ગ્રેપવાઇન: અફવા છે જે સાચી પણ હોય./પરેશ પ્ર વ્યાસ

2

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે…

તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

– હરિશ્ચંદ્ર જોશી

પણ અફવા તો ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં. હા, એ અલગ વાત છે કે સેલેબ્રિટી વિષેની અફવા વધારે રસપ્રદ હોય છે. લોકોને મઝા પડે. આવી ટોળટપ્પા, આવા ગામગપાટાની ઓટલા સંસ્કૃતિ આજકાલ ઇન્ટરનેટ પર વોટ્સએપ, ફેસબૂક અને ટ્વિટર પર ચક્ચાર જગાવે છે. હમણાં મોદી સાહેબનાં માઇનોરિટી ચાહક ઝફર સરેશવાલાને મૌલાના આઝાદ રાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયનાં કુલપતિ નિયુક્ત કરવામાં આવ્યા. ભક્તિ તેવી શક્તિ. એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારનાં મતે અફવા એવી છે કે કુલપતિની પસંદગી માટેનાં અન્ય બે નામ હતા ગુલઝાર અને અમિતાભ બચ્ચન. પણ એમનાં નામ પર ચોકડી મુકવામાં આવી. સમાચાર એવા પણ હતા કે ધર્મનાં નામે ધજાગરા થાય છે એને ખાળવા, સરકારની છબી સુધારવાનાં પ્રયાસ રૂપે, લોકોને ધર્મની વાડાબંધીથી ઉપર ઊઠીને, સૌને સાથે લઇને ચાલવાની વાત કહેતી જાહેરાતનાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે અમિતાભને વિનંતી કરવામાં આવી હતી પણ અમિતાભ બચ્ચને ટ્વિટર પર એ વિષે રદિયો દીધો. એવા સમાચાર કે જેની ખાત્રી કરવાનો સમય ન હોય કે એ સાચા છે, એનાં કોઇ પુરાવા પણ ન હોય તો અખબાર લખે કે ઇફ ગ્રેપવાઇન ઇઝ ટૂ બી બિલિવ્ડ… જો ગ્રેપવાઇનની માનીએ તો… શું છે આ ગ્રેપવાઇન (Grapevine) ?

ગ્રેપ એટલે દ્રાક્ષ અને વાઇન એટલે વેલો. દ્રાક્ષનો વેલો. પણ મહાવરા તરીકે એનો અર્થ થાય છે: અનૌપચારિક, અનધિકૃત કે અવિધિસરની વાત. ક્યાંક સાંભળી હોય પણ ખાત્રી ન હોય. આવી વાત ચર્ચાનાં ચકડોળે ચઢે. કોઇ વાર વાતનું વતેસર થાય તો કોઇ વાર એમ પણ બને કે એમાંથી સત્યનું અવતરણ પણ થાય. અંગ્રેજી ભાષામાં આ શબ્દ દોઢસોથી પણ વધારે વર્ષોથી પ્રચલિત છે. આજે સંદેશાવ્યવહાર એટલું ઝડપી છે કે વાત ઘડીનાં છઠ્ઠા ભાગમાં આખી દુનિયામાં ફેલાય જાય. પહેલાં એવું નહોતું. ટેલિફોન, ફેક્સ કે ઇમેલ નહોતા ત્યારે વર્ષ 1844માં મોર્સ કોડનાં સંશોધક મોર્સ સેમ્યુઅલે અમેરિકામાં પહેલી વાર બાલ્ટીમોર અને વોશિંગ્ટન વચ્ચે વાયરોનાં જાળા બીછાવ્યા. પહેલો સંદેશો બાઇબલની બૂક ઓફ નમ્બર્સમાંથી લીધો હતો: ‘ઇશ્વરે શેનું સર્જન કર્યું છે?’  પછી તો ઘણી કંપનીને સંદેશા વ્યવહારની આ પદ્ધતિમાં રસ પડ્યો. એટલે તેમણે પણ એક ગામથી બીજે ગામ થાંભલા નાંખ્યા, ઝાડનાં ઉપયોગ કર્યાં અને એની ઉપર તારનાં જાળા ટીંગાડ્યા. તે સમયે કારીગીરી કાંઇ એટલી સારી નહોતી. લોકોને એ તારનાં જાળા દ્રાક્ષનાં વેલાં જેવા લાગતા. એટલે તે સમયે સમાચાર મળે તો ક્યાંથી મળ્યા તો કહે કે પેલા ગ્રેપવાઇનમાંથી. એટલે એને ‘ગ્રેપવાઇન ટેલિગ્રાફ’ નામ અપાયું. પછી અમેરિકામાં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. યુદ્ધભૂમિનાં સમાચાર ટેલિગ્રાફથી મોકલાતા. પણ શત્રુ સૈનિકો એ જ ટેલિગ્રાફનો ઉપયોગ કરી ખોટા, ગેરમાર્ગે દોરતા સંદેશા પણ ફેલાવતા. લોકોને કાંઇ ખબર પડતી નહીં કે આ ગ્રેપવાઇનમાંથી મળતા સમાચાર પૈકી સાચા કયા અને ખોટા કયા? એટલે ગ્રેપવાઇન સમાચારની વિશ્વનીયતા પર શંકા થઇ. તે પરથી જેની કોઇ ખાત્રી ન થઇ શકે, જે અફવા હોય, ગોસિપ હોય એને ગ્રેપવાઇન કહેવાનો રિવાજ પડ્યો. મોર્સે પહેલો ટેલિગ્રાફિક સંદેશો મોકલ્યો’તો કે ઇશ્વરે શેનું સર્જન કર્યું છે?(What hath the God Wrought) અને એનો જવાબ એ છે કે ઇશ્વરે અફવાનું સર્જન કર્યું છે!

ગ્રેપવાઇન આમ તો સંદેશા વ્યવહારનો જ હિસ્સો છે. અને સાવ નકારાત્મક જ છે, એવું પણ નથી. વળી એ લવચીક છે; વેગીલા છે. જો કે એનો કોઇ દસ્તાવેજી પુરાવો ન હોઇ શકે. ભવિષ્યમાં એનો સંદર્ભ ટાંકી ન શકાય. ગ્રેપવાઇન સ્વયંસ્ફૂર્ત છે. હા, એ વાત અલગ છે કે એક કાનથી બીજા કાને પહોંચે ત્યાં કવિ દલપતરામનાં શબ્દોમાં- વા વાયો ને નળિયું ખસ્યું, એ જોઇને કૂતરું ભસ્યું, કોઇ કહે મેં દીઠો ચોર, બહુ થયો ત્યાં શોરબકોર- જેવો ઘાટ પણ થાય. ભારતીય મૂળનાં અમેરિકન અને પબ્લિક પર્સનલ મેનેજમેન્ટનાં નિષ્ણાંત જીતેન્દ્ર મિશ્રા કહે છે કે ગ્રેપવાઇન એ આપણી રાજકીય અને સામાજિક સિસ્ટમનો હિસ્સો છે. લોકશાહીનો અભિન્ન હિસ્સો છે. સત્ય જાણવું હોય તો અફવાથી અળગા રહ્યે ન ચાલે. પણ અફવાને માનો તો કોઇ તમને કાચા કાનનાં પણ કહે. સાવ બહેરા રહેવું એનાં કરતા તો કાચા કાનનાં હોવું સારું નહીં?! ઘણાં એવા ય હોય જે માને કે કૂતરાં ભસતા હોય તો ભલે ભસે, આપણે તો હાથીની જેમ ચાલ્યા જવું, પણ ભાઇ, કૂતરાં એટલાં માટે જ ભસતા’તા કે સંભાળો, આગળ ખાડો છે પણ હાથીભાઇએ આંખ આડા કાન કર્યાં. કાને ય સૂપડાં જેવા..અને હાથીભાઇ તો જાડા, પડ્યા મોટા ખાડામાં… ગ્રેપવાઇન શરૂ થાય છે ખરેખરા બનાવ પરથી. એટલે ગ્રેપવાઇન સાવ ધડમાથા વિનાની વાત નથી હોતી. ગ્રેપવાઇન નિરંજન નિરાકાર હોતી નથી. નિષ્ણાંતો માને છે કે સામાન્ય સ્થિતિમાં ગ્રેપવાઇનની 75% થી 95% માહિતી સાચી હોય છે. અર્ધસત્યથી વિશેષ સત્ય હોય છે એમાં. લોકોને એટલે રસ પડે છે કે ગ્રેપવાઇન કંટાળાને ટાળે છે, ઘટનાની ગૂઢતાનો ઉકેલ સમજાવે છે. આવું થયું હશે, પછી આમ અને પછી આખરે આવું થયું હશે. તાળો મળી જાય એટલે શાંતિ થઇ જાય. નિંદર આવી જાય. વળી તમે ગ્રેપવાઇનનાં વાહક હો એટલે બે લોકમાં પૂછાઓ, તમે તમારી તરફેણમાં સત્યને મરડી ય શકો. સત્ય ભલે મરડાતું નથી પણ આ દ્રાક્ષનાં વેલામાંથી દ્રાક્ષાસવ જરૂર બની શકે જે સ્વાસ્થ્યવર્ધક નીવડી ય શકે ! ગ્રેપવાઇનનાં આ પોઝિટિવ પાસા છે. તમે તમારી સંસ્થાનાં સ્વાસ્થ્ય, ચારિત્ર્ય, વલણ અને ઉત્પાદનક્ષમતાનો ચિતાર ચાતરી શકો. અલબત્ત સાંભળેલી વાતમાં સમજ્યા વિના આંધળો વિશ્વાસ મુકી દો ખત્તા પણ ખાઇ જાવ.માટે સાંભળવું, સંભાળવું, સંભારવું કે આ અફવા છે, સાચી પણ હોય !

1

શબદ આરતી:
આજની અફવા કાલની હેડલાઇન છે.                                                                                           –અમેરિકન રેડિયો કોમેન્ટેટર વૉલ્ટેર વિન્શેલ

1 ટીકા

Filed under Uncategorized

One response to “ગ્રેપવાઇન: અફવા છે જે સાચી પણ હોય./પરેશ પ્ર વ્યાસ

  1. એક ગ્રેપવાઈન આવી છે કે, પરેશ ભાઈ બાલ્ટિમોર આવી ગયા છે; કદાચ સાચી પણ હોય!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s