અભિનય સમ્રાટ ઉપેન્‍દ્ર ત્રિવેદીનું અવસાન +

ઉત

બોલીવુડ અને ગુજરાતી કલાકારો ઉપસ્‍થિત રહ્યા : જેસલ તોરલ સહિતની અનેક ઐતિહાસિક અને યાદગાર ફિલ્‍મોમાં ભૂમિકા કરી : ભીલોડાના પૂર્વ ધારાસભ્‍ય હતા . ગુજરાતી ફિલ્‍મોના અભિનય સમ્રાટ તરીકે ઓળખાતા અને ગુજરાતના ભૂતપૂર્વ વિધાનસભા સભ્‍ય ઉપેન્‍દ્ર ત્રિવેદીનું ટૂંકી માંદગી બાદ અવસાન થતાં આધાતનું મોજુ ફરી વળ્‍યું હતું. શનિવારે મોડીરાત્રે અવસાન થયા બાદ આજે બપોરે મુંબઈના વિલે પાર્લે ખાતે પવનહંસ સ્‍મશાનગળહમાં તેમના અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા હતા. ૭૦ના દાયકામાં અભિનયના ક્ષેત્રે ઉપેન્‍દ્ર ત્રિવેદીએ તેમનું કેરિયર શરૂ કર્યું હતુ.ં ૭૫ વર્ષીય ઉપેન્‍દ્રે ત્રિવેદીને પદ્મશ્રીથી સમ્‍માનિત  પણ કરવામાં આવ્‍યા હતા. છેલ્લા ચાર પાંચ મહિનાથી તેમની તબિયત ખરાબ હતી. ઉપેન્‍દ્ર ત્રિવેદીને કરોડરજ્જુમાં દુખાવો રહેતા સ્‍પાઈનની સર્જરી કરવામાં આવી હતી. અમદાવાદની ર્સ્‍ટંિલગ હોસ્‍પિટલમાં તેમને દાખલ કરાયા હતા. બોલીવુડ અને ગુજરાતી ફિલ્‍મના કલાકારો અંતિમ સંસ્‍કાર વેળા ઉપસ્‍થિત રહ્યા હતા. પરેશ રાવલ, ભરત ધેલાણી, સિદ્ધાર્થ રાંદેરિયા, સંજય છેલ, સંજય કોરડિયા, ઉમેશ શુક્‍લા, પ્રફુલ દવે, ચંદને ઠાકોર અંતિમ સંસ્‍કાર વેળા ઉપસ્‍થિત રહ્યા હતા. ઉપેન્‍દ્ર ત્રિવેદીના પુત્ર હેમંત ત્રિવેદીએ જણાવ્‍યું હતું કે, શનિવારે રાત્રે ૧૨.૧૫ વાગે પરિવારની ઉપસ્‍થિતિમાં ઉપેન્‍દ્ર ત્રિવેદીએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ભીલોડાના પૂર્વ ધારાસભ્‍ય તરીકે હતા. ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગને સેવા આપી હતી. જેસલ તોરલ ફિલ્‍મમાં ઉપેન્‍દ્ર ત્રિવેદીને મોટો બ્રેક મળ્‍યો હતો. ત્‍યારબાદ તેમની લોકપ્રિયતા સતત વધી હતી. એક પછી એક હિટ ફિલ્‍મો કરી હતી જેમાં ગરવો ગરાસિયો, રાણક દેવી, મચ્‍છુ તારા વહેતા પાણી, ચુંદડીનો રંગ, ચુંદડી ઓઢી તારા નામની, કાદુ મકરાણી, જોગીદાસ ખુમાણ, પાતળી પરમાર, સંતુે રંગીલી, રેતીના રતન, હોથલ પદમણી, પૈસો બોલે છે, ચિતડાનો ચોર, શેતલને કાંઠે, ભાદર તારા વહેતા પાણી, ભવ ભવના ભેરુ, સોન કંસારી વગેરે ફિલ્‍મોનો સમાવેશ થાય છે.

તેમણે આપેલ યાદગાર વક્તવ્ય …નાટક નેત્રોને શીતળતા આપનાર છે. આ હોમાત્મક યજ્ઞ છે. એમાં આયુષ્યના સમિધ હોમવા પડતાં હોય છે. સતત સાડા પાંચ દાયકાથી આયુષ્યના સમિધ હોમતાં હોમતાં મેં યાત્રા કરી છે; એક લેખક તરીકે, દિગ્દર્શક તરીકે, નિર્માતા તરીકે અને એક નટ તરીકે. મારી અભિનયયાત્રાનો આ પ્રવાહ ક્યારેક ઘોટાપૂરે વહ્યો છે, ક્યારેક મંદ ગતિએ તો ક્યારેક મંથર ગતિએ વહ્યો છે. ક્યારેક સપાટી પર પ્રવાહ દેખાતો નથી પણ કોઈ પિયાસી પટમાં વીરડો ગાળે તો મહુવાની નાળિયેરીનાં મીઠાં જળસમા પાણીની છાલકે છાલકે છલિયાં છલકાઈ જાય. કારણ કે ભીતરની સરવાણી ક્યારેય સુકાણી નથી. એક મિનિસ્ટર ક્યારેક ‘એક્સ-મિનિસ્ટર’ થઈ શકે છે પણ કલાકાર ક્યારેય ‘એક્સ-કલાકાર’ થતો નથી. એટલે જ આ બહુ આનંદનો વિષય છે. અભિનયયાત્રાની સાથે સાથે જીવનયાત્રા પણ જોડાયેલી હોય છે. એકલી અભિનયયાત્રાને તારવીને જોવી બહુ અઘરી છે. મારી અભિનય યાત્રામાં જ્યાં જ્યાં મેં ઉત્સવો ઉજવ્યા અને જ્યાં જ્યાં મેં પીડાઓ ભોગવી, જ્યાં જ્યાં અભિનય વિશેની સમજણ મેં મેળવી અને જ્યાં જ્યાં સૌંદર્ય જોવાનું હું ચૂકી ગયો છું, તેની ઝાંખી કરાવવા માટેનો આ ઉપક્રમ છે. એક રીતે ક્રિકેટની ભાષામાં કહીએ તો આ ‘એકશન રીપ્લે’ છે. જે થયેલું છે, જે કરેલું છે, જે તમે જોયેલું છે, જે તમે જાણેલું છે તે જ ફરી ફરી કહેવાનું છે. પણ આમાં ‘હાઈલાઈટ્સ’ હોય છે. ‘એકશન રિપ્લે’માં ઉત્તેજના ઓછી હોય પણ હાઈલાઈટ્સ હોવાને કારણે તૃપ્તિનો ઘૂંટ જેવું લાગે છે. માણ્યું તેનું સ્મરણ કરવું એ છે એક લ્હાવો !’

પોતાના બાળપણથી શરૂ કરતાં ઉપેન્દ્રભાઈ કહ્યું હતું કે : ‘મૂળ અમે સાબરકાંઠાના. ઈડરની તળેટીમાં આવેલા કોકળિયા ગામના. ધંધાવશાત નોકરી માટે ઈન્દોર ગયા. ઈન્દોરમાં મારો જન્મ થયો અને અનુજ અરવિંદ ત્રિવેદી ‘લંકેશ’નો પણ. ત્યારપછી અમે ઉજ્જૈન આવ્યા. એ યોગાનુયોગ છે કે કલાકારોના ઈષ્ટદેવ મહાકાલની એ નગરી. ત્યાંનો મુંજ હું બન્યો અને ત્યાંનો ભરથરી હું બન્યો. ત્યાં આખો માહોલ હિન્દીનો પરંતુ હું સદભાગી છું કે ત્યાંના ગુજરાતી સમાજે બાળકોને ગુજરાતી શિક્ષણ મળે એ માટે એક સ્કૂલ સ્થાપેલી અને એમાં મને શિક્ષણ મળ્યું. ભાષા સાથેની નિસ્બતનો મારો નાળવિચ્છેદ થયો નહીં. અભિનયયાત્રાના પહેલા પડાવથી ઉજ્જૈનના ગુજરાતી શાળાના એ શિક્ષકોનો આભાર વ્યક્ત કરીને હું કહું છું કે તમે ન હોત તો ગુજરાતી ભાષામાં ‘ઉપેન્દ્ર ત્રિવેદી’ ન હોત. એટલું જ નહિ, ભારતભરમાં પથરાયેલ તમામ ગુજરાતી સમાજોના તમામ નિ:સ્વાર્થ સંચાલકોને ધન્યવાદ આપું છું કે જેમણે ગુજરાતી બાળકોના માતૃભાષાથી તેમનો પરપ્રાંતમાં વિચ્છેદ થવા દીધો નથી.

મોટાભાઈ કોલેજ-શાળા-વિદ્યાલયોમાં નાટકો કરતાં. અમારા નાટકોની એ ગંગોત્રી. એમને જોઈને અમે ઘણું શીખ્યાં. આજે અત્રે મારા મોટાભાઈ ભાલચંદ્ર ત્રિવેદી ‘અભિનય’ વિશે મને બોલતો સાંભળવા માટે ઉપસ્થિત થયા છે જે મારો આનંદનો વિષય છે. ઉજ્જૈનની રામલીલા બહુ પ્રખ્યાત. અમે ઘરે આવીને પૂઠાંના શસ્ત્રો બનાવીને બધી જ નકલો કરતા અને એ વાતાવરણ, એ અભિનયનો અનુભવ જ્યાંથી લીધો તે અમારી શાળામાં એક શિક્ષક હતાં, જેમનું નામ ઈકબાલ હુસૈન હતું. તેઓ હિન્દી સાહિત્ય ભણાવતા અને એ સાથે અમને નાટકો ભણાવવામાં આવતા. પોતે બહુ સારી રીતે વાંચતા અને અમારી પાસે વંચાવતા. જુઓ તો ખરા, ઈશ્વર માણસને જ્યાં લઈ જવા માંગે છે, એની પૂર્વભૂમિકા એ કેવી રીતે ઊભી કરતો હોય છે ! ત્યાંથી મોટાભાઈ મુંબઈ આવીને નોકરીમાં સ્થિર થયા. પિતાશ્રીની નાદુરસ્ત તબિયત હોવાને કારણે અમે પણ મુંબઈ આવ્યા. મુંબઈમાં કાંદિવલીની ચાલીમાં મુકામ કર્યો. ફલોરાફાઉન્ટન પર એક નવી જ ખૂલેલી કોલેજ ‘સિદ્ધાર્થ કોલેજ ઑફ કોમર્સ’માં ઓછા માર્કસ હોવા છતાં પણ વળી પ્રવેશ મળી ગયો ! કૉલેજના પ્રોફેસર વિષ્ણુકુમાર વ્યાસ સાથે મારો મેળાપ થયો. તેઓ રાજકોટના નાટ્યવિદ અને ત્રિભુવન વ્યાસના ભત્રીજા. પરિચય થયો અને પ્રીતિ બંધાણી. કોલેજના નાટકોમાં કામ આપ્યું, કામ વખણાયું. આંતરકોલેજની નાટ્યસ્પર્ધા ઊતાર્યો. પહેલા વર્ષે મારું નાટક ઈનામ લઈ આવ્યું. બીજા વર્ષે પણ ઈનામ લઈ આવ્યું. ત્રીજા વર્ષે કોણ જાણે શું થયું કે પડદો ખૂલતાંની સાથે જ જાત જાતના પ્રાણીઓના અવાજો પ્રેક્ષકગણમાંથી આવવા માંડ્યા. શીંગ-ચણા ફેંકાવા માંડ્યા. પરંતુ નિર્ણાયકો મજબૂત હતા. એમણે કહ્યું આ નાટક અમારે કેમેરામાં જોવું છે. કેમેરામાં એટલે કે પ્રેક્ષકગણને બહાર મોકલીને નિર્ણાયકો નાટક જુએ તે. એમને નાટક બહુ પસંદ આવ્યું. એમણે ફાઈનલમાં લીધું. ગુજરાતી નાટકોમાં તે સર્વપ્રથમ આવ્યું, એટલું જ નહિ, પાંચેય ભાષાના નાટકોમાં એ સર્વપ્રથમ આવ્યું. કૉલેજમાં મને મુંબઈના સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે જાહેર કરવામાં આવ્યો.

એ દરમિયાન અરવિંદ ત્રિવેદીને ભારતીય વિદ્યાભવનમાં સ્ટેજ પર ‘સ્ટેજ મેનેજર’ તરીકેની નોકરી ઓફર થઈ. હું પણ ત્યાં રાતપાળીમાં નોકરી કરતો હતો. એક કુલી તરીકે નોકરીની શરૂઆત કરી. છત્રીના રિવેટીંગ કરવાનું કામ શીખ્યો. એ પછી કલર્ક થયો. એક ફુગ્ગાની ફેકટરીમાં ટાઈમ કિપર થયો. દિવસે કોલેજમાં તો બપોરે આંતરકોલેજ નાટ્યસ્પર્ધાના બધા વિદ્યાર્થીઓને ભેગા કરીને ટૂકડી બનાવું અને નાટકોના રિહર્સલ કરું. નવરાત્રી, ગણેશમહોત્સવ વગેરેમાં અમે નાટકો ભજવતા. કોલેજ પછી નાટક ન હોય તો ફર્યા કરું. દેશી સમાજના નાટકો ક્યારેક જોઉં. અરવિંદભાઈની કૃપાથી નાટકો જોવા મળતાં. નાટક અંગેનો ડિપ્લોમા પણ મેં કર્યો. એકવાર વિષ્ણુભાઈ પૂછે કે તું કરે છે શું આખો દિવસ ? મેં મારી દિનચર્યા કહી. એ કહે કે રંગભૂમિ સંસ્થામાં આવ. હું ત્યાં નાટકોના નૈપથ્યમાં ગોઠવાઈ ગયો. એ પછી મને નાટકમાં ઊતાર્યો. કેટલાક નાટકો કર્યા પણ મને સંતોષ થતો નહોતો. કોલેજમાં ચાલતી નવલકથા ‘ઝેર તો પીધાં જાણી જાણી….’ એનું મેં નાટ્ય રૂપાંતર કર્યું. મનુભાઈ પંચોળી ‘દર્શક’ને બતાવ્યું. એમણે પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને મને ઉદારતાપૂર્વક ભજવવાની અનુમતી આપી. ‘રંગભૂમિ’ સંસ્થા તરફથી નાટક થયું. ખૂબ સરસ નાટક રહ્યું. ગુજરાત અને મુંબઈમાં પણ ભજવાયું. આ કરુણમંગલ નાટકે લોકોને ઘેલું લગાડી દીધું હતું. એના પરથી પાછળથી મેં ફિલ્મ પણ કરી. એમાં વિરહની ઉત્કટતા બતાવવા માટે અમે છેક હિમાલય સુધી ગયા. એ નાટક તો ખૂબ ચાલ્યું પણ ફિલ્મ ન ચાલી.

મોટે ભાગે મંદિરોમાં આપણે પૂજા પછી દેવની પ્રદક્ષિણા કરતાં હોઈએ છીએ પરંતુ શિવાલયમાં તેમ થતું નથી. તેમાં ગૌમુખીથી પાછા ફરીને ગૌમુખી સુધી આવવાનું હોય છે જેથી પ્રતીતિ થાય છે કે પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. પરંતુ બે ડગલા અંતર રહી જાય છે. એ બે ડગલાંનું અંતર એ જ કલાનું લીલાક્ષેત્ર છે. વાસ્તવિકતા અને વાસ્તવિકતાની પ્રતીતિ વચ્ચેનું એ બે ડગલાનું અંતર કલાકારે સમજવું જોઈએ. જગતમાં જે ‘જગત’ રચાય છે તે કલાનું લીલાક્ષેત્ર છે. એકદમ વાસ્તવિક કરવાનો આગ્રહ ન રાખવો જોઈએ. વાસ્તવિકતાની પ્રતીતિ થઈ જાય તો પૂરતું છે.

મને નાટ્ય રૂપાંતર પર ફાવટ આવી ગઈ હતી. મેં મેઘાણીની સુપ્રસિદ્ધ નવલકથા ‘વેવિશાળ’ પર નાટ્ય રૂપાંતર શરૂ કર્યું. દોઢસો વર્ષ પહેલા મુંબઈમાં ઠરીઠામ થવા માંગતા ગુજરાતીઓના સંઘર્ષની એ વાત હતી. નાની દીકરીના વેવિશાળની ગૂંચ હોય છે પણ નાટકના અંતે પતિને પરમેશ્વર જોઈને પૂજનારી, એના ચંપલનો માર સહન કરનારી, બદ્રિક ભાભુ, ઘર છોડીને જે રીતે સાધવી થવા નીકળે છે, એ બહુ પ્રભાવશાળી લાગે છે. નાટક બહુ સારું બન્યું પણ પ્રેક્ષકો અને આયોજકો છેલ્લે સ્ટેજ પર આવ્યા કે નાટકનો સુખાંત કરો. મેં કહ્યું કેટલો સારો અંત છે ! એ લોકો કહે ના, નાટક સુખાંત કરો તો ઘણું ચાલે. હું ઝૂકી ગયો, સાહેબ ! મેં એ લોકોના કહ્યાં મુજબ નાટક સુખાંત કર્યું. નાટક 200-શૉ સુધી સડસડાટ ચાલ્યું ગયું. નાટક ખૂબ ચાલ્યું, નાટકને હું સફળ બનાવી શક્યો પણ ચિરંજીવ બનાવી શક્યો નહીં. એની નશ્વરતાને પકડી રાખવા માટે એની શાશ્વતતાને મેં પોતે જ પદભ્રષ્ટ કરી નાખી. આ મારી મોટામાં મોટી ભૂલ થઈ ગઈ. એનો અફસોસ મને કાયમ માટે રહ્યો છે. હું પરંપરાનો માણસ છું. પરંપરામાં પ્રયોગો જરૂર કરું છું પણ હત્યા, અપહરણ કે અનૈતિક સંબંધોની વાતો મને ફાવતી નથી. હું સીધી લીટીનો માણસ છું. ભારતીય પરંપરાનો માણસ છું.

ત્યારપછી ‘વસ્તુપાળ-તેજપાળ’ નાટક કયું. અદભુત રહ્યું. ત્યાં આકાશવાણી પર જગ્યા ખાલી પડી. કરસનદાસ માણેક નિવૃત થતાં હતાં. મેં એની માટે અરજી કરી. મોટા મોટા ધુરંધર કલાકારોની અરજી હતી. એ લોકોની ઓછામાં ઓછી જરૂરિયાત બી.એ. હતી પણ હું તો ઈન્ટર પણ નહોતો. મને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યો. બધા રાજી થયા. એમણે કેન્દ્રસરકારને ભલામણ કરી કે આ ગ્રેજ્યુએટનો નિયમ રદ કરવામાં આવે અને આ નાટ્યપ્રતિભાને આકાશવાણી પર સ્થાન આપવામાં આવે. હું આકાશવાણી પર નિમાયો. મારા સાથીદારોમાં બરકત વીરાણી ‘બેફામ’, વસુબહેન ભટ્ટ, તારક મહેતા, પ્રબોધ જોશી, મંગેશ મળગાંવકર – આ બધાની સાથે મેં કામ કર્યું. સાહિત્યકારોના પરિચયમાં આવ્યો. નાટકની ટેકનિકના પરિચયમાં આવ્યો. અવાજની કેળવણીના પરિચયમાં આવ્યો. એની સાથે મને ત્યાં મળી ગયા આકાશવાણી રાજકોટના ડિરેક્ટર ચંદ્રકાન્ત ભટ્ટ સાહેબ. એમણે મને હાથ પકડી પકડીને આખા ગુજરાતમાં ફેરવ્યો. ત્યાં મને મળ્યા કચ્છના વેલજી ગજ્જર. આ બધા માણસો મળતા ગયા અને લોકસાહિત્ય વિશે હું સમજતો થયો. એના અંદર હું થોડો વધારે પાકટ થયો. પરંતુ એક સ્ટેશન ડાયરેકટર એવા આવ્યા કે આપણો માણસ બહાર નાટકોમાં કામ કરે છે તે ન ચાલે એમ કીધું. સ્ટાફના માણસને કામ કરવાની મનાઈ છે. એમણે મને કહ્યું કે કાં નોકરી કરો કાં નાટક. મેં કહ્યું નોકરી છોડું છું, નાટક નહિ છોડું. એમણે મને કહ્યું કે જરા વિચાર કરો, ટેલિવિઝન આવી રહ્યું છે, તમારી ઉંમર નાની છે, બહુ ઊંચા હોદ્દા પર જવાની તમારી ક્ષમતા છે. મેં કહ્યું એ શક્ય નથી. મને ઘણાં મિત્રોએ કહ્યું કે નામ બદલીને નાટક કરો ને. મેં ના પાડી.

નાટકો ભજવવાનું ચાલુ રાખ્યું. ત્યાં એક ચમત્કાર થયો. બે-ત્રણ નિર્માતાઓ મળવા આવ્યાં. ખૂબ સારી ભૂમિકા ભજવવાનું નાટક હતું. મેં હા પાડી. હું ત્યાં જોડાયો. મારી ખ્યાતિ આખા મુંબઈમાં પ્રસરી. પરંતુ મારી સુવાસ જરૂરત કરતાં વધારે પ્રસરતા મારે પછી એ નાટક છોડવું પડ્યું. વળી પાછો હું નવરો થઈ ગયો. વળી એ નિર્માતાઓમાં અંદર અંદર તકરાર થઈ અને તેમાંના બે મારી પાસે આવ્યા કે અમુક નાટક કરવાનું છે. બધા દશ્યોનું સંકલન કરીને નાટક બનાવ્યું. ગુજરાતના જુદા જુદા પ્રદેશની ભાષા એમાં વાપરી. નાટક ખૂબ ચાલ્યું. એ નાટકનું નામ ‘અભિનય સમ્રાટ’ જેણે મને મારી કારકિર્દીમાં બહુ જ ઉપયોગી કામગીરી કરી છે. એ પછી આ નાટક જોવા માટે ફિલ્મના નિર્માતાઓ આવવા માંડ્યા. એમાં એક દિવસ રવિન્દ્ર દવે આવ્યા. એમણે મને કહ્યું કે મારે તારી સાથે ફિલ્મ કરવી છે. એમણે ‘જેસલ-તોરલ’ બનાવવાનું નક્કી કર્યું. જેસલ-તોરલનું શુટિંગ શરૂ થયું. એમાંના દ્રશ્ય વિચારીએ તો મહાભારતનો કૃષ્ણ-અર્જુન સંવાદ યાદ આવે. ત્યારપછી રવીન્દ્ર દવે એ ‘રાજા ભરથરી’ બનાવ્યું. એ પણ અદ્દભુત રહ્યું.’ તેમણે ‘અભિનય’ શબ્દનો અર્થ સમજાવતાં કહ્યું કે ‘ ‘અભિ’ એટલે તરફ અને ‘નય’ એટલે લઈ જવું – અભિનયનો અર્થ છે કશાક તરફ લઈ જવું. એ નાટકો માનવતા તરફ લઈ જતાં. લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં. બીજા કલાકારો કામ કરે છે ત્યારે મોં બંધ રાખે છે. ઊર્જા સંપાદિત કરે છે. કલાકારે તો બધું બોલીને જ કરવાનું છે ! ઊર્જાનું વહન કરવાનું છે. આ તફાવત છે.’ અભિનયયાત્રાનું અનુસંધાન કરતાં ઉપેન્દ્રભાઈએ કહ્યું હતું કે : ‘એ પછી ‘હોથલ-પદમણી’ કર્યું. એમાંની કચ્છી ભાષાની સુગંધે આખા ગુજરાતને એક કરી નાખ્યું. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સરહદોના સીમાડા ભૂંસી નાખ્યા. ‘હેંડો’ અને ‘હાલો’ વચ્ચેના ભેદ ભુંસાઈ ગયા ! એ પછી રાણકદેવીની ‘રાખેંગાર’ ફિલ્મ બનાવી. અહીં મારે એ કહેવું છે કે કલાકારે માત્ર પાત્રમાં દેખાવું એટલું પૂરતું નથી, એ પાત્ર પ્રમાણે એણે જીવવું પણ જરૂરી થઈ જાય છે. વાલ્મિકી લખે એમ રામે જીવવું પડે છે. એ રીતે 25-30 ફિલ્મો કરી. એ પછી ‘શેતલને કાંઠે’ આવ્યું. સૌરાષ્ટ્રની સંસ્કૃતિથી ધરબાયેલી ફિલ્મ. એ પછી ‘ભાદર તારા વહેતા પાણી’ની અદ્દભુત નવલકથા. એ પછી ‘માલવપતિ મુંજ’ કે જે મુનશીની ઓજસ્વીની ભાષા. દોલત ભટ્ટની ત્રણ નવલકથાઓ ‘મનનો માણીગર’, ‘વાંસળી વાગી વાલમની’ અને ‘નમણી નાગરવેલ’ – ત્રણેય નવલકથાની ભાવસૃષ્ટિમાં મને વિહરવાનું મળ્યું. ઘણી બધી ફિલ્મો કરી.’

અંતે ઉપેન્દ્રભાઈ જણાવ્યું હતું કે : ‘દરેક પાત્ર કલાકારના લોહીમાં ઓગળી જાય છે; હમણાં પરકાયા પ્રવેશની વાત થઈ એ પ્રમાણે. એ પછી ‘માનવીની ભવાઈ’ કર્યું. લેખકોએ ઉપેન્દ્ર ત્રિવેદી ને ‘ઉપેન્દ્ર ત્રિવેદી’ બનાવ્યો છે. બાકી લેખકોની કલમ મૂંગી થઈ જાય તો પ્રેક્ષક બહેરો થઈ જાય અને અભિનેતા આંધળો થઈ જાય. એ પછી આંધળે બહેરું કૂટાયા કરે ! મારે એટલું જ કહેવાનું કે કલાકાર એક માતા હોય છે જે પોતાના ગર્ભમાં આત્મસાત કરી લે છે. જીવનમાં જડાઈ જતી આ વાતોને મેં ખૂબ માણી. અનેક સ્વનામધન્ય લેખકોની કૃતિઓ મેં રસપૂર્વક કરી છે. આજે ઉજ્જૈનથી નીકળેલું એક ઝરણું ક્યારે ભાગીરથીમાં ભળી ગયું, ક્યારે ભાગીરથી અલકનંદામાં ભળી ગઈ, ક્યારે અલકનંદામાં મંદાકિની ભળી, ક્યારે રુદ્રપ્રયાગ ગયું, ક્યારે દેવપ્રયાગ ગયું, ક્યારે કર્ણપ્રયાગ ગયું, ક્યારે લક્ષમણઝૂલા અને ઋષિકેશ ગયું, ક્યારે હરિ કી પેડી ગઈ, ક્યારે કાશીનો હરિશ્ચંદ્રઘાટ ગયો અને ક્યારે સંગમ સ્થળ પ્રયાગરાજ પર આવીને આપણે ઊભા રહ્યા ! ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગમાં સેવા આપનાર ઉપેન્‍દ્ર ત્રિવેદી ગુજરાતી ફિલ્‍મોમાં છવાયેલા રહ્યા હતા. જાણકાર લોકો તેમના ગાળાને ઉપેન્‍દ્ર ત્રિવેદી યુગ તરીકે ઓળખે છે.  સ્‍નેહલતા સાથે ઉપેન્‍દ્ર ત્રિવેદીએ જોડી જમાવી હતી અને એક પછી એક ફિલ્‍મો કરી હતી. ઉપેન્‍દ્ર ત્રિવેદીની યાદગાર ફિલ્‍મો નીચે મુજબ છે.

*    ગરવો ગરાસિયો (૧૯૭૯)

*    રાણકદેવી (૧૯૭૩)

*    મચ્‍છુ તારા વહેતા પાણી (૧૯૮૪)

*    જેસલે તોરલ (૧૯૭૧)

*    ચુંદડીનો રંગ (૧૯૭૬)

*    કેસર કાઠિયાણી (૧૯૮૦)

*    જોગીદાસ ખુમાણ (૧૯૬૨)

*    સંતુ રંગીલી (૧૯૭૬)

*    રેતીના રતન (૧૯૮૨)

*    રાજા ભરતરી (૧૯૭૩)

*    પાતલી પરમાર (૧૯૭૮)

*    સોનકંસારી (૧૯૭૭)

*    ઝેર તો પીધા જાણી જાણી (૧૯૭૨)

*    નવરંગ ચુંદડી (૧૯૭૯)

*    રંગરસિયા (૧૯૭૯)

*    મહેંદી રંગ લાગ્‍યો (૧૯૬૦)

*       ભાદર તારા વહેતા પાણી (૧૯૭૬)

તેમને પદ્મ શ્રી એવોર્ડ એનાયત થયો હતો. જયારે ગુજરાત સરકારે તેમને લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ આપીને બિરદાવ્યા હતા. તેઓ મુંબઈમાં જ રહેતા હતા s અને તેમની અંતિમયાત્રા પણ મુંબઈમાં જ નીકળી હતી.

Courtesy Akila & Divyabhasker
૦૦૧૧

1 ટીકા

Filed under Uncategorized

One response to “અભિનય સમ્રાટ ઉપેન્‍દ્ર ત્રિવેદીનું અવસાન +

  1. ૪૦ વર્ષ સુધી ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી ફિલ્‍મ ઉદ્યોગને સેવા આપનાર અભિનય સમ્રાટ સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદીને શ્રધાંજલિ

    ગુજરાતી નાટકો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી આ ઉમદા નાટ્ય અને સીને કલાકારનું નામ

    જીવિત રહેશે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s