ટૂ ટુ ટેન્ગો : તાળી બે હાથે પડે / પરેશ વ્યાસ

ટૂ 000000

બે ફૂલ મળે ત્યારે,
સિદ્ધાંતોની ગરમાગરમ
ચર્ચા નથી કરતાં.
ફકત સુવાસની
આપ-લે કરે છે.
વિપિન પરીખ

આમ આદમી અરવિંદ કેજરીવાલ ખાસ આદમી નજીબ સામે ‘જંગે’ ચઢ્યા છે. તેમની ફરિયાદ છે કે દિલ્હીનાં લેફ્ટ ગવર્નર(એલ. જી.) એમની લેફ્ટ રાઇટ લઇ રહ્યા છે. એલ.જી.નાં કારણે એમની લાઇફ ગૂડ રહી નથી. બાથે વળગેલા બેઉ બળિયા વિષે અનેક ગરમાગરમ ચર્ચાઓ ચાલે છે. હવે તો ભારતીય સંવિધાનનાં વિશેષજ્ઞોએ પણ વહેતી જમનામાં ઝંપલાવ્યુ છે. અરવિંદ એટલે કમળનું ફૂલ અને નજીબ એટલે કુલીન વ્યક્તિ પણ બે વચ્ચે અપેક્ષિત સુવાસની આપ-લે ક્યાં છે? હાલમાં તો હાકલા પડકારાનું એક્સચેન્જ થૈ રહ્યું છે. એન્ડ ફોર અ ચેન્જ, આપણે બસ તમાશો જોયા કરવાનો. ઝઘડાનો ધ એન્ડ આવે એવું લાગતું નથી. તાળી બે હાથે પડે પણ બેઉ જણ સમજે તો કાંઇ થાય. હેં ને? નહીંતર જન ગણ મન થૈ જાય. આ માટે જવાબદાર કોણ? બન્ને જ તો વળી. ચપટી હોય તો એક હાથે વાગે. પણ તાળી બે હાથે જ પડે.             ઇટ ટેઇક્સ ટૂ ટુ ટેન્ગો (Two to Tango).

‘ટૂ ટુ ટેન્ગો’ અંગ્રેજી મહાવરો છે. કેટલીક પ્રવૃત્તિ  એકલી એકલી ન થઇ શકે. ઝઘડો એકલા એકલા ન થાય. પ્રેમ તો એકલા એકલા કદાપિ ન થાય. ટેન્ગો નામનો મૂળ આર્જેંટીના દેશનો બોલરૂમ ડાન્સ પણ એકલા એકલા થાય નહીં. ટેન્ગો કરવા બે વ્યક્તિઓ હોવી નિહાયત જરૂરી. એક બીજાનો સાથ અનિવાર્ય. નૃત્ય દરમ્યાન ક્યારેક તેઓ સામસામે, ક્યારેક પાસપાસે. સુરેશ દલાલ સાહેબની પંક્તિઓની જેમ.. પ્રેમની કુંડળી જ વિચિત્ર છે. ગ્રહો જેટલા પાસપાસે, એટલા જ સામસામે. હા, એ જરૂર કે ટેન્ગો ડાન્સમાં બે વ્યક્તિઓનો સાથ ક્યારેય છૂટતો નથી. બન્ને એકબીજાનાં આધારે, એકબીજાનાં સહારે  ડાન્સ કરે છે. એમાં ઓચિંતા આંદોલન હોય છે. એમાં રીધમ (તાલ અને લયબદ્ધતા), અંગવિન્યાસ(પોસ્ચર) અને અણધાર્યો અસ્થાયી વિરામ(પૉઝ) પણ હોય છે. એક વ્યક્તિ એકલી એકલી ડાન્સ કરે એ ટેન્ગો નથી. બે વ્યક્તિઓ અલગ અલગ ડાન્સ કરે એ પણ ટેન્ગો નથી. બે વ્યક્તિઓ હોય અને જોડાજોડ નાચે, એકબીજાને ટેકે નાચે એ ટેન્ગો. બસ આ જ અર્થમાં 1952માં અલ હોફમેન અને ડિક મેનિંગે એક રોમેન્ટિક ગીત લખીને સ્વરબદ્ધ કર્યું અને ગાયિકા પર્લ બેઇલીએ ગાયું; જે અત્યંત લોકપ્રિય થયું. શબ્દો હતા: નૌકા હંકારવા એકલો નાવિક હોય તો ચાલે, તમે ઝોંકુ ય એકલા એકલા ખાઇ શકાય, એકલે હાથે કશુંક ચૂંટી ય શકાય અને દેવુ કરીને કરજમાં ડૂબી જવા માટે પણ તમે એકલા પૂરતા છો. તમે એકલા એકલા ઘરડા થઇ શકો. તમને એકલાને શરદી ય થાય. તમે ખાડો ય એકલે હાથે ખોદી શકો અને ટપાલ ટિકિટ પાછળ થૂંક પણ એકલા એકલા પોતાની ઇકલૌતી જીભે લગાડી શકો. આ દુનિયામાં એવી ઘણી બધી પ્રવૃત્તિઓ છે કે જે તમે એકલા એકલા કરી શકો પણ ..ઇટ ટેઇક્સ ટૂ ટુ ટેન્ગો. ટેન્ગો કરવા માટે તો બે વ્યક્તિઓ જોઇએ જ જોઇએ. એમાં એકલા એકલા કાંઇ થાય નહીં. પછી તો 1982માં  અમેરિકા-રશિયા વચ્ચે રાજદ્વારી તંગદિલી હળવી કરવાનાં સંદર્ભે તત્કાલીન અમેરિકી પ્રેસિડન્ટ રોનાલ્ડ રીગને કહ્યું કે રશિયનો માત્ર કહે છે, પણ તેઓ જેવું કહે છે તેવું કરી દેખાડતા નથી. ઇટ ટેઇક્સ ટૂ ટુ ટેન્ગો. સહકાર ઉભય પક્ષે હોવો જોઇએ. બે હાથે તાળી પડે, યુ સી ! અને પછી આ મહાવરો આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ લોકપ્રિય બન્યો. દારૂનાં પીઠામાં થતા ઝઘડા કે દેશની સુરક્ષા માટેની વાટાઘાટ જેવા ઘણાં સમાચારની હેડલાઇન્સ બન્યો. આ મહાવરાનાં ઘણાં બધા પરિવર્તી સ્વરૂપ બન્યા છે. જેમ કે સાથ આપવા માટે બે વ્યક્તિઓ જોઇએ, ઝઘડવા માટે પણ તો બે વ્યક્તિઓ જોઇએ, બાંધછોડ કરવા માટે બે વ્યક્તિઓ જોઇએ, ભાવતાલ કરવા માટે પણ બે વ્યક્તિઓ જોઇએ. દિલ્હી પર રાજ કરવા ય બે વ્યક્તિઓ જોઇએ. દેશ પર રાજ કરવા? ના, અહીં એક નમો પૂરતા છે ! જસ્ટ જોકિંગ, યાર ! એમ આઇ?

દિલ્હી એ પૂર્ણ રાજ્ય નથી. દેશની રાજધાની હોવાને કારણે કાયદો અને વ્યવસ્થા કેન્દ્ર પાસે છે. તો પછી જંગી બહુમતીથી ચૂંટાઇ આવેલા કેજરીવાલને કેન્દ્રની ટેકણ લાકડીએ ચાલવાનું? જવાબ હા છે. પાકિસ્તાનમાં ઇસ્લામાબાદ, ઓસ્ટ્રેલિયામાં કેનબરા અને અમેરિકામાં વોશિંગ્ટન ડીસીમાં પણ એ જ હાલત છે. હવે આખો મામલો અદાલતને આધીન છે. કેજરીવાલ અને એલજી બન્ને એકલા એકલા ટેન્ગો કરવા માંગે છે. જે શક્ય નથી. અને એ માટે બન્ને જવાબદાર છે. બે હાથી લડે તો ઘાસની તો ખો નીકળી જાય. લોકોની માઠી છે.

કેજરીવાલ માટે અમે ગીત લખ્યું છે. શબ્દો છે: ખાંસી ખાવા એક જણ પૂરતો છે. અને એનાં કુદરતી ઉપચાર માટે બેંગ્લોર પણ એકલા એકલા જઇ શકાય. ધરણા કરવા પણ એક નેતા કાફી છે. ગળે મફલર પણ એકલા એકલા વીંટી શકાય. વિધાનસભાની ખાસ બેઠક બોલાવવા પણ તમે એકલા સ્વતંત્ર છો.  અને એમાં વાણીવિલાસ કરવા ય કોઇની મંજુરી જરૂરી નથી જ નથી. તમે ભરી વિધાનસભામાં એકલ પણ ‘કોની મજાલ છે?’ એવા વચન ઉચરી શકો. અને એ રીતે મફતની પબ્લિસિટી પણ મેળવી શકો. અને પોતાની અડફટે ચઢનાર પર બદનક્ષીનો દાવો ઠોકવાની ધમકી પણ તમે એકલા એકલા દઇ શકો. પક્ષનાં અસંતુષ્ઠોને પણ તમે એકલે હાથે તગેડી શકો પછી ભલે ‘યાદવા’સ્થળી થઇ જાય. અને દરેક બાબતે ડગલે ‘ને પગલે શિવજીની માફક તાંડવ નૃત્ય કરવા પણ તમે એકલા પૂરતા છો. પણ…પણ..પણ  દિલ્હી રાજ્યનાં મુખ્યમંત્રી માટે આમ જનતાનું ભલું કરવાનાં નચ બલિયે દરમ્યાન લેફ. ગવર્નરને જોડાજોડ રાખવાની મજબૂરી છે.. ઇટ ટેઇક્સ ટૂ ટુ ટેન્ગો..

શબદ આરતી:

“ટેન્ગો કરવા બે વ્યક્તિઓ જોઇએ પણ લેટ-ગો(જતું કરવા) એક વ્યક્તિ પૂરતી છે.” –અજ્ઞાત

00000000 0000000 00000

 

 

 

 


Takes two to tango two to tango
Two to really get the feeling of romance
Let’s do the tango do the tango do the dance of love

1 ટીકા

Filed under ઘટના, પરેશ વ્યાસ

One response to “ટૂ ટુ ટેન્ગો : તાળી બે હાથે પડે / પરેશ વ્યાસ

  1. પરેશભૈદા જવાબ નૈ. સરસ નવી નવી વાત લઈ આવે છે.
    રાજકારણની વાત કરતાં આ ટેન્ગો વાળી વાત ગમી. એક શેર યાદ આવી ગયો…

    એકલા કોને ગજ઼લ સંભળાવશો?
    જોઈએ ‘કૈલાસ’ લોકો જોઈએ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s