ગોલ્ડીલોક્સ ઇકોનોમી : મધ્યમમાર્ગી અર્થતંત્ર/ પરેશ વ્યાસ

ગોલ્ડીલોક્સ ઇકોનોમી :002 મધ્યમમાર્ગી અર્થતંત્ર

પિયુ, વિચારી ભરીયે ડગલાં, કોઈ રહે ના પ્યાસુ
બાહર વરસે મધ્યમ મધ્યમ ભીતરનું ચોમાસુ                                                                    નેહા પુરોહિત

રઘુરામે રઘુકુળની રીત જાળવી. આ બધી મોંકાણ ચોમાસાની છે. ઓણ સાલ ધોધમારની આગાહી નથી. મધ્યમ મધ્યમ વરસાદ વરસશે આ વર્ષે. આવનારો સમય અઘરો છે. અર્થતંત્ર માટે સૂટબૂટ કે ખમીસચપ્પલ? વચ્ચે પસંદગી કરવાની છે. વિચારીને ડગલાં ભરવા જરૂરી છે. કોઇ પણ પ્યાસા ન રહે તે જોવું જરૂરી છે. બધા માનતા હતા કે રીઝર્વ બેન્કનાં ગવર્નર રેપો રેટ ઘટાડશે. અને ઘટ્યો… પણ ધાર્યો હતો તેવો ઘટ્યો નહીં. સૂટબૂટવાળા ખાસ રાજી ન થયા. ઘર/કાર લોન ભલે સસ્તી થઇ. પણ અર્થતંત્ર કૂદકે ‘ને ભૂંસકે વધે તેવી આશા ઠગારી નીવડી. સેન્સેક્સ પટકાયો. રેપો રેટ એટલે એ વ્યાજનો દર જે દરે કેન્દ્રિય બેન્ક(આપણી રીઝર્વ બેન્ક) બાકીની બેન્ક્સને નાણાં ધીરે. ધીરાણ વધે. એનો દર જેટલો ઓછો એટલું લોકો માટે સારું. લોકોની ખરીદશક્તિ વધે તો સારુ પણ વધુ પડતી વધે, લાવ લાવ ‘ને લાવ થાય તો વસ્તુ અને સેવા મોંઘી થાય. રૂપિયાનું અવમૂલ્યન થાય. ફુગાવો વધે. પૈસા હોય પણ ખૂટે. બે છેડા ભેગા થાય થાય ત્યાં તો કોઇ આવીને બે છેડા વચ્ચેનું અંતર વધારી જાય. ફુગાવાને કાબુમાં રાખવા રેપો રેટમાં માફકસરની ઘટ જરૂરી છે. દુષ્કાળની આગાહી ‘ને ઉપરથી ખનિજ તેલનો ભાવ ફુંફાડા મારે છે. ક્યાંક અધિક માસ જેવો ઘાટ થાય. હેં ને? હવે તો તેલ જોવું પડે અને તેલની ધાર પણ તો જોવી પડે.  હળવે તે હાથે નાથ મહીડા વલોવવાની વેળ આવી છે. પ્રેસ કોન્ફરન્સમાં રઘુરામ રાજને ઉવાચ્યુ કે રીઝર્વ બેન્ક કાંઇ માર્કેટની ચીયર લીડર નથી. સત્ય વચન રઘુરાય સત્ય વચન.  ચીયર લીડર શું છે? ક્રિસ ગેઇલ જેવો ધુંરધર બેટ્સમેન ચોગ્ગા ‘ને છગ્ગા ફટકારે એટલે મેચ જોવા આવેલા લોકોની હોસલા અફજાઇ કરવા ગેલમાં આવીને છોકરીયું નૃત્ય કરવા માંડે એ ચીયર લીડર. રઘુરામ કહે છે કે ઇ માંહ્યલા અમે નોઇ. ખરેખર તો આપણા રૂપિયામાં, આપણા રૂપિયાની ખરીદ શક્તિમાં લોકોનો વિશ્વાસ યથાવત રહે એની કસરત છે આ બધી. રઘુરામ રાજને આ રઘુકુળ રીતને ગોલ્ડીલોક્સ ઇકોનોમી(Goldilocks Economy) નામ આપ્યુ. અમારા કાન સરવા થયા. અમે તો શબ્દનાં રસિયા, મંડી પડ્યા ઇન્ટરનેટનાં જાળા વીંખવા અને આ નીપજ્યુ એ શબદ કીર્તન.

એક પશ્ચિમી પરીકથા છે. ગોલ્ડીલોક્સ નામની એક સોનેરી વાળવાળી નાનકડી છોકરી હતી. ગોલ્ડી એટલે સોનેરી અને લોક્સ એટલે માથાનાં વાળ. ગોલ્ડીલોક્સ  એક દિવસ જંગલમાં ગઇ. જંગલમાં એક ઘર હતુ. એણેઘરનાં દરવાજે ટકોરા માર્યા પણ ઘરમાં કોઇ નહોતુ. એ ઘરમાં ગઇ. ડાઇનીંગ ટેબલ પર ત્રણ વાટકામાં ખીર હતી. ગોલ્ડીલોક્સને ભૂખ લાગી હતી. પહેલાં વાડકાની ખીર અતિશય ગરમ હતી. એટલે એણે બીજા વાટકામાંથી ખીર ખાવા કોશિશ કરી પણ એ તો સાવ ઠંડી ખીર હતી. આખરે આખરી વાટકાને અડકી તો એ માફકસરની ગરમ હતી. ગોલ્ડીલોક્સ ત્રીજા વાટકાની ખીર ઝાપટી ગઇ. પછી જોયું કે ત્યાં ત્રણ ખુરશીઓ હતી. એક ખૂબ મોટી, બીજી પણ મોટી પણ ત્રીજી એને માટે બંધબેસતી હતી એટલે ગોલ્ડીલોક્સ એમાં બેઠી. પછી એને નીંદર આવતી હતી એટલે ઉપરનાં બેડરૂમમાં ગઇ. ત્રણ પલંગ હતા. એક મોટો, બીજો પહેલાથી નાનો પણ એ સોનેરી વાળવાળી છોકરી માટે તો ય સાઇઝમાં મોટો પણ ત્રીજો પલંગ એને માટે પરફેક્ટ હતો. ગોલ્ડીલોક્સ ત્રીજા પલંગમાં પોઢી ગઇ. ત્યાં તો ઘરનાં માલિક રીંછ, એમનાં પત્ની અને એમનો નાનકડો દીકરો ઘરે પાછા ફર્યા. પપ્પા બોલ્યા: મારી ખીર કોઇએ ખાવાની કોશિશ કરી છે. મમ્મા બોલ્યા: મારી પણ. દીકરો બોલ્યો: મારી તો બધી ખીર કોઇ ઝાપટી ગયુ. પણ અહીં તો કોઇ નથી. પછી ખુરશીઓ જોઇ. એમને લાગ્યું કે ખુરશી પર કોઇએ બેસવાની કોશિશ કરી છે અને નાની ખુરશી પર તો કોઇ બેઠું પણ હતુ પણ અત્યારે અહીં તો કોઇ નથી. પછી બેડરૂમમાં જઇને જોયુ તો નાનકડા પલંગ પર ગોલ્ડીલોક્સ સૂતી હતી. અને ત્યાં તો ગોલ્ડીલોક્સની આંખો ખૂલી. એણે રીંછ ફેમીલીને જોયું, સફાળી ઊભી થઇ અને હાંફળી ‘ને ફાંફળી ‘બચાવો બચાવો’ની બૂમો પાડતી ત્યાંથી ભાગી છૂટી.

અર્થશાસ્ત્ર અઘરો વિષય છે. પણ આમ જુઓ એમાં પણ ત્રણ વાટકા ખીરનાં હોય છે. પહેલો વાટકો ગરમાગરમ આખલા જેવો છે. માર્કેટ કૂદકે ‘ને ભૂસકે વધે, વિકાસ વિકાસ અને વિકાસ. ટૂંકમાં સૂટબૂટવાળા રાજીરાજી. ખમીશચપ્પલવાળાને રોજીરોટીનું આશ્વાસન. પણ ફૂગાવાનું જોખમ ય ખરું.  બીજો વાટકો ઠંડોગાર રીંછ જેવો. આર્થિક વિકાસ જેમ છે એમ ચાલ્યા કરે. ઢીલોઢાલો. માર્કેટમાં મંદીનો માહૌલ. પણ ત્રીજો વાટકો એ ગોલ્ડીલોક્સ. ન ગરમ, ન ઠંડો, બસ માફકસરનો. સહન થાય તેવી મોંઘવારી. પછી ભલે વિકાસ કૂદકે ‘ને ભૂસકે ન વધે. ટૂંકમાં અચ્છે દિનની શરૂઆત થતી હોય એમ લાગે પણ દિલ્હી હજી દૂર છે એવું પણ લાગે. ગોલ્ડીલોક્સ ઇકોનોમી એટલી ગરમ પણ નહીં કે ફૂગાવો વધે અને એટલી ઠંડી પણ નહીં કે મંદી આવી જાય. ગવર્નરે ગોલ્ડીલોક્સ ઇકોનોમી પસંદ કરી કારણ કે ભારતીય પ્રજા ચાતક છે અને ઓણ સાલ ચોમાસાનો ભરોસો નથી.

જીવનમાં પણ એવું જ હોય છે. ક્યાંક ઊનું, ધગધગતું, ક્યાંક બરફ જેવું ઠંડુ. પણ માફકસરનું હોય તેવું આપણને ગમે. એ અલગ વાત છે કે કશું નવું ન થાય, કશું ચમત્કારિક ન થાય. આપણો સર્વાંગ જીર્ણોદ્ધાર પણ મુંગેરીલાલ સમો ભાસે. પણ આંધળુકિયા કરવા કરતા માફકસરનો મધ્યમ માર્ગ સારો. ગોલ્ડીલોક્સ ઇકોનોમિક્સ સામાન્ય માણસનો સધિયારો છે. ચોમાસાની આગાહીનાં સદંર્ભે આ માર્ગ આપણો મજિયારો છે.

001શબદ આરતી:

હવે ગોલ્ડીલોક્સની વિટંબણા એ છે કે ખીર અતિશય ગરમ નથી, માફકસરની છે પણ…

એ પૂરતી નથી.  હે રઘુરાય, સુન રહા હૈ ન તું, કેહ રહી હૂં મૈં…

003 004

5 ટિપ્પણીઓ

Filed under કવિતા, ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

5 responses to “ગોલ્ડીલોક્સ ઇકોનોમી : મધ્યમમાર્ગી અર્થતંત્ર/ પરેશ વ્યાસ

 1. ભગવાન બુધ્ધના જીવનની એક કથા છે. સન્યાસ જીવન શરુ કર્યા પછી બુધ્ધે બાર વર્ષ સુધી અનેક સંતો/ગુરુઓના દ્વાર ખખડાવ્યા અને તેમને કહ્યું તેનાથી વધુ આકરું તપ તેઓ કરતાં. કોઈ કહે કે અઠવાડિયામાં બે દિવસ ઉપવાસ કરવો તો બુધ્ધ ચાર દિવસ કરતાં. બાર બાર વર્ષસુધી રખડપટ્ટિ પછી પણ જેની તલાશ હતી તે ન મળ્યું. આખરે બુધ્ધ સાવ નિરાશ થઈ એક ઝાડના છાયે બેસી સંકલ્પ કરી પ્રાણ ત્યજવાની તૈયારી કરતાં હતાં. ત્યાં એક નાનકડી છોકરી હાથમાં એકતારો લઈને આવી અને સુંદર સંગિત શરુ કર્યું. બુધ્ધે તેને બોલાવી અને કહ્યું,” આટલી નાની ઉમ્મરે આટલું સુંદર સંગિત તું કેવી રીતે શીખી.?
  છોકરીએ કહ્યું,” મારા બાપા પાસે શિખી છું” બુધ્ધે કહ્યું,” પણ આ તારા વાદ્યમાં તો એક જ તાર છે અને આટલાં સુરો કેમ કરી કાઢે છે?” પેલી છોકરીએ કહ્યું તારને યોગ્યરીતે કસવામાં આવે તો બધા સુરો નીકળે.” બુધ્ધે કહ્યું,” જો થોડો ઢીલો કરીએ તો?” છોકરી કહે તો સુર બેસુરા બની જાય.” બુધ્ધે પૂછ્યું,” જો તારને વધુ કસીએ તો?” છોકરી કહે “તો તાર તુટી જાય.”
  બસ બુધ્ધ્ને સમજાઈ ગયું જીવનનુ રહસ્ય. તે રાત્રે તેઓ નિરાંતે સુતા, ભાર રહિત. અને કહે છે મધરાત્રીએ તેમને બુધ્ધત્વ ઉપલબ્ધ થયું. બુધ્ધ્ની દેશના મધ્યમ માર્ગી રહી.

  • pragnaju

   ધન્યવાદ
   આપનો પ્રતિભાવ નવી જ દ્રુષ્ટિ આપનાર હોય છે.બુધ્ધની મધ્યમ માર્ગી દ્રુષ્ટિ જ કદાચ સાંપ્રત આતંકવાદનો ઉકેલ લાગે છે.
   ફરી જરુર પધારશો

 2. ગોલ્ડિલોક્સનો ગુજરાતી ભાવાનુવાદ – ‘ભુરિયો’ – બાળપણની ગમતીલી ચોપડીઓમાંની એક.
  ‘મારી ખીર કોણ ખાઈ ગયું? ‘
  ———
  એના જેવા જ શબ્દો… ‘Who moved my cheese?’
  https://gadyasoor.wordpress.com/2009/03/13/who-moved-my-cheese/

  • pragnaju

   યાદ ઘણાં લોકોને જિંદગીના બદલાતા રંગો કશુંય શીખવી નથી શકતાં. તેમના મનની ગાંઠો રતિભાર પણ ખસી કે ખૂલી શકતી નથી. આવાં જડબુદ્ધિ લોકો સંસારને નઠારો કહી કોસી કોસીને દમ તોડી લેતાં હોય છે.
   “હુ મુવ્ડ માય ચીઝ” નામની પ્રેરણાદાયી પુસ્તિકામાં આ જ વાત ભાર દઈને કહી છે. પરિવર્તન એ સંસારનો તથા માનવજીવનનો નિશ્ચિત ક્રમ હોવા છતાં અને તે આવશે જ તેવું જાણવા છતાં જ્યારે સામે આવે છે ત્યારે તેને સ્વીકારવા ઝટ મન તૈયાર નથી થતું.
   ભીતરથી એક ડર અને અસલામતીનો ભાવ જાગે છે કે મારી ગોઠવેલી દુનિયા ભાંગી પડશે તો…! કોઈક અજાણ્યા ભાવિમાં હું ફેંકાઈ જઈશ તો…! એના કરતાં જે જેમ ચાલે છે તેમ ચાલવા દો ને જે મળે તેને નસીબ સમજો.

   • pragnaju

    Suresh Jani

    એના કરતાં જે જેમ ચાલે છે તેમ ચાલવા દો ને જે મળે તેને નસીબ સમજો.

    કદાચ આ વિચાર સાથે સહમત થઈ શકું તેમ નથી. એનો ભાવ સમજ્યા વિના ભારતીય સમાજમાં એ પલાયનવાદ બની ગયો છે.
    અર્જુને યુદ્ધ લડવું જ પડે. જીત મળે કે ન મળે. જેમ ચાલે છે, એમ ચાલવા દેવાની ઓલ્યા પ્રભુની ઇચ્છા નથી લાગતી! નહીં તો ઉત્ક્રાન્તિ જ ન થઈ હોત!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s