ડીઝાઇનર જીન્સ: વસ્ત્રસંહિતા પર બબાલ/ પરેશ પ્ર વ્યાસ

1

તેં જ અપાવેલ જીન પહેરીને બેઠી છું બહુ વખતે કાગળ લખવા
આછાં બ્લૂ ડેનિમ અને સેફાયર બ્લૂ છે શાહી
વચ્ચે સફેદ કોરો કાગળ
કાગળિયાનો ટેકો લઈને બેઠી છું બહુ વખતે દળદર લખવા

–ચંદ્રકાંત શાહ
(‘
બ્લૂ જીન્સ – બાને પત્ર)

અમેરિકામાં વસેલી દીકરી માને કાગળ લખે છે. જેવો દેશ એવો વેશ. જીન્સ મેલખાઉં છે. એને ધોવાનું ય મન થતું નથી. પણ પછી આ કવિતામાં કવિ ત્યાં વસેલા લોકોની બોલચાલનાં, રીતભાતનાં, હળવાનાં, મળવાનાં નોખાં જીન્સની વાત કરે છે. અમેરિકા પચરંગી દેશ છે. અલગ અલગ જીન્સનાં લોકો અહીં આવીને વસ્યા છે. બે શબ્દોનો ઉચ્ચાર એક જ પણ જોડણી અલગ અને અર્થ તો સાવ અલગ. જીન્સ(Genes) એટલે જીવંત શરીરનાં એવા પરમ અણુ જે આનુવંશિકતા દર્શાવે. મૂળ ગ્રીક શબ્દ ‘જીનઆ’ એટલે જનરેશન ઉર્ફે માનવવંશ, કુળ, ગોત્ર. એ પરથી જે વંશ પરંપરાગત ચાલ્યું આવે એ જીન્સ. બીજો સમાન ઉચ્ચાર શબ્દ જીન્સ(Jeans) એટલે ભૂરાં જાડા કપડાંની પાટલૂન જે બનાવી હતી કાઉબોય(ગોવાળ) અને માઇનર(ખાણિયા) માટે પણ હવે દરેક માનવ અને માનુની જીન્સને વટકે સાથ પહેરે છે. સત્તરમી સદીમાં ઇટાલીનાં ‘જીનોઆ’ શહેરનાં વણકરોએ આ કાપડને વણ્યું. ફ્રાંસનાં નિમ શહેરમાં પણ આવા જ કાપડનું સંશોધન ચાલતું હતું. એમણે વળી સુંવાળું જીન્સ બનાવ્યું. નામ આપ્યું: ડે નિમ એટલે નિમ (શહેર)નું. ઇટાલીનાં શહેર ‘જીઓના’ શબ્દનો ફ્રેંચ ભાષામાં ઉચ્ચાર થાય છે ‘જીન્સ’. આમ જીન્સ અને ડેનિમ શબ્દો પહેરવેશ સાથે જોડાય ગયા. પછી તો અમેરિકામાં લેવી સ્ટ્રોસે સોનાની ખાણમાં કામ કરતા ખાણિયાઓ માટે પિત્તળનાં રિવેટવાળા પેન્ટ ડીઝાઇન કર્યા જેથી તેઓ સોના મિશ્રિત પથ્થરને સાચવીને ખાણની બહાર લાવી શકાય. પછી તો ડીઝાઇનર માટે જીન્સ સોનાની ખાણ બન્યા. વર્કીંગ ક્લાસ લોકો માટે બનેલાં સસ્તા, સારા, મજબૂત અને ટકાઉ કપડાં દુનિયા ભરમાં છવાય ગયા. આપણો દેશ અજબ છે. વિદેશી અપનાવી લઇએ છીએ અને પછી એની પર આપણી સંસ્કૃતિની દુહાઇ દઇને દેકારો મચાવીએ છીએ. આજકાલ  જીન્સનાં વસ્ત્રો પર બબાલ ચાલે છે. બબાલ કરવી એ આપણાં જીન્સમાં છે.

હરિયાણા રોડવેઝની બસમાં બે બહેનોને છેડતી થઇ. બહેનોએ પ્રતિકાર કર્યો. બાકી મર્દાના પેસેન્જર્સ ચૂપ રહ્યા. બસમાં મુસાફરી કરતી એક સગર્ભા સ્ત્રીએ મોબાઇલ પર વિડિયો ઉતારી યુ ટ્યૂબ પર અપલોડ કર્યો, વાયરલ થયો અને ચર્ચાનું ચકડોળ ચાલ્યું. એક દિવસ પહેલાં જ અખિલ ભારત હિંદુ મહાસભાએ છોકરીઓ પર જીન્સ પહેરવા અને મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકવા માંગણી કરી હતી. પછી એનાં પ્રવક્તાએ ફેરવી તોળ્યું કે અમારો વિરોધ તો અડધિયાં જીન્સ(કેપ્રી) પહેરવા સામે છે. એકાદ મહિના પહેલાં મહાન ગાયક પદ્મવિભૂષણ યેશુદાસે જાહેર ભાષણમાં કહ્યું કે છોકરીઓએ જીન્સ પહેરીને પુરુષો માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઇએ. લો બોલો ! આંખનું કાજળ ગાલે થોડું ઘસાય? જીન્સની ટિપ્પણીનો ચોતરફ એટલો વિરોધ થયો કે બિચારા ઋજુ હૃદય યેશુદાસ ભયભીત થઇ ગયા છે. હું નથી કહેતો, ખુદ યેશુદાસે જ એક અંગ્રેજી અખબારને આમ કહ્યું છે.  જન્મે રોમન કેથોલિક પણ સર્વ ધર્મમાં સમાન શ્રદ્ધા રાખનાર યેશુદાસ માટે એક સમાચાર છે કે ફેશન બ્રાન્ડ ‘ડીઝલ’નાં સ્થાપક રેન્ઝો રોસોએ હમણાં જ વેટિકન શહેરમાં જઇ ખ્રિસ્તી ધર્મનાં વડા પોપ ફ્રાંસિસને સફેદ રંગનાં ડીઝાઇનર જીન્સની ભેટ આપી છે. જેની પર લેબલ છે: રીલેક્ષ્ડ-ફિટ, સ્વેટપેન્ટ લાઇક સ્ટાઇલ. ડીઝાઇનર જીન્સ ઉપર ડીઝાઇનરનું લેબલ હોય છે. આવા જીન્સ ડીઝાઇનરને નામે ખપે છે. આવા ડીઝાઇનર વસ્ત્રો મોંઘા હોય છે. સંખ્યામાં ઓછા હોય છે. ખાસ માણસો માટે વિશિષ્ટ વસ્ત્રો.

મને લાગે છે કે ભારત દેશ માટે ખાસ ડીઝાઇનર જીન્સ બનાવવા જોઇએ. પોપ માટે સફેદ જીન્સ બનતા હોય તો સાધુ માટે ભગવા ડીઝાઇનર જીન્સ કેમ નહીં? અને મૌલવીઓ માટે લીલા ડીઝાઇનર જીન્સ કેમ નહીં? આવા ડિઝાઇનર જીન્સ આખા શરીરને ઢાંકે એવા લૂઝ-ફિટ હોઇ શકે. આવા જીન્સ સ્કીની(ચામડી સાથે ચોટેલાં) કે લો વેઇસ્ટ(નીચી કમરે પહેરેલાં) નહીં જ હોય. પણ એન્ટી-ફિટ(ઢીલાંઢાલાં) કે ફ્લેર(નીચેથી પહોળાં) હોઇ શકે.

પુરુષ અને સ્ત્રી અલગ માટીનાં બનેલાં છે. સ્ત્રી કરતા પુરુષમાં સાતથી આઠ ગણું વધારે ટેસ્ટોટેરોન હોર્મોન ઝરપે છે. એની અસર તળે પુરુષની આંખમાં વાસનાનો કીડો સદા સળવળે છે. એણે એ સળવળાટને કાબૂમાં રાખવો જોઇએ. સામે પક્ષે સ્ત્રી ભલે આખા કે અડધિયાં જીન્સમાં જાહેરમાં ફરતી હોય તો પણ કોઇ જુવાનિયો કે કોઇ ટપોરી એની જાહેરમાં છેડતી કરે તો એને ટપારવા જ નહીં, ટીપવા પણ જોઇએ. છોકરીઓએ કેવા વસ્ત્રો પહેરવા એવી ફતવાખોરી કરવાનો કોઇ પણ ધાર્મિક કે સામાજિક સંગઠનોને કોઇ અધિકાર નથી. ‘ખાપ’નો આપણને કોઇ ખપ નથી. પણ છોકરીઓ સ્વયં શરીરને યથોચિત ઢાંકીને ફરે તો બોલો એમાં ખોટું શું છે? સારા દેખાવા માટે ઓછાં કે આછકલાં વસ્ત્રો પહેરવા જરૂરી નથી. આપણાં જીન્સ(Genes) પ્રમાણે જીન્સ(Jeans) પહેરવાની યેશુદાસની વાત સાવ નાંખી દેવા જેવી નથી.

શબદ આરતી:                                                                                                            

   ‘મને લાગે છે કે તેઓ વધારે પડતું કરી રહ્યા છે. તેઓ જીન્સને વધારે પડતા નીચા પહેરે છે. તેઓનાં ટોપ્સ પારદર્શક થઇ ગયા છે. હું માનું છું કે સેક્સી હોવું એટલે રહસ્યને અકબંધ રાખવું. હું ઓલ્ડ ફેશનડ઼્ છું અને મને લાગે છે કે હું પૂર્ણ રીતે સેક્સી છું.’

11a – 100 ગ્રેટેસ્ટ સિંગર્સ ઓફ ઓલ ટાઇમ-ની યાદીમાં શામેલ લોકપ્રિય અમેરિકી ગાયિકા સ્ટીવી નિક્સ 

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “ડીઝાઇનર જીન્સ: વસ્ત્રસંહિતા પર બબાલ/ પરેશ પ્ર વ્યાસ

  1. ‘જીન’નું બહુવચન પણ જીન્સ. – અલાદીનના ચિરાગ વાળો જીન!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s