રેઇન ચેક: / પરેશ વ્યાસ

11

રેઇન ચેક:  આજે નહીં તો કાલે
આ સભા તરબોળ છે આલાપમાં;
રાગનો જાદુ હજી બાકી જ છે !                                                                                                                                                                                                          -અમિત વ્યાસ

ગઇ કાલે નમોનાં સત્તાકુંવરી સાથેનાં પાણિગ્રહણને એક વર્ષ થયું. એમની પ્રથમ વેડિંગ એનીવર્સરી કહી શકાય. નમોનો જાદુ હજી અડીખમ છે, અકબંધ છે. એવું વિશ્વાસપાત્ર લોકમોજણીનું તારણ છે. આપે શાસ્ત્રીય ગાનનો કાર્યક્રમ સાંભળ્યો હશે. શરૂઆતમાં આલાપ હોય છે. ક્લાસિકલ મ્યુઝીક ચેલેન્જ્ડ(શાસ્ત્રીયસંગીતનાં ઠોઠ નિશાળિયા!) લોકોને ઘણી વાર થાય કે હજી તો માત્ર આલાપ ચાલી રહ્યો છે. ક્યારે મુખ્ય રાગનો આરંભ થશે અને ક્યારે એ પરાકાષ્ઠાએ પહોંચશે અને ક્યારે આપણે કહી ઊઠીશું કે.. વાહ ! ઉસ્તાદ વાહ!

નમો શાસનનો હજી આલાપ ચાલી રહ્યો છે.  વિરોધ પક્ષો અચ્છે દિન ક્યાં છે?-નાં મહેણાં મારી રહ્યા છે. મીડિયાને મન 365 દિવસનું વીતવું એ મોદીનો ગુણોત્સવ છે. પરીક્ષામાં આ નવા નિશાળિયો કેટલા ગુણે પાસ થયો એની ગણત્રી થઇ રહી છે. કહેવાતા બુદ્ધિજીવીઓ ટીવી ઉપર પોતપોતાનાં અભિપ્રાય આપી રહ્યા છે. સૂટબૂટધારી ઉદ્યોગજગતને હજી અસંતોષ છે પણ એમણે આશાને તરછોડી નથી. સરકાર પોતે અપેક્ષા મુજબ નજીકદર્શન કરી, આત્મશ્લાઘા કરવામાં સ્વાવલંબી બની છે. વરને કોણ વખાણે? વરની મા. આજથી ત્રણ વર્ષ પહેલાં તત્કાલીન ભાજપ પ્રમુખ નીતિન ગડકરીને મીડિયાએ પૂછ્યું કે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર કોણ  છે? એઁમણે અડવાણી, સુષ્મા, નમો સહિત પાંચ નામ લીધા હતા. પછી મીડિયાએ નમો પાસે એમની પ્રતિક્રિયા જાણવા માંગી તો તેમણે કહ્યું કે હું તો નિર્વિકાર છું. જ્યારે પ્રાણાયમ કરું ત્યારે પક્ષીઓ ચહેકે તેની ય ભનક રહેતી નથી. પછી ઉજાસ હોય કે અંધકાર શું ફેર પડે છે? અને તેઓ એકલે હાથે ચૂંટણી લડીને પ્રધાનમંત્રી બન્યા. નમો કામઢા પ્રધાનમંત્રી છે. ખૂબ કામ કરે છે. નિષ્ઠાવાન છે. એમનાં કટ્ટર વિરોધીઓ પણ એમની સામે ભ્રષ્ટાચારનો આરોપ મુકી શક્યા નથી. પણ લોકોની અપેક્ષા તો પારાવાર હોય જ. વાયદા પણ તો એમણે અનેક કર્યા હતા. હેં ને? કાળા નાણાંનાં ચોરને કાળા પાણીની સજા, દાઉદની ઘરવાપસી, મોંઘવારીનાં માર ખાતા લોકોની મલમપટ્ટી, રોજેરોજ રોજગારી, સર્વાંગ સ્વચ્છતા, રામ તેરી ગંગા નિર્મળ વગેરે. થોડું થયું. સારું થયું. હજી દમ લગાકે હૈસા કરવાની જરૂર છે. પણ થશે. નમોએ આપણને રેઇન ચેક(Rain Check/Cheque)  દઇ દીધો છે.

ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સીંચે સૌ ઘડા, ઋત આયે ફલ હોય.. રેઇન ચેક એટલે આજે તો કોઇ કારણસર સઘળા કામ નથી થયા પણ ડ્યૂ ડેઇટનો ચેક દીધો છે. ભવિષ્યમાં વટાવી શકાશે. સપના સાકાર થશે. શબદ કીર્તનમાં આપણે તો આ વરસાદી મહાવરાની વાત કરવી છે અને હવે પછીની આપણી અપેક્ષામાં ભીંજાવાની તજવીજ કરવી છે. બરસો રે રેઇન ચેક બરસો રે…

‘રેઇન ચેક’ અમેરિકન ઇંગ્લિશનો ખૂબ લોકપ્રિય શબ્દ છે. ચેક એટલે બેંકનો ચેક. ચેક માટે ગુજરાતીમાં સરસ શબ્દ છે. ‘ધનાદેશ’. 1880નાં દાયકામાં અમેરિકાની લોકપ્રિય રમત બેઝબોલની મેચ જોવા લોકો ટિકિટ ખર્ચીને જતા પણ ક્યારેક ખેલપ્રેમીઓનાં અચ્છે દિનમાં વરસાદનું વિઘ્ન આવે તો શું થાય? મેચ કેન્સલ થાય તે સંજોગોમાં બેઝબોલ નેશનલ લીગનાં વહીવટકર્તાઓએ નિરાશ ખેલપ્રેમીઓને ચેક ઇસ્યૂ કર્યા. ના, આ ચેક બેંકમાં વટાવી ન શકાય પણ બીજા કોઇ, વરસાદ ન હોય તેવા દિવસે વિના મૂલ્યે બેઝબોલની રમત જોવા જઇ શકાય. રેઇન ચેક યુ સી ! હવે મહાવરાનો અર્થ એવો કે કોઇ અસાધારણ સંજોગોમાં તે સમયે અપેક્ષા મુજબ કામ ન થઇ શકે તો પછી આજે નહીં, ફરી કોઇ વાર.. કોઇ તમને આમંત્રણ આપે પણ સંજોગવશાત તમે સ્વીકારી ન શકો તો તમે કહો કે અમને રેઇન ચેક દઇ દો. આજે નહીં તો કાલે. ફરી કોઇ વાર. પાર્ટી તો બનતી હૈ ! રેઇન ચેક એ કોઇ પણ કારણોસરનાં સંજોગવશાત વિલંબને વિનમ્રતાથી સ્વીકાર કરીને, ભવિષ્યમાં ફરીથી એ કાર્ય થશે એની ગેરંટી મેળવવાની સ્વીકાર્ય પદ્ધતિ છે.

નમો કેટલાંક વિષયોમાં સંજોગવશાત ધારેલા પરિણામ લાવી શક્યા નથી. રિઝર્વ બેંકનાં રોકસ્ટાર ગવર્નર રઘુરામે કહ્યું કે આપણી અપેક્ષાઓ કદાચ વધારે હતી. વાત તો સાચી છે. કદાચ નમોએ પણ હથેળીમાં ચાંદ દેખાડ્યા હતા. કદાચ આ એક વર્ષનું સરવૈયુ આપને મેરી-અધૂરી-કહાની લાગશે. પણ કહાની પૂર્ણ તો થશે. અને સુખાંત હશે. હજી ચાર વર્ષ બાકી છે. અને સ્વપ્ન જોવા, ભવ્ય સ્વપ્નો જોવા કાંઇ ગુનો થોડો છે? અરુણ શૌરી ભલે કહે કે જો હાઇપર બોલે સો નિહાલ. હાઇપર હોવું સારી વાત છે. લક્ષ્ય ઊંચુ રાખીએ તો ત્યાં પહોંચી ય જઇએ. ભારતીય આમ આદમી(કેજરીવાલ સિવાય) બેઝિકલી સંતોષી છે. કોઇ કામ કરતું લાગે એટલે ય એને સંતોષ થાય. કોઇ છે તો ખરું. બિચારા બઉ ટ્રાય કરે છે પણ આ બધા ઠરવા નથી દેતા. અને આ બધું સાલુ અઘરું તો છે. હેં ને? લોકો નમોને ચાહે છે. નમો લોકોને પ્રેમ કરે છે. નમોને માલમ થાય કે અમે સવા અબજ ભારતીયો રેઇન ચેક લેવા તૈયાર છે. પણ જો જો, ચેક બાઉન્સ ન થાય !

શબદ આરતી:12

“હું તને પ્રેમ કરું છું. તારા બધા દુ:ખણાં હું લૈ લઉં. તારા તમામ કરજને હું ભરપાઇ કરું. હું તને સૂર્ય(સન) દઉં, વરસાદ(રેઇન) દઉં, અને એ જો ઉપલબ્ધ ન બને તો સન ચેક અને રેઇન ચેક દૈ દઉં.”                                                                                                                                                                                    –    અમેરિકન લેખિકા એલિઝાબેથ ગિલ્બર્ટ

6 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ, રમુજ

6 responses to “રેઇન ચેક: / પરેશ વ્યાસ

 1. pragnaju

  Pravinkant Shastri
  To
  pragna vyas Today at 7:14 AM
  સરસ એનાલિસિસ મજાના શબ્દોમાં. આમાંતો આલાપની વાત થઈ પણ મનમોહજીએ તો તાનપૂરાના સૂર મેળવવામાંજ દસ વર્ષ કાઢી માંખ્યા હતા.

 2. pragnaju

  himatlal joshi
  to me
  ધીરજ તો રાખ્વીજ પડશે ઉતાવળે આંબા નહી પાકે .

 3. કોઈ રાજકારણી પર ભરોસો ના રાખી શકાય. હજુ આપણે ત્યાં સાચો સ્ટેટ્સમેન મોભી બને – એ સ્વપ્ન જ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s