કમ્ફર્ટ ફૂડ: ભોજન મનભાવન…/ પરેશ વ્યાસ

0000

 

કમ્ફર્ટ ફૂડ: ભોજન નભાવન..

 

 

 

 


હરિ, તમારું નામ જૂનું છે, હરિનું કરીએ હેરી,
હવે તો ફેશન રૉ-હાઉસની, તમે શોધતા શેરી,
મેગી, બેગી ખાઈ લો થોડી, નથી કશું ભાજીમાં –                                                                                               -રવીન્દ્ર પારેખ

આજકાલ બે મીનીટિયા નૂડલ્સ પર આખી પેઢી નભી જાય છે. પહેલાનો જમાનો જરા જુદો હતો. ચૂરમાનાં લાડુ, માલપૂડા,પેટીસ, ખમણી, ગાંઠિયા, ખાંડવી,શાહી ભાજી,ચાનકી, બિરંજ. અરે ! વઘારેલી ખીચડી ય જમાવટ કરતી હતી. ખોરાક વિષે સૌથી મહત્વની બાબત એ છે કે એ કોણ બનાવે છે? અછાંદસ ગુજરાતી કવિતાનાં દિગ્ગજ વિપિન પરીખ લખે છે કે “ … બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી તે બધું જ અમૃત બની જતું.”  બસ આને કહેવાય કમ્ફર્ટ ફૂડ(Comfort Food). જે ખાવાથી તમારા મનને સાતા વળે. કમ્ફર્ટ ફૂડ એટલે એવું ખાવાનું જે ઘરે બનાવેલુ હોય અથવા એવું ખાવાનું જે તમને તમારા બાળપણની યાદ અપાવે. કમ્ફર્ટ ફૂડ નકારાત્મક માનસિકતાને દૂર કરે. પંચતારક હોટલોનાં રેસ્ટોરાંમાં મળતું અથવા તો પોતાના વૈભવનો દેખાડો કરવા આમાદા કો’ક ધનિકનાં લગ્નપ્રસંગે યોજાયેલા ભોજન સમારંભની વાનગીઓને કમ્ફર્ટ ફૂડ કહેવાતી નથી. કમ્ફર્ટ ફૂડ સાથે પ્રેમ જોડાયેલો છે. રામનું કમ્ફર્ટ ફૂડ શબરીનાં બોર હતા તો કૃષ્ણનું કમ્ફર્ટ ફૂડ ગોવાલણોનું માખણ. કમ્ફર્ટ ફૂડ તમને કોઇ વ્યક્તિ, સ્થળ કે સમયની યાદ અપાવે. અને હા, આ યાદ મનગમતી જ હોય. કોઇ અણગમતી યાદ સાથે સંકળાયેલા છપ્પન પકવાન કમ્ફર્ટ ફૂડ કહેવાતા નથી.

કમ્ફર્ટ ફૂડ શબ્દ આમ તો વર્ષ 1977માં વેબ્સટર ડિક્સનરીમાં ઉમેરાયો હતો. પણ હાલમાં ફરી ચર્ચામાં આવ્યો જ્યારે અમેરિકાની બફેલો યુનિવર્સિટીનાં માનસશાસ્ત્રી શિરા ગેબ્રિયલનું ‘કમ્ફર્ટ ફૂડ’ વિષે રીસર્ચ સ્ટડી પેપર પ્રકાશિત થયું. સ્ટડી અનુસાર કમ્ફર્ટ ફૂડ પીરસાતાની સાથે એ તમને ભૂતકાળનાં સારા સંબંધની યાદ અપાવે. અને અત્યારે કોઇ તમને છોડીને જતા રહ્યા હોય, તમે એકલા પડી ગયા હોય તો કમ્ફર્ટ ફૂડ તમને ભૂતકાળનાં સારા સંબંધોનાં ફ્લેશબેકમાં લઇ જાય છે. તમને સારું લાગવા માંડે છે. મન સ્વસ્થ થઇ જાય છે. આપે ‘સાઉન્ડ ઓફ મ્યુઝીક’ ફિલ્મ જોઇ હશે. બીજા વિશ્વયુદ્ધની પૃષ્ઠભૂમિ પર રચાયેલી અદભૂત મ્યુઝિકલ ફિલ્મ. એમાં એક ગીત છે, માય ફેવરીટ થિંગ્સ. નાયિકા મારિયા(જૂલી એન્ડ્રુઝ) પોતાની મનગમતી વસ્તુઓની યાદી બનાવે છે. અને પછી કહે છે જ્યારે કૂતરું કરડે, મધમાખી ડંખે, જ્યારે હું ઉદાસ હોઉં , ત્યારે મારી મનપસંદ વસ્તુઓની યાદીને યાદ કરું અને પછી મારી ઉદાસી દૂર થાય. સારું લાગે. આ યાદીમાં ક્રિસ્પ એપલ સ્ટ્રુડેલ(કકરા સફરજનના કકડા ભરેલી પાતળી કણેકની પૅસ્ટ્રી) અને શ્નિટ્ઝલ વિથ નૂડલ્સ (નૂડલ્સ સાથે લોટમાં ગલેફીને માખણમાં તળેલો માંસનો ટૂકડો) જેવી વાનગીઓ પણ શામેલ હતી. આ જૂલી એન્ડ્રુઝનું કમ્ફર્ટ ફૂડ હતુ. તો હે મારા પ્રિય વાંચક મિત્રો, લઇ લ્યો કાગળ ‘ને પેન, અને બનાવવા માંડો એવી વાનગીઓની યાદી જે તમને ભૂતકાળમાં પ્રિય હતી કારણ કે એવી વાનગીઓ તમારી પ્રિય વ્યક્તિઓ પૈકી કોઇએ બનાવી હતી અને તમે જેને હોંશે હોંશે ખાધી હતી. લખી લીધું? પછી એ પણ નક્કી કરી લેવું એ હવે કેવી રીતે બને? અથવા ક્યાં મળે? અરે ભાઇ એવું પણ બને કે એનાં રાંધનારા સ્વર્ગ સિધારી ગયા હોય. એટલે એને મળતા આવે એવા સ્વાદની વાનગીઓ કેવી રીતે મેળવી શકાય; એ પણ લખી રાખવું. બસ પછી, ક્યારેક મન કોઇ કારણોસર વ્યગ્ર હોય, કાંઇ ગમતું ન હોય તો આ વાનગી આરોગવી. ચોક્ક્સ સારું લાગશે એની ગેરંટી.

કમ્ફર્ટ ફૂડની કોઇ એપ્લિકેબલ-ટૂ-ઓલ યાદી નથી. કોઇનાં પ્રિય કમ્ફર્ટ ફૂડનાં દેખાવ કે ગંધ માત્રથી અન્ય કોઇને ઉબકા ઊલટી થઇ શકે. જ્યોતીન્દ્ર દવે એક પારસી મિત્રને લઇને મહાભારત નાટક જોવા ગયા. એક સ્ત્રી પાત્રની એન્ટ્રી થઇ. પારસી મિત્રએ પૂછ્યું તો એમણે કહ્યું કે એ મત્સ્યગંધા છે. એટલે શું? તો જવાબ દીધો કે માછલી જેવી ગંધાતી. તો પારસી બાવાએ કહ્યું કે માછલી તે વળી ગંધાતી હોસે, એ ટો બહુ સોજ્જી લાગે. પારસી બાવાજીને મન માછલી કમ્ફર્ટ ફૂડ હતુ. પુરુષ અને સ્ત્રીનાં કમ્ફર્ટ ફૂડ અલગ અલગ હોઇ શકે. પુરુષ સામાન્ય રીતે ભરપેટ ભોજન એટલે કે દાળ ભાત શાક રોટલી મીઠાઇ ફરસાણ છાશ પાપડને કમ્ફર્ટ ફૂડ ગણે છે. સ્ત્રીઓને મન અલ્પાહાર એટલે કે ચોકોલેટ, વેફર્સ, આઇસક્રીમ કમ્ફર્ટ ફૂડ હોઇ શકે. એવું પણ છે કે યુવાન વયની વ્યક્તિઓ માટે ભરપેટ ભોજન કમ્ફર્ટ ફૂડ નથી. પ્રૌઢ વયની વ્યક્તિઓની વાત અલગ છે. તે માને છે કે દબાવીને ખાઇ લેવામાં મઝા છે. કાલે ઊઠીને મરી જશું. માટે આજે કમ્ફર્ટેબલી ખાઇ પી લેવું. તંઇ શું?

ગુજરાતીઓ ખાવા પીવામાં કોઇ કસર રાખતા નથી. સુરતી લોચાથી માંડીને ભાવનગરી ગાંઠિયા સુધી આપણો ગજબ તાલમેલ છે. આપણાં પ્રાદેશિક કમ્ફર્ટ ફૂડની માયા અજબ છે. અમદાવાદનાં જાણીતા કેન્સર નિષ્ણાંતે મને એમનાં એક છ વર્ષનાં કાઠિયાવાડી દર્દીનાં ગાંઠિયાપ્રેમની વાત કરી હતી. કેન્સર જેવી મહાવ્યાધિ દરમ્યાન  હોસ્પિટલ સારવાર ઘણી અઘરી. ખાવાની પરેજી પણ ખરી. ચાર પાંચ દિવસ બધું બરાબર ચાલ્યું પણ પછી નાનકડાં દર્દીએ બાળહઠ પકડી, ગાંઠિયા ખાવાની. આખરે એને ખાવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી. એને મન ગાંઠિયાથી મોટું કમ્ફર્ટ ફૂડ બીજું કોઇ નહોતું. કમ્ફર્ટ ફૂડ સંકટ સમયનો સાથીદાર છે. કમ્ફર્ટ ફૂડ ઉદાસીનતા કે ચિંતાને દૂર કરે છે. કમ્ફર્ટ ફૂડ જલસો કરાવી દે છે.

         શબદ આરતી:                                                                                                                                              “ફૂડ પ્રત્યેનાં પ્રેમથી વધારે ખરા દિલનો પ્રેમ બીજો કોઇ નથી.”                                                                    –નાટ્યકાર જ્યોર્જ બર્નાડ શૉ(1856-1950) પોતાના નાટક ‘મેન એન્ડ સુપરમેન’માં

0000000 00000000 000000

 

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s