આઇકન- ધુરંધરતાનાં ધણીને ઘણી ખમ્મા../પરેશ પ્ર વ્યાસ

11

આઇકન- ધુરંધરતાનાં ધણીને ઘણી ખમ્મા..
એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી
આ પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય.
ભાગ્યેશ જહા

ભાજપ આઇકન શોપિંગ કરી રહ્યું છે. હું નથી કહેતો. ડીએનએનો તંત્રીલેખ કહે છે. આઇકન શબ્દનો અર્થ થાય છે: એવી વસ્તુ કે વ્યક્તિ જે આખી વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે, જેમ કે સત્ય અને અહિંસા એટલે મહાત્મા ગાંધી. આ વ્યક્તિ પ્રત્યે સર્વને આદરભાવ કે પૂજ્યભાવ હોય. લોકો એમનાં પગને શોધતા ફરે. એમનાં ચરણમાં મસ્તક ટેકવે. પણ આઇકન શોપિંગ એટલે? પહેલાં મહાત્મા ગાંધી, પછી સરદાર પટેલ અને હવે ચાચા નહેરુ. 2જી ઓક્ટોબરે મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન નિમિત્તે બધાને ઝાડુ મરાવ્યા.. 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે સૌને સાગમટે દોડાવ્યા. હવે 14મી નવેમ્બર બાલ દિને શાળાનાં બાળકોને સ્વચ્છતાનાં પાઠ ભણાવવામાં આવશે. કોંગ્રેસ કહે છે કે આ બધા આઇકન તો કોંગ્રેસી હતા. ભાજપની વિચારસરણીથી વિપરીત હતા. હવે ભાજપ એમનાં ગુણગાન કેમ ગાઇ રહ્યું છે? હશે, ભાગ્યે જ કોઇ એવું શહેર હશે કે જ્યાં આપણે આપણાં આ નેશનલ આઇકનની પ્રતિમા ન મુકી હોય. પ્રતિમા સ્થિતપ્રજ્ઞ હોય છે. એને ટાઢ તડકો, ગમો અણગમો હોતા નથી. પણ જીવતાઓની વાત અલગ છે. કોઇને દિલમાં સ્થાપો, એને અનુસરો, એટલે…બીજાને પેટમાં ચૂંક આવે, તકલીફ થાય. લોકશાહીમાં આમ તો લોકો જ પોતાના ભાગ્યવિધાતા હોય છે. પણ આપણાં લોકો તો બિચારા નરમ ઘેંશ જેવા અથવા તો કહીએ કે સાવ ઘેંટા જેવા, આઇ મીન ઘેંટા જેવા ભોળા. આઇકન પોતાનાં હોય કે ખરીદેલા હોય, એની પાછળ આખો ગાડરિયો પ્રવાહ ડોકું ધુણાવતો હાલ્યો જાય…કુછ તો લોગ કરેગેં..લોગોકા કામ હૈ કરના…
મૂળ શબ્દ લેટિન શબ્દ આઇકન (ICON) એટલે પ્રતિમા, સંકેત ચિહ્ન, છબી, પ્રતિકૃતિ. સામાન્ય રીતે આઇકન શબ્દ ભક્તિ કે ઉપાસનાનાં પ્રતીક, સાધન કે વસ્તુ દર્શાવવા વપરાતો . લાકડાં પર ધાર્મિક ચિહ્ન ચીતરાય, કોતરાય એને આઇકન કહે. હવે કમ્પ્યુટર સ્ક્રીન ઉપર જુદા જુદા ચિત્ર અંકિત થાય; એ બતાવવા કે એ જગ્યાએ શું શું સંગ્રહાયેલું છે, એને પણ આઇકન કહેવાય. આજકાલ નેટ પરથી ખરીદી વધી ગઇ છે. આઇકન પર ક્લિક કરતાની સાથે ખરીદી થઇ જાય અને કુરિયરમાં મંગાવેલી વસ્તુ હાજર. આપણે જાણે કે અલ્લાદ્દીનની ઔલાદ હોઇએ એમ આ જાદૂઇ ચિરાગ આપણે માંગીએ તે હાજર કરી દે. આને કહેવાય આઇકન શોપિંગ. પણ આજે ડીએનએ અખબારનો શબ્દ આઇકન શોપિંગ-નું આઇકન એટલે એવી વ્યક્તિ જે કોઇ ચોક્ક્સ કામમાં મુઠ્ઠી ઉંચેરી હોય, શ્રેષ્ઠ હોય. આ શબ્દ શ્રેષ્ઠ વ્યક્તિનાં વ્યક્તિત્વની ખરીદીનાં સંદર્ભમાં વપરાયો એવું કદાચ પહેલી વાર બન્યું. ઇંડિયા ટૂડેનાં અહેવાલ મુજબ કોંગ્રેસનાં મણીશંકર ઐયરે એમ કહી નાંખ્યું કે સરદારની પ્રશસ્તિ કરવી સારી છે પણ ઇન્દિરા ગાંધીની અવગણના ઠીક નથી.સરદાર પટેલનો વારસો તો અમારો છે. મોદી ચોર છે, અમારા વારસાની ચોરી કરી રહ્યા છે. યે ચોરી કરના ચાહતા હૈ તો કરે, બન્ને અમારા છે. આને શું કહીશું? આઇકન સ્ટીલિંગ? હશે, આપણે તો એટલું જાણીએ કે સરદાર પટેલ કોઇની જાગીર નથી. અથવા એમ કહીએ કે તેઓ આપણાં સૌનો અમૂલ્ય વારસો છે. આપણી આઝાદીનાં બીજા પણ ઘણાં આઇકન હતા. મોદીસાહેબ એવા ભૂલાયેલા, વણગવાયેલા કે કેટલાંક કિસ્સાઓમાં ખોટી રીતે વગોવાયેલા આઇકનને યાદ કરે તો બોલો, એમાં ખોટું શું છે? ઇંડિયન એક્સપ્રેસનાં આવા એક તાજા સમાચારનું શીર્ષક હતું: આઇકન રિનેસન્સ(પુનરુજ્જીવન).
સોળમી સદીમાં ઇટાલીનાં ઇતિહાસવિદ અને રાજ્યશાસન નિષ્ણાંત નિકોલો મેકિયાવેલીએ પ્રબંધ ગ્રંથ લખ્યો: ‘ધ પ્રિન્સ’. દરેક શાસક માટે આ ગ્રંથનું વાંચન અનિવાર્ય છે. એનાં છઠ્ઠાં પ્રકરણમાં મેકિયાવેલી દૂરદર્શી શાસકને મહાન વ્યક્તિઓનાં પગલે ચાલવા પ્રોત્સાહન આપે છે. એવા ધનુર્ધરની માફક જે ઊંચા નિશાન તાકે તો એને સફળ થવાની તક ઝાઝી હોય છે. શાસક બધું નસીબનાં ભરોસે છોડી ન શકે. આત્મવિશ્વાસ સર્વસ્વ છે અને એ મળે છે આઇકન પાસેથી. રાજય નવું હોય અથવા રાજકુમાર નવા હોય ત્યારે પોતાની બાહોશી, પોતાની કાર્યકુશળતા જ કામ આવે. આઇકનનું આ મહત્વ છે.
એક નવો શબ્દ છે આઇકન ચેન્જર. આપણે આઇકનને અનુસરીએ. ઝાડૂ કાઢવાનું કહે તો ઝાડૂ કાઢીએ, દોડવાનું કહે તો દોડીએ, ભૂલકાંઓને ભણાવવાનું કહીએ તો ભણાવીએ, ગામને દત્તક લેવાનું કહીએ તો વાલીપણું ય નિભાવીએ. પણ ઘણાં એવા ય હોય, જે માત્ર ઘરબેઠાં કમ્પ્યુટર પર આઇકન બદલતા રહે. અર્બન ડિક્સનરી અનુસાર આઇકન ચેન્જરનો અર્થ થાય છે: એવી વ્યક્તિ જે સરકાર સામે ફરિયાદ કર્યા કરે પણ ખરેખર પોતે કાંઇ કરે નહીં, સિવાય કે ફેસબૂક કે ટ્વિટર પર આઇકન બદલ્યા કરે. માત્ર વાતોનાં વડાંથી કામ ન ચાલે. આપણે જોઇએ છે તેવી સિવિલ સોસાયટી આપણાં પ્રયત્નો સિવાય નહીં રચાય. આઇકન આપણને પ્રેરણા આપે છે. કોઇને માટે કાંઇ કરીએ. માત્ર સોશિયલ વેબ સાઇટ્સનાં આઇકન ચેન્જર બનીએ એ ના ચાલે. કોઇને હસાવીએ. કોઇને રસ્તો દેખાડીએ. કોઇ પણ સ્વાર્થ વિનાનો પરમાર્થ. આપણે લાઇફ ચેન્જર બનીએ. એ ય અઘરું છે? તો… એટલું તો કરીએ કે કોઇને નડીએ નહીં. જ્યાં ત્યાં કચરો ના નાંખીએ, એક રહીએ અને બાળકોને પ્રેમ કરીએ એ જ આપણાં આઇકન ગાંધી, સરદાર, નહેરૂને આપેલી સાચી શ્રદ્ધાંજલિ હશે.
શબદ આરતી:
“ મારા પગલે ચાલતા નહીં, હું પોતે જ ખોવાયો છું !” -અજ્ઞાત

6 ટિપ્પણીઓ

Filed under Uncategorized

6 responses to “આઇકન- ધુરંધરતાનાં ધણીને ઘણી ખમ્મા../પરેશ પ્ર વ્યાસ

 1. માત્ર વાતોનાં વડાંથી કામ ન ચાલે. આપણે જોઇએ છે તેવી સિવિલ સોસાયટી આપણાં પ્રયત્નો સિવાય નહીં રચાય. આઇકન આપણને પ્રેરણા આપે છે. કોઇને માટે કાંઇ કરીએ. માત્ર સોશિયલ વેબ સાઇટ્સનાં આઇકન ચેન્જર બનીએ એ ના ચાલે.
  ——-
  વન્ડર ફુલ. આ વાત બહુ જ ગમી.
  अप्पदिपो भव ।
  પ્રતિકો અને શાસ્ત્રોને શું કરવાનાં? ચપટીક આચરણ હજારો શબ્દોથી ચઢિયાતું છે.
  ———
  કોમ્પ્યુટરના આઈકન ને પરેશ ભાઈ ભુલી ગયા !! બે આઈકન …

 2. pragnaju

  Dr.Kanak Ravel
  To Pragna Vyas
  એક નાનો સુધારો: નીચે જુવો. ઉચ્ચાર છે “આઈકોન” નહીકે “આઈકાન”
  Pronunciation of icon – how to pronounce icon correctly.
  Pronunciation of icon – how to pronounce icon correctly.
  A free online Talking English Pronunciation Dictionary – simply mouseover/tap your entry to hear it pronounced. American and British spellings, with alternative pronunciations. Sounds are fast, clear and completely natural, pre-recorded by native speakers. Answe…
  View on howjsay.com
  Preview by Yahoo

  Visit my father Kalaguru Ravishankar Raval’s
  web site: http://ravishankarmraval.org/

 3. ખરી વાત છે કે શાસ્ત્રો કે ઉપદેશકોના હજારો વખત વાંચો પણ આચરણમાં ન મુકો તો કામનું નથી

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s