વનઅપમેનશિપ કે ઉબુન્ટુ?

વનઅપમેનશિપ કે ઉબુન્ટુ?

 ભાજપ-શિવસેનાનાં સંબંધોનું કમઠાણ…

ભડભડ કશું બળે તો મકરંદ માની લેજે,
તણખો નિમિત્ત સાચું; પણ કામ છે હવાનું.

મકરંદ મુસળે

પચ્ચીસ પચ્ચીસ વર્ષોનાં સંબંધો ભડભડ બળ્યાં. રાજકારણની હવા જ તો કંઇક એવી છે. જુઓને, ભાજપ અને શિવસેનાનું કેસરી સહ-જીવન ટક્યું નહીં. ગુજરાતી લેક્સિકોન અનુસાર  કેસરીજીવન વૈદ્યક દવામાં વપરાતું એક ચાટણ છે જે અભ્રકભસ્મ, બંગભસ્મ, રસસિંદૂર અને કેસર નાખીને બનાવાય છે. તે પૌષ્ટિક, વીર્યવર્ધક અને બળદાયક છે. કેસરીજીવનનાં ચાટણથી બન્ને પક્ષોનું સંવર્ધન થયું જરૂર પણ આખરે કેસરિયા રાજકારણનાં પ્રણેતા ભાજપ આણિ શિવસેનાની માઝી સટકેલ થઇ. પચ્ચીસ વર્ષનું સાનિધ્ય છિન્ન થયું. સત્તાની દોડમાં તેઓ ભૂલી ગયા કે આપણે છઇએ તો હું છું. પણ હશે ભાઇ, રાજકારણીમાં ભલે હોય પણ રાજકારણમાં માનવીય મૂલ્યોને કોઇ અવકાશ હોતો નથી. અહીં જતું કરવાનો રિવાજ નથી.  ‘હું તારાથી બળુકો’ માટે અંગ્રેજ શબ્દ છે: વન-અપમેનશિપ(One-upmanship) અને  ‘મૈં નહીં, હમ’ માટે આફ્રિકન ઝુલુ બોલીનો શબ્દ છે: ઉબુન્ટુ (UBUNTU).

એકવાર એક માનવશાસ્ત્રનાં સંશોધકે એક આફ્રિકન જનજાતિનાં બાળકોને એક રમત રમવાનું કહ્યું. દૂર એક વૃક્ષ પાસે એક ફળોની ટોકરી મુકી અને બાળકોને કહ્યું કે દોડો….. જે પહેલો પહોંચે, બધા ફળો એનાં. એક, બે ‘ને ત્રણ. પણ બાળકોએ ગબડ્ડી મારી નહીં. એક બીજાનાં હાથ પકડ્યા, અને પછી એક સાથે દોડ્યા અને પછી શાંતિથી ઝાડ નીચે સાથે બેસીને ફળોને આરોગ્યા. સંશોધક તો છક થઇ ગયો. પણ બાળકોએ કહ્યું, ‘ઉબુન્ટુ…… અમારા પૈકીનો એક સુખી શી રીતે રહી શકે, જો બાકીનાં બધા દુ:ખી હોય?’ ઉબુન્ટુ આફ્રિકન જનજાતિની ફિલોસોફી છે. અર્થ થાય છે: હું છું કારણ આપણે છીએ. દક્ષિણ આફ્રિકાનાં સમાન સામાજિક અધિકારનાં પ્રણેતા આર્ચબિશપ ડેસમન્ડ ટુટુ ઝુલુ ભાષાની આ કહેણીનો અર્થ સમજાવતા કહે છે કે તમે એકલા નથી, તમે સંકળાયેલા છો. તમે સારું કરો તો એનો લાભ બધાને મળે છે.  વાત તો સાચી છે. આ સંદર્ભમાં ‘એકલો જાને રે’- સત્ય નથી.

વન-અપમેનશિપ એટલે તારાથી હું આગળ છું. હું તારાથી મોટો છું. વન-અપમેનશિપ એટલે સાથી કે હરીફથી સતત ચઢિયાતા રહેવાની કલા અથવા આચરણ. આ શબ્દ તો વર્ષ 1900થી ચલણમાં છે પણ અંગ્રેજ વિદ્વાન લેખક વ્યંગકાર સ્ટિફન પોટરે એને પ્રચલિત કર્યો. સ્ટિફન પોટરે વર્ષ 1947માં પુસ્તક લખ્યું જેનું શીર્ષક હતું, ‘ગેમ્સમેનશિપ’- કોઇને છેતર્યા વિના શી રીતે જીતી શકાય. પછી વર્ષ 1952માં લખ્યું ‘વન-અપમેનશિપ’. પોટરનાં મતે વન-અપમેનશિપ એટલે આયોજનબદ્ધ અને પૂરી સભાનતાથી આપેલી સર્જનાત્મક ધાકધમકી; જેમાં સાથીદારને સતત એવી લાગણી થતી રહે કે પોતે ઉતરતો છે. પોતે વન-ડાઉન છે. જિદંગી તો રમત છે. તમે એક વેંત ઉપર નહીં હો તો પછી…. તમે એક વેંત નીચે છો. રાજકારણ તો સતત વન-અપમેનશિપની પ્રો-કબડ્ડી સુપર લીગ છે. અહીં સતત ટાંટિયા ખેંચ છે. હાથમાં હાથ રાખી એકબીજાની સંગાથે દોડીને, સાથે બેસીને સત્તાનાં ફળની ટોકરીમાંથી ફળનો આસ્વાદ લેવાનું ઉબન્ટુ અહીં નથી. અહીં તો સતત ઊંબાડિયું મૂકવાનો રિવાજ છે. ઊંબાડિયું મૂકવું એટલે સળી કરવી, ઝઘડો જગવવો..

ઉબન્ટુ અલબત્ત સાચી વ્યવસ્થા છે. જે છે એ હળીમળીને સાચવવું. પણ એમાં વાંધો પણ છે. શું જેમ ચાલે છે એમ ચાલવા દેવું? છાશવારે રીસામણાં, છાશવારે મનામણાં. પોતાનો કક્કો ખરો કરવાનાં પેંતરા. ખીચડી સરકાર અને એની મજબૂરી. એનાં કરતા વન-અપમેનશિપ શી ખોટી? અધિકારપૂર્વક કડવા પણ રાજ્ય માટે સારા નિર્ણયો તો લઇ શકાય. ગોટાળાઓ ટાળી શકાય. કાખઘોડીનાં સહારે ચાલતી સરકાર દોડી દોડી ‘ને વળી કેટલુંક દોડે? ખરેખર તો  જીવનમાં, રાજકારણમાં, સામાજિક સંબંધોમાં, વૈજ્ઞાનિક સંશોધનોમાં સારા થવાની, સારું કરવાની સતત સ્પર્ધા હોવી જોઇએ. તો જ અને તે જ દેશ આગળ વધી શકે. ઉબન્ટુ પ્રગતિશીલ વિચારસરણી નથી. જો બધાને ખબર જ હોય કે બધાને સરખું મળવાનું છે તો પછી કોઇ મહેનત શું કામ કરે? સૌનો સાથ, સૌનો વિકાસ ચૂંટણી સૂત્રમાં સારું લાગે. બાકી કોઇ સાથે મળે તો પહેલાં ભાગબટાઇની વાત કરે. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું કે સમાજવાદ એ નિષ્ફળતાની ફિલસૂફી છે, અજ્ઞાનનો પંથ છે, અને અદેખાઇનું ધર્મસૂત્ર છે, એનો જ્ન્મજાત વિશિષ્ટ ગુણ છે કંગાલિયતની સરખી ભાગબટાઇ. 

 અમે માનીએ છીએ કે બન્ને વ્યવસ્થા એક બીજાની પૂરક છે. જે વન-અપમેનશિપ રાખે, જે જીતે તેણે સૌને સાચવવા જોઇએ.  થોડું જતું કરીને પણ. સ્પર્ધા સતત રહે, સારું કરવાની. અને પછી પ્રાપ્ત ફળમાં હિસ્સેદારી હોય તો સઘળાં સારાવાનાં થાય. અર્જુન ભલે વન-અપમેનશિપનાં પ્રદર્શન રૂપે આપબળે ફરતી માછલીની આંખ વીંધીને દ્રૌપદીને વર્યો પણ કુંતી માતાની વ્યવસ્થા નિરાળી હતી. સૌ ભાઇભાઇ સાથે રહે, કોઇનાં મનમાં અહંકાર ન રહે. એટલે એમણે ઉબન્ટુ કર્યું. દ્રૌપદી પાંચે ભાઇઓને વરી. ફરીથી એવી જ વાત છે. સત્તાની દ્રોપદી માત્ર અર્જુનની થઇ રહેશે? મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભની માંગણી છે જ. એ યોગાનુયોગ છે કે દ્રૌપદી વિદર્ભની રાજકુમારી હતી..     

શબદ આરતી:  

“સુખ માટે વન-અપમેનશિપ જરૂરી છે.”                                                                                          -વિશ્વવિખ્યાત પોલિશ સમાજશાસ્ત્રી અને ફિલસૂફ ઝાઇગ્મન્ટ બૌમેન્ટ 

 
File:Experience ubuntu.ogg
Nelson Mandela in 2006 was asked to define “ubuntu” in a video used to launch Ubuntu Linux.[1
1
011

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “વનઅપમેનશિપ કે ઉબુન્ટુ?

 1. ઉબુન્ટુ વિશે આજે જ જાણવા મળ્યું .પરેશ ભાઈનો આભાર. લગભગ સામ્યવાદને મળતી આવે તેવી વાત. એના પરથી ઘણાં વર્ષો પહેલાં વાંચેલી વાત યાદ આવી ગઈ.
  If at the age of 20 you do not believe in socialism ; you have no heart.
  If at the age of 40 you believe in socialism ; you have no head.
  ———
  આપણે માનવું જ પડે તેવું કડવું સત્ય – ( ઓલ્યા કહેવાતા ઈશ્વરે બનાવેલી વ્યવસ્થા?)
  Survival of the fittest. – Law of the jungle.

 2. Reblogged this on વિનોદ વિહાર and commented:
  સમાજવાદ એ નિષ્ફળતાની ફિલસૂફી છે, અજ્ઞાનનો પંથ છે,

  અને અદેખાઇનું ધર્મસૂત્ર છે, એનો જ્ન્મજાત વિશિષ્ટ ગુણ છે કંગાલિયતની સરખી ભાગબટાઇ.

  વિન્સ્ટન ચર્ચિલ

  સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસ ના બ્લોગ નિરવ રવે માં એમના સુપુત્ર શ્રી પરેશ વ્યાસ લિખિત આ લેખ વાંચતાં જ

  ગમી ગયો . આ બન્ને વિદ્વાન મા-દીકરાના આભાર સાથે વી.વી.માં રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

  વિનોદ પટેલ

 3. sharad shah

  કેરાલાના એક ગામમાં એક સામ્યવાદી પક્ષનો કાર્યકર મુલ્લા નસરુદ્દિનને સામ્યવાદ શું છે અને તેના કેવા ફયદાઓ છે તે સમજાવી રહ્યો હતો જેથી મુલ્લા સામ્યવાદી વિચારધારામાં જોડાય. કાર્યકર્તાએ મુલ્લાને પૂછ્યું,”શું તમે સુખી અને સમૃધ્ધ છો?” મુલ્લા બિચારો નાનકડા ભાડાના મકાનમાં રહેતો હતો અને મા-બીબી અને ચાર ચાર બચ્ચાઓનુ લાલન પાલન મહા મુસિબતે કરતો એટલે મુલ્લાએ કહ્યું, ના, ભાઈ ના, ચૌદ કલાક મહેનત કરું ત્યારે બે ટંકના રોટલાય માંડ નીકળે છે.” કાર્યકર્તાને થયું કે મુલ્લા યોગ્ય વ્યક્તિ છે તેનુ લક્ષ્ય સિધ્ધ કરવામાં, એટલે એને આગળ ચલાવ્યું, ” મુલ્લા ધારોકે તમારી પાસે બંગલા, ગાડી અને સારું સારું ભોજન બધું આવી જાય તો તમને ગમે કે નહી?” મુલ્લા કહે, ” ભાઈ મજાક ન કરો, એ બધું કેવીરીતે આવી જાય? શું કાંઈ જાદુ થવાનૂ છે? અને અલ્લાહ મારી ઉપર એકદમ કેમ મહેરબાન થઈ જાય?”
  પેલા કાર્યકર્તા ભાઈને થયું કે હા, હવે લોઢુ ગરમ થયું છે અને ઘા મરાય. એટલે તેને કહ્યું,” મુલ્લા આ બિલકુલ સંભવ છે.”
  “પણ કેવી રીતે?” મુલ્લાએ પ્રશ્ન પૂછ્યો.
  “જુઓ મુલ્લા, સામ્યવાદમા આ બિલકુલ સંભવ છે. સામ્યવાદમાં બધા સમાન કોઈ તવંગર નહીં અને કોઈ ગરીબ નહી.” પેલા કાર્યકર્તા ભાઈએ ફોડ પાડ્યો.
  મુલ્લા કહે, ” ભાઈ હું તો અભણ માણહ મને આ બધી વાતમાં બહુ ઝાઝી સમજ નો પડે.”
  પેલા કાર્યકર્તા ભાઈએ થોડું વિસ્તારથી સમજાવવા કહ્યું,” મુલ્લા આમા બહુ સમજવા જેવું કાંઈ નથી. જુઓ દાખલા તરીકે તમારી પાસે બે કાર છે અને મારી પાસે એકપણ કાર નથી તો તમારે મને તમારી એક કાર આપી દેવી પડે એટલે આપણી બન્ને પાસે સરખી કાર થઈ જાય. એવી રીતે કોઈની પાસે ત્રણ બંગલા હોય અને આપણી બન્ને પાસે એક પણ બંગલો ન હોય તો તે ભાઈએ આપણને બેય ને એક એક બંગલો આપવો પડે.” મુલ્લાએ પૂછ્યું, ” અને મુર્ગીનૂ કેમનુ છે?” પેલા ભાઈ કહે મુર્ગીનુ પણ એવી જ રીતે, જો તમારી પાસે બે મુર્ગી હોય અને મારી પાસે એક પણ ન હોય તો તમારે એક મુર્ગી મને આપવી પડે.” મુલ્લા એકદમ ભડકી ગયો અને તાડૂક્યો,” તમારો સામ્યવાદ રાખો તમારી પાસે. કાર અને બંગલા સુધીતો બરોબર પણ તમે મુર્ગીને પણ છોડતા નથી? અને આમેય કાર અને બંગલોતો મારી પાસે હતોય નહી, પણ મુર્ગી તો છે. જાઓ તમારો સામ્યવાદ બીજાને સમજાવજો.”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.