Precious Pearls of Wisdom/+

From: Rashmikant Shukla <rashmi.shukla@hotmail.com>
Date: Fri, Sep 12, 2014 at 10:37 AM
Precious Pearls of WisdomWISH I COULD REMEMBER THEM ALL‘જો આ કાયમની લમણાઝીકનો અંત લાવવો જ હોય, તો મારી પાસે ત્રણ જ વિકલ્પો છે; આજીવન કુંવારી રહું, આંતરજ્ઞાતીય લગ્ન કરું કે પછી કૂવોહવાડો કરું !’ સુષમા બાની ગોદમાં માથું નાખતાં હૈયાફાટ રડી પડે છે.

દીકરીના માથે હાથ પસવારતાં ગાયત્રીદેવી સજળ નયને હાલ પૂરતાં તો એટલું જ કહે છે કે ‘રડી લે દીકરી, રડી લે; તું પેટ ભરીને રડી લે. તારા બાપુજીની હાજરીય નથી અને ભઈલો પણ ટ્યુશને ગયો છે. તું રડીને હળવી થા, પછી આપણે શાંતિથી વાત કરીએ.’

‘વાત, વાત અને વાત ! હવે તો હું એની એ જ વાતથી વાજ આવી ગઈ છું. તમે લોકો સારી રીતે સમજી લો કે હું મારા બાપુજીને કર્જદાર બનાવીને તો હરગિજ નહિ પરણું ! સરકારે દહેજના દુષણને ડામવા માટેના કડક કાયદાઓ કર્યા છે અને હજુસુધી કેમ જ્ઞાતિવાળાઓની સાન ઠેકાણે આવતી નથી !’

‘એ બધી ચર્ચા પછી, પણ બેટા, તેં હમણાં જે ત્રણ વિકલ્પો આપ્યા; તેમના વિષે અમારી જગ્યાએ આવીને તું જ કહી નાખ કે અમે તને શું કરવા દઈએ !’ ગાયત્રીદેવી પોતાની ગોદમાંથી દીકરીના માથાને ઊંચું કરીને પોતાની હથેળીઓ વડે તેના ગાલ પંપાળતાં અને અંગુઠાઓ વડે તેનાં આંસુ લૂછતાં મૃદુ સ્વરે બોલે છે.

‘આંતરજ્ઞાતીય લગ્ન અને એ પણ નાછૂટકે જ, જા બસ !’ સુષમા સ્વસ્થ થતાં એકી શ્વાસે બોલી ઊઠે છે.

ગાયત્રીદેવી રાહતનો દમ લે છે અને એટલામાં તો આંગણાનો ઝાંપો ખખડે છે. માધવલાલનો ખોંખારો સાંભળતાં સુષમા સફાળી ઊભી થઈને વોશબેસિન તરફ દોડી જાય છે. પિતાજીથી પોતાની આંખમાંનાં અશ્રુને છુપાવવા તેણી હાથમોં ધોવા મંડી પડે છે. માદીકરી વચ્ચેનો સંવાદ તત્ક્ષણે તો સ્થગિત થઈ જાય છે.

* * *

માધવલાલ માર્બલ અને ગ્રેનાઈટની એક ખાનગી પેઢીમાં હિસાબનીશ તરીકે નોકરી કરે છે. આ જ પેઢીમાં વર્ષોથી પ્રમાણિકતાથી કામ કરતા હોવાના કારણે શેઠિયાઓ તેમનાથી ખુશ છે અને તેમને સંતોષકારક પગાર પણ આપે છે. શેઠિયાઓના ફેમિલી ચેરીટી ટ્રસ્ટમાંથી બંને સંતાનોને અભ્યાસકીય સ્કોલરશીપ આપવામાં આવે છે. આમ આ મધ્યમવર્ગીય કુટુંબ ખાધેપીધે સુખી અને સંતોષી છે. સુષમા બી. કોમ. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવા માગે છે, જેની પ્રેરણા તેણે પિતાજી પાસેથી જ મેળવી હોય છે.

માધવલાલ બ્રહ્મસમાજના ઉચ્ચતર એક પેટા જ્ઞાતિના સંસ્કારી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેમના શેઠિયાઓ બ્રહ્મસમાજના તો ખરા, પણ હજુ જૂની માન્યતાવાળાઓની નજરે તેમની પેટા જ્ઞાતિ માધવલાલ કરતાં એકાદ સ્તર નીચી કક્ષાની છે. હજુ પણ કેટલાક લોકો એવા ખ્યાલોમાં માત્ર રાચતા જ નથી હોતા, પણ તે પ્રમાણે અનુસરતા પણ હોય છે કે અમુકતમુક પેટાજ્ઞાતિની દીકરીને પુત્રવધૂ તરીકે લવાય ખરી; પરંતુ પોતાની દીકરીને તેમના ત્યાં વરાવાય નહિ. જો કે કોઈક માણસો કોઈ પ્રકારની મજબૂરીના કારણે આવી પોતાની પેટા જ્ઞાતિની પ્રણાલિકાઓનું ઉલ્લંઘન કરે, તો તેવી બાબતને ગંભીર ન લેતાં તેનો સહજ રીતે સ્વીકાર પણ કરી લેવામાં આવતો હોય છે.

માધવલાલના શેઠિયાઓ ત્રણ સગા ભાઈઓ છે; સૌથી મોટા ત્રિલોકચન્દ્ર, વચેટ મૂળશંકર અને નાના નરભેરામ. આપસમાં સંપ જળવાઈ રહે તે હેતુથી તેમનાં કુટુંબો રસોડે તો વિભક્ત છે, પણ તેમનો ધંધોરોજગાર સહિયારો છે. ગુજરાતની અરવલ્લીની ડુંગરમાળાઓમાં વસેલા એવા એ નાનકડા નગરની નજીકથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર પાંચેક એકર જમીનમાં પથરાએલા એમના આયાતનિકાસના ધીકતા કારોબારના કારણે માત્ર તેમના પોતાના સમાજમાં જ નહિ, પણ સઘળા બ્રહ્મસમાજમાં અને તેમના નગરમાં એ લોકો મોટી આસામી તરીકે ઓળખાય છે. તેમનો માલ મધ્ય પૂર્વના દેશોમાં નિકાસ થાય છે અને તેમની પેઢીનું કામકાજ મોટી સાઈઝના માલનું જ રહેતું હોઈ તેમની બેશુમાર ધંધાકીય આવક છે. વળી ત્રિલોકચન્દ્ર શેઠ તો હાઈવે ઉપર પચીસેક કિલોમીટરના લાંબા પટ અને ઊંડાણના ભાગે આવેલા પાંચસોએક જેટલા માર્બલ-ગ્રેનાઈટના ધંધાદારીઓના એસોસિએશનના છેક તેની સ્થાપનાથી અત્યાર સુધીનાં દશેક વર્ષોથી પ્રમુખ તરીકે બિનહરીફ નિયુક્તિ પામતા આવ્યા છે.

સઘળી જ્ઞાતિઓમાં સૌ કોઈ સંતાનોનાં ભણતર પૂરાં થાય કે ન થાય તેની રાહ જોયા સિવાય પુખ્ત વયનાં થતાં જ વેવિશાળ કરી જ દેતાં હોય છે. હવે જો કોઈ માતાપિતા આવી જ્ઞાતિમાં સ્થાપિત થઈ ચૂકેલી આ પ્રણાલિકા પ્રમાણે સંતાનોનાં વેવિશાળ કરી લેવાથી વંચિત રહી જાય છે, તો તેમના માટે પાછળ જતાં પાત્રપસંદગીનું ક્ષેત્ર મર્યાદિત બની જતાં તેમને ઘણી બાબતોએ સમાધાન કરવું પડતું હોય છે. અહીં સુષમાના કિસ્સામાં પણ આવું જ બને છે. જે મુરતિયાઓ સુષમાને પસંદ પડે છે, તેમનાં માબાપ દહેજની માગણી કરે છે. વળી થોડાક એવા મુરતિયાઓ કે જેમને દહેજની કોઈ અપેક્ષા નથી તેઓ એક યા બીજા કારણે સુષમાની નજરમાં બંધ બેસતા નથી.

આમ જોવા જાઓ તો જ્ઞાતિના માણસો એકંદરે સુધારાવાદી છે અને દીકરીઓને ભણાવવામાં તથા નોકરીઓ કરાવવામાં માને પણ છે, પરંતુ તેમનાથી એકમાત્ર આ દહેજની મનોવૃત્તિ છૂટતી નથી. જો કે તેમની દહેજની માગણી સામેવાળાંની આર્થિક સ્થિતિને અનુરૂપ જ રહેતી હોય છે. ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો એવી દલીલ આપતા હોય છે કે તેમણે પોતાની દીકરીઓનાં દહેજ ચૂકવ્યાં છે, તો પછી પોતાના દીકરાઓને પરણાવતાં દહેજ લેવાનું કેમ જતું કરે ! સમજદાર માણસો લોકોને સમજાવવાની કોશિશ કરતા હોય છે કે આમ ને આમ તો ક્યાં સુધી ચાલ્યા કરશે, કોઈકે ગમે ત્યારે પણ દહેજ ન લેવાની પહેલ તો કરવી જ પડશે ને ! કોઈક વળી લોકોને ચેતવણી આપતાં એમ કહે પણ છે કે કોઈ છોકરીવાળાં માથાનાં મળી જશે અને દહેજ લેવાવાળાંને દહેજના મામલે કાયદાકીય રીતે ફસાવશે ત્યારે આખી જ્ઞાતિની કેવી વગોવણી થશે !

માધવલાલ માટે ગમે તેટલા રૂપિયાના દહેજની સગવડ કરવી એ કંઈ મોટી વાત નથી. તેમની માગણી થએથી તેમના શેઠિયાઓ તેમને વ્યાજમુક્ત તેટલી રકમ ઉપાડ તરીકે જરૂર આપે પણ ખરા ! પરંતુ માધવલાલ પોતાના જ્ઞાતિવાળાઓ દહેજભૂખ્યા છે તેવો ખોટો સંદેશો શેઠિયાઓ સુધી પહોંચવા દેવા માગતા નથી. તો વળી સુષમાને તો દહેજ આપવા-લેવા સામેનો સૈધાંતિક વાંધો હોવા ઉપરાંત તેનું માનવું હતું કે બાપુજીને ભલે વ્યાજમુક્ત ઉછીનાં નાણાં મળતાં હોય, તોય મુદ્દલ રકમનું પણ દેવું એમણે શા માટે કરવું જોઈએ ! આખરે એ પણ માથે દેવું તો ગણાય જ ને ! એ દેવાને મોડું કે વહેલું ભરપાઈ તો કરવું જ પડે ને !

બી. કોમ.ના છેલ્લા સત્ર (Semester) માં ભણતી સુષમા તેના નામ પ્રમાણે સૌંદર્યે તેજસ્વિની તો ખરી જ, સાથેસાથે પોતાના વિદ્યાભ્યાસમાં પણ એટલી જ તેજસ્વી છે. હાઈવે ઉપર જ આવેલી કોલેજમાં પોતાની સ્કુટી ઉપર આવજા કરતી સુષમા પિતાજીનું સવારનું ટિફિન આપવા દરરોજ ફેક્ટરીએ જતી હોય છે. મોટા શેઠ ત્રિલોકચન્દ્રને ઘણીવાર સુષમા સાથે ભેટો થઈ જતો હોય છે. તેણીની સંસ્કારિતા અને સૌમ્યતા ત્રિલોકશેઠના ચિત્તમાં એવાં તો વસી ગયાં હોય છે કે તેઓશ્રી મનોમન સુષમાને પોતાના એમ.બી.એ.માં ભણતા પુત્ર ચન્દ્રવદનના જીવનસાથી તરીકેના યોગ્ય પાત્ર તરીકે ગોઠવવા માંડે છે.

એક દિવસે ત્રિલોકશેઠ પોતાના ભાઈઓ સાથે માધવલાલની ઓફિસમાં અણધાર્યા દાખલ થઈ જાય છે અને ત્રણેય જણા હાથ જોડીને તેમને વંદન કરતા ઊભા રહી જાય છે. માધવલાલ હતપ્રભ થઈ જતા પોતાની ખુરશીમાંથી સફાળા ઊભા થઈ જઈને પ્રતિવંદન કરતા વિચારમાં પડી જાય છે કે આમ ત્રણેય શેઠિયાઓ તેમને કોઈ કામકાજ હોય તો તેમને તેમની ઓફિસે બોલાવી લેવાના બદલામાં તેઓ પોતે જ શા માટે અહીં આવ્યા હશે ! માધવલાલ પોતાના ટેબલ સામેના સોફામાં એ ત્રણેય જણાને બેસવાની વિનંતિ કરતા સામે જ ઊભા રહી જાય છે.

વચેટ શેઠ મૂળશંકર વાતની શરૂઆત કરતાં કહે છે, ‘જૂઓ માધવલાલ, અમે ત્રણેય ભાઈઓ તમારી ઓફિસમાં તમારા શેઠિયાઓ તરીકે નહિ, પણ આપણા બૃહદ બ્રહ્મસમાજના અદના જ્ઞાતિજન તરીકે આવ્યા છીએ. વળી અમારી જ્ઞાતિ તમારી જ્ઞાતિ કરતાં નીચી કક્ષાએ હોવાનું જાણતા હોવા છતાં અમે સંકોચભાવે અમારા દીકરા ચન્દ્રવદન માટે તમારી દીકરી સુષમાના હાથની માગણી કરીએ છીએ. જૂઓ, તમે અમારી પેઢીમાં વર્ષોથી સ્વજનની જેમ કામ કરો છો અને આપણા આટલા લાંબા સમયના સહવાસના કારણે કોઈ શેહશરમમાં આવ્યા સિવાય મન ન માને તો અમારી રિશ્તો બાંધવા માટેની માગણીનો તમે વિના સંકોચે અસ્વીકાર પણ કરી શકો છો. દીકરી સુષમા, તમારાં સૌ કુટુંબીજનો અને સગાંસંબંધીઓની મરજી જાણ્યા પછી તમે નિર્ણય લઈ શકો છો. હાલમાં તો આ અમારી પ્રારંભિક દરખાસ્ત છે, પરંતુ આપણાં સંતાનો આપસમાં સંમત થાય અને તમે મોટેરાં હા ભણશો, તો અમે વિધિસર માગું મૂકવા આવીશું.’

માધવલાલ થોડાક સ્વસ્થ થતાં પ્રથમ તો શેઠિયાઓને મીઠા શબ્દોમાં ટપારતાં કહે છે કે ‘આપ જ્ઞાતિના ઊંચાનીચાપણાની જે વાત બોલ્યા તે જરા દિલને કઠે છે. સામાન્ય રીતે આપણા બૃહદ બ્રહ્મસમાજની પેટા જ્ઞાતિઓમાં કેટલાક લોકો આવી માનસિકતા ધરાવે છે, પણ અમે લોકો તેઓમાંના નથી. મારી દીકરી અને અમારાં અહોભાગ્ય છે કે તમે લોકોએ અમને તમારાં સમોવડિયાં ગણ્યાં ! આપને એકાદ અઠવાડિયામાં આપની દરખાસ્તનો જવાબ વાળીશું.’

* * *

રાત્રિનો ડિનર ટાઈમ છે. શહેરથી થોડેક દૂર હાઈવે ઉપરની આ ત્રિતારક ગાર્ડન હોટલ છે. ખુલ્લામાં લોન ઉપરનાં ટેબલે બંને પક્ષનાં નિકટનાં વડીલો અને દૂરના ખૂણાના ટેબલે સુષમા અને ચન્દ્રવદન બેઠેલાં છે. તેમણે પોતાના વેવિશાળ અંગેનો નિર્ણય જાતે જ લઈને હમણાં જ વડીલોને જણાવવાનો છે. તેમની વચ્ચે વાતચીતનો દોર સંધાય છે.

ચન્દ્રવદન પહેલ કરતાં બોલે છે, ‘સુષમા, કેમ ખામોશ છે ?’

‘તમને નથી લાગતું કે આપણે આપણાં માતાપિતાને છેતરી રહ્યાં છીએ !’

‘જો, પેલું કહેવાય છે ને કે પ્રેમ અને યુદ્ધમાં સઘળું સ્વીકાર્ય હોય છે !’

‘મેં મારા બાપુજીને વિશ્વાસમાં લઈને રૂદનના હથિયાર વડે થોડીક જુનવાણી એવી મારી બાને મારા આંતરજ્ઞાતીય લગ્ન માટે સંમત કરી દીધી !’

‘તો મેં વળી મારી બાને પતાવીને તેના દ્વારા પિતાજી અને કાકાઓ પાસે તારા પિતાજી આગળ આપણાં વેવિશાળની દરખાસ્ત પણ મુકાવી દીધી !’

‘આપણા માટે પેલા મનોવૈજ્ઞાનિકો અને સમાજશાસ્ત્રીઓનો સિદ્ધાંત સાચો પુરવાર થયો કે કૌટુંબિક સંબંધોમાં વિજાતીય સંબંધો લાગણીસભર હોય છે. માતાપુત્ર અને બાપદીકરી વચ્ચેના સંબંધો ઉષ્માપૂર્ણ હોય છે, ખરું કે નહિ !’

‘એવું જ સાસુ-જમાઈ અને સસરા-પુત્રવધૂ વચ્ચે પણ હોય છે.’

‘હવે આપણે મૂળ વાત ઉપર આવીશું ?’

‘એ તો આવેલાં જ છીએ ને ! આ તો આપણે માત્ર વ્યવહાર જ નિભાવીએ છીએ, ખરું કે નહિ !’

બંને ખડખડાટ હસી પડે છે.

ચન્દ્રવદન સહેજ ગંભીર થતાં કહે છે, ‘સુષમા, આપણાં લગ્નથી આપણા બંનેના સમાજોમાં એક નવી પ્રણાલિકા શરૂ થશે. આપણા બ્રહ્મસમાજમાં જ્ઞાતિજ્ઞાતિ વચ્ચેના ઊંચનીચના ભેદભાવ નાબૂદ થવાની દિશામાં લોકો વિચારતા થશે અને દહેજપ્રથાને સંપૂર્ણપણે મિટાવી દેવામાં આપણું પણ એક યોગદાન રહેશે.’

‘સામાજિક રીતરિવાજોમાં સુધારા લાવવામાં ધનિકો અને પ્રતિષ્ઠિત લોકોનું વજન પડતું હોય છે.’

‘કુરિવાજો પણ તેમના જ થકી ઉદભવતા હોય છે !’ સુષમાએ વ્યંગ કર્યો.

‘હવે આપણે વડીલો પાસે જઈને આપણો નિર્ણય સત્તાવાર રીતે જાહેર કરીશું ?’

‘પણ, એક વાત મારા મનમાં હજુય ખટકે છે કે પરણીને હું તમારા ઘરમાં શેઠાણી બનીશ અને ….’

ચન્દ્રવદને સુષમાની વાતને અધવચ્ચે જ કાપતાં કહ્યું, ‘વગર કહ્યે તારા એ ખટકાને હું સમજું છું. એ વાતનો ઉકેલ પણ મેં વિચારી રાખ્યો છે. હાલ હું તારી આગળ એ વાતને ગોપનીય રાખું છું. આપણે વડીલો પાસે જઈશું અને ત્યાં બધાની વચ્ચે હું એ ઉકેલ કહી સંભળાવીશ.’

* * *

સુષમા અને ચન્દ્રવદન પોતાનું ટેબલ છોડીને વડીલો તરફ જાય છે. બધાંયની આતુરતાભરી નજરો તેમના ચહેરાઓ ઉપર મંડાએલી રહે છે. ક્ષણભર વાતાવરણ ગંભીર બની જાય છે. આ જુવાનિયાંના જવાબ ઉપર બંને પરિવાર વચ્ચેના જોડાણનું ભાવી તોળાઈ રહ્યું છે.

‘આપ સૌ વડીલોની લાગણીઓને અમે સમજી શકીએ છીએ. અમારી વચ્ચે એક અપવાદ સિવાય સર્વસંમતિ સધાઈ ચૂકી છે. અપવાદરૂપ એ બાબતનો કોઈ સુખદ ઉકેલ આવે તો બરાબર છે, નહિ તો આપણા બંને પક્ષોએ ખેલદિલીપૂર્વક વિવિશાળની આ વાતને ભૂલી જવી પડશે !’ ચન્દ્રવદન બધાંને રમાડતો હોય તેમ ભેદભરમમાં બોલે છે.
બધાં સ્તબ્ધ થઈ જાય છે. સૌના મનમાં રહીરહીને એક વાતનો અફસોસ થયા કરે છે કે તેમણે એ બંનેને એકાંતમાં મોકલવા પહેલાં જમી લેવું જોઈતું હતું. તેમને લાગે છે કે ધારણાથી વિપરિત પરિણામ આવશે તો કોઈનો જમવાનો મુડ રહેશે નહિ.

મૂળશંકર કાકાએ ચિંતિત સ્વરે પૂછ્યું, ’પણ દીકરા, તમારી એ અપવાદરૂપ બાબત કઈ છે ? દિલ ખોલીને કહી દો. નિવારી શકાય તેવી સમસ્યા હશે તો તેનો પણ રસ્તો નીકળશે જ !’

ચન્દ્રવદને મરકમરક સ્મિત કરતાં કહ્યું, ‘એ સમસ્યાનો ઉકેલ મારી પાસે છે જ. વળી મને ખાતરી પણ છે કે આપ મારા પક્ષનાં વડીલો એ ઉકેલને વધાવી પણ લેશો જ.’
‘ચન્દ્રવદન, કોઈ સંકોચ રાખ્યા સિવાય જે હોય તે કહી દે.’ નરભેરામકાકા બોલે છે.

‘સુષમાના મનમાં એ ખટકો છે કે તેણી પરણ્યા પછી આપણા કુટુંબની સભ્ય બની જશે અને તેના પિતાજી આપણી પેઢીમાં નોકરી કરે તે વાજબી ગણાશે ખરું ! કેમ સુષમા, બોલ તારા મનમાં આ જ વાત છે ને ?’

સુષમા નીચે આંખો ઢાળીને હકારમાં માથું નમાવે છે.

‘આ સમસ્યાનો સુખદ ઉકેલ મારી પાસે છે જ અને આપ લોકો કહો તો કહી સંભળાવું !’

માધવલાલ તરત જ બોલી ઊઠે છે, ‘આ કોઈ સમસ્યા છે જ નહિ. સગાનો સંબંધ એની જગ્યાએ છે અને નોકરી નોકરીની જગ્યાએ છે.’

સુષમા ગળગળા અવાજે બોલે છે, ‘સમસ્યા છે બાપુ, મારા માટે સમસ્યા છે જ. હું એ પરિવારની કૂળવધૂ કહેવાઉં અને તમે અમારા ત્યાં નોકરી કરો એ મારાથી હરગિજ સહન થાય નહિ ! વળી પરિવારજન જેવા માનસન્માન સાથેની પૂરતા પગારની નોકરી પણ છોડી શકાય નહિ !’

‘મેં પહેલેથી જ કહ્યું છે કે મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે. હવે મને બોલવા દેશો કે !’ બધાં આશાભરી નજરે ચન્દ્રવદન સામે જોઈ રહે છે.

ચન્દ્રવદન બોલવાનું શરૂ કરે છે : ‘જૂઓ, મારા પિતાતુલ્ય વડીલશ્રી ‘માધવ એકાઉન્ટીંગ એન્ડ કન્સલ્ટીંગ સર્વિસિઝ’ કે એવા કોઈ નામવાળી પોતાની ઓફિસ ચાલુ કરે. પોતાનું કામકાજ વધતું જાય તેમતેમ સ્ટાફની નવીન ભરતી કરતા જાય. તેઓ પ્રત્યક્ષ હાજરી આપ્યા સિવાય આપણી પેઢીના સઘળા એકાઉન્ટને તેઓશ્રી ઓનલાઈન સંભાળવાનું ચાલુ રાખે. આપણી પેઢી તેમની ક્લાયન્ટ ગણાશે અને આપણે તેમને જે કંઈ મહેનતાણું ચૂકવીએ છીએ તે એમનો પ્રોફેશનલ ચાર્જ ગણાશે. આમ તેઓ આપણા નોકર નહિ, પણ આપણે તેમના ક્લાયન્ટ ગણાઈશું. આપણા ધંધાકીય વર્તુળમાંથી તેમને ઢગલાબંધ સ્થાનિક એકાઉન્ટીંગકામ મળવા ઉપરાંત આપણે વિદેશો સાથે જે એક્ષપોર્ટનો કારોબાર કરીએ છીએ તેમની સાથેના આપણા લાંબા ગાળાના ધંધાકીય સંબંધોના કારણે તેમની પાસેથી પણ એકાઉન્ટનું આઉટસોર્સીંગ કામ પણ તેમને મળી રહેશે. આમ તેઓ કામકાજથી ધીકતી ઓફિસ ધરાવતા સેલ્ફ ઓક્યુપાઈડ પ્રોફેશનલ બની રહેશે.’

ત્ર્રિલોકચન્દ્ર શેઠ ઊભા થઈને સજળ નયને ચન્દ્રવદનને ભેટી પડતાં બોલી ઊઠે છે, ‘શાબાશ દીકરા, તારા આ વ્યવહારુ માર્ગ અને તારી દીર્ઘદૃષ્ટિના સથવારે સુષમા અને આપણા સૌ માટેનો પેચીદો પ્રશ્ન સાવ આસાનીથી ઉકલી ગયો છે. હવે બધા ટપોટપ જમવા માટેના ઓર્ડરો આપવા માંડો. જમવાનું પિરસાય તેટલા સમય દરમિયાન આપણે બંને પક્ષે એકબીજાને ભેટીએ અને આ વેવિશાળ અન્વયે એકબીજાને અભિનંદન આપીએ !’

– વલીભાઈ મુસા

સમાજને બદીરૂપ પરંપરા અને નકારાત્મક રૂઢીઓને તોડીને આગળ વધવા માંગતી આજની યુવાપેઢીની વાત કરતી પ્રસ્તુત વાર્તા શ્રી વલીભાઈ મુસાની રચના છે. આજના યુવાનો સમાજને નુકસાનકારક એવી પ્રણાલીઓને તોડીને નૂતન સમાજની રચનામાં યોગદાન આપી શકે છે એ મતલબની વાત કહેતો વલીભાઈનો પ્રસ્તુત પ્રયત્ન વાચકમિત્રો સમક્ષ તેમણે આજે અક્ષરનાદના માધ્યમથી મૂક્યો છે. અક્ષરનાદને પ્રસ્તુત કૃતિ પાઠવવાની તક આપવા બદલ તેમનો આભાર તથા અનેક શુભકામનાઓ

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “Precious Pearls of Wisdom/+

  1. RamehPatel

    વાહ! આદરણીયશ્રી વલિભાઈની સાહિત્યિક પ્રતિભાની ઝાંખી કરાવીદેતી કૃતિ. ગહન સામાજિક તાણાવાણા…હિન્દુ પરંપરાની પેઢીઓથી ચાલી આવતી રુઢીઓ થકી, માનવ હૃદયે અનુભવાતી સંવેદનાઓ ને વ્યથા..સઘળું આબેહૂબ સચોટતાથી રસથી તરબોળ કરતું આલેખાયું છે. મોરનાં ઈંડાને ચીતરવાં ના પડે!

    રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s