ફોટો ઓપ: લોકોની નજરે પડતા રહેવાનો કીમિયો/ પરેશ વ્યાસ

મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.

કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.

-ગૌરાંગ ઠાકર.

ફોટા દિલમાં હોવા જોઇએ. પણ ભીંત પર ગેરકાયદેસર રીતે દબાણ કરતા દેખાય છે અથવા આલ્બમમાં ઢબૂરાઇને રહી જાય છે. માણસનો અહમ્ મોટો થાય ત્યારે એનાં ફોટા છાપે ચઢે છે. કેટલાંક વ્યવસાય એવા હોય છે કે એમાં છાપે ચઢવું, એ માત્ર ઇચ્છનીય જ નહીં, આવશ્યક પણ હોય છે. ફિલ્મી નટનટી, ક્રિકેટર્સ અને રાજકારણી માટે તો ખાસ લોકોની નજરમાં રહેવું, સતત નજરે પડવું, એમની વ્યાવસાયિક મજબૂરી છે. પાપારાઝ્ઝી અર્થાંત આવા સેલેબ્રિટીનાં ફોટા પાડવા પાછળ પડનારાઓ પોતાના અંગત જીવનમાં હસ્તક્ષેપ કરે તો ય તેમને અંદરથી એ બધું ગમતું હોય છે. ચર્ચામાં રહેવાની ચાહનાનો પણ નશો હોય છે. ફોટા સાથે સંકળાયેલો એક શબ્દ ‘ફોટો ઓપ’ (PHOTO OP) આજકાલ સમાચારોમાં આવતો રહે છે.

આમ તો પ્રચાર માધ્યમોમાં અત્યાર સુધી નમો જ નમો હતા, પણ સ્વચ્છ ભારત અભિયાન પછી ઝાડુ હાથમાં લઇને કંઇ કેટલાં ય નાના મોટા નેતા ફોટા પડાવી રહ્યાં છે. ચાચા નહેરૂની 125મી જન્મ જયંતી પૂર્વે કોંગ્રેસનાં કૌટુંબિક મિલન સમારંભમાં રાહુલ ગાંધીએ પોતાની નમો નારાજગી વ્યક્ત કરી. દિલ્હીનાં તાલકટોરા સ્ટેડિયમમાં તેઓએ કહ્યું કે એક તરફ ઝાડુ હાથમાં ઝાલીને ‘ફોટો ઓપ’ ગોઠવાય રહ્યા છે, દિવાલો રંગાય રહી છે, જ્યારે બીજી તરફ કોમવાદનું ઝેર ફેલાવાય રહ્યું છે. આમ કહેવા પાછળનો સદંર્ભ કદાચ હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલાં સમાચાર હશે. બન્યું એવું કે થોડા દિવસ પહેલાં  દિલ્હી બીજેપીનાં નેતાઓએ ઇસ્લામિક કલ્ચરલ સેંટરની બહાર સફાઇ કરી ફોટા પડાવ્યા. પણ તે જગ્યા તો પહેલેથી સ્વચ્છ જ હતી. એટલે ફોટા પડાવતા પહેલાં ત્યાં કચરો નાંખવામાં આવ્યો. તો જ સફાઇ કરી એવા ફોટા પડે ને?…. હિંદુસ્તાન ટાઇમ્સમાં છપાયેલા આ સમાચારનું શીર્ષક હતું : ‘સ્વચ્છ ફોટો ઓપ’. જો કે રાહુલ ગાંધીનાં નિવેદન સામે ભાજપનાં પ્રવક્તાએ વળતો પ્રહાર કર્યો કે રાહુલ ગાંધીની તો આખી રાજકીય કારકીર્દી જ ‘ફોટો ઓપ’ રહી છે. એમનું દલિતને ઘરે ભોજન લેવું, મુંબઇમાં લોક્લ ટ્રેનનો પ્રવાસ, દાગી રાજકારણીને જીવતદાન આપતા વટહૂકમને ફાડીને ફેંકી દેવાની વાત- આ બધું એક ફોટો ઓપ જ તો હતું. વારસામાં મળેલા નામ સિવાય એમણે બીજી કઇ સિદ્ધિ હાંસલ કરી છે? હશે, આપણે એમાં નથી પડવું. આપણે તો શબ્દ ‘ફોટો ઓપ’ની વાત કરવી છે. ‘ઓપ’ એ ઓપોર્ચ્યુનિટીનું ટૂંકું સ્વરૂપ છે. ઓપોર્ચ્યુનિટી એટલે અવસર, ટાણું, લાગ,

અનુકૂળ સમય કે પ્રસંગ. ફોટા પાડવાનો અવસર. સ્માઇલ… સે ચીઝ અથવા કહો કઢઢી.. અને ક્લિક. વિદેશી મહેમાનો રાજઘાટ પર જઇ ગાંધીજીને ફૂલ ચઢાવે છે. હમણાં ભારતીય મૂળનાં અમેરિકી ગવર્નર નિકી હૈલી અમૃતસરનાં સ્વર્ણ મંદિર પધાર્યા ત્યારે મંદિરનાં ગ્રંથિએ એમનાં પતિને આશીર્વાદ રૂપે પવિત્ર તલવારની ભેટ આપી એનાં ફોટો ઓપ પણ છપાયા. આમ ગળે મળતા, હસ્તધૂનન કે હસ્તમેળાપનાં કરતા, ઉગ્ર રજૂઆત કે પછી ગાંધીગીરી કરતા, આવેદન આપતા કે નિવેદન કરતા અને ઇશ્વર સામે હાથ જોડતા ‘ફોટો ઓપ’ આપણને ગમે છે. પ્રસંગને યાદ તો રાખી શકાય, હેં ને?

રિચાર્ડ નિક્સન યાદ છે? એક માત્ર અમેરિકી પ્રેસિડન્ટ જેમણે વોટરગેટ કૌભાંડને પગલે હોદ્દા પરથી રાજીનામું આપવું પડ્યું હતું. તેમનો ‘ગેટ’ પ્રત્યાય દરેક કૌભાંડની પાછળ લાગે છે. એ જ નિક્સનનાં વહીવટી તંત્ર દ્વારા અન્ય એક શબ્દ ‘ફોટો ઓપ’નું સર્જન થયું છે. એમનાં પ્રેસ સેક્રેટરી રોન ઝેગલર પોતાનાં આસિસ્ટન્ટ બ્રુસ વ્હેલીહાનને જ્યારે હૂકમ કરતા કે ગેટ ધેમ ફોર પિક્ચર..(ફોટા પડાવવા બોલાવો..) ત્યારે બ્રુસ આજ્ઞાંકિત બનીને પ્રેસ રૂમમાં જઇ જાહેર કરતો કે.. ધેર વિલ બી અ ફોટો ઓપોર્ચ્યુનિટી ઇન ઓવલ ઓફિસ.. ( એ હાલો બાપલા,  ફોટુ પડાવવા !) અને ‘ફોટો ઓપ’ શબ્દ ચલણમાં આવ્યો. કોઇ પણ ફોટા પડાવવાનાં પ્રસંગ ફોટો ઓપ કહેવાતા નથી. ફોટો ઓપ શબ્દ નકારાત્મક અર્થમાં વપરાય છે. કોઇ પૂર્વ આયોજિત પ્રસંગ જેમ કે ઝાડનું વાવવું, ઝાડુ કાઢવું, પાનખરની આરે ઊભેલા વૃદ્ધનાં ખબરઅંતર પૂછવા વગેરે. આમ તો આ બધો દેખાડો(પબ્લિસિટી સ્ટંટ) ચૂંટણી ટાણે વધારે જોવા મળે.  પણ આજકાલ ચૂંટણીઓ અવારનવાર આવ્યા જ કરે છે. એક પૂરી થાય અને બીજી આવી જ જાય. એટલે પોઝિટિવ પબ્લિસીટી માટે ફોટો ઓપનાં આયોજન કરતા રહેવા પડે. મોદીસાહેબ તો વિદેશ યાત્રાએ જાય તો ય એમનો ચૂંટણી પ્રચાર ચાલુ જ હોય છે. ફોટો ઓપ દ્વારા. ફોટો ઓપ શબ્દ સેલેબ્રિટી માટે કે રાજકારણી માટે અનામત છે. મારા તમારા જેવા ફોટા પડાવવા બેસે, એને ફોટો ઓપ ન કહેવાય. વિરાટ કોહલીએ અર્ધી સદી ફટકારીને સ્ટેડિયમમાં બિરાજમાન ગર્લફ્રેન્ડ અનુષ્કાને ફ્લાઇંગ

કિસ આપી એ ફોટો ઓપ ચોક્કસ હતી. જો કે એ પૂર્વ આયોજિત અવસર હતો કે કેમ? એની અમને ખબર નથી.

ઝાડુનું પ્રતીક આજકાલ ઘણી ચર્ચામાં છે. આમ તો યુગ પુરુષ અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીનુ ચૂંટણી ચિહ્ન. એમણે ઘણાં ફોટો ઓપ માટે ઝાડુનો ઉપયોગ કર્યો. ઝાડુ એટલે ભ્રષ્ટાચારને વાળી ઝૂડીને સાફ કરવાનું પ્રતીક. પણ એ વિચાર, એ પ્રતીકની મૌલિકતા વિષે અમને શંકા છે. કારણ કે આ અગાઉ 2011માં બ્રાઝિલની એનજીઓ ‘રિઓ ફોર પીસ’એ ભ્રષ્ટાચાર નાબૂદી માટે રિઓ શહેરનાં વિશ્વપ્રસિદ્ધ કોપાકબાના બિચ ઉપર 594 લીલા પીળા રંગનાં મોટા ઝાડુઓ હારબંધ રોપ્યા હતા. જેટલાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલા ઝાડુ. આમ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી વિશેષ છે. આપણે આશા રાખીએ કે આપણાં લોક પ્રતિનિધિઓનાં હાથનાં ઝાડુ માત્ર ‘ફોટો ઓપ’ બનીને ન રહી જાય. સફાઇ ખરેખર થાય, નહીંતર સફાયો થતા વાર નહીં લાગે. ફોટો ઓપ્સથી લોકો ઝાઝા ભરમાતા નથી. પણ એ પણ એટલું જ સાચુ છે કે લોકોની યાદદાસ્ત ઘણી ટૂંકી હોય છે. નેતા અને અભિનેતા માટે લોકોની નજરે સતત પડતા રહેવું જરૂરી છે.

શબદ આરતી:

‘ફોટો ઓપ’ શા માટે?

आँख से दूर न हो दिल से उतर जायेगा

वक़्त का क्या है गुज़रता है गुज़र जायेगा

-अहमद फ़राज़

00000

 

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ફોટો ઓપ: લોકોની નજરે પડતા રહેવાનો કીમિયો/ પરેશ વ્યાસ

  1. આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન

    આ ફોટો જ કોઇક દિવસ ગોટો વાળી દેશે.

  2. pragnaju

    આભાર

    ફોટો ઓપ ના ઇમેજીસમા આ અહીંના વર્તમાન સમાચારને અનુરુપ લાગ્યો તેથી મૂક્યો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s