્દો એક સાથે વપરાયા છે. એ પરથી સાથસાથે વપરાયેલા બધા જ બે વિરોધાભાસી શબ્દો ઓક્સિમોરોન કહેવાયા. જો કે બધા વિરોધાભાસ સાચા ઓક્સિમોરોન નથી. જે વિરોધાભાસ વ્યંગ માટે વપરાય છે એને ઓક્સિમોરોન કહેવા વ્યાજબી નથી. દાખલા તરીકે ગવર્નમેન્ટ વર્કર, એજ્યુકેશનલ ટેલિવિઝન, ઓનેસ્ટ શેર બ્રોકર. સાચા ઓક્સિમોરોન ખરેખર હોય છે. દા. ત. પ્લાસ્ટિક ગ્લાસ, સોલિડ વોટર(બરફ), ઇલેકટ્રિક કેન્ડલ, આર્ટિફિસિયલ ફ્લાવર વગેરે. આ સંજોગોમાં જોઇએ તો ઉપરોક્ત સમાચારમાં આવેલા વિરોધાભાસી શબ્દો ઓક્સિમોરોન કહેવાયા છે પણ એ વ્યંગ છે, સાચા અર્થમાં ઓક્સિમોરોન નથી. હશે, આપણે વાતનું વતેસર નથી કરવું. આપણે તો વિરોધાભાસી શબ્દોની, ઓક્સિમોરોનની મઝા લેવી છે. કોને લેવી છે? જે અહીં ન હોય તે આંગળી ઊંચી કરે !
ઓક્સિમોરોનની વાત હોય અને હોલીવૂડ ફિલ્મ પ્રોડ્યુસર સેમ્યુઅલ ગોલ્ડવીન(1879-1974)ની વાત ન કરીએ તો વાત અધૂરી કહેવાય. વિરોધાભાસી શબ્દોની ગોઠવણીમાં એમની માસ્ટરી હતી. એ પૈકી થોડા લોકપ્રિય અવતરણો : 1. જેન્ટલમેન, ઇન્ક્લુડ મી આઉટ. (મને બહાર રાખવામાં શામેલ કરશો !) 2. મને બે વર્ષનો સમય આપો અને હું એને રાતોરાત હીરોઇન બનાવી દઇશ. 3. મને આજે સવારે એક ગ્રેટ આઇડિયા આવ્યો; પણ ખાસ ગમ્યો નહીં. 4. મારે જી હજૂરિયા જોઇતા નથી. બધા મને મોઢા પર જ સાચ્ચે સાચી વાત કરે એ જરૂરી છે; ભલે પછી એણે નોકરી કેમ ન ગુમાવવી પડે. 5. તમારે એ સમજી લેવું જોઇએ કે હું હંમેશા સાચો નથી હોતો, પણ ક્યારેય ખોટો પણ નથી હોતો. 6. આ સીન જામતો નથી. એક્ટરને કહો કે મરવાનાં અભિનયને વધારે જીવંત બનાવે. 7. તમે પડી જાવ ‘ને ટાંટિયા તૂટી જાય તો મારી પાસે દોડી આવતા નહીં. 8. સ્ટુપિડ જીનિયસ કરતા સ્માર્ટ ઇડિયટ વધારે સારો. 9. આપણી કોમેડી કાંઇ હસી કાઢવા જેવી ચીજ નથી. 10. હું હંમેશા એકલો જ હતો, ત્યારે પણ જ્યારે મારા પાર્ટનર્સ હતા.
દિવાળી ય ગઇ અને લાભપાંચમ પણ ગઇ. ખર્ચા કરી નાંખ્યા. મોંઘવારી હવે ધીરે ધીરે નડશે. દેશ વિદેશનાં અર્થશાસ્ત્રીઓ કેન્દ્ર સરકારને આર્થિક સુધારા કરવા હાકલ કરે છે. આર્થિક સુધારા એટલે પેટ્રોલ ડીઝલ અને ફર્ટિલાઇઝરની સબસીડી દૂર કરવી. કેન્દ્ર સરકાર એ કરી શકે છે પણ વચ્ચે ચૂંટણીઓ આવી જાય એટલે શું થાય? હાલ પૂરતી ચૂંટણી પૂરી થઇ છે. આપણાં સારા માટે હવે ભાવ વધશે. કઠોર કૃપા? સામાન્ય માણસ માટે સરકાર અને એનું ઇકોનોમિક્સ સ્વયં ઓક્સિમોરોન છે.
શબદ આરતી:
જેટલી કમાણી હોય, ખર્ચ એટલો જ કરવો; ભલે પછી એ માટે તમારે ઉધારી કરવી પડે ! -અમેરિકન હ્યુમરિસ્ટ જોશ બિલિંગ્સ (1818-1885)

 

ox ox1

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s