હું મન, વચન અને કર્મથી આળસુ છું/પરેશ વ્યાસ

૦૦૦(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

– સૌમ્ય જોશી

હું મન, વચન અને કર્મથી આળસુ છું. હું ન કરવાનું ક્યારે ય કરતો નથી. મારું ચાલે તો હું કરવાનું ય ન કરું. પણ મારા ઘરમાં મારું ચાલતુ નથી. કોકિલા મને જાત જાતનાં કામ સોંપે છે. દાડમનાં દાણા ફોલી આપો. સોયમાં દોરો પરોવી દો. બાટલીનું ઢાંકણુ કેમ ખુલતું નથી? દૂધ ગરમ કરવા મુક્યું છે, જરા જોજો. જરા ફુદીનો તોડી લાવો’તો. આજનો દિવસ જરા પૂજા કરી નાંખો. નેઇલ-કટર લો અને તમારા નખ કાપી નાંખો. માછલીને ખાવાનુ નાખ્યું? ગેસનું બીલ આવી ગયું છે, જરા ભરી દેજો. અરે ભૈ, બારણા બંધ રાખો, મચ્છર ઘુસી જાય છે. ફોનની રીંગ વાગે છે, તમારો જ ફોન હશે. તમે જો ધ્યાનપૂર્વક જોયું હોય તો કોકિલા મને જે જે કામ સોંપે છે એ બધા સાવ સરળ હોય છે. કોકિલા મને કચરા, પોતાં, વાસીદું વાળવા કહેતી નથી. મને વાસણ અજવાળવાનું કહેતી નથી. મને કપડા ધોવા પણ કહેતી નથી. રસોઇ માટે પણ કહેતી નથી. કોકિલા એવા કામ જાતે કરે છે. કોકિલાની આ મહાનતાનાં કારણે મારે શરમે ધરમે કોકી-ચીંધ્યા ક્ષુલ્લક કામો ના છૂટકે કરવા પડે છે. પાણીમાં રહેવું ‘ને માછલીનાં આંસુએ રોવું? ક્યાં સુધી?

અંગ્રેજીમાં નિતાંત આળસુ માટે  સરસ શબ્દ છે- કાઉચ પોટેટો. પથારીમાં પડ્યો પડ્યો ટીવી જોયા કરવાનો એદી, આળસુ, સુસ્ત, પ્રમાદી. રીમોટ કંટ્રોલ પર બટન દબાવવા જેટલી જ કસરત કરવાની. બાકી આરામ. પણ સુસ્ત લોકો માટે એક મસ્ત સમાચાર છે. આળસ કર્મજાત નથી. જન્મજાત છે. આળસ માણસનાં જીન્સમાં છે. વંશપરંપરાગત છે. અમેરિકન જરનલ ઓફ ફિઝિઓલોજીમાં તાજેતરમાં જ પ્રસિદ્ધ સ્ટડી રિપોર્ટમાં એક પ્રયોગ 52 ઉંદર પર કરવામાં આવ્યો છે. 26 ઉંદર એવા કે જે સ્વયંમ કસરતી, દોડાદોડ કરે. બાકીનાં 26 એવા કે જે આળસુ. પડ્યાપાથર્યા રહેવાનું પસંદ કરે. કસરત પસંદ 26 ઉંદરોને અંદરોઅંદર પરણાવ્યા. એમનાં બચ્ચા મોટા થયા કે પાછા અંદરોઅંદર પરણાવ્યા. આમ દસ પેઢી સુધી કર્યું. એ જ રીતે આળસુ પ્રકૃતિનાં ઉંદરોનું પ્રજનન કર્યું. દસમી પેઢીનાં બન્ને પ્રકારનાં ઉંદરની ચપળતાની, સ્ફૂર્તિની પરીક્ષા લીધી. જાણવા મળ્યું કે આળસુ જૂથનાં દસમી પેઢીનાં ઉંદરની સરખામણીમાં ચપળ જૂથનાં દસમી પેઢીનાં ઉંદર દસ ગણા વધારે દોડી શકે છે. આ રીસર્ચ કરનાર અમેરિકાની મિસુરી યુનિવર્સિટીનાં ડૉ. માઇકલ રોબર્ટ્સ કહે છે કે ઉંદર અને માણસ વચ્ચેનાં શરીરકોષમાં  થોડો ફેર તો છે. પણ સૌથી અગત્યનું એ છે કે અમે ચપળ અને આળસુ પ્રકૃતિ વચ્ચેનાં ભેદનું કારણ શોધી શક્યા છીએ.

હશે, આ તો કારણ મળ્યું. કાંઇ ઉકેલ તો નથી. બાપદાદાને જવાબદાર ઠેરવીએ પણ આપણી જવાબદારી કાંઇ ઓછી નથી થતી. થેંક્સ ટૂ કોકિલા, હું નિયમિતપણે વહેલી સવારે સ્વિમિંગ કરવા જાઉં છું. મોલમાં જાઉં તો લિફ્ટ/એસ્કેલેટરની જગ્યાએ  સીડીથી ઉપર જવાનું પસંદ કરું છું. ઓફિસમાં ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય પણ મેં એક નિયમ રાખ્યો છે. જ્યારે ફોન આવે ત્યારે ઊભો થઇને વાત કરું છું. ટીવી જોતો હોઉં અને એમાં વચ્ચે વચ્ચે જાહેરાત આવે ત્યારે ઊભો થઇ બહાર આંટો મારી આવું છું. રવિવારે નાના મોટા કામ માટે બહાર જવું પડે તો સાયકલ પર જાઉં છું. ઘરે મળવા આવેલા મહેમાનો અને મિત્રોને દૂર સુધી ચાલીને વળાવવા જાઉં છું. અને હા, કોકિલા ના પાડે તો ય ઘંટીથી દળું છું. ઘંટી એટલે પેલી ઇલેક્ટ્રિકલ આટા-ચક્કી નહીં. પણ વારસામાં મળેલી મેન્યુઅલ ઘરઘંટી. પેલી ઇલેક્ટ્રિક ઘંટીનો લોટ ગરમ નીકળે. તત્વો બળી જાય. પણ મેન્યુઅલ ઘંટીમાં દળેલો લોટ ગરમ થાય નહીં.  એટલે પોષક તત્વો બધા જળવાય. કસરતની કસરત.. અને કામનું કામ. કોકિલા આ બધી વાતની નોંધ લેતી હોય છે. એ મને કહે છે કે “તમારી પ્રકૃતિ ભલે આળસપ્રિય છે, પણ હે પ્રિય પતિદેવ, તમે કર્મયોગી છો.” કોકિલા મારી અર્ધાંગના છે. મારું અડધું અંગ. મારે તો મારા અંગને સ્વસ્થ રાખવું જ રહ્યું. કોકિલાને કાંઇ નબળું પસંદ જ નથી.

પહેલાનાં જમાનામાં ઇલેક્ટ્રીસીટી નહોતી. વાહન નહોતા. ચાલીને કુવા કે વાવમાંથી પાણી ભરવા જવું પડતું. પછી ટેકનોલોજીએ ચમત્કાર કર્યો.નળ ખોલો અને પાણી ઘર બેઠા આવે. અને દાટ વળી ગયો. કસરતનાં નામે મીંડુ. ટેકનોલોજીએ આપણને આળસુ બનાવી દીધા. કોકિલાએ સૌમ્ય જોશીને યાદ કરીને એમની વાવ વિષેની કવિતા કહી. આપણે તરસ્યા હતા તો સારા હતા. હવે આપણી તરસ પણ આળસુ થઇ ગઇ છે. વાવનાં પાણી પર લીલની માફક  જામી ગઇ છે. વાત તો સાચી છે. આપણી તરસ મિનરલ વોટરની બોટલમાં બંધ થઇ છે. પરબમાં જઇને પાણી પીવાનો શ્રમ હવે કોણ કરે?

 

 

3 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ

3 responses to “હું મન, વચન અને કર્મથી આળસુ છું/પરેશ વ્યાસ

 1. પરેશભાઈને કે’વાનું કે, તમારી સરસ મજાની શબદ શોધની હોબી વાપરી; રાજકારણને બદલે આવો મસ્ત મજાનો, મનભાવન , દિલબહલાવન લેખ લખ્યો- એ બૌ ગમિયું !
  તમારાં હાહાકાર(!) માતાજીને મનપસંદ આ બલોગડા પર ચઢાવી દીધો …
  https://dhavalrajgeera.wordpress.com/2015/07/19/lazy/

 2. પાણીમાં રહેવું ‘ને માછલીનાં આંસુએ રોવું? ક્યાં સુધી?
  આપણી તરસ મિનરલ વોટરની બોટલમાં બંધ થઇ છે
  આવી સરસ મૌલિક શબ્દ શૈલી સાથેનો આ હળવો લેખ વાંચવાની મજા આવી .

  પહેલા તો લેખ વાંચવાની થોડી આળસ થઇ પણ પછી એની શરુઆતની સુંદર રજૂઆત વાંચ્યા પછી પથારીમાં પડ્યા પડ્યા પેટ ઉપર કોમ્પ્યુટર રાખી લેખ પૂરો વાંચવાની મજા લીધી.
  પરેશભાઈ આ લેખમાં એક હાસ્ય લેખકની અદાથી પુરા ખીલ્યા છે.
  સુરેશભાઈ સાથે હું સંમત છું. એમણે વચ્ચે વચ્ચે આવા હલકા ફૂલ જેવા લેખો પણ લખવાની આળસ ના કરવા માટે મારું નમ્ર સૂચન છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s