મારા અનુભવ ૧૧ સ્ટ્રેસ બસ્ટર્સ

૧૩એક પ્રેરણાદાયક વાત માનુની – લાઈફ પોઝિટીવ
મન કે હારે હાર, મન કે જીતે જીત !
– પ્રજ્ઞા શાહ

મુલાકાત અને આલેખન: બેલા ઠાકર

“ઈસ રોગ મેં વહ તાકત નહીં, જો પ્રેમ કો પંગુ બના દે, ન આસ કે મિનારે તોડ સકે, ન શ્રદ્ધા કા નાશ કર સકે.” બુલંદ અવાજે પ્રજ્ઞા શાહ જ્યારે આ કવિતા સંભળાવે છે ત્યારે ભાંગી પડેલા કેન્સરના દર્દીઓમાં નવું જોમ જાગે છે. મક્કમ મનોબળથી કેન્સરને પરાસ્ત કરનાર પ્રજ્ઞાબેન કેન્સરને દુશ્મન નહીં, ‘પરમ સખા’ માને છે!
પેટા – કેન્સરે જીવનને જોવાની મારી આખી દ્રષ્ટિ જ બદલી નાખી છે, પછી એને મારો ‘પરમ સખા’ કેમ ના કહું?

મારો જન્મ અમદાવાદ નજીકનાં હારીજ ગામમાં થયો. ભાગલાના ત્રણ વર્ષ પહેલાં જ અમારો પરિવાર પાકિસ્તાનના નગરપારકરમાંથી હારીજ આવીને વસ્યો હતો. અમે મૂળભૂત રીતે રાજસ્થાનના રાજપૂત હતાં. અમારા પૂર્વજોએ જૈન ધર્મ અપનાવ્યો હતો અને જેસલમેરનું રણ ઓળંગીને નગરપારકર (હાલ પાકિસ્તાનમાં)માં સ્થાયી થયા હતા. મારા પરદાદા ખૂબ સમૃદ્ધ જમીનદાર હતા. નગરપારકરમાં કુટુંબની ૧૭૦૦ એકર જેટલી જમીન હતી, પ્રાઈવેટ બંધ પણ હતો. તે બધું જ છોડીને દાદા હારીજ આવી ગયા કારણ કે અહીંથી અમદાવાદ નજીક હતું, જ્યાં ઉચ્ચ શિક્ષણની સવલત હતી. દાદાની નેમ કે બધાં જ બાળકોએ ભણવાનું અને જીવનમાં આગળ વધવાનું. દાદાએ કુરાન, ગીતા, જૈન ધર્મગ્રંથો – બધું જ વાંચીને પચાવ્યું હતું અને એ જીવનપાથેય તેઓ અમને આપતા રહેતા હતા. તેઓ અમને હમેશાં કહેતા કે આપણો ધર્મ જૈન છે એટલે અહિંસા આપણા આચરણનો પાયો છે પણ આપણે મૂળ ક્ષત્રિય છીએ એટલે હિંમત અને ખુમારી તો કદી નહીં છોડવાના. આ વાત સાવ અનાયાસપણે મનમાં કોતરાતી ગઈ અને ક્યાંક ઊંડે ઉતરી ગઈ. ત્યારે ખબર નહોતી કે દાદાએ મનમાં ઊંડે સીંચી દીધેલી એ વાત મારા જીવનમાં કેટલો મહત્ત્વનો ભાગ ભજવવાની છે.

૧૯૯૮ની સાલમાં જાણ થઈ કે મને બ્રેસ્ટ કેન્સર છે અને તે પણ થર્ડ સ્ટેજનું! ડોક્ટરે જ્યારે મને આ સમાચાર આપ્યા ત્યારે મારા પગ નીચેથી ધરતી સરકી ગઈ. બે મિનિટ તો હું શૂન્યમનસ્ક થઈ ગઈ. મારી ઉંમર હજુ આડત્રીસ વર્ષની જ હતી. મારી નજર સામે મારા તેર વર્ષના દીકરા અને દસ વર્ષની દીકરીના ચહેરા તરી આવ્યાં. મારાં સંતાનોને મારી જરૂર હતી ને આ શું થઈ ગયું? અચાનક દાદાના શબ્દો યાદ આવ્યા. “આપણે તો ક્ષત્રિય. લડવું એ જ આપણો ધર્મ.” લડ્યા પહેલાં આમ હાર થોડી માની લેવાય? રિક્ષામાં ઘરે પાછા ફરતી વખતે જ નક્કી કરી લીધું કે કેન્સર સામે પૂરા જોશથી લડીશ, પોઝિટીવ એટિટ્યૂડથી જ જીવીશ. ગમે તે રીતે મરીશ, પણ કેન્સરથી તો નહીં જ મરું.

નવ મહિના સુધી કેન્સરની ખૂબ આકરી કહી શકાય તેવી સારવાર ચાલી. એક-બે વખત તો છેક મૃત્યુના દ્વાર સુધી પહોંચીને પાછી આવી. કેમોથેરપીની આડઅસરથી બીજી શારીરિક સમસ્યાઓ પણ સર્જાઈ. પરંતુ આખી સારવાર દરમિયાન મારો અભિગમ એવો કે હું જ બીજાને હિંમત આપું. ડોક્ટરને મળવા જઉં ત્યારે શું પૂછવું તેની પ્રશ્નોત્તરી તૈયાર રાખતી. ઘણી વાર તો ટ્રીટમેન્ટ માટે એકલી જ હોસ્પિટલ જતી. મારી આવી હિંમત અને આવો અભિગમ જોઈ ડોક્ટરો પણ ચક્તિ થઈ જતાં. ઘરમાં પણ હું ખૂબ હળવાશભર્યું વાતાવરણ રાખતી. લોકો ડરી જવાય તેવી જાતજાતની વાતો કરે પણ એ બધું હું મન પરથી તરત જ ખંખેરી નાખતી. કોમેડી ફિલ્મો, કોમેડી ટીવી સિરિયલો જોઉં, મનગમતાં પુસ્તકો વાંચું. એ સમયગાળા દરમિયાન હું એવું વિચારતી કે મારી જાત સાથે ગાળવાનો, મનપસંદ પુસ્તકો વાંચવાનો આવો સમય મને ફરી ક્યારે મળવાનો?

કેન્સર થયાના એકાદ વર્ષની અંદર જ અન્ય કેન્સર દર્દીઓ માટે મેં કાઉન્સેલિંગ શરૂ કરી દીધું હતું. પહેલી વખત જ્યારે દર્દીને કેન્સર હોવાની જાણ થાય ત્યારે તે ભાંગી પડે. રિકરન્સ કે કેમોથેરાપીની આડઅસરથી ખૂબ અપસેટ થઈ જાય. તે વખતે આવા દર્દીઓને હું હિંમત આપું, મારો દાખલો આપું અને કેન્સર સામે મક્કમ મનોબળથી, પૂરા જોશથી લડવા જણાવું. આને કારણે ભાંગી પડેલા દર્દીઓમાં ફરી હિંમત અને આશાનો સંચાર થતો.

પાંચ વર્ષ પછી ડોક્ટરે મને કેન્સરમુક્ત જાહેર કરી અને મારી આ સમગ્ર કેન્સરયાત્રાને વર્ણવતું પુસ્તક લખવા જણાવ્યું. તે વખતે ગુજરાતીમાં આવું કોઈ પુસ્તક નહોતું. ડોક્ટરનું માનવું હતું કે આ પુસ્તક કેન્સરના દર્દીઓને અને સમાજને ખૂબ ઉપયોગી નીવડશે. તે વખતે સમાજમાં કેન્સર અંગે આટલી જાગૃતિ નહોતી. કોઈને કેન્સર થયું હોય તો એ વાત છૂપી રખાતી. કોઈ સ્ત્રી જાહેરમાં એવું નહોતી કહેતી કે મને કેન્સર છે. તેવા સમયમાં હું આવું પુસ્તક લખું તો સમાજ તરફથી મારા પરિવારજનો પ્રત્યે કેવો વ્યવહાર થશે તે અંગે હું સાશંક હતી. જોકે, પતિનો મને પૂરો સહયોગ હતો. મારી દીકરી તે વખતે કોલેજના પગથિયાં ચડી રહી હતી. તેને પૂછ્યું તો તેણે જણાવ્યું “મમ્મી, તને કેન્સર થયું હતું એ બાબતને જે ના સ્વીકારે તેવી વ્યક્તિ મને મારા જીવનમાં સ્વીકાર્ય નથી. તું નિશ્ચિંત થઈને પુસ્તક લખ.” અને થોડા જ મહિનામાં ‘કેન્સર, મારો પરમ સખા’ પુસ્તક લખાયું અને પ્રકાશિત થયું.

આ પુસ્તક લખ્યું ત્યારે બિલકુલ ખબર નહોતી કે તે મારા જીવનમાં શો ભાગ ભજવવાનું છે. આજે એવું પ્રતીત થાય છે કે મારે આ પુસ્તક લખવાનું હતું એટલે જ મને આ રોગ થયો. આ પુસ્તકે અનેક કેન્સર દર્દીઓના જીવનને પલટી નાખ્યું છે. આ પુસ્તકની પાંચસો જેટલી કોપી ખરીદીને વહેંચનારા લોકો છે. અમેરિકામાં પણ આ પુસ્તકને વહેંચવામાં આવ્યું છે. સૂરતના એક લેડી ડેન્ટિસ્ટને બ્રેસ્ટ કેન્સર હતું. તેઓ કેમોથેરપી માટે તૈયાર જ નહોતાં. કોઈકે તેમને આ પુસ્તક આપ્યું. વાંચીને તેઓ ટ્રીટમેન્ટ લેવા તૈયાર થયાં. એક વર્ષ પછી તેમનો ફોન આવ્યો, “તમારાં પુસ્તકે તો મને અબળામાંથી પ્રબળા બનાવી દીધી.” આ પુસ્તક હિંદી અને મરાઠીમાં અનુવાદિત થયું છે અને હવે અંગ્રેજીમાં પણ પ્રગટ થનાર છે. આ પુસ્તકે મને મારા જીવનનો અર્થ આપ્યો છે. કેન્સર થયા પછીની જે જીવનયાત્રા છે તેને જો સાચી સમજણ અને જાગૃતિ સાથે કરવામાં આવે તો તેને એક અવસરમાં પલટી શકાય. તમારા અતૂટ આત્મવિશ્વાસને પ્રજ્જ્વલિત કરવાનો, ભયને ફગાવી દઈને નિર્ભય બનવાનો, ઈશ્વર સાથે સેતુ સ્થાપવાનો એ અવસર છે. કેન્સરે જીવનને જોવાની મારી આખી દ્રષ્ટિ જ બદલી નાખી છે, પછી એને મારો ‘પરમ સખા’ કેમ ના કહું?

કેન્સર થયા પછી આ રોગ કરતાં સમાજ વધુ ડરાવે છે. મોટા ભાગની સ્ત્રી દર્દીઓ શરમ કે અપરાધીપણાંની લાગણી અનુભવે છે. હું કેન્સરના દર્દીઓને કહું છું કે તમને કેન્સર થયું તેમાં તમારો વાંક નથી. તમે તેનો સ્વીકાર કરો અને લોકો ભલે ગમે તે કહે તમે ફુલ ફોર્સથી તમારી જાતને સતત એ મેસેજ આપ્યા કરો કે હું કેન્સરને હરાવીને જ રહીશ. અમે અમદાવાદ કેન્સર સોસાયટી તરફથી શાળાઓમાં કેન્સર અવેરનેસ પ્રોગ્રામ કરીએ છીએ. ડોક્ટર્સ સ્લાઈડ શોથી કેન્સર વિષે સમજ આપે પછી અમે ત્રણ-ચાર કેન્સર વિનર્સ સ્પીચ આપીએ. વિદ્યાર્થીઓને અમે કહીએ છીએ, “ક્યારેય પણ કેન્સર નામનો પડકાર આવે ત્યારે ડરશો નહીં. અમને, કેન્સરવિજેતાઓને યાદ કરજો.”
મને વાંચવું અને ચાલવું ખૂબ ગમે છે. ચાલવાથી નવા, પોઝિટીવ વિચારો આવે છે. અડધો કલાક ચાલું એટલે ગમે તેવો સ્ટ્રેસ દૂર થઈ જાય અને હું ફ્રેશ થઈ જઉં.
શ્રી પ્રજ્ઞાબહેન શાહ કેન્સર સામેનો જંગ જીતી ચૂકેલા મહારથી છે. કેન્સરને માત આપ્યા પછી પ્રજ્ઞાબહેને પોતાની વીતકકથાને સુંદર રીતે વ્યકત કરતું ‘કેન્સર મારો પરમ સખા’ નામે પુસ્તક લખ્યું છે.‘કેન્સર મારો પરમ સખા’ને ગુજરાતી સાહિત્ય પરિષદનું વર્ષ ૨૦૦૪નું ભગિની નિવેદિતા પ્રથમ પારિતોષક પણ પ્રાપ્ત થયું છે.
ઓગસ્ટ, ૧૯૯૮માં અડધી રાત્રે મને ડાબી છાતીમાં ખૂબ દુખાવો થયો. મેં હાથ મૂકી તે દુખાવાને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ દુખાવો કેમેય કરીને ઓછો ન થયો. એ વખતે ગાંઠ જેવો કઠણ ભાગ તો ઘણા સમયથી હતો એવું હું અનુભવતી હતી. તેથી આ કોઇ સામાન્ય દુખાવો નથી એવું લાગ્યું. નક્કી કંઇક જુદો જ દુખાવો હતો. પછી જાતભાતના સારા-ખોટા વિચારોની હારમાળા શરૂ થઇ. ઘ બિલકુલ ડી ગઇ. કપાળે પરસેવો બાજી ગયો.
બીજા દિવસે મેમોગ્રાફી કરાવવાનું નક્કી કરી હોસ્પિટલે પહોંચી. ડોકટરે મેમોગ્રામ જોઇને તાત્કાલિક નીડલ બાયોપ્સી કરાવવાની સલાહ આપી.
રિપોર્ટ જોઇને ડોકટરે ડાબી બ્રેસ્ટમાં કેન્સર થયાનું નિદાન કર્યું. જયારે નિદાન થયું ત્યારે થર્ડ એડવાન્સ સ્ટેજમાં કેન્સર હતું. ડોકટરે જયારે જાહેર કર્યું ત્યારે મારા દિલ દિમાગમાં શૂન્યાવકાશ છવાઇ ગયો હતો. કોઇ પણ પ્રકારની લાગણીઓ અનુભવતી નહોતી. હું જીવતી જાગતી માણસ મટીને નિર્જીવ પૂતળા જેવી બની ગઇ હતી.
કેન્સર એટલે મૃત્યુ તે જાણતી હતી. મે મારા મૃત્યુઘંટને જોરજોરથી વાગતો સાંભળ્યો. મારી સાથે આવનારી બહેન તથા દેરાણી જયોતિ સાવ ભાંગી પડી હતી. એ વખતે એને જોઇને મને થયું કે જો હું ભાંગી પડીશ તો મારા ઘરના સભ્યોની હાલત કેવી થશે. તેઓ પણ કેવા ભાંગી પડશે! આ કપરા સમયમાં આખા પરિવારને કોણ સંભાળશે? એ વિચાર આવતાની સાથે નક્કર અને વરવી વાસ્તવિકતાનો સામનો હિંમતભેર સ્વસ્થતાપૂર્વક કરવાનો દૃઢ નિર્ધાર કર્યો. કેન્સર સામેની લડાઇને મેં ધર્મયુદ્ધ માની લીધું.
ભારતીય સંસ્કૃતિના ઉરચ આદર્શ ધરાવતી રાજપૂતાણીની જેમ ‘કેન્સર’ નામના શત્રુ સામે જંગે ચઢી, નીડર બનીને છેક છેલ્લા શ્વાસ સુધી લડાઇ લડવા માટે કટિબદ્ધ બની અને કેન્સરને પણ રસ્તો બતાડી દેવાનું કામ આદર્યું. ખરેખર આવી વિકટ પરિસ્થિતિમાં દર્દી જૉ પોતાની જાતને બરાબર સંભાળી લે તો પછી તેમાંથી બહાર નીકળવું સાવ સરળ બની રહે છે.
કેન્સર માટેની અનિવાર્ય એવી કીમોથેરાપી, ઓપરેશન અને રેડિયેશન થેરપી અને અન્ય સારવાર ૯ મહિના સુધી મક્કમ મને કરાવી. ત્યાર બાદ કેન્સરમુકત બની શકી આ સારવાર દરમિયાન મોટે ભાગે વજન વધી જતું હોય છે. સારવાર પહેલાં મારું વજન ૫૮ કિલો હતું. તે સારવાર દરમિયાન ૭૨ કિલો સુધી પહોંચી ગયું. સારવાર પૂરી થયા બાદ યોગાસન, ખાવા-પીવા પર કંટ્રોલ અને ચાલવું. એ દ્વારા સારવાર પછીના છ મહિનામાં છ કિલો અને ત્યારબાદ આઠેક મહિનામાં ૧૨ કિલો વજન ઉતાર્યું.
મેં લાઇફ સ્ટાઇલ ધરમૂળથી બદલી નાખી. કેન્સર પહેલાં અમારા આઠ જણના પરિવારમાં વર્ષે છ ડબ્બા તલનું તેલ વપરાતું હતું. જે આજે ફકત બે ડબ્બા જેટલું જ વપરાય છે. તળેલી વસ્તુઓ અને ગળપણ હજુ આજે પણ ખાતી નથી. પોઝિટિવ થિકિંગ સાથે જીવવાનું શરૂ કર્યું છે. ચિંતન દ્વારા શરીરની ભાષાને સમજતાં શીખી, મનોબળ મજબૂત બનાવ્યું. ફકત એલોપથી સારવારને જ મહત્ત્વ આપ્યું. રોગ નાબૂદ થયા પછી નેચરોપથીને વૈજ્ઞાનિક ઢબે અપનાવી.
કેન્સરની કષ્ટદાયક કિઠન લાંબી સફરમાં મારા ઘર-પરિવારના નાના મોટા તમામ સભ્યોનો ખૂબ હૂંફાળો અને પોઝિટિવ સપોર્ટ રહ્યો છે. આજે હંુ સંપૂર્ણ સ્વસ્થ છું. કદાચ પહેલાં કરતાં પણ વધારે આનંદિત જિંદગી જીવી રહી છું. કેન્સર ફરીથી ઉથલો ન મારે તેના માટે પૂરેપૂરી સજાગ રહું છું.
મારો જીવન પ્રત્યેનો અભિગમ સાવ જ બદલાઇ ગયો છે. હવે ગમે તેવી તકલીફો વરચે પણ હું દરેક પળ ઉલ્લાસપૂર્વક માણું છું. કોઇ પણ પ્રકારની તાણને તગેડી મૂકતા શીખી છું. મારી જિંદગીને ભારોભાર સાત્વિક, સર્જનાત્મક અને હકારાત્મક બનાવનાર કેન્સર મારો દુશ્મન નહીં પણ પરમ સખા છે.મારે એટલું જ કહેવું છે કે સમાજની દરેક સ્ત્રી તેની યુવાનીથી માંડીને જિંદગીભર દરમહિને ફકત પાંચ મિનિટ જો સ્તનના સ્વપરીક્ષણ માટે ફાળવે અને ૪૦ વર્ષની વય પછી દર વર્ષે મેમોગ્રાફી કરાવે તો સ્તન કેન્સર શરૂઆતના તબક્કામાં જ પારખી શકાય છે. કેન્સરની જેટલી જલદી જાણ થાય તેટલી ઝડપથી રોગમુકત થવાની શકયતા વધી જાય છે.આ સારવારમાં કેન્સરગ્રસ્ત બ્રેસ્ટનું ઓપરેશન થઈ ગયા પછી હજી મહિલા એનેસ્થેશિયાની અસરમાં બેભાન હોય ત્યારે જ ઓપરેશન કર્યું હોય તે ભાગ પર એક્સ-કિરણોનો હળવો બ્લાસ્ટ કરવામાં આવે છે. સચોટ ગણતરી સાથે આ એક જ સારવારમાં બ્રેસ્ટ દૂર કર્યા પછી આસપાસમાં રહી ગયેલા કેન્સરગ્રસ્ત કોષ નાશ પામે છે. ‘ટાર્ગેટેડ ઈન્ટ્રા ઓપરેટિવ રેડિયોથેરાપી’ નામની આ સારવાર હાલની છ અઠવાડિયાંની સારવાર કરતાં સચોટ અને અસરકારક બની રહે છે. તેથી જ માત્ર એક સારવાર પૂરતી થઈ પડે છે તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. બ્રિટનમાં જ્યાં આ અભ્યાસ કરવામાં આવ્યો હતો ત્યાં દર વર્ષે ૩૦,૦૦૦ મહિલાઓ બ્રસ્ટ કેન્સરની સારવાર લે છે. તેમાંથી ૨૨,૦૦૦ મહિલાઓ આ વન-શોટ સારવાર માટે લાયક હોય છે.સ્ત્રીઓને માટે કાયમ એક ચિંતાનુ કારણ બનેલ સ્તન કેંસર હવે પુરુષોને માટે પણ ચિંતાનો વિષય બની રહ્યુ છે. ચિકિત્સકોનો દાવો છે કે હવે પુરૂષો પણ આ બીમારીનો સરળતાથી શિકાર થઈ રહ્યા છે. દેશના ઘણા જાણીતા ચિકિત્સકોનુ માનવુ છે કે વર્તમાન સમયમાં પુરૂષોમાં સ્તન કેસરના કેસ વધી ગયા છે. ચિકિત્સકો આને માટે બદલતી જીવનશૈલીને જવાબદાર ગણાવી રહ્યા છે. એક કંસલટંટ મુજબ પુરૂષોમાં હાર્ટ કેંસરનુ વધતુ પ્રમાણ એસ્ટ્રોજન હાર્મોનનુ સ્તર વધવાને કારણે છે. પુરૂષોને આ બીમારી આનુવંશિત અસામાન્યતાને કારણે પણ હોઈ શકે છે.

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “મારા અનુભવ ૧૧ સ્ટ્રેસ બસ્ટર્સ

  1. મક્કમ મનોબળથી કેન્સરને પરાસ્ત કરનાર પ્રજ્ઞાબેન કેન્સરને દુશ્મન નહીં, ‘પરમ સખા’ માને છે!

    દાદાના શબ્દો યાદ આવ્યા. “આપણે તો ક્ષત્રિય. લડવું એ જ આપણો ધર્મ.”

    પોઝિટીવ એટિટ્યૂડથી જ જીવીશ. ગમે તે રીતે મરીશ, પણ કેન્સરથી તો નહીં જ મરું.

    વાહ, કેવો સરસ સકારાત્મક અભિગમ !

    ‘કેન્સર, મારો પરમ સખા’ પુસ્તક લખનાર આ બહાદુર મહિલાને કેન્સર શું કરી શકવાનો હતો . એણે તો હાર માનવી જ પડે..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s