ટ્રસ્ટ ડેફિસિટ: ભરોસાની ભેંસ પાડો જણે તેવી દહેશત પરેશ વ્યાસ

ટ્રસ્ટ ડેફિસિટ: ભરોસાની ભેંસ પાડો જણે તેવી દહેશત 

મુખ્યમંત્રીઓની કોન્ફરન્સમાં નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટર(એનસીટીસી)નાં વિચારનું એનકાઉન્ટર થઇ ગયુ. રાજ્યસરકારોએ કેન્દ્રને ઘસીને ના પાડી દીધી. કહી દીધું કે સાડ્ડા હક્ક… એથ્થે રખ્ખ. એક કેન્દ્રિય સંસ્થા જે આતંકવાદની સામે એકસૂત્રતાથી લડી શકે તેમાં ભલા વાંધો શું હોઇ શકે? પણ સામાન્ય રીતે જ્યાં વિશ્વાસે વહાણ ચાલવા જોઇએ ત્યાં ખાટલે જ મોટી ખોટ હોય તો કામ થાય નહીં. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેનાં આપસી વિશ્વાસમાં ખાધ(TRUST DEFICIT) છે, ખૂટ છે, તૂટ છે એમ બન્ને સ્વીકારે છે. ન.મો. કહે છે કે ટ્રસ્ટ ડેફિસિટ રાષ્ટ્રની સુરક્ષા માટે જોખમ છે, કેન્દ્ર સરકારે અમારા પર ભરોસો તો રાખવો જોઇએને?  ચિદમ્બરમ કહે છે રાષ્ટ્રની સુરક્ષા માટે એનસીટીસી  અતિઆવશ્યક છે પણ કેન્દ્ર-રાજ્ય વચ્ચેની ટ્રસ્ટ ડેફિસિટ એને રોકે છે. ટ્રસ્ટ ડેફિસિટનો અર્થ વિશ્વાસઘાત નથી. સામાન્ય રીતે જ્યાં વિશ્વાસ હોવો જોઇએ ત્યાં વિશ્વાસનો સાવ અભાવ પણ ટ્રસ્ટ ડેફિસિટ નથી. પણ વિશ્વાસ જોઇએ તેટલા પ્રમાણમાં, વજનમાં કે સંખ્યામાં ન હોય તો એને ટ્રસ્ટ ડેફિસિટ કહે છે. ટ્રસ્ટ ડેફિસિટ એટલે સંબંધોની બેલન્સશીટમાં જમા કરતા ઉધાર વધારે હોય તેવી સ્થિતિ. વિશ્વાસમાં ઊણપ. વિશ્વાસખાધ.

પ્રેમની ધરી પર દુનિયા ફરે છે એ સાચું પણ વિશ્વાસ દુનિયાને ફેરવતી શક્તિ છે. વિશ્વાસ ન હોય તો બધું અટકી જાય. વિશ્વાસ હોય તો આપણે બેનિફિટ ઓફ ડાઉટ, શંકાનો લાભ પણ આપી શકીએ. કામ આગળ તો ચાલે. વિશ્વાસ ન હોય તો તો સઘળું અટકી જ પડે. વિશ્વાસની ખાધ શબ્દ પ્રયોગ પહેલી વાર થયો નથી. જનરલ વિ.કે.સિંઘના મામલે લશ્કર અને કેન્દ્ર સરકાર વચ્ચે ટ્રસ્ટ ડેફિસિટને દૂર કરવા એલ.કે. અડવાણીએ સરકારને પહેલ કરવા કહ્યું હતુ. તે પહેલાં પ્રણવ મુખરજીએ કહ્યું હતું કે સરકાર અને ઉદ્યોગો વચ્ચે કોઇ ટ્રસ્ટ ડેફિસિટ નથી. સાંસદોએ પોતે પોતાના પગાર અનેકગણાં વધાર્યા ત્યારે કિરણ બેદીએ પોતાનાં લેખનું શીર્ષક આપ્યુ હતું કે ધીસ ઇઝ ટ્રસ્ટ ડેફિસિટ. તે પહેલાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી મોહ્તર્મા હીના રબ્બાનીએ કહ્યું હતું કે ભારત પાકિસ્તાન વચ્ચે ટ્રસ્ટ ડેફિસિટની ખાધ પુરાઇ ગઇ છે એટલે હવે એકમેક પર અમને વિશ્વાસ છે. કહેવામાં શું જાય? ખરું ને?! તે પહેલાં અયોધ્યાનો ચૂકાદો આવ્યો ત્યારે આરએસએસનાં વડા મોહન ભાગવતે પણ મુસ્લિમોને ટ્રસ્ટ ડેફિસિટ દૂર કરવા અપીલ કરી હતી. અમેરિકા પાકિસ્તાનનાં નિતાંત પ્રેમમાં પણ હવે ટ્રસ્ટ ડેફિસિટ આવી ગઇ છે. અમેરિકા પાકિસ્તાનને મદદ જરૂર કરે છે પણ એક શંકાની નજરથી જરૂર જૂએ છે. ઝરદારી ભીખનો કટોરો લઇને અમેરિકા પાસે જાય પણ અમેરિકાને વિશ્વાસ નથી. બિલોરી કાચથી કટોરામાં જુએ છે સાલું ક્યાંક કોઇ તાલિબાની ચિલ્લર તો નથી ને?

ટ્રસ્ટ શબ્દ ટ્રાઉસ્ટ પરથી આવ્યો છે જેનો અર્થ મદદ અથવા હિંમત આપવી એવો થાય છે. ડેફિસિટ ફેંચ શબ્દ છે એનો અર્થ થાય છે- જે જરૂરી છે પણ છે નહીં. ટ્રસ્ટ ડેફિસિટ શબ્દપ્રયોગ પાકિસ્તાન સાથેનાં અમેરિકાનાં વણસતા સંબંધોનાં કારણે વધારે પ્રચલિત થયો છે. પાકિસ્તાનનું ટેરર કનેક્સન, એના કહી ન શકાય તેવા ગઠબંધનો અને સહી ન શકાય તેવા કારસ્તાનોથી બન્ને દેશોમાં ઘણી ટ્રસ્ટ ડેફિસિટ આવી ગઇ છે.

બિઝનેસ મેનેજમેન્ટમાં ટ્રસ્ટ મેનેજમેન્ટ જરૂરી છે. ટ્રસ્ટ ડેફિસિટ થાય ત્યારે શું થાય? બધું અટકી પડે. બધું છોડી દેવાનું મન થાય. આશ્ચર્ય સાથે ડર પણ લાગે. તો પછી લક્ષ સિદ્ધ કરવા માણસ શું કરે? વિશ્વાસનું સ્થાન અંધશ્રદ્ધા લઇ શકે. ભ્રષ્ટાચારનો આશરો લેવાની કોશિશ કરે. દબાણ કરે. જૂથબંધી કરે. અન્ય લોકોને શરણે જાય. ટ્રસ્ટ ડેફિસિટ દૂર કરવા શું કરવું? પહેલાં તો તમારી જાતમાં વિશ્વાસ હોવો જોઇએ. બીજા લોકોને વિશ્વસનીયતા સાબિત કરવા સમય આપો. વિશ્વાસ ઘણી વાર દેખાતો નથી પણ હોય છે. વિશ્વાસ અન્યોન્ય હોય છે. તું મારી પીઠ ખંજવાળ અને હું તારી પીઠ ખંજવાળુ. વિશ્વાસ એવી શક્યતા ખોલી આપે છે જે અન્ય કોઇ રીતે શક્ય નથી. વિશ્વાસમાં દાદાગીરી ન હોય. વહેવારમાં કશું છૂપાવવાનું ન હોય, ખોટી વાત ન હોય, બે મોઢાંની વાત ન હોય. બસ ત્યારે ટ્રસ્ટ ડેફિસિટ દૂર થાય.

સૌથી મોટી ટ્રેડ ડેફિસિટ આમ આદમી અને સરકાર વચ્ચે છે. ટેલિકોમ, કોમનવેલ્થ, આદર્શ અને એવા તો કેટલાં ય કૌભાંડો પછી આપણે સરકાર પર વિશ્વાસ મુકી શકતા નથી. બધે જ આવું છે. કાગડા, યૂ નોવ…સરકાર પ્રજાનાં સંબંધોની ટ્રેડ ડેફિસિટમાં ચીન આપણાંથી ય આગળ છે. ચીનાઓને પોતાની સરકાર પર ચણોઠી ભારનો વિશ્વાસ નથી. હમણાં જાપાનમાં દરિયાકાંઠે ફુકિશિમા અણુશક્તિ પ્લાન્ટ દૂર્ઘટનાને કારણે ફેલાયેલા વિકિરણોથી ભવિષ્યમાં દરિયાઇ મીઠું પ્રદુષિત થવાની આશંકાનાં આધારે લોકોએ એટલું બધુ મીઠું ખરીદી લીધું કે મીઠાંની અછત થઇ ગઇ.  સાબુ, શેમ્પૂનાં ભાવ વધશે તેવી બીકથી ચીનાઓએ ધૂમ ખરીદી કરી. સરકાર ખુલાસા કરે કે એવું નથી. પણ સરકાર પર કોઇને વિશ્વાસ નથી. આપણી સરકાર પેટ્રોલ ડીઝલમાં ભાવવધારો ભાવવધારો રાગ આલાપે છે પણ આપણાં પેટનું પાણી હાલતુ નથી. સરકારી ટ્રસ્ટ ડેફિસિટથી આપણે ટેવાઇ ગયા છીએ. અ-સરકારી અસરકારી હોય તેવી શક્યતા વધારે છે, તેવું આપણે માનીએ છીએ. અમેરિકાનાં લોકોને એમની સરકારમાં વિશ્વાસ છે? આગામી પ્રેસિડન્ટ ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીનાં ઉમેદવાર મિટ રોમનીમાં એના પોતાના પક્ષનાં લોકોને ઝાઝો વિશ્વાસ નથી. કહે છે રોમની અને ઓબામા બન્ને જોકર છે, ભલે જુદી જુદી પાર્ટીનાં નુમાયંદા હોય. એક સર્વે કહે છે માત્ર 22% અમેરિકનોને જ એમની સરકાર પર વિશ્વાસ છે. આર્થિક મંદીનાં માહૌલમાં માત્ર 10% નોકરિયાતોને પોતાની કંપની પર વિશ્વાસ છે. ટ્રસ્ટ ડેફિસિટ ટ્રેડ ડેફિસિટથી વધારે ખતરનાક છે. પણ માત્ર સરકારને ગાળ દેવાથી કામ નહીં સરે. આત્મવિશ્વાસ રાખીએ. સહકાર્યકર પર વિશ્વાસ રાખીએ અને પોતે ય આયનામાં જોતા રહીએ. ક્યાંક આપણે તો ટ્રસ્ટ ડેફિસિટ માટે જવાબદાર નથી ને?

અને છેલ્લે ભગવાન તો છે જ. ઉપરવાલા દુ:ખિયોં કી નાહી સુનતા રે ! સોતા હૈ. બહોત જાગા હૈ ન? અને છંતા શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ છે જ. અહીં ટ્રસ્ટ ડેફિસિટ હોય છે પણ હરિનો હાથ ફરે અને હાશકારો થઇ જાય છે. ટ્રસ્ટ સરપ્લસ થઇ જાય છે.

શબદ આરતી:

એક આરબ બજારમાંથી કમાઇને પાછો ફરતા, પોતાનો ઊંટ બહાર મુકી મસ્જિદમાં ગયો. અલ્લાહનો આભાર માન્યો. પાછો ફર્યો તો ઊંટ ગાયબ. આકાશ તરફ બે હાથ ઊંચા કરી અલ્લાહને ગુસ્સામાં કહ્યું કે મેં તારી પર વિશ્વાસ મુક્યો અને તે મને આ બદલો આપ્યો. ત્યાંથી પસાર થતા પર્શિયન સૂફી સંત રુમીએ કહ્યું ભાઇ, ભગવાન પર ભરોસો ચોક્કસ રાખ પણ ઊંટને બાંધીને રાખ. આપણે ટ્રસ્ટ ડેફિસિટનાં બૂમબરાડા મારીએ પણ આયનામાં ય જોવાનું રાખીએ.

HOW WOULD YOU LIKE TO BE SPACE SHUTTLE OPERATOR
360 VIEW BY CONTROLLING MOUSE POINTER

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

2 responses to “ટ્રસ્ટ ડેફિસિટ: ભરોસાની ભેંસ પાડો જણે તેવી દહેશત પરેશ વ્યાસ

 1. Thoda ma ghanu
  આપણે ટ્રસ્ટ ડેફિસિટનાં બૂમબરાડા મારીએ પણ આયનામાં ય જોવાનું રાખીએ

  • pragnaju

   ધન્યવાદ
   અબજોપતિ નાસ્તિકો પણ ઉપરવાલાને શરણની વાત કરે! અનેક મંદિરો પાસે વધુ ઓછી માત્રામાં સોનુ છે તેઓને પાંચથી દસ ટકા સોનુ ફાળવવાનું સમજાવી સરકાર દેવી-દેવતાઓની આડકતરી મદદ લઇ શકે. દેશ આર્થિક સંકટમાંથી ઊગરી જાય તો પ્રભુ પ્રત્યેની આસ્થા વધશે પણ ખરી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s