લેસે ફેઅર લીડરશિપ: Paresh P Vyas/

000bલેસે ફેઅર લીડરશિપ:

સમર્થકોને સ્વૈરવિહાર કરવાની છૂટ આપતી નેતાગીરી                          

વાયુમાં વિશ્વાસનું કારણ હતું; 
વણહલેસે વ્હાણ તો ચાલે જ છે.                                                                                                                                

  -ચિનુ મોદી ‘ઈર્શાદ’ 

આમ આદમી પાર્ટીનો અંદરનો ડખો સરેઆમ બહાર આવ્યો. એમની કારોબારી મળી. યાદવાસ્થળી જેવું કાંઇક થયું. યોગેન્દ્ર યાદવને તગેડાયા. પ્રશાંત ભૂષણને પાણીચું પકડાવ્યું. શાંતિ ભૂષણે શાંતિ રાખવા અપીલ કરી હતી પણ અપીલ ઇઝ ડિસમિસ્ડ, માય લોર્ડ ! વણહલેસે વહાણ તો ચાલે જ છે. પણ પવન ન હોય તો સઢવાળી નૌકા ચાલશે ખરી?  આજકાલ નેતાગીરીની ચર્ચા ચાલી રહી છે. નેતાગીરી ત્રણ પ્રકારની હોય છે. એક એવા નેતા હોય છે જે પોતાને સર્વસ્વ માને. મારો પડેલો બોલ ઝીલાવો જોઇએ. સમરથ કો નહીં દોષ, ગોંસાઇ. એ કહેવાય ઓટોક્રિટિક. બીજી નેતાગીરી હોય ડેમોક્રેટિક. સૌ સાથે મળીને મત આપે. ચર્ચા થાય. સાચો કે ખોટો પણ જે  નિર્ણય લેવાય એ બહુમતીએ લેવાય. ત્રીજી નેતાગીરી લેસે ફેઅર(Laissez Faire). આ પ્રકાર એવો છે કે જેમાં નેતા ખાસ નેતાગીરી ન કરે. પોતાનાં અનુયાયીઓને, સમર્થકોને યોગ્ય નિર્ણય લેવાની છૂટ આપે. તમે નક્કી કરો. શું કરવું? શું ન કરવું?  સમર્થકોકો નહીં દોષ ગોંસાઇ ! એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલનું ગોત્ર એક જ છે. બન્ને મૂળત: ઓટોક્રિટિક નેતા છે. અહમ્ બ્રહ્માસ્મિ. અમે કહીએ તે સાચુ વાલમ ! અને આપણાં દેશમાં એવી નેતાગીરી જ ચાલે. મનને મૌન રાખીએ, કાંઇ કહીએ નહીં, કાંઇ કરીએ નહીં તો કાંઇ વળે પણ નહીં. શક્તિશાળી નેતા હોય તો સાચુ કે ખોટું પણ… કાંઇ થાય તો ખરું. અરવિંદ કેજરીવાલ જો કે આ મીટીંગમાં હતા જ નહીં. આમ આદમી પાર્ટીમાં અનુયાયીઓનાં ભરોસે નિર્ણય લેવાયા. ઓટોક્રિટિકની આડમાં આ તો લેસે ફેઅર લીડરશિપ. લેસે ફેઅર શું છે? લેસે ફેઅર લીડરશિપ શું છે?

લેસે ફેઅર જો કે અર્થશાસ્ત્રનો શબ્દ છે. મૂળ ફ્રેંચ શબ્દનો અંગ્રેજી અર્થ ‘લેટ ડૂ’ એટલે ‘કરવા દો’. વિસ્તૃત અર્થ થાય: ઇચ્છા પડે તેમ છૂટથી કરવા દો. બન્યું એવું કે સને 1681માં ફ્રેંચ નાણાં મંત્રી જીન-બાપટિસ્ટ કોલબર્ટ અને એમ. લી જેન્દ્રેની આગેવાનીમાં બિઝનેસમેન મંડળ સાથે મીટીંગ થઇ. નાણાં મંત્રીએ બિઝનેસમેનને પૂછ્યું કે ‘સરકાર તમારી શી રીતે મદદ કરી શકે?’ બિઝનેસમેને સાવ સિમ્પલ જવાબ દીધો: ‘લેસે ફેઅર.’ અમને અમારી રીતે ધંધો કરવા દો. તમારી ડખલગીરી બંધ કરો. આમ ‘ફ્રી ટ્રેડ’ અથવા તો ‘નોન-ઇન્ટરફીઅરન્સ’નાં અર્થમાં લેસે ફેઅર શબ્દ દુનિયાભરમાં ફેલાયો. લેસે ફેઅર લીડરશિપ એક નેતાગીરીનાં અર્થમાં મનોવૈજ્ઞાનિકો લિવિન, લિપ્પિટ અને વ્હાઇટે સને 1940માં પુન: રજૂ કર્યો. લેસે ફેઅર એટલે એવી નેતાગીરી જે આપખુદ નથી. ખુદને ખુદા સમજતી નથી. એકહથ્થુ સત્તાવાદમાં માનતી નથી. પોતાનાં સમર્થકોને, પોતાનાં અનુયાયીઓને ‘આમ જ કરો’ એમ કહેતી નથી. પોતે પગ પર પગ ચઢાવીને બેસે,(અથવા સારવાર માટે બેંગલોર જાય !) અને અનુયાયીઓને છૂટો દોર આપે છે. તમને ગમે તે કરો. હા, આ લક્ષ્ય છે અને ત્યાં પહોંચવાનો માર્ગ આ હોઇ શકે એવી પૂર્વભૂમિકા જરૂર બાંધી આપે. તેઓ માને કે છૂટો દોર આપો તો અનુયાયીઓ, સાથીદારો કે કર્મચારીઓ વધારે ઉત્સાહથી કામ કરે. પરિણામ ચમત્કારિક આવે. જો કે આ ત્યાં જ ચાલે જ્યાં અનુયાયીઓ અનુભવી હોય, અનુયાયીઓ અક્કલવાળા હોય. અનુયાયીઓ અનાડી હોય તો નાવડી ડૂબાડી ય દેય.

ભારતનાં રાજકીય ફલક પર આમ આદમી પાર્ટી એક જબરજસ્ત ઘટના છે. તમે ટોમ એન્ડ જેરીનાં કાર્ટૂન જોયા હશે. જેરી આમ તો સાવ નાનકડો બચૂકડો ઉંદરડો. પણ ટોમ જેવા રાની બિલાડાનાં નાકમાં દમ કરે. એને છેડે, એને છંછેડે, એને સળી કરે અને ભાગી જાય. હાથમાં ન આવે. ‘આપ’ પાર્ટી જેરી છે. ટોમ બદલાતો રહે છે. પહેલાં યુપીએ હતો, હવે એનડીએ છે. આમ તો સાવ નાનો પક્ષ પણ એને નગણ્ય ગણી ન શકાય. એટલે એની આંતરિક ઘટના પણ સમાચારની દ્રષ્ટિએ અગત્યની થઇ પડે.

દર અસલ ગયા બુધવારે આમ આદમી પાર્ટીએ પોતાની જ પાર્ટીનાં બૌદ્ધિક અને માર્ગદર્શક નેતાઓને કાઢી મુક્યા એ ઘટના ત્રણેય પ્રકારની નેતાગીરીનો પરિચય કરાવતી ઘટના છે. અરવિંદ ઓટોક્રિટિક તો છે જ. એક અંગ્રેજી અખબારને મતે આખી ઘટનાનો દોરી સંચાર અરવિંદે પોતે ગેરહાજર રહીને કર્યો હતો.

પોતાનાં પર દિલ્હીનાં મુખ્યપ્રધાનની જવાબદારીનો ભાર છે એટલે પોતે પક્ષનાં પ્રમુખ રહેવા માંગતા નથી એવા કારણોસર રાજીનામું દીધું પણ એ મંજુર કરવા માટે નહોતું એ નક્કી હતું. પછી જે થયું એ ડેમોક્રેટિક નેતાગીરી જેમાં બધાએ પોતાનાં મત આપ્યા. ત્રણ સભ્યોએ મગનું નામ મરી ન પાડ્યું. 11 વિરુદ્ધ 3 મતથી કારોબારીએ બે વરિષ્ઠ નેતાઓને પક્ષનાં સર્વોચ્ચ કારોબારમાંથી મુક્ત કર્યા અથવા એવું કહી શકાય કે યોગેન્દ્રને યોગમુદ્રામાં બેસાડી દેવાયા અને પ્રશાંતને શાંત કરી દેવાયા. અને આ આખું ઓપરેશન લેસે ફેઅરનાં ઓથા હેઠળ થયું. અનુયાયીઓને છૂટ આપી કે તમે નક્કી કરો અને અનુયાયીઓએ હિઝ માસ્ટર્સ વોઇસની અસર તળે બન્ને બૌધિકોને બહાર કર્યા. મનોવૈજ્ઞાનિક લિવિન, લિપ્પિટ અને વ્હાઇટે લીડરશિપની કરેલી વ્યાખ્યા આમ એક જ ઘટનામાં થ્રી-ઇન-વન રીતે ઉજાગર થઇ.

સાચા આમ આદમી તો આપણે છીએ. પણ આપણે ઘણાં બધા છીએ. એટલે આપણાં નેતાની જવાબદારી કાંઇ ઓછી નથી. ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ને અમલ કરવાનું કામ સહેલું નથી. આપણી નેતાગીરી લેસે ફેઅરમાં વિશ્વાસ રાખે એટલે આપણને આપણી રીતે કરવાની છૂટ આપે તો આપણે કાંઇ કરીએ જ નહીં. ચલે ગયે થાનેદાર, અબ ડર કાહેકા. યુ સી ! નેતાગીરી જો ડેમોક્રેટિક હોય તો બધું દળી દળીને કુલડીમાં આવે. અને ઓટોક્રિટિક તો હિટલર ય હતો. પણ ટક્યો નહીં. સાપનાં લિસોટા હજી ય ચર્ચાતા રહે છે. એટલે આપણે કાંઇ ન કરવું. વોટ્સ એપ્પ પર બળાપો કાઢતા રહેવું. સડી ગયેલાં જોકનું રી-સાઇકલ કરતા રહેવું. જુઓ, નેતાગીરી ત્રણ પ્રકારની હોય છે..લાહૌલ વિલા કુવ્વત..

000a

શબદ આરતી:                           

“નેતાગીરી વિષેની મારી કલ્પના કાંઇ અલગ છે. નેતાગીરી કાંઇક એવી વસ્તુ છે, જે લોકોને એકબીજાની વધારે નજીક લાવે.” –અમેરિકી પૂર્વ રાષ્ટ્રપતિ જ્યોર્જ ડબલ્યૂ.

ઈ-વિદ્યાલય અને ગાર્ડિયન

     ઈ-વિદ્યાલય વિશે ઈ-વિદ્યાલય પર લખવાનું હોય? અને તે પણ દોઢ વર્ષ પછી?

પણ જ્યારે સુરતના ‘ગાર્ડિયન’ અખબારે ઈ-વિદ્યાલયને લગતો લેખ ૧૬મી માર્ચ -૨૦૧૫ ના  રોજ પ્રસિદ્ધ કર્યો, ત્યારે, નેટ પર લટાર  મારવા માહેર ન હોય તેવા ગુજરાતીઓ પણ ઈ-વિદ્યાલયની પ્રવૃત્તિથી માહિતગાર બની ગયા.

ગુજરાતી પ્રતિભા પરિચય પર આ સમાચાર તે જ દિવસે પ્રસિદ્ધ થયા હતા.

આ ચિત્ર પર 'ક્લિક' કરો.

આભાર ઈ-વિદ્યાલયના હિતેચ્છુ શ્રીમતિ કલ્પનાબેન દેસાઈનો.

હવે કલ્પનાબેનનો એ લેખ વિગતે વાંચીએ ….

આ ચિત્ર પર 'ક્લિક' કરી ઈવિદ્યાલયની મુલાકાત લો.

જેમ જેમ આપણે ‘ઈ’- યુગમાં આગળ ધપતા જઈએ છીએ; તેમ તેમ ખરીદી, સંદેશા વ્યવહાર, ટિકીટો ખરીદવી, એવાં ઘણાં રોજિંદા કામોમાં આપણે ઇન્ટરનેટ પર વધારે ને વધારે આધાર રાખતા થવા લાગ્યા છીએ. આને કારણે શીખવાની આપણી પધ્ધતિમાં પણ બદલાવ આવવા લાગ્યો છે.

ઈ-વિદ્યાલય આવા જ એક બદલાવ તરફનો પ્રામાણિક પ્રયત્ન છે – શીખવાની રીતમાં પરિવર્તન આવે, તે માટેનો પ્રયાસ. આશય એ છે કે, નવું જ્ઞાન સમજવાની પ્રક્રિયા સરળ બની જાય; તે વિદ્યાર્થીને માટે ખુબ સરળ હોય અને રસ પડે તેવી પણ હોય અને છતાં તેમાં સમય અને જગ્યાનું બંધન ન રહે.

ઈ-વિદ્યાલયમાં હાલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માટેની એક ઓન લાઈન વિડિયો લાયબ્રેરી છે. તેમાં હાલ ગણિત, ઝડપી ગણતરી અને ગુજરાતીના પ્રારંભિક શિક્ષણને લગતા વિડિયો મોજૂદ છે.

જો તમને ઈ વિદ્યાલયમાં રસ પડ્યો હોય તો ચાલો વિગતે જાણીએ કે, ક્યાં છે આ ઈ વિદ્યલાય ? અને કોણ છે એના શોધક ? સ્થાપક ? તમને જાણીને નવાઈ લાગશે કે, ફક્ત તેંત્રીસ વર્ષની ઉંમરે લગ્ન પછી, સ્વાસ્થ્ય અને સંજોગોને આધીન, હીરલબેનને કારકિર્દીમાં વિરામ મૂકવાની ફરજ પડી, તેમણે સમય, શિક્ષણ અને સેવા નો કેવો ત્રિવેણી સંગમ કર્યો!

હીરલ શાહ, તેના ઇવિદ્યાલયના કાર્ય અને કન્સેપ્ટ વિશે. હીરલબેનના શબ્દોમાં જ સમજીએ, ઇવિદ્યાલય શું છે? એનાં ફાયદા શું?

Hiral_Shah_11

      એક શિક્ષક થવું અને પરોક્ષ રીતે ભણાવવું, ઘણી મોટી જવાબદારી છે. મેં આ કામ સમયના સદઉપયોગ માટે અને સમાજનું રુણ ચૂકવવાના આશયથી શરુ કરેલું. મારું એવું અંગત મંતવ્ય ખરું કે જો અર્થ ઉપાર્જનને બ્રેક વાગે તો શિક્ષિત સ્ત્રીઓએ અને શિક્ષિત વડીલોએ આશીર્વાદ ઉપાર્જનનું ધ્યેય પકડી લેવું. આ દુનિયામાં સાવ આરામમાં કોઇ રહી શકે જ નહિં. બસ જે કરીએ તેને કંઇક અલગ રીતે, કોઇના કામ આવે તે રીતે કરવું. અને મારું આ નિઃસ્વાર્થ કામ, સુ.દાદાના અને બીજા બ્લોગ મિત્રોના સહકારથી દીપી ઉઠ્યું. એક બીજ વાવ્યું હવે બધાએ ભેગા મળીને એને ખાતર-પાણી આપવા જ રહ્યા.

વેદિક કાળમાં શિક્ષણ પ્રથા એટલે ગુરુકુળ.

         જો ગુરુકુળની વાત કરીએ તો તરત જ આપણી નજર સમક્ષ એક ચિત્ર ઉભું થશે. કે જેમાં એક વ્રુક્ષ નીચે ઋષિમુનિ બેઠા છે, સામે ૩૦ થી ૪૦ કુમારો (કુમારિકાઓ નહીં) ધ્યાનથી ગુરુજીને સાંભળે છે. કુમારો પરોઢિયે ઉઠીને યોગ, ધ્યાન, પૂજા, લાકડાં કાપવાથી લઇને, રસોઇ બનાવવી વગેરે ઘણાં કાર્યો કરે છે. પ્રાયોગિક ધોરણે તેમને યોગવિદ્યા, શસ્ત્રવિદ્યા વગેરે પણ શીખવવામાં આવે છે.

વર્તમાન શિક્ષણપ્રથા એટલે શાળામાં શિક્ષણ.

        જો શાળાની વાત કરીએ તો તરત જ આપણી નજર સમક્ષ એક ચિત્ર ઉભું થશે. કે જેમાં ૧ થી ૧૨ ધોરણ ના ઓરડા, ઓરડામાં ૫૦ થી ૬૦ વિદ્યાર્થીઓ, બ્લેકબોર્ડ, ચૉક, ડસ્ટર અને એક હાથમાં ચોપડી પકડીને બીજા હાથેથી બ્લેકબોર્ડ પર ભણાવતા શિક્ષક.

આ થઇ શિક્ષણપધ્ધતિ માટેની આપણી સમજણ.

        હવે આજથી વીસ-ત્રીસ વરસ પહેલાં ટી.વીના લીધે થયેલી ક્રાંતિને વિચારીએ. ટી.વીમાં આવતાં કેટલાંક શૈક્ષણિક પ્રોગ્રામ આજે પણ આપણે યુ-ટ્યુબ પર શોધીએ છીએ. જેમકે રવિવારની સવારે ઘેર ઘેર ગુંજતું ગીત ‘અનેકતા મેં એકતા’ કે એનીમેશન ‘ચલો સ્કૂલ ચલે હમ’ આપણને સૌને ગમતું. રોજ સાંજે દુરદર્શન પરથી પ્રસારિત ‘રમતાં-રમતાં’ કાર્યક્રમ, રવિવારે વિજ્ઞાન વિષયક શ્રેણી અને અવનવી જાણકારી પીરસતો પ્રોગ્રામ ‘સુરભિ’ આપણા દરેકના જીવનમાં વણાઇ ગયેલાં. કેમ ખરું ને?

        જો કે ‘જ્ઞાન સાથે ગમ્મત’ જેવા ત્રણ – ચાર શૈક્ષણિક પ્રોગ્રામ સિવાય ટી.વી/વી.સી.આર માત્ર મનોરંજન માટેનું સાધન જ બની રહ્યું અને તેથી કદાચ આપણને ઘણું નુકસાન થયું એમ કહી શકાય. ચાલો કંઇ વાંધો નહિ, પણ હવે તો ઇન્ટરનેટનો જમાનો છે. મોબાઇલમાં પણ ૩જી અને ૪જી ઘેર ઘેર સામાન્ય બની રહ્યાં છે. ૨૧ મી સદીમાં ઇન્ટરનેટના સહારે ક્રાંતિકારી બદલાવ આપણાં દરેકના જીવનમાં આવ્યો છે.

       જો ઇન્ટરનેટની વ્યાખ્યા વિચારીએ તો એક ચિત્ર આપણાં મનમાં ઉપસે કે, ઇન્ટરનેટ એટલે ‘જ્ઞાન નો ખજાનો’. જો કે સામાન્ય રીતે ઇન્ટરનેટ સાથેનો આપણો નાતો માત્ર પત્રવ્યવહાર, મનોરંજન, સોશિયલ મિડીયા, કે શોપિંગ પૂરતો જ સિમિત રહ્યો છે. હા, કંઇ પણ ખાંખાખોળા કરવા કે કુતુહલથી પ્રેરાઇને આપણે ગુગલ મહારાજને કાંઇક પૂછીએ તો સામાન્યરીતે વિકીપિડિયામાં ડૂબકી લગાવીએ છીએ. વાંચનના શોખીનો માટે ઓનલાઇન સમાચારપત્રો, સામાયિકો પ્રાદેશિક ભાષામાં પણ સહજ બનતા જાય છે. ખાંખાખોળા કરતાં ક્યારેક માહિતીસભર વેબસાઇટ કે બ્લોગ આપણા માટે આંગળીના ટેરવે એક નવી દુનિયાની સફર કરાવે છે. તેમ છતાં ઇન્ટરનેટના વધુ યોગ્ય અને વ્યાપક વપરાશથી આપણે ઘણા દૂર છીએ. ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય, ખેતી વગેરે ઘણાં ક્ષેત્રે નવી રાહે ખેડાણ કરવાનું છે.

    ‘જ્ઞાનનો ખજાનો’ હજુ એટલો સહજ નથી બની શક્યો કારણ કે એ રીતનું વાતાવરણ કે શિક્ષણપધ્ધતિથી આપણે હજુ ઘણાં દુર છીએ.

    ઇવિદ્યાલય એટલે એક એવી ઇ-શાળા કે જ્યાં બાળમંદિરથી લઇને બાર ધોરણ સુધીના બાળકો સમયના કશા બંધન વગર ભણી શકે. બૅંક વિશે જાણવું હોય કે ક્રેડિટ કાર્ડ વિશે, મોગલ સામ્રાજ્ય વિશે કે મોહેંજોદડો વિશે, વર્તુળનું ક્ષેત્રફળ શીખવું હોય કે ચુંબકના ગુણધર્મો. સંકલન, વિકલન કે ભૂમિતિ, દશાંશ સંખ્યા, નફો-ખોટ કે વેદિક ગણિત, ગેલેક્સી, માઇક્રોચીપ કે બાયોલોજીનો દેડકો. વ્યાકરણના નિયમો, અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ વધારવા મદદરુપ થતી અંગ્રેજી બાળવાર્તાઓ કે હોલીવુડની બાળકો માટેની મુવીસ, ઓરીગામી શીખવું હોય કે પ્રોગ્રામિંગ, દરેક મુદ્દાના સુયોગ્ય ગોઠવણીવાળા વિડીયોની એક લાઇબ્રેરી બનાવી અને તેને ઉંમર મુજબ, જે તે મુદ્દાને સુસંગત બીજા વધુ અભ્યાસ માટે પ્રેરિત કરી શકે તેવા વિડીયોની આપોઆપ થતી ગોઠવણી – જો એક વેબસાઇટ પર કરી શકીએ તો એક સુંદર મજાનું ઇવિદ્યાલય બને. આ ઇવિદ્યાલયમાં બાળસાહિત્ય, વાલીમિત્ર, શિક્ષકમિત્ર, માહિતીમિત્ર, હોબીલોબી, પ્રયોગઘર, ખાન એકેડેમીનાં હોમવર્ક માટેનાં ટુલ્સ, કરિયર માટેનું સોફ્ટવેર વગેરેનો સમાવેશ થાય છે.

       આ ઉપરાંત એમાં આપણે પ્રો. અરવિંદ ગુપ્તાના વિજ્ઞાન પ્રયોગો જેવાં રમકડાંના વિડીયોની – થિયરીના વિડીયોની સાથે સુસંગત ગોઠવણી, બાળપણથી લોજીકલ અપ્રોચ કેળવવામાં ઉપયોગી અને સરળતાથી પ્રોગ્રામિંગ શીખવતું સોફ્ટવેર સ્ક્રેચ વગેરે ઘણાં ઓરડાં બાંધી શકીએ. જેથી આપણાં સૌના બાળકો, આપણે વાલીઓ, શિક્ષકગણ દરેકને વ્યાવસાયિક શિક્ષણમાં ગુણવત્તા માટે ઘણી સરળતા રહે.

      બાળકો અને શિક્ષકો પ્રાયોગિક શિક્ષણ માટે વધુ સમય ફાળવી શકે. નબળા અને સબળા બધા વિદ્યાર્થીઓને ઇવિદ્યાલયથી ઘણો ફાયદો થાય. ગામડાનાં વિદ્યાર્થીઓ, અપંગ વિદ્યાર્થીઓ, અનાથ વિદ્યાર્થીઓ, રેડલાઇટ એરિયાના કે ઝુંપડપટ્ટીના બાળકો ને પણ મોબાઇલ મારફતે કે સરકારી શાળામાં ઓફલાઇન ઇવિદ્યાલય મારફત શહેરી ગુણવત્તાવાળું શિક્ષણ પ્રાપ્ત થઇ શકે.

      આવું કેવી રીતે શક્ય બને? ઇવિદ્યાલય મંદિરનું ભવ્યાતિભવ્ય સ્વરુપ બહુ સહજતાથી બની શકે, જો એને ઘડવા માટે ૫ થી ૭ સેવાભાવી શિક્ષકો મળે, ૨ થી ૩ ટેકનીકલ મિત્રોની ટીમ બને. ૩,૪ બાળસાહિત્ય રસિક મિત્રોની ટીમ બને. એક સુંદર ઇવિદ્યાલય આપણા સહુના બાળકોને મળે.

       આપણે સહુ ભણીએ છીએ, પછી આપણાં બાળકોને ભણાવીએ છીએ, અને પછી એમનાં બાળકોને ભણાવીએ છીએ. તો ચાલો, આ આખી પ્રક્રિયાને સરળ બનાવીએ. જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવે, ત્યાં સુધી આપણાં બાળકોને પેઢી દર પેઢી માત્ર એક જ વારની મહેનતથી ભણાવીએ.

      ગુજરાતમાં હાલ ૩૬૫૭૮ પ્રાથમિક શાળાઓ અને ૮૦ લાખ કરતાં વધારે બાળકો માત્ર સરકારી શાળાઓમાં જ અભ્યાસ કરે છે.આ શાળાઓમાં ૪૫૭૮ શાળાઓ એવી છે જે બ્રોડ બેન્ડથી કનેક્ટ થયેલી છે.૨૮,૦૦૦ કરતાં વધારે શાળાઓમા ઓછામાં ઓછું એક કોમ્પ્યુટર છે. આ વિગત માત્ર પ્રાથમિક શાળાઓની જ છે.

       ઇવિદ્યાલ મંદિરનું નિર્માણકાર્ય થઇ રહ્યું છે.

   યુટ્યુબ પર ‘EVidyalay’ અથવા http://www.evidyalay.net ની મુલાકાત લેવા આગ્રહભરી વિનંતી.

આ ચિત્ર પર 'ક્લિક' કરો

     ઇવિદ્યાલય મંદિરના નિર્માણમાં આપ પણ આપનાથી બનતું કરી છૂટશો એ અપેક્ષા સહ.    

વિદ્યાદાન એ શ્રેષ્ઠદાન છે.    

     

ઇવિદ્યાલયની શરુઆત કેવી રીતે થઇ?

લગ્ન પછી હીરલબેનને પતિ સાથે બે વરસ માટે યુ.કે જવાનું થયું. યુ. કે. માં બન્ને પાસે વર્ક પરમીટ હતી એટલે હીરલબહેને પણ એક સ્ટાર્ટઅપ કંપનીમાં R & D માં નોકરી લીધી. અહીંના હવામાન અને નોકરીની દોડધામની હીરલબહેનના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. એમણે વિચાર્યું, “કારકિર્દી માટે જિંદગી નથી પણ જિંદગી માટે કારકિર્દી છે”, આથી એમણે કારકિર્દીમાંથી વિરામ લીધો.

પ્રવૃતિ વગર બેસી રહેવાનું હીરલબહેનના સ્વભાવમાં નહોતું. નોકરી છોડ્યા બાદ તરત તેઓ યુ.એસ.એ. ની ઈ-જૈના લાયબ્રેરીની એજ્યુકેશન કમિટીમાં મેમ્બર બનીને પુસ્તક સંપાદન અને અનુવાદના કામમાં લાગી ગયાં .http://www.jainlibrary.org/ અને લીડ્સમાં જૈન સત્સંગ અને ઉત્સવોમાં સક્રીય રીતે ભાગ લેવાનું શરૂ કર્યું. સાથે સાથે ઇ-વિદ્યાલય અંતર્ગત યુ-ટ્યુબ ચેનલ પર ગણિત અને ગુજરાતી વિષયના વિડીયો બનાવવા શરુ કર્યા.

દરમ્યાન પ્રેગનન્સી વખતે ડોકટરી સલાહ મુજબ અમદાવાદ માતા-પિતા સાથે રહેવા જતાં રહ્યાં. મા-બાપ પાસે ફરી લાડ-કોડમાં સમય પસાર કરી દીકરી જિનાના જન્મ બાદ યુ. કે. પાછા આવી ગયાં.

ઇવિદ્યાલયના કાર્યને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા હીરલબેન યુ.કેમાં રહીને પણ મથામણ કર્યા કરતાં. એકલા હાથે એમણે લગભગ ૩૦૦ જેટલા વિડીયો બનાવ્યા. તેઓ વિચારે છે કે સરકારી શાળાના બાળકોને આપણાં બાળકો જેવી સગવડ ક્યારે નસીબ થશે? બધાને એક સમાન ભણતર કેવી રીતે મળે? અંગ્રેજીમાં તો ઘણું સહજતાથી ઉપલબ્ધ છે પણ ઉંચા સ્વપ્ના સેવતા, ગુજરાતી માધ્યમમાં ભણતા ગરીબ વિદ્યાર્થીના અંતરમનમાં કેટલો વલોપાત થતો હશે? આ પ્રશ્નોના જવાબરૂપે એમણે વિચાર્યું કે ટેકનોલોજીનો લાભ ગુજરાતના પ્રત્યેક ગામને મળે, અને જ્યાં વ્યવસ્થિત શાળાઓ નથી, ત્યાં ટેકનોલોજીની મદદથી શિક્ષણનો પ્રસાર થઈ શકે એટલા માટે એક સહિયારૂં આયોજન કરવું. ૨જી ઓકટોબર ૨૦૧૩માં શ્રી સુરેશભાઈ જાની અને અન્ય મિત્રોની મદદથી એમણે ઈ-વિદ્યાલયને નેટજગત પર ગુંજતુ કર્યું. આ કામ હજી શરૂઆતની સ્થિતિમાં છે, એમ છતાં એક વર્ષમાં સાડા ચાર લાખ લોકોએ મુખ્ય વેબ સાઈટ http://evidyalay.net/ અને બે લાખ લોકોએ યુ ટ્યુબમાં મૂકાયેલા વિડીયોસની મુલાકાત લીધી છે.

Hiral_family

હીરલબહેન, પતિ મિલન અને પુત્રી જિના સાથે

એક શિક્ષક કેટલા વિધ્યાર્થીઓને ભણાવી શકે? કદાચ એક વર્ગમાં વધુમાં વધુ ૫૦ થી ૬૦. પણ જો કોઇ સેવાભાવી સજ્જન કે સન્નારી જે ઉત્તમ શિક્ષણ પામેલા સદ્બભાગી છે અને જો તેઓ તેમના સંજોગો કે સમય સાથ આપી રહ્યા હોય અને તેઓ હિરલ બેનની જેમ બીજા વિષયોની વિડીયો લાઇબ્રેરી બનાવે તો! ગણિતમાં ધો. ૧૦,૧૧,૧૨ના વિડીયો બનાવે તો, અને એનો ઇવિદ્યાલય પર સમાવેશ થાય તો, ઇન્ટરનેટના માધ્યમથી, ઇન્ટરનેટ પર કેવી સુંદર મજાની ‘ભણો ગમે ત્યાં, ગમે ત્યારે’ ની શાળા બને! કેવું ઉત્તમ સેવા કાર્ય થાય.

      તમારી એક વારની મહેનત,  લાખો વિદ્યાર્થીઓને વરસો વરસ ઉપયોગી થશે. જ્યાં સુધી ગુજરાતી ભાષા જીવશે, ત્યાં સુધી તમારું ભણાવેલું નેટ પર ગુંજતુ રહેશે.

ગમ્યું?…તો ગમતાનો ગુલાલ કરો.Google+FacebookEmail

બુશ (2001-2009

5 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ, સમાચાર

5 responses to “લેસે ફેઅર લીડરશિપ: Paresh P Vyas/

 1. pragnaju

  vinodbhai patel
  to me
  આ પહેલાં વાંચ્યું હોય એમ લાગ્યું .ફરી તો પોસ્ટ નથી થયું ને ? ………………………………

  • pragnaju

   આપની વાત સાચી છે.
   .ચિ પરેશ દીવ્યભાસ્કરની પૂર્તિ કળશ માટે લખે છે.તેણે આ લખાણ ‘New Article for Kalash of 11th March’ માટે લખ્યું હતું પણ અમે તે લેખ આજે પોસ્ટ કરી શક્યા.
   આપનો પ્રતિભાવ જરુર આપતા રહેશો

 2. બે વખત વાંચ્યું પણ ગમ્યું કંટાળો નો આવ્યો .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.