હોલોકાસ્ટ: કત્લેઆમ..પરેશ પ્ર વ્યાસ

00

 

 

 

 

હોલોકાસ્ટ: કત્લેઆમ..

ચારેતરફ ફરીથી હવે કત્લેઆમ છે,
આંખોમાં સૌની આજ આ કોનો પયામ છે?                                                                                                                   -વિવેક મનહર ટેલર

કત્લેઆમ થતી રહે છે. લોકોને ઘરબાર છોડીને ઉચાળા ભરવા પડે છે. આંખોમાં આજ સૌની શૈતાની પયામ છે. પણ આજે એવા લોકોની વાત કરવી જોઇએ જે આવી કત્લેઆમમાંથી બચી ગયેલા છે.  કારણ એ છે કે ગઇ કાલે ઇન્ટરનેશનલ હોલોકાસ્ટ રિમેમ્બરન્સ ડે એટલે કે કત્લેઆમનો ભોગ બનેલાંઓને શ્રદ્ધાંજલિ આપવાનો અને એમાંથી બચી ગયેલા લોકો યાદ કરવાનો અને એમ કહેવાનો દિવસ હતો કે શાંતિ, ભાઇચારો અને પ્રેમ જ અલ્ટિમેટ ઉપાય છે. યુનાઇટેડ નેશન્સ આ દિવસને ઉજવે છે. આ આખું અઠવાડિયુ આની ઉજવણી થાય છે. આપણને યાદ રહે કે દુનિયામાં આજે પણ ઠેકઠેકાણે જંગલરાજ છે. જેનો સૌથી વધુ ભોગ બને છે સ્ત્રીઓ અને બાળકો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન નાઝી નરસંહારમાં સાઠ લાખ યહૂદીઓ, દસ લાખ રખડૂઓ, અઢી લાખ વિકલાંગો અને નવ હજાર સમલિંગીઓનો મૌતને ઘાટ ઉતારાયા હતા. પણ હિટલર હાર્યો. આજથી સાંઇઠ વર્ષ પહેલાં બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન 27 જાન્યુઆરી, 1945નાં દિવસે સોવિયેત સેનાએ જર્મન નાઝીનાં સૌથી ભયાનક સંહાર શિબિર ઓસવિસ્ટ બિયાકનૌને  અત્યાચારમાંથી મુક્ત કર્યો હતો.  એની ષષ્ઠિપૂર્તિ ઉજવણી છે આજે. આ નરસંહાર શિબિરમાંથી બચી ગયેલા લેખક પોતાનાં પુસ્તક ‘નાઇટ’ માં લખે છે કે ‘આવા હોલોકાસ્ટમાંથી બચી ગયેલાને ભૂલી જવા એ તો એમને બીજી વાર મરવા દેવા જેવું થયું’. એટલે એમની સ્મૃતિમાં આ આખું અઠવાડિયું વિવિધ દેશોમાં શૈક્ષણિક ચર્ચાઓ થાય છે અને આમ ફરીથી ન થાય એ માટે લોકો ગંભીર બને તેનો સંદેશ અપાય છે. અહીં ધાર્મિક અસહિષ્ણુતા , ઉશ્કેરણી અને હિંસાને ત્યાગવાની વાત છે. એ અલગ વાત છે કે  કત્લેઆમ તો ચાલુ જ છે. પેશાવર હોય કે પેરિસ, ન્યૂયોર્ક હોય કે મુંબઇ. તાલિબાન દુનિયાને બાનમાં લે છે અને દુનિયાદારો તાલી પાડતા રહી જાય છે. ઇસ્લામ ધર્મ ક્યારેય કહેતો નથી કે કત્લેઆમ કરો પણ આવા આતંકીઓ ધર્મનાં નામે, ઇસ્લામિક સ્ટેટનાં નામે હોલોકાસ્ટ કરતા રહે છે. ધર્મને બદનામ કરતા રહે છે. મલાલાનો ય મલાજો રાખતા નથી એવા દરિંદાઓ ખૂનામરકીનાં હેવાયા થયા છે. જો આમ જ ચાલશે તો દર મહિને, દર મહિને શું, દર અઠવાડિયે હોલોકાસ્ટ રિમેમ્બરન્સ ડે મનાવવો પડશે. અમથું ય 9/11 કે 26/11નાં દિવસો તો તવારીખમાં લાલ અક્ષરે અંકિત થયા જ છે. પણ આપણે તો શબ્દ હોલોકાસ્ટ (Holocaust)ની ચર્ચા કરવી છે. શું છે આ હોલોકાસ્ટ?

મૂળ ગ્રીક શબ્દ હોલોકોસ્ટાન એટલે બાળીને આપેલું બલિદાન. હોલ એટલે આખેઆખું અને કોસ્ટાન એટલે બાળી નાંખવું. મૂળ બાઇબિલિક શબ્દનો અર્થ અગ્નિ આહૂતિ પણ પછી અઢારમી સદીમાં નરસંહાર માટે વપરાયો. બીજા વિશ્વયુદ્ધમાં યહૂદીઓની કત્લેઆમ માટે આ શબ્દ ફરી જન્મ્યો. અમેરિકી મનોચિકિત્સક અને યુદ્ધ અને રાજકીય હિંસાનાં કારણોનાં સંશોધક રોબર્ટ લિફ્ટન પોતાનાં પુસ્તક ‘નાઝી ડોક્ટર’માં લખે છે કે માનવ મન  એવું છે કે નરસંહારને પણ અગ્નિ આહૂતિ જેવું રૂપકડું નામ આપી દે છે. મેકમિલન ડિક્સનરી અનુસાર હોલોકાસ્ટ એટલે એવું યુદ્ધ જેમાં સામાન્ય માનવીઓ મોટી સંખ્યામાં મરે છે.

હોલોકાસ્ટ પાછળ શું છે? ડાર્વિનનો ઉત્કાંતિવાદ શું કહે છે? જીવવા માટે જહેમત અને બચે એ જ જે લાયક હોય. કેલિફોર્નિયા યુનિવર્સિટીનાં ઇતિહાસનાં પ્રોફેસર રિચાર્ડ વિકાર્ટ માને છે કે દરેક હોલોકાસ્ટ પાછળ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જવાબદાર છે. હિટલર પણ માનતો કે યહૂદી, વિકલાંગો , રખડૂઓ અને સમલિંગિકોનો સંહાર કરીને પૃથ્વીને લાયક માણસોની પ્રજોત્પતિ આપવી જરૂરી છે. ડાર્વિનવાદ એવી વિચારસરણીનો જન્મદાતા છે જે માને છે કે પોતાનાથી ઉતરતા માણસોને મારી નાંખવા યોગ્ય છે અથવા એમ કરવું હિતાવહ છે. નાઝીઓનાં અત્યાચારમાંથી બચી ગયેલા ઓસ્ટ્રિયન યહૂદી સાયમન વાઇઝેન્થલ પછીથી ગુનેગાર નાઝીઓને શોધનાર એટલે કે નાઝી હન્ટર તરીકે જાણીતા થયા. તેઓ માનતા કે શૈતાનની શક્તિ વધે તે માટે સારા માણસોની ચૂપકીદી પૂરતી છે. યસ, આપણે પણ ચૂપ રહીએ એટલે હોલોકાસ્ટનો ભોગ બનીએ છીએ. હોલોકાસ્ટની પૃષ્ઠભૂમિ પર બનેલી સાત સાત એકેડેમી ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ શિન્ડલર્સ લિસ્ટમાં ગુજરાતી મૂળનાં (ગાંધી ફેઇમ) બેન કિંગ્સલેએ જે પાત્ર ભજવ્યું હતું એ ઇસ્ટજાહક સ્ટર્નનો એક સંવાદ જાણીતો છે. “ આ હિબ્રુ છે. તાલમુદમાંથી. એ કહે છે કે જો કોઇ પણ એક જીવન બચાવે છે એ આખી દુનિયાને બચાવે છે.”

હોલોકાસ્ટ થતા રહેશે જો ચૂપ રહીશું તો. આંતકવાદી હૂમલાઓ માટે જાસૂસી નિષ્ફળતાનું કારણ દેવાય છે. દર અસલ આપણી વચ્ચે જ નિર્દોષ લાગતા ‘સ્લીપર સેલ’ મૌજુદ છે. વખત આવ્યે તેઓ આતંકીઓની મદદ કરે છે. ખુદ આતંકી બને છે. પેરિસ હુમલાઓ પાછળ પણ આ જ આતંકીઓ જવાબદાર હતા. વરસાદ નહીં પડે પણ છત્રી તો સાથે રાખવી જ. ધર્મની રક્ષાનાં રૂપાળા ઓઠાં હેઠળ નરસંહારની પ્રવૃત્તિ અટકાવવી રહી. જે રીતે પ્રતિકાર થઇ શકે એ રીતે…

શબદ આરતી:                                                                                                ‘હોલોકાસ્ટ દરમ્યાન ઇશ્વર જરૂર રજા પર હોવો જોઇએ’ -સાયમન વાઇઝેન્થલ

0

 

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s