ફોર્ચ્યુન કૂકી: સુપ્રિમ કોર્ટ લોકશાહી માટે ખતરા રૂપ છે/ પરેશ વ્યાસ

001

ન્યાય ને રક્ષા કરી જે ન શકે
ભાષણો કેમ કરે છે, રોકો                                                                                                                                                                                       –આદિલ મન્સુરી

શીર્ષક વાંચીને ચોંકશો નહીં. આ અમે નથી કહેતા. ‘બિઝનેસ ઇનસાઇડર’ નામનાં એક પ્રતિષ્ઠિત ન્યૂઝ મેગેઝીનની વેબસાઇટનાં સમાચારનું શીર્ષક છે. અને આ ભારતની નહીં પણ અમેરિકાની સુપ્રિમ કોર્ટની ટીકા છે. અને આ ટીકા કરનાર બીજું કોઇ નહીં પણ હાલ અમેરિકી સુપ્રિમ કોર્ટનાં ઉચ્ચતર સ્થાને બિરાજમાન જસ્ટિસ એન્તોનિન સ્કાલિયા સ્વયં છે. અમેરિકાની સુપ્રિમ કોર્ટમાં નવ ન્યાયાધીશો હોય છે. એમની નિમણુંક આજીવન છે. સિવાય કે તેઓ પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે. અહીં વયમર્યાદાનાં કારણે નિવૃત્તિ નથી. એક વાર બન્યા એટલે બન્યા. હા, પોતે કોઇ ગંભીર ગુનામાં સંડોવાય તો વાત જુદી છે. પણ અમેરિકી ઇતિહાસમાં આવું ઇમ્પીચમેન્ટ ક્યારેય થયું નથી. આ સર્વોચ્ચ ન્યાયપીઠ બંધારણીય અર્થઘટનનાં કેસ અંગે ઉભય પક્ષોની દલીલો સાંભળે છે. ચુકાદો આપે છે. સર્વસંમતિ નહીં થાય તો બહુમતીથી. જ્યારે નવ ન્યાયાધીશ પૈકી કોઇ ન્યાયાધીશ બહુમતી ન્યાયાધીશો સાથે સહમત ન થાય ત્યારે તેઓ કેમ સહમત નથી એનાં કારણ દર્શાવે છે. આ અસહમતિ(ડિસેન્ટ) ચુકાદાનો હિસ્સો ગણાય છે. હાલમાં સમલૈંગિક લગ્નોને કાયદેસર ઠેરવવા અંગે અમેરિકાનાં કેટલાક રાજ્યોમાં મતમતાંતર હતો. સુપ્રિમ કોર્ટે 5 વિરુદ્ધ ચાર મતથી અમેરિકા આખામાં સમલૈંગિક લગ્નોને કાયદેસરતા બક્ષી દીધી. આ બહુમતી ચુકાદા સાથે અસહમતિ દર્શાવતા જસ્ટિસ સ્કાલિયાએ લખ્યું કે આ તો અમારું કામ જ નથી. આ તો લોકોનો પોતાનો અધિકાર છે. લોકોએ પોતે જ નક્કી કરવું જોઇએ. એમાં ન્યાયતંત્રએ દખલ કરવાની જરૂર જ ક્યાં છે? તેઓ કહે છે કે કાયદો કવિતા નથી કે નથી કોઇ સુફિયાણી ફિલસૂફી. કવિતા હોય તો એમાં કાંઇ પણ તર્કસંગત  હોવું અપેક્ષિત નથી. આઇ મીન, કવિતા તરંગી હોઇ શકે. કવિતા યથાર્થ હોય એ પણ જરૂરી નથી. ભાવક પોતાની મરજી મુજબ અર્થઘટન કરી શકે છે. પ્રેરણાત્મક ફિલસૂફીમાં પણ એવું જ હોય છે. ફિલસૂફીમાં જરૂરી નથી કે કોઇ ચોક્સાઇ હોય જ. પણ જો બંધારણીય કાયદાનું અર્થઘટન કરવું હોય તો એ વિષે સ્પષ્ટ વિચારણા અને ઠરેલ પૃથક્કરણ જરૂરી છે. આજે સુપ્રિમ કોર્ટનું સ્તર જોહ્ન માર્શલ અને જોસેફ સ્ટોરીની કાયદાકીય વિવેકબુદ્ધિનાં સ્તરથી નીચે ઉતરીને ફોર્ચ્યુન કૂકીઝનાં હિતોપદેશ જેવું થઇ ચૂક્યુ છે. જોહ્ન માર્શલ અને જોસેફ સ્ટોરી ભૂતકાળનાં લબ્ધપ્રતિષ્ઠ ન્યાયાધીશો હતા. હવે ન્યાયનું સ્તર ફોર્ચ્યુન કૂકી(Fortune Cookie)  જેવું થઇ ગયું છે એટલે શું? અને  ફોર્ચ્યુન કૂકી? ફોર્ચ્યુન એટલે ભાગ્ય અને કૂકી એટલે તો ગળી બિસ્કિટ. તાજેતરમાં અપાયેલા સમલૈંગિક સંબંધોની કાયદેસરતાનાં સર્વોચ્ચ ચૂકાદામાં ગળી બિસ્કિટ અને એનાં પ્રેરણાત્મક લખાણનો ઉલ્લેખ થયો છે. શું છે આ ફોર્ચ્યુન કૂકી અને એનો હિતોપદેશ?

ફોર્ચ્યુન કૂકી એ ઘઉંનાં લોટ, ખાંડ, વેનિલાનાં મિશ્રણને સમોસા જેવા આકારમાં વાળીને તલનાં તેલમાં તળેલા કકરાં બિસ્કિટ છે. આની ખાસિયત એ છે કે એને ખાતી વેળા તોડીએ એટલે એમાંથી એક કાગળ નીકળે જેની પર હિતોપદેશ, નીતિમત્તાનાં સૂત્ર લખ્યા હોય. ભવિષ્યવાણી પણ હોય. તમે જેને પ્રેમ કરો છો એને જ પરણશો અથવા તમારા સપના સાકાર થશે વગેરે વગેરે. એટલે તો એ ફોર્ચ્યુન(નસીબ) કહેવાય. એમાં કોઇ સંખ્યા પણ લખી હોય જે તમારો લક્કી નંબર ગણાય. વીસમી સદીની શરૂઆતમાં અમેરિકાનાં ચાઇનીઝ રેસ્તોરાંમાં ખાણીપીણીનાં અંતે ડિઝર્ટ તરીકે ફોર્ચ્યુન કૂકી પીરસાતા.

જો કે ચીનમાં આવો કોઇ શિરસ્તો નથી. પણ અમેરિકામાં આવી વસેલાં એશિયન ઇમિગ્રન્ટ્સે આ પ્રથા શરૂ કર્યાનું અનુમાન છે. આમ પણ લોકોને ગળી વસ્તુ ભાવે છે. વળી એ મફત મળે તો તો ગમે જ. અને એમાં અગમનાં એંધાણ હોય તો તે જાણવાની જિજ્ઞાસા તો દરેકને હોય જ. કંઇક છૂપું હોય તો જાણવાની અને એ લખાણનું અર્થઘટન કરવાની તલપાપડતા હોય જ. પણ  જસ્ટિસ સ્કાલિયા કહે છે કે કાયદાનું અર્થઘટન ફોર્ચ્યુન કૂકીનાં હિતોપદેશ જેવું નથી. અમેરિકી બંધારણનાં ઘડવૈયાઓએ ઇસ 1868માં ચૌદમાં બંધારણીય સુધારામાં ઠરાવ્યુ હતુ કે લગ્ન તો પુરુષ અને સ્ત્રી વચ્ચે જ થઇ શકે. જો આટલા વર્ષે હવે સમલૈંગિક લગ્નને અદાલત કાયદેસરતા બક્ષે તો શું અત્યાર સુધી બધા ગેરકાયદેસર કૃત્ય કરી રહ્યા હતા? અદાલત એ રાજ્ય વ્યવસ્થાનો જ એક ભાગ છે. પણ એની પાસે નથી પોલિસ જેવી સત્તા કે નથી રાજકારણી જેવી ઇચ્છાશક્તિ. અદાલત પાસે એક માત્ર એક જ સત્તા છે અને એ ન્યાય તોળવાની. જસ્ટિસ સ્કાલિયા જ્યુડિશિયલ એક્ટિવિઝમની ખિલાફ છે.

આજકાલ વ્પાપમ ગોટાળો છાપે છાપે વ્યાપ્યો છે. સીબીઆઇ તપાસનાં આદેશ છૂટ્યા છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટ આ તપાસ પર જાપ્તો રાખવામાં નિષ્ફળ ગઇ છે એવી ટીકા ભારતની સુપ્રિમ કોર્ટે કરી છે. આમ જુઓ તો કોર્ટનું કામ તપાસ પર જાપ્તો રાખવાનું નથી. પણ કદાચ આપણી લોકશાહી હજી એટલી પરિપક્વ નથી. હવે સીબીઆઇને તપાસ સોંપાઇ છે. સીબીઆઇ નામનો પોપટ પાંજરામાં મીઠું મીઠું બોલે છે એવી ટીકા પણ આ અગાઉ સુપ્રિમ કોર્ટ કરી ચૂકી છે. આપણી સુપ્રિમ કોર્ટ ફોર્ચ્યુન કૂકીનાં હિતોપદેશની વાત કરે છે. આપણી સુપ્રિમ કોર્ટને સત્તા અને ઇચ્છાશક્તિ સ્વયં હસ્તગત કરવા પડે છે કારણ કે આ કેસ સાથે જોડાયેલા 40 માણસો એક પછી એક શંકાસ્પદ રીતે મૃત્યુ પામ્યા છે. સરકાર પોતાનું કામ કરતી નથી એટલે કોર્ટને વચ્ચે કૂદવું પડે છે. આપણી લોકશાહીને ડિઝર્ટમાં ફોર્ચ્યુન કૂકી કોઠે પડી ગયા છે. તો ભલે એમ ..તંઇ શું? આપણી સુપ્રિમ કોર્ટ આપણી લોકશાહી માટે આશીર્વાદ રૂપ છે.

શબદ આરતી:

“કાયદાનો અમલ કરનારા વધારે પડતા તાકતવર બન્યા છે,

ન્યાય તોળનારાઓ વધારે પડતા ઉદ્ધત અને કાયદાનાં ઘડનારાઓ અક્કલ વગરનાં છે.”                                                                                                                              – અમેરિકન પત્રકાર અને લેખક લીન નોફઝિગર(1924-2006)  

 

1 ટીકા

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

One response to “ફોર્ચ્યુન કૂકી: સુપ્રિમ કોર્ટ લોકશાહી માટે ખતરા રૂપ છે/ પરેશ વ્યાસ

  1. સુપ્રીમ કોર્ટના જજ ની નિમણુક પ્રેસીડન્ટ કરતા હોય છે એટલે જજની વફાદારી નિમણુક કરનાર પ્રેસીડન્ટ ના પક્ષના વિચારો શું છે એ તરફ રહે છે અને એ રીતે એમનો મત આપતા હોય છે આમ સુપ્રીમ કોર્ટમાં પણ રાજકારણ ખેલાય છે એવું લાગે છે ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s