આઉટ ઓફ બોક્સ થિંકીંગ: નાવ પે ચર્ચા યાને કંઇક નોખું, કંઇક અનોખું/

 

box

 

આમ તો બસ એ જ અંતિમ લક્ષ્ય છે
એ વિષે પણ કેટલાં મંતવ્ય છે.                                                                                                                                                                                  કૈંક ખૂણા ગોળ પૃથ્વીમાં જડે !
જો, અહીં અગ્નિ, પણે વાયવ્ય છે.

-જાતુષ જોશી

નમો પ્રવાસી ભારતીય છે. જુઓને હમણાં જ અગ્નિ ખૂણેથી નીકળીને વાયવ્યમાં ફ્રાન્સ અને જર્મની ગયા અને આ છપાશે ત્યાં સુધીમાં તો આજકાલ ઇશાન ખૂણે માં કેનેડામાં બિરાજમાન છે. પણ જઇ વતન પાછા ય આવી ગયા હશે. એમનું લક્ષ્ય એક જ અને એ છે મેક ઇન ઇન્ડિયા. તેઓ ન્યુક્લીઅર પાવર માટે શોપિંગ કરી રહ્યા છે. આ એમનું દેશાટન છે. એમનો સંદેશ છે કે ઇન્ડિયામાં સઘળું ટનાટન છે. એમની યાત્રા ઇન્વેસ્ટમેન્ટ છે.  અંતિમ લક્ષ્ય છે સ્વદેશમાં રોજગારી, ખુશહાલીની બહાલી. નમોની તો વાત જ નિરાળી. અનેક વૈશ્વિક નેતાઓ સાથે ચાય પે ચર્ચા કરી હતી; હવે ફ્રાંસમાં સીન નદીમાં પ્રેસિડન્ટ હોલાન્ડ સાથે નાવ પે ચર્ચા કરી. તે પહેલાં રેડી ટૂ ફ્લાય રાફેલ યુદ્ધ વિમાનોની ડીલ પણ કરી. આ માણસ સ્નેપ(કડાક, ભડાક, તડાક, ધડાક,સડાક…) ડીલ કરતો નથી, દિલથી ડીલ કરે છે. દોસ્તીથી ડીલ કરે છે. પછી પ્રથમ વિશ્વયુદ્ધમાં ફ્રાંસ વતી લડતા શહીદ થયેલા ભારતીય સૈનિકોની સમાધિ પર ફૂલ પણ ચઢાવ્યા. આ કંઇક અલગ છે. પણ વિરોધ પક્ષનું મંતવ્ય અલગ છે. આ બધો ભપકો આપણા દેશને પોષાય? આ તો અચ્છે દિનનાં મૃગજળને સીંચવાનાં ધંધા છે. સાલા નૌટંકી…… !  પણ ઇકોનોમિક્સ ટાઇમ્સ લખે છે કે નમો આઉટ ઓફ બોક્સ થિંકીંગ માટે જાણીતા છે. વાત સાચી છે. તેઓ બીબાંઢાળ વિદેશ નીતિથી ઉપર ઊઠીને અલગ વાત કરે છે. કંઇક કરશે અને એ જ કરી શકશે એવી લોકોને શ્રદ્ધા છે. એમનાં સિવાય આપણી પાસે છે કોઇ વિકલ્પ? પણ એ બાબત આપણે જવા દઇએ. આપણે તો શબ્દની ચર્ચા કરીએ. શું છે આ આઉટ ઓફ બોક્સ થિંકિંગ? શબ્દ ઉપજ્યો ક્યાંથી? અને એની સાથે જોડાયેલી સ-રસ વાતો.

આઉટ ઓફ બોક્સ થિંકિંગ રૂપક અલંકાર છે. કંઇક નવું, કંઇક અલગ, રૂઢિ કે પરંપરાનાં બંધનથી ઉપરવટ જઇને, કંઇક નવતર પરિમાણમાં વિચારવું. રગશિયા ગાડાની ઘરેડમાંથી બહાર આવીને પોતાની અલગ જ છાપ છોડવી. સર્જનાત્મક કે નવીન વિચારધારા માટે પણ આ શબ્દ સમૂહનો ઉપયોગ થાય છે. આઉટ ઓફ બોક્સ એ મેનેજમેન્ટનો શબ્દ છે અને એનો આધાર નવ ટપકાંનો કોયડો છે. પ્રથમ કતારમાં ત્રણ ટપકાં, એની બરાબર નીચે ત્રણ અને તેની નીચે બીજા ત્રણ. કાગળ પરથી પેન ઉપાડ્યા વિના કે એક લીટી પર બીજી લીટી તાણ્યા વિના માત્ર ચાર કે એનાથી ઓછી સીધી લીટી દોરીને સઘળાં ટપકાંને જોડવા માટે કહેવામાં આવ્યું. કેટલાંય મારા જેવા સીધા સાદા લોકોએ આમ લીટા દોર્યા, તેમ લીટા દોર્યા પણ ક્યાંક તો કોઇ ટપકાં શેષ રહી જ જાય અથવા તો ચારથી વધારે લીટી દોરવી પડે કે પછી એક પર એક લીટી ફરી દોરવી પડે.  તમે જો નવ ટપકાંની મર્યાદામાં જ વિચાર્યા કરો તો એનો ઉકેલ મળે નહીં, પણ તમે નવ ટપકાંનાં ખોખામાંથી બહાર નીકળો તો ઉકેલ મળી જાય.

નેતાગીરી વિષયનાં નિષ્ણાંત બ્રિટિશ શિક્ષણવિદ લેખક જોહ્ન એડેરે આ નવ ટપકાંનાં કોયડાનાં ઉકેલને મેનેજમેન્ટની પદ્ધતિ તરીકે લોકપ્રિય બનાવ્યો. પ્રશ્ન ક્યારેય નહીં ઉકેલાય જો તમે એ નવ ટપકાંનાં ખોખા જેવા હિસ્સામાં જ રચ્યા પચ્યા રહો. તમારે બહાર જવું પડે. ત્યારે આ બધા ટપકાં નિર્ધારીત શરતોને આધીન રહીને જોડી શકાય. આમ તો ઉકેલ જાણી લઇએ તો પછી બધું સરળ જ છે. આ લ્લે લે, આ તો અમને ખબર જ હતી. પણ પહેલી વાર પોતે ઉકેલ લાવવાનો પ્રયાસ કરીએ તો બુલંદ વિચારવું(લાઉડ થિંકિંગ) મદદે આવે. મોટેથી વિચારવાનું, બોલતા જવાનું, દેખીતી રીતે વ્યાજબી ન લાગે, વધારે પડતી કોઇ વાત, તોફાની વિચારો પણ બધું જ બોલતા જાઓ. થોડું વિચારીને વળી પાછું આ બરાબર છે કે નહીં એનું પિષ્ટપેષણ હમણાં નહીં. રાહત ઇન્દોરી સાહેબની ગઝલનાં મત્લાની માફક લોગ હર મોડપે રૂક રૂક કે સંભલતે ક્યું હૈ, ઇતના ડરતે હૈ તો ઘરસે નીકલતે ક્યું હૈ? -જેવું નહીં. બસ નીકળી પડવાનું વિચારોનાં વૃંદાવનમાં. અને પછી જે વિચારોનું અદભૂત નકશીકામ સર્જાય; તમને તમારો ઉકેલ મળી જાય. સિમ્પલ, યુ સી ! અલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું હતુ કે તમે જે પ્રકારનાં વિચાર કરીને પ્રોબ્લેમ્સ સર્જ્યા છે એ જ પ્રકારનાં વિચાર કરીને એનાં ઉકેલ ન આવી શકે. કંઇક નોખું, કંઇક અનોખું કરવું પડે. ના, બીજુ વાક્ય આઇન્સ્ટાઇને નથી કીધું, એ તો અમે કહીએ છીએ. દરઅસલ શબદ કીર્તન આઉટ ઓફ બોક્સ કોલમ છે. બીજી બધે શબ્દોનો ઉપયોગ કરીને રાજકારણ, ધર્મજ્ઞાન, સાહિત્ય, સમાજ વ્યવસ્થા, આરોગ્ય કે સેક્સ વિષેની સમજૂતી આપતા લેખ લખાય છે. અમે આ બધા વિષયોનો ઉપયોગ કરીને એમાં રહેલા શબદનું કીર્તન કરીએ છીએ. અમે એપ્લાઇડ કવિતા કરીએ છીએ. અમે એપ્લાઇડ સાહિત્ય સર્જક છીએ. અમે ઇચ્છાધારી આઉટ ઓફ બોક્સિયા કટાર લેખક છીએ. અમે બક્ષીસાહેબની માફક જાતનાં વખાણ કરવામાં સ્વાવલંબી છીએ !

શબદ આરતી:                                                                                                                                                                                                                                                                           એક અદભૂત આઉટ ઓફ બોક્સ થિંકીંગ: “મને કોઇકે પાણીથી અડધો ભરેલો ગ્લાસ આપ્યો અને પૂછ્યું કે તમે આશાવાદી છો કે નિરાશાવાદી? હું એ પાણી પી ગયો અને બોલ્યો કે હું તો સમસ્યાનો ઉકેલવાદી છું !” –અજ્ઞાત

out

3 Comments

Filed under અધ્યાત્મ, ઘટના, પ્રકીર્ણ

3 responses to “આઉટ ઓફ બોક્સ થિંકીંગ: નાવ પે ચર્ચા યાને કંઇક નોખું, કંઇક અનોખું/

 1. ન.મો. એટલે ન.મો. ન.મો. ને નમન કરવા પ્રેરે એવી એમની કાર્ય શૈલી . વિરોધ પક્ષો એમની
  ટીકા કરે છે કારણ કે તેઓ ઊંઘતા ઝડપાયા છે . ન,મો. જે કરે છે એ એમના વડા પ્રધાન
  પણ કરી શક્ય હોત .દેશનાં દશ વર્ષ રાજકારણ ખેલવામાં ગુમાવ્યાં. હવે જ્યારે કૈક થાય છે અને દુનિયામાં ભારતની છાપ ન.મો. એ સુધારી છે ત્યારે વિરોધીઓના પેટમાં તેલ રેડાય એ સ્વાભાવિક છે .રાહુલ ગાંધી જેવા અપરિપકવ નેતાને વળગી તેઓ એમની છાપ સુધારી નહિ શકે .

  દરેક વાતમાં મોદીનો વિરોધ કરવો એ હાલ એમનું સૂત્ર બની ગયું છે .
  મોદી જે કરી રહ્યા છે એની સારી અસર દેખાઈ રહી છે ત્યારે દેશ એમની સાથે ઉભો રહે એ દેશના વિકાસ માટે જરૂરી છે .હજુ તો એક વર્ષ પણ પૂરું તું નથી. પાંચ વર્ષ પછી દેશની જનતા એમના કામનાં લેખાં જોખાં કરીને યોગ્ય નિર્ણય લઇ શકે છે .વિરોધ પક્ષો એમનો નકારાત્મક અભિગમ સુધારે એ એમના લાભ માં છે .

 2. “મને કોઇકે પાણીથી અડધો ભરેલો ગ્લાસ આપ્યો અને પૂછ્યું કે તમે આશાવાદી છો કે નિરાશાવાદી?
  ——
  નમો ના એક વ્યાખ્યાનમાંથી જાણેલું – અડધો ખાલી અને અડધો ભરેલો,.બન્ને પાસાનું વાસ્તવવાદી દર્શન.
  ———
  હું એ પાણી પી ગયો અને બોલ્યો કે હું તો સમસ્યાનો ઉકેલવાદી છું !
  કો’ક વીરલા પા પ્યાલો જાતે પી, પા પ્યાલો બીજાને પીવડાવનારા પણ નીકળે !

  આમ હોય કે તેમ હોય…
  જીવનમાં બધા સેમ્પલો હોય હોય ને હોય જ.
  All is well !!

 3. નમો એટલે તો દિલ્હીની ગાદી ઉપર વિરાજ માં છે .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s