પ્રયોગશીલ નાટ્યક્ષેત્રનો વીર : મનોજ શાહ – મનોજ જોશી

મનોજ શાહ

કેટલીક વ્યક્તિ વિશે આપણે સાંભળ્યું હોય, ક્યાંક વાંચ્યું હોય અને એ જ વ્યક્તિ ક્યારેક, એકાએક રૂબરૂ આવી જાય ત્યારે તેને મળીને કેવો રોમાંચ થાય? આવો જ રોમાંચ મને આપણી પ્રયોગશીલ ગુજરાતી રંગભૂમિના ‘મુઠી ઊચેરા માણસ’ અને સાહિત્યિક નાટ્ય કૃતિઓ માટે સતત મથતા ઝઝૂમતા દિગ્દર્શક મનોજ શાહને મળ્યો ત્યારે થયો. થોડાંક વર્ષો પહેલા મુંબઈ ખાતે ગુજરાતીના અધ્યાપક સંઘના અધિવેશન નિમિત્તે તેમનું અદભુત નાટક ‘માસ્ટર ફૂલમણિ’ જોયેલું ત્યારે ખૂબ જ હરખ થયેલો કે મુંબઈ નગરીમાં એક ગુજરાતી માણસ, ગુજરાતી સાહિત્ય માટે, સાહિત્યિક રંગમંચ માટે કેવું તપ કરી રહ્યો છે! ત્યારે તો મળવાનું ન બન્યું. ‘માસ્ટર ફૂલમણિ’ ને કારણે આ માણસ મન હદયમાં પડઘાયા કરતો હતો. એવામાં હમણા જ ભાવનગર અને મહુવા ખાતે શ્રી મનોજ શાહ તેમના ‘આઈડિયાઝ અનલિમિટેડ’ ના કલાપરિવાર સમેત મળી ગયા. અને પે’લો રોમાંચ ફરી રગેરગમાં ફરતો થયો.

ગુજરાતી સહિત્યમાં કપરામાં કપરું કોઈ સ્વરૂપ હોય તો તે નાટક છે.અને એમાંય પૂર્ણપણે, શુદ્ધ અને શાસ્ત્રીય રીતે, સાહિત્યિક કહી શકાય એવાં નાટકો મેળવવા કે નાટ્યરૂપાંતર કરીને ભજવવામાં એ ખૂબ અઘરું કામ છે. પણ જેમના દિલ અને દિમાગમાં આવી કૃતિના મંચન માટેના પારાવાર પ્રયોગો (આઈડિયાઝ અનલિમિટેડ) અવિરત ચાલતા હોય, તેને માટે રંગમંચ એક યુદ્ધભૂમિ છે. અને આ ભૂમિમાં લડતો એકલવીર એટલે જ મનોજ શાહ. છેલ્લા પાંચ-સાત વર્ષમાં આ માણસે ગુજરાતી સાહિત્યની કેટલીક શ્રેષ્ઠ-યાદગાર અને ચિરંજીવી એવી ગદ્ય – પદ્ય કૃતિઓને શ્રેષ્ઠ રંગમંચીય આવિર્ભાવ આપ્યો છે. એમણે જે કૃતિઓનું મંચનકર્મ કર્યું છે, તે કૃતિ અને તેના સર્જકોની માત્ર યાદી તપાસીએ ત્યારે આપણા અસ્તિત્વમાં આશ્વર્યની હારમાળા સર્જતી અનુભવાશે. ‘રજપૂતાણી (ધૂમકેતુ)’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ તથા ‘સોક્રેટિસ’ (દર્શક), ‘ભારેલો અગ્નિ’ (ર.વ. દેસાઈ), ‘મોનજી રૂદર’ (સ્વામી આનંદ), ‘રૂણાનુબંધ’( પ્રવીણસિંહ ચાવડા), ‘જક્ષિણી’ તથા ‘મુકુન્દરાય’ (રા.વિ. પાઠક), ‘લાન્કુશાનનો વજીર’ (ચં.ચી. મહેતા), ‘જગ્ગા ડાકુ’, ‘ભેદ ભરમ’, ‘સંસારી સાધુ’, ‘જડ-ચેતન’(હરકિશન મહેતા), ‘ક્ષ્રેમરાજ અને સાધ્વી’ (ગો.મા. ત્રિપાઠી), ‘બ્લુ જીન્સ’ (ચંદ્રકાન્ત શાહ), ‘આંગુતક’ (ધીરુબહેન પટેલ), ‘અખો આખબોલો’ (અખો), ‘માસ્ટર કૂલમણિ’, ‘ગુજરાતની અસ્મિતા’, ‘ગમતાંનો કરીએ ગુલાલ’, ‘મરીઝ’ વગેરે જેવી સફળ અને સશક્ત સાહિત્યિક કૃતિઓને આ ગુજ્જુ દિગ્દર્શકે પોતાનું લોહી રેડીને, રંગમંચ પર જીવંત કરીને, આજની ગુજરાતી રંગભૂમિનો ઈતિહાસ બદલી નાખ્યો છે. શાંત ચિત્તે અને ધીર-ગંભીર પણે, પણ મક્કમ પગલાં પાડીને ગુજરાતની પ્રજાને ‘જોવાં જેવાં’ નાટકોનો પરિચય કરાવ્યો છે. આજે ‘ન જોવાં જેવા’ કેટલાય નાટકોની એક વણઝાર આપણી નજર સામેથી પસાર થઈ રહી છે, ત્યારે શ્રી મનોજ શાહે કેળવેલાં સાહિત્યિક નાટકો તરફ જો આપણે નજર નહિ કરીએ, તો આપણે ઘણું બધું ગુમાવીશું.

કવિતાઓ કે નવલિકાઓ, નવકથાઓમાં પણ અદભુત રંમંચીય ક્ષમતા હોય છે એવું મનોજ શાહની નાટ્યકૃતિ નિહાળ્યા પછી આપણને ચોક્કસ પ્રતીત થાય છે. શ્રી મનોજ શાહે કેટલાંય ‘મોનોલોગ’ના પણ પ્રયોગો સફળતાપૂર્વક કર્યા છે. ‘પરપોટાના દેશમાં’ – એ અમેરિકા સ્થાયી થયેલા આપણી ભાષાના કવિયત્રી શ્રી પન્ના નાયકની કવિતાઓનું મંચન સ્વરૂપ છે. એને આપણે ‘નાટ્યાત્મક પાઠ’ એવું નામાભિધાન આપી શકીએ. આપણા જાણીતા હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડનું સુપ્રસિદ્ધ પાત્ર ‘વનેચંદનો વરઘોડો’ એનાથી કયો ગુજરાતી અજાણ હશે? શ્રી મનોજશાહે ‘વનેચંદનો વરઘોડો’ ને પણ રંગમંચ પર મૂકવાનું સાહસ કર્યું છે. જેની આપણાં સૌરાષ્ટ્ર-ગુજરાતના બહુ ઓછા લોકોને ખબર હશે! મુંબઈની મશીન જેવી, સતત દોડધામની જિંદગીમાં પ્રયોગશીલ ગુજરાતી નાટકો માટે કે શુદ્ધ સાહિત્યિક નાટકો માટે વીર નર્મદની જેમ જ વીર મનોજ શાહ પણ સતત મથામણો કરે છે, ત્યારે એનાં હૈયામાં કેટલીક અકળામણો પણ હશે. પણ એ અકળામણ ક્યારેય કળાવા ન દે એવા એ ઉત્તમ કલાકાર છે.

‘આઈડિયાઝ અનલિમિટેડ’ માટે એની પાસે ઉત્તમ અને જબરદસ્ત પરફોર્મન્સવાળા અનલિમિટડ કલાકારોનો પણ સધિયારો એને મળ્યો છે, કે જે એમની આ નાટ્યયાત્રામાં મશાલ લઈને સામેલ થયા છે. પ્રકાશ કાપડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, કાંતિ પટેલ, રાજુ દવે, વિનીત શુક્લ, વિપુલ ભાર્ગવ, અંકિત ત્રિવેદી વગેરે જેવા રંગમંચના શ્રેષ્ઠ રંગકર્મીઓની હૂંફ અને હોંશને કારણે દિગ્ગજ દિગ્દર્શક આવા પ્રયોગશીલ સાહસો કરે છે.

ભામાશા નાટકનું એક દ્રશ્ય

થોડો સમય પહેલાં જ ભાવનગર અને મહુવા ખાતે મનોજ શાહ પોતાના શ્રેષ્ઠ ત્રણ નાટકો લઈને સૌરાષ્ટ્રને તરબતર કરી ગયાં. જેમાં ‘માસ્ટર ફૂલમણિ’ નાટક તો મેં મુંબઈ ખાતે માણ્યું હતું તો પણ ખાસ એ નાટક જોવા માટે જ હું અને મારા કેટલાક મિત્રો અહીંથી ભાવનગર ગયા હતા. યશવંતરાય નાટ્યગૃહમાં આ નાટકનો ટિકીટ શો યોજાયેલો હતો. પણ દુ:ખ સાથે એ નોંધવું જ પડે કે ‘સાંસ્કૃતિક નગરી’ તરીકે ઓળખાતું ભાવનગર શહેર આ નાટકને માણવા – વધાવવા માટે ઊણું ઉતર્યું. મુંબઈ અને અન્ય શહેરોમાં કે જ્યાં ગુજરાતી પ્રજાએ આ નાટકને ખૂબ જ માણ્યું છે અને હાઉસફૂલ શો થયા છે ત્યારે ભાવનગરમાં અમોને એ શ્રદ્ધા હતી જ કે હાઉસફૂલ થશે જ પરંતુ મનોજ શાહ અને એના કલાકારોને અને અમને સૌને (અમે તો છેક… રાજકોટથી ગયેલા) પણ આશ્ર્વર્ય સાથે આઘાત લાગ્યો, કેમકે આવા શ્રેષ્ઠ નાટકમાં પણ નાટ્યગૃહ અડધોઅડધ ખાલી હતું. ‘માસ્ટરફૂલમણિ’ નાટકના સંવાદમાં પણ ક્યારેક કયારેક કલાકારો ‘ઓછી સંખ્યા’ વિશે માર્મિક- વેધક કટાક્ષો કરી દેતા હતા.

‘માસ્ટર ફૂલમણિ’ મૂળ મરાઠી લેખક સતીષ આળેકરનાં ‘બેગમ બર્વે’ નાટકનો ગુજરાતી અનુવાદ છે. જેમાં ‘ફૂલમણિ’નું પાત્ર ચિરાગ વોરાએ અફલાતૂન રીતે ભજવ્યું છે. (ચિરાગ વોરા મૂળ ભાવનગરના છે) આ ક્ષણે મને યાદ આવે છે, આપણી જૂની રંગભૂમિના જયશંકર ભોજક ઉર્ફ જયશંકર ‘સુંદરી’ (પ્રસિદ્ધ નાટ્યકર્મી, ભવાઈકર્મી દિનકર ભોજકના પિતાશ્રી) કે જેમણે જૂની રંગભૂમિનાં નાટકોમાં સ્ત્રીપાત્ર એવું તો ઉત્તમ રીતે ભજવ્યું હતું કે તેમને ‘સુંદરી’ તરીકેનો ઈકલાબ મળ્યો, તેથી આજે આપણે સૌ એમને જયશંકર ‘સુંદરી’ તરીકે જ ઓળખીએ છીએ. એટલું જ નહિ, આજે તો અમદાવાદનું એક નાટ્યગૃહ પણ ‘જયશંકર સુંદરી’ હોલ તરીકે પ્રસિદ્ધ છે. જયશંકર ‘સુંદરી’ વિશે તો મેં માત્ર વાતો કે પ્રસંગો સાંભળ્યા છે કે એમના વિશે વાંચ્યું છે. પરંતુ! ‘માસ્ટર ફ્લમણિ’ માં ચિરાગ વોરાનો સ્ત્રીપાત્રનો આબેહુબ અભિનય, એમનું આંગિકમ – વાચિકમ નિહાળીને અભિભૂત જ થઈ જવાયું.

‘માસ્ટર ફૂલમણિ’માં મનોજ શાહે આપણી જૂની ગુજરાતી રંગભૂમિના નાટકમાં આવતાં, ખૂબ જ પ્રસિદ્ધ થયેલા અને આજે પણ જે ગીતોને ગુજરાતી પ્રજા હજુ સુધી ભૂલી નથી એવા લોકપ્રિય ગીતોની હારમાળાની શૃંખલા ગૂંથી છે. ‘મીઠાં લાગ્યા તે મને આજના ઉજાગરા’, ‘ઝટ જાઓ ચંદન હાર લાવો’, પહેલા પહેલા જુગમાં રાણી’ – વગેરે જેવાં અસંખ્ય ગીતોની જીવંત રજૂઆત એ આ નાટકનું શ્રેષ્ઠ અને સશક્ત પાસું છે. આ નાટકમાં ચિરાગ વોરા, ડૉ.પરાગ ઝવેરી, ઉતકર્ષ મજુમદાર અને ખુદ મનોજ શાહ પણ જૂની રંગભૂમિનાં નાટકો વખતે ઘણાં-ઘણાં ગીતો ને ‘વન્સમોર’ પડતો (મળતો) એમ, ‘માસ્ટર ફૂલમણિ’ માં પણ કેટલાંય ગીતોને ‘વન્સમોર’ મળતા હતા સૌ કલાકારો દિલથી એ ગીતોની અભિવ્યક્તિ કરતાં હતાં. એમાંય ઉતકર્ષ મજુમદારનો ઘેરો- પહાડી અવાજ, શાસ્ત્રીય હલક સાથેની તેમની જીવંત ગાયકી નાટકના વાતાવરણને જોમવંતું બનાવતી હતી. હાર્મોનિયમ અને ઢોલક એવાં માત્ર બે જ વાદ્યોની સંગાથે આ ચારેય કલાકારો જે રીતે ‘ઓન સ્ટેજસીંગીંગ પરફોર્મન્સ’ કરતા હતા-એ જોઈને આપણને એમજ અલાગે કે આ દરેક અભિનેતાઓ ઉત્તમ ગાયકો પણ છે. ‘માસ્ટર ફૂલમણિ’ એ આપણી આજની ગુજરાતી રંગભૂમિનું મહામૂલું ઘરેણું છે. રાજકોટમાં તેનું મંચન થવાનું હજું બાકી છે. અહીં મેં આ નાટકની કથાવસ્તુનો ઉલ્લેખ એટલા માટે ટાળ્યો છે કે, જો નાટકનું જીવાતું તત્વ કથાનો વર્ણન- આસ્વાદ કરી દઉં તો પછી નાટક માણવાનો આનંદ ખોવાઈ જાય અને આ નાટકનું રહસ્યતત્વ એ ચિરાગ વોરાની સ્ત્રીપાત્રની ભજવણીમાં જ છુપાયેલું છે. તે નાટક સાક્ષાત જોઈએ તો જ અનુભવાય એવી વાત છે. આજે જ્યારે સાહિત્યિક નાટક કે એવા નાટકોની સ્થિતિ વ્યાવસાયિક અને છેલબટાઉ નાટકની વચ્ચે, અસ્તિત્વ ટકાવવાની હોડ જેવું વાતાવરણ છે ત્યારે ‘માસ્ટર ફૂલમણિ’ અને ‘મરીઝ’ એ માત્ર ઉત્તમ આશ્ર્વાસન જ નહિ, પણ શ્રેષ્ઠ શ્રદ્ધા છે. તો, હે ભાવક! ‘માસ્ટર ફૂલમણિ’ નાટક જોવા માટેનો સંકલ્પ કરો અને સંકલ્પપૂર્તિ માટે પુરુષાર્થી બની જાગૃત રહો. આવતા, શુક્રવારે ફરી આપણે મનોજ શાહની અન્ય બે કુતિઓ ‘ગુજરાતની અસ્મિતા’ અને ‘મરીઝ’ની નાટ્યયાત્રા શરૂ કરીશું. મહુવા નગરપાલિકાએ તાજેતરમાં આ બન્ને નાટકો ખાસ મુંબઈથી બોલાવીને પ્રજાજનો વચ્ચે મૂકેલાં. અને મહુવાની સમગ્ર પ્રજાએ પારેખ કોલેજનાં વિશાળ મેદાનમાં આ નાટકોને મન ભરીને માણ્યાં. હું પણ આ બે નાટ્ય પ્રયોગોને નિહાળવા માટે જ રાજકોટથી મહુવા ગયેલો અને મનોજ શાહની આંખોમાં અંજાયેલા આશ્ચર્યો મેં અનુભવ્યા હતા.

– મનોજ જોશી

બિલિપત્ર

“સપનાની કદી હરીફાઈ ન હોય,
એ તો એકલાં ને અધૂરાં સારાં”
(‘માસ્ટર ફૂલમણિ’ નાટકમાંથી)

મનોજભાઈ શાહના નાટ્યક્ષેત્રમાં પદાર્પણ, તેમના સશક્ત નાટકો અને તેમના દિગ્દર્શનની હથોટી વિશે મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય (વિપુલ ભાર્ગવ) પાસેથી પૃથ્વી થિયેટર, મુંબઈના કૅફૅટેરીયામાં બેસીને આયરીશ કોફીની ચુસકીઓ વચ્ચે મનોજભાઈની હાજરીમાં જ સાંભળેલું, એ પછી તેમની સાથે ડિનરનો લાભ મળ્યો ત્યારે તેમના સરળ પરંતુ સાહિત્ય પ્રત્યે સમર્પિત વ્યક્તિત્વનો સુપેરે પરિચય થયો. આપણી કૃતિઓને નાટ્ય રૂપરંગમાં વણીને જે રીતે તેઓ મંચ પર મૂકે છે એ અવર્ણનીય અને અદભુત છે. અહીં એક અફસોસ પણ છે, અન્ય કોઈ પણ ભાષાએ પોતાના આવા લાડકા સપૂતને માથે બેસાડ્યો હોય જ્યારે ગુજરાતના કેટલા લોકોને મનોજભાઈના આ પ્રદાન વિશે ખ્યાલ હશે? હાલમાં રજૂ થયેલું ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. તેમના વિશે શ્રી મનોજ જોશીએ ‘ફુલછાબ’ દૈનિકમાં સાપ્તાહિક કટાર અંતર્ગત થોડાક વર્ષ પહેલા લખેલ પરિચય લેખને આજે અહીં પ્રસ્તુત કર્યો છે જે પુસ્તક ‘શબ્દસૂરના સાથિયા’ માંથી સાભાર લીધો છે.

1 ટીકા

Filed under Uncategorized

One response to “પ્રયોગશીલ નાટ્યક્ષેત્રનો વીર : મનોજ શાહ – મનોજ જોશી

  1. તેમનો પરિચય ડેટા મેળવી આપો તો?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s