હેપ્પી એઝ અ ક્લેમ: ખુશી મળે છે કોડીઓનાં દામ..Paresh P Vyas

00001

 

 

હેપ્પી એઝ અ ક્લેમ: ખુશી મળે છે કોડીઓનાં દામ..

જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.                                                                                                  

–મરીઝ

પરમ દિવસ સાચે જ પરમ છે. પરમ એટલે કાલ પછીની કાલ. પણ એનો બીજો અર્થ થાય છે: ઉત્તમ, શ્રેષ્ઠ. પરમ દિવસ કેમ શ્રેષ્ઠ છે? કારણ કે પરમ દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ હેપ્પીનેસ છે. યુનાઇટેડ નેશન્સે 2012માં ઠરાવ કર્યો કે દુનિયા આખીએ દર વર્ષની 20મી માર્ચનાં દિવસને ખુશીનાં દિવસ તરીકે ઉજવવો. પણ અમે નક્કી કર્યું કે આ તારીખ તો નિમિત્તમાત્ર. સદાકાળ ખુશ રહેવું મારો મૂળભૂત અધિકાર. મને ખુશ રહેતા કોઇ રોકી શકે તેમ નથી. કોઇ ટોકી શકે તેમ નથી. આરટીઆઇ(રાઇટ ટૂ ઇન્ફર્મેશન) હોય, આરટીઇ(રાઇટ ટૂ એજ્યુકેશન) હોય તો આરટીએચ(રાઇટ ટૂ હેપ્પીનેસ) કેમ નહીં? ખુશીનો અધિકાર તો જન્મદત્ત છે. આપણે ધારીએ તો આપણને કોઇ પણ નાખુશ કરી શકે તેમ નથી. ખુશીથી ફાટ ફાટ થતા જણને પૂછીએ કે ‘કેમ છો?’ તો જવાબ મળે ‘જલસો’. જેને બત્રીસે કોઠે મઝો મઝો હોય એને કહેવાય હેપ્પી એઝ અ ક્લેમ. ક્લેમ (Clam) એટલે અધખુલી દરિયાઇ છીપ. હસતી હોય, રાજીખુશીથી તમને બોલાવતી હોય. પોતે સ્વયંપર્યાપ્ત છે. કોઇ અભાવનો ભાવ નથી. જે છે એમાં બસ આનંદ છે. ખુશી છે. પ્રસન્નતા છે.

અમેરિકા ભલે એવો દેશ છે કે જેણે એનાં સંવિધાનમાં લોકોને ખુશ રહેવાનો અધિકાર આપ્યો છે. લાઇફ, લીબર્ટી એન્ડ ઇન પર્સ્યુટ ઓફ હેપ્પીનેસ. એટલે કે જીવવાનો, સ્વાધીનતાનો અને ખુશ રહેવા માટે પ્રવૃત્તિ કર્યા કરવાનો મૂળભૂત અધિકાર. પણ આપણો પાડોશી દેશ ભુતાન એવો દેશ છે કે જ્યાં હેપ્પીનેસ પોંખાય છે. દેશની સમૃદ્ધિનો માપદંડ સકળ ઘરેલૂ ઉત્પાદન(ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-જીડીપી) નથી પણ સકળ રાષ્ટ્રીય ખુશહાલી(ગ્રોસ નેશનલ હેપ્પીનેસ-જીએનપી) છે. સુખસમૃદ્ધિનાં માપદંડ માટે ભુતાનમાં લોકો પાસે કેટલા બંગલા, ગાડી, વાડી, વજીફા, ટીવી, લેપટોપ કે મોબાઇલ ફોન છે એની ગણત્રી કરવામાં આવતી નથી. અહીં લોકો આવી ભૌતિક સુખસગવડો ઉધારી કરીને વસાવતા નથી. અહીં લોકો હપ્તેથી ખરીદીમાં માનતા નથી. સરળ હપ્તા પણ એક જાતની ઉધારી જ છે. હપ્તા ભરવાની હાયવોયમાં આખી જિંદગી નીકળી જાય. અહીં પ્રદૂષણ નથી. ટ્રાફિક ઓછો. શોરબકોર તો અહીં કોઇ કરતું જ નથી. આ લોકો ખુશ છે. તંદુરસ્તી કેવી છે? લોકો જાડિયા છે? ડાયાબીટિસ કે ક્લોરેસ્ટોલથી પીડાય છે? ના રે ના. આગળ વધીએ તો મન-દુરસ્તી કેવીક છે? ઉદાસી (ડીપ્રેશન) કે ચિંતા(ઍંગ્ઝાયટિ)ની માનસિક બિમારીથી કેટલા લોકો પીડાય છે? અરે સાહેબ, એવું તો જવલ્લે જ જોવા મળે. લોકોને કામકાજ મળી રહે છે? હા રે હા. મજૂર કાયદા હેઠળ કેટલા દાવાદુવી કોરટકચેરીમાં ચાલે છે? એવું તો કાંઇ છે જ નથી. સામાજિક જીવન કેવું? લગ્ન જીવન સારું.  છૂટાછેડાનાં બનાવો માંડ આંગળીને વેઢે ગણાય એટલા. કોઇ કોઇનો ભેદભાવ નહીં. અને અભાવની રાજનીતિ તો બિલકુલ નહીં. પાડોશી દેશો સાથે લડઝઘડ નહીં. ટેન્શન નહીં લેનેકા ક્યા? અને આપણે તો સતત કૂતરાં પાછળ પડ્યા હોય એમ દોડાદોડ કરીએ છીએ. પરીક્ષામાં ટકા આવવા જોઇએ. પછી સારી કોલેજમાં એડમીશન. પછી નોકરીની હાયવોય. ખાવાના ઠેકાણાં નહીં. કામમાં ક્યાંક અટકીએ તો કોઇ થૂલિયા જેવો સાહેબ ખખડાવી નાંખે. સુખેથી રોટલો ખાવા ય ન દે. પોરો ખાવાની તો વાત જ જાવા દો. પોતાની માલિકીની કાર પણ ટ્રાફિક એટલો કે ચલાવવામાં કાંઇ મઝા જ ન આવે. માનસિક તાણ થાય તો દાક્તર ગોળીઓ આપે. ધોળી ધોળી ગોળીઓ વચ્ચે ક્યાંક લાલ પીળી બદામી કેપ્સ્યુલ્સ ભેગી મળે તો જીવનમાં ક્યાંક રંગીની આવ્યાનો એકમાત્ર અહેસાસ. બાકી બધું બકવાસ. પર્યાવરણવાદી આંત્રપ્યુનોર અને લેખક પૌલ હોકેન કહે છે કે આપણે ભવિષ્યને ચોરીને આપણી આજને વેચીએ છીએ અને એ ચોરીનાં માલને રૂપકડું નામ દઇએ છે; ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. આપણી લાલસાનો કોઇ અંત નથી. આપણી હેપ્પીનેસ ટીવીની સાઇઝ અને કારની કિંમત પર નિર્ભર થઇ જાય છે. એક બંગલા બને ન્યારા માટે વૈતરું કરતા કરતા, લોનનાં હપ્તા ભરતા ભરતા આપણી હેપ્પીનેસ આપણને હાથતાળી દઇ જાય છે. ભૌતિક સુખવાસ ખુશી લાવતો નથી. સાપેક્ષતાનાં સિદ્ધાંતનાં શોધક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું હેપ્પીનેસ વિષેનું કથન બહુ મઝાનું છે: ‘ટેબલ, ખુરશી, વાયોલીન અને ફળોની છાબલી; માણસને ખુશ રહેવા બીજું શું જોઇએ?’ તો તમે જ કહો કે આ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ એટલે શું? મને કોઇ પૂછે તો સાંઇ મકરંદની કાવ્યપંક્તિનો સંદર્ભ લઇને હું કહું તો આજે જે મળે છે એને ગજવામાં ન ભરતા એનો ગુલાલ કરીએ એ જ સકળ રાષ્ટ્રીય ખુશી.

મઝાની વાત એ છે કે કોઇનાં બાપની તાકાત નથી કે આપણને ખુશ થતા રોકી શકે. તમે આનંદી કાગડાની વાર્તા વાંચી હશે. રાજા એને ગારામાં ફેંકે તો કહે કે લપસણું કરતા શીખીએ છીએ ભાઇ. કૂવામાં ફેંકીએ તો કહે કે કૂવામાં તરતા શીખીએ છીએ ભાઇ.  અને કાંટાળા પાંજરામાં હડસેલે તો કહે કે કૂણા કાન વીંધાવીએ છીએ ભાઇ. કાગડા ભાઇ તો કાયમ રાજીનાં રાજી. રાજાને થાય કે ઉલટું કરી જોઇએ જો કદાચ દુ:ખી થાય. પાંજરું આંબા ડાળે મુક્યું તો એણે કોયલનાં ગીત સાંભળ્યા. ખીર આપી તો મોજથી ખાધી. આખરે એને પાંજરામાંથી છૂટો મેલ્યો તો આઝાદ થયાનો ય આનંદ. હેપ્પીનેસની ચાવી તમારા પોતાનાં જ હાથમાં છે. જેને દુ:ખી ન જ થવું હોય એને મન દરરોજ વર્લ્ડ હેપ્પીનેસ ડે છે. ઓસ્કાર વાઇલ્ડ કહેતા કે કેટલાંક એવા કે એ જ્યાં પણ જાય ત્યાં સઘળું હેપ્પી હેપ્પી કરી દે અને કેટલાંક જ્યારે જાય ત્યારે ત્યાં બધા હેપ્પી થૈ જાય. હાઇશ, ગયા !

શબદ આરતી:

00000c 000001

 

 

 

 

 

 

‘હેપ્પીનેસ એટલે દરેક દિવસ એ રીતે ગુજારવો જાણે કે એ તમારા હનીમૂનનો પહેલો દિવસ છે અને વેકેશનનો આખરી દિવસ’

–લિયો ટોલ્સટોય

8 ટિપ્પણીઓ

Filed under ઘટના

8 responses to “હેપ્પી એઝ અ ક્લેમ: ખુશી મળે છે કોડીઓનાં દામ..Paresh P Vyas

 1. ખુબ સુંદર લેખ. પરેશભાઈની વાત તદ્દન સાચી છે. આપણે સુખી અને આનંદિત રહેવાની કળા નથી જાણતા અને બધું હોવાં છત્તં પણ અકારણ દુખી થઈએ છીએ. આપણા દુખના કારણો તપાસીએ તો મુખ્ય કારણ આપણે પોતે જ હોઈએ છીએ. ઈન્ટરનેશનલ ડે ફોર હેપીનેસની ઉજવણી અમેરિકામાં કેમ થાય છે તેની મને ખબર નથી પરંતુ માનવ સ્વભાવની ખબર છે એટલ્ે અનુમાન કરું છું કે ઈન્ટરનેશનલ હેપી ડે પર લોકો તારક હોટલોમાં કે કેશિનોમાં જઈ લજીજ ભોજ, ડાંસ અને શરાબ પીતા હશે. કદાચ ખીસ્સાને આ ખર્ચ પોષાય તેમ ન હોય તેવા લોકો ઘરે બેઠા વ્યંજનો પકાવતા હશે કે નાની મોટી પાર્ટી કરી બનાવટી હેપીનેસની મજા માણતા હશે. અહીં દરેક જણ હેપી થવા માંગે છે પણ હેપીનેસ કોને કહેવાય અને હેપી કેમ થવાય તેની ખબર નથી. પરિણામે હેપીનેસ હોટલોમાં લુંટવા નિકળેલો માનવી બીજા જ દિવસે પેટ બગડતાં કે હેંગઓવર રહેતાં અન્હેપી બની જાય છે.જ્યારે હકિકત એ છે કે હેપીનેસ આપણી ભિતર પડેલી છે અને એકવાર સાચી રીતે હેપી થતા આવડી જાય તો દુનિયાની કોઈ તાકાત અનહેપી નથી કરી શકતી. જે અહિં આપેલ કાગડાની વાર્તામાં દર્શાવેલ છે અને આ કથા માણસની છે.

 2. મઝાની વાત એ છે કે કોઇનાં બાપની તાકાત નથી કે આપણને ખુશ થતા રોકી શકે.
  Wonderful.
  Don’t worry. Be happy.

  • pragnaju

   ધન્યવાદ
   તમે તો આ પ્રયોગ પ્રમાણે જીવવાનો પ્રયોગ કરો છો
   અને
   ઘણે અંશે સિધ્ધી મેળવી છે તો તે સિધ્ધીયાત્રા વિષે વિસ્તારપૂર્વક લખશો.
   સૂ શ્રી શરદભાઈએ પોતાની અનુભવ વાણી પ્રતિભાવમા આપી છે.
   આ પહેલા સૂ શ્રી અતુલભાઇની આ પોસ્ટમાંથી
   by Atul Jani (Agantuk)
   https://bhajanamrutwani.wordpress.com/2011/04/
   કભી ખુશી 🙂
   કભી ગમ 😦
   “હર હાલમેં ખુશ” ભુલાઈ ગયું કે શું?
   અરે ભાઈઓ, બહેનો, સખાઓ અને સખીઓ, બાળકો અને પ્રબુદ્ધ જનો હસતાં રહો અને હસાવતાં રહો.
   પણ પ્રેરણા મળેલી

 3. સરસ પ્રેરક લેખ માટે પરેશભાઈ ને ધન્યવાદ.
  સુખ ભીતરમાંથી જ આવતું હોય છે . બહારનાં સાધનો – મનોરંજન, મુવી , વી.-કાયમી સુખ આપી નથી શકતાં.એ કામચલાઉ ઉપાયો છે.

  સૌની ઉંદર દોડ સુખ પ્રાપ્ત કરવા માટેની છે. દુલા ભાયા કાગે એક વખત કહેલું કે
  “માણસો હ્ખી (સુખી ) થવા માટે દખી (દુખી ) થાય છે ! કેટલું મોટું સત્ય !

  • pragnaju

   વાહ હૅપી કરે તેવું ખૂબ માહિતીપ્રદ સંકલન તેમા
   Happiest Video EVER!

   “If we could live happy and healthy lives without harming others… why wouldn’t we?
   ખૂબ ગમ્યું
   સાચે જ અમારા જેવા ડીપ્રેશન વાળા માટે તો
   What is Happiness? Learn How to Be Happy In Life
   ઉત્તમ.
   જો કે મારું ડીપ્રેશન દવા વગર તકલીફવગરનું રહ્યુ !
   બીજીરીતે જોઈએ તો ઉત્સાહ વધારનાર !!

 4. પિંગબેક: ( 689 ) સુખની શોધમાં છે આખું જગત …..( એક સંકલિત ચિંતન લેખ )… | વિનોદ વિહાર

 5. At least it inspires and keeps one vigilant to enjoy life by any means though most of us tend to be negative due to environment around us. This article is directing us to be on right side.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.