નો ર્મ કો ર: હજાર નૂર કપડાં…./ પરેશ પ્ર વ્યાસ

030

દિનરાત વધતો જાય છે વિસ્તાર શબ્દનો
ફાવી ગયો બધાયને વ્યાપાર શબ્દનો  

 -આદિલ મન્સૂરી

ઓક્સફોર્ડ ઇન્ટરનેશનલ વર્ડ ઓફ ધ યરની ઘોષણાથી અમે નાસીપાસ થયા. ફાઇનલમાં વેપ, બડટેન્ડર, સ્લેક્ટિવિઝમ, નોર્મકોર એવા શબ્દો હતા. તે પૈકી વેપ (Vape)  શબ્દને સૌથી વધુ બોલાયેલો, લખાયેલો, ચર્ચાયેલો આંતરરાષ્ટ્રીય શબ્દ ઘોષિત કરાયો. વેપ શબ્દ વેપર એટલે કે વરાળનું ટૂંકું રૂપ છે. સિગારેટ સળગાવવી પડે. એનો ધુમાડો પીનારને અને આસપાસનાં લોકોને પણ નુકસાન કરે. એટલે હવે ઇ-સિગારેટ આવી છે. પ્રવાહી ભરેલી સિગારેટ જે સળગે નહીં, પણ ગરમ થાય. વાયુ સ્વરૂપમાં પીનારનાં ફેફસાંમાં દાખલ થાય. વ્યસનથી પ્રમાણમાં નુકસાન ઓછું થાય. સિગારેટનું પ્રવાહી નિકોટિન યુક્ત ય હોય શકે, નિકોટિન મુક્ત ય હોય શકે. વેપ શબ્દ ટેકનિકલી પણ સાચો નથી કારણ કે વેપર એટલે પાણીની વરાળ. પણ અહીં પાણીની વરાળનાં નાસ લેવાની વાત નથી. અહીં નિકોટિનનાં નાસ લેવાની વાત છે. વેપ શબ્દ જે શબ્દને હરાવીને પહેલો આવ્યો એ રનર-અપ શબ્દ છે બડટેન્ડર (Budtender).  ગાંજાનો વેચનાર. ગાંજો એટલે કે મૅરિવાહ્ના(Marijuana) ને વાતચીતની ભાષામાં બડ કહે છે. ગાંજાનાં છોડની કળી અને ફૂલને દૂર કરે પછી જે છોડનો ભાગ રહી જાય તે ‘બડ’ ઉર્ફે ગાંજો. બડભાગી ગંજેરીઓ એને ફૂંકે, નશો થાય, દુ:ખ દર્દ ભૂલી જવાય. ગાંજો આમ તો પ્રતિબંધિત હોય પણ દવાનાં ઉપયોગ માટે વેચાય. વેચનાર એ બડટેન્ડર. લો બોલો, શબ્દોની દોડમાં બીજો આવેલો શબ્દ પણ વ્યસનને લગતો નીકળ્યો. શબ્દ સમાજનો આયનો છે. આપણી યુવા પેઢી કઇ તરફ જઇ રહી છે તેનો કોઇ અંદાજ આવે છે? અન્ય ફાઇનાલિસ્ટ શબ્દ છે સ્લેક્ટિવિઝમ (Slacktivism). સ્લેક એટલે આળસુ અને એક્ટિવિઝમ એટલે સક્રિયતા. આળસુ સક્રિયતા એટલે ફેસબૂક ટ્વિટર પર ટિપ્પણી કરવા સિવાય ખરેખર કાંઇ કરવાનું નહીં. એક બીજો નકારાત્મક શબ્દ. લો બોલો ! દુનિયા આખી નકારાત્મક થઇ ગઇ છે કે શું? પણ આખરે અમને ફાઇનલમાં આવેલા શબ્દો પૈકી એક શબ્દ મળી ગયો. ખાસ હકારાત્મક નથી, પણ નકારાત્મક પણ નથી. એ છે નોર્મકોર(NORMCORE).  અમારા મતે નોર્મકોર શબ્દને આ વર્ષનો રાષ્ટ્રીય વિજેતા તો જાહેર કરવો જ જોઇએ. શા માટે? આ શબ્દ શું છે? એનો અર્થ શું છે? આ રહ્યા એનાં ઉત્તરો.

નોર્મકોર શબ્દ નોર્મલ અને હાર્ડકોર એવા બે શબ્દોનો બનેલો શબ્દ છે. નોર્મલ આપણે જાણીએ છીએ. હાર્ડકોર એટલે વચનબદ્ધ, નિર્ધાર કરનાર, સક્રિય. સામાન્ય હોય અને છતાં સક્રિય હોય, ભ્રષ્ટાચારને સાફ કરવાનો જેણે નિર્ધાર કર્યો હોય  એવા કોણ છે?  આ આપણાં મફલર મેન શ્રી શ્રી કેજરીવાલ.

બીજું કોણ? આજકાલ ટ્વિટર પર કેજરીવાલનાં ગુણગાન ગવાય રહ્યા છે. ખૌફ હી ખૌફ- જિસકે ખાંસી કી આવાજ કી દહેશત, રિશવતખોરો કી પતલૂન ગિલી કર દે..વોહ આ રહા હૈ ફિર એક બાર, ભ્રષ્ટાચાર કા ખાત્મા કરને…મફલર એ સામાન્ય માણસનું શિયાળુ વસ્ત્ર છે. પણ એ જ મફલર હવે પ્રામાણિક માણસનું પ્રતીક થઇ ગયું છે. કેજરીવાલ સક્રિય સામાન્ય માણસ છે. નોર્મકોર શબ્દ એમને માટે સર્જાયો છે.

નોર્મકોર શબ્દ ફેશન જગતનો શબ્દ છે. ફેશન એટલે વસ્ત્ર પરિધાન અને ટાપટીપની નવતર શૈલી. ન્યૂયોર્કની ફેશન ટ્રેંડ એજન્સી કે-હોલ દ્વારા ઓક્ટોબર-2013માં આ શબ્દનું સર્જન થયું. કે-હોલનાં એમિલી સેગલ નોર્મકોરનો અર્થ સમજાવતા કહે છે કે કંઇક જુદા દેખાવા માટે અલગ કપડાં પહેરતા લોકો હવે થાકી ગયા છે. સામાજિક પ્રતિષ્ઠા , હોદ્દો કે દરજ્જો મેળવવા માટે બીજાથી અલગ દેખાવું જરૂરી નથી. તમે ટીવી પર ફેશન શૉ જોયા હશે. એવા એવા કપડાં પહેરીને વિવિધ નારીઓ(નર પણ) કેટ વોક(ડોગ વોક?) કરે છે કે વાત જવા દ્યો. પાછી એ બધી એવી તો ધીર ગંભીર, જરા ય હસે નહીં, ક્યારેક ગુસ્સામાં હોય તેવું લાગે. આવા ફેશનેબલ કપડાં પહેરીને આપણે જો ઘરની બહાર નીકળીએ તો ગલીનાં કૂતરા આપણી પાછળ દોડે. નોર્મકોર એટલે એવા કપડાં જે આપણે સામાન્ય રીતે પહેરીએ. હા, એટલું કે સાવ ફૂટપાથિયાં ય નહીં. સારી રીતે ડીઝાઇન કર્યા હોય, રંગનો કસબ પણ નયનરમ્ય હોય એવા કપડાં. આપણે લોકોને ગમીએ. આપણે આપણને ગમીએ. મારામાં હોંશિયારી છે, આત્મવિશ્વાસ છે, હું અનુપમ છું, અજોડ છું, અદ્વિતીય છું-એવા બૂમબરાડાં પાડવાની મારે જરૂર નથી. હાર્વર્ડ સ્કૂલ ઓફ બિઝનેસ દ્વારા કરવામાં આવેલા તાજેતરનાં સર્વેમાં પણ એ જ તારણ છે કે ફેશનેબલ ફર કોટ કરતા ટ્રેક સ્યૂટ પહેરીને આવેલી કસ્ટમરને ખબર હોય છે કે પોતાને શું જોઇએ છે. એ આત્મવિશ્વાસથી ખરીદી કરે છે.

નહેરૂ જેકેટ કે મોદી કૂર્તા માટે નોર્મકોર શબ્દ નથી. નહેરૂજીએ 1964માં ફેશન મેગેઝીન ‘વોગ’ માટે અચકન પર બંધ ગળાનો કોટ સાથે ફોટો શૂટ કર્યું હતું એ પશ્ચિમી દેશોને ગમ્યું હતું. હવે શૂરવીરને છાજે એમ દેશાટન કરતા સ્વયં-સેવી મોદીજી પોતાનાં કૂર્તાને કારણે અલગ તરી આવ્યા છે. સ્વયંસેવી શબ્દનો પોતપોતાનાં અર્થઘટન કરવાની આપને છૂટ છે. (જો કે અહીં સ્વયં-સેવીનો સેવી(Savvy) અંગ્રેજી શબ્દ છે. અર્થ થાય છે રાજકારણ કે વાણિજ્યમાં વિચક્ષણ બુદ્ધિમતા અને વ્યવહારું જ્ઞાન જેને હોય તે. )  નોર્મકોર શબ્દ મફલરમેન  કેજરીવાલને વધુ ફીટ બેસે છે. મફલ શબ્દ પણ મઝાનો છે.  વાહનોનાં સાયલેન્સરમાં પણ મફલર વપરાય છે જે એંજીનનાં અવાજને ધીમો પાડે છે. વાહનનાં સ્પેરપાર્ટ્સ  જેવા કે ટાયર, મફલર વિગેરે અહીંથી મળી શકશે એવું દૂરથી દેખાય આવે એ માટે અમેરિકાનાં હાઇ-વે પર વીસ-પચ્ચીસ ફૂટ ઊંચા ફાઇબર ગ્લાસનાં જાહેરાત માટેનાં પૂતળાં મુક્યા હોય છે એને મફલર મેન કહે છે. આશા રાખીએ કે આપણાં દેશી મફલર મેનનો અવાજ મફલરથી રૂંધાય નહીં. લોકોને નોર્મલ નેતા ગમતા નથી. નોર્મલ નેતામાં હાર્ડકોર ભળે, એ નોર્મકોર થાય તો શી ખબર? ગમી ય જાય.

શબદ આરતી:

એક જમાનો હતો જ્યારે લોકો સમાજમાં જન્મતા અને પછી પોતાનાં નોખાં વ્યક્તિત્વને સ્થાપવાનો પ્રયાસ કરતાં. હવે લોકો એકલવાયા જન્મે છે અને એમણે પોતાનાં સમાજને શોધવાની કોશિશ કરવી પડે છે. ‘નોર્મકોર’ એ અલગ તરી આવવાની વાત નથી પણ અપનાવી લેવાની વાત છે.                                                  –કે-હોલ ફેશન ટ્રેન્ડ

What is Normcore / 90s normal ? ASOS explains … – YouTube

www.youtube.com/watch?v=JXp-ADFsobM
Sep 15, 2014 – Uploaded by ASOS

Shop Normcore / 90s Normal on ASOS: http://asos.to/1qazy00. Shop Macs on ASOS: … Watch ’til the end for the music info!

010

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s