હિરેથ: વણઉકેલ ઘરઝૂરાપો/પરેશ વ્યાસ

હિરેથ: વણઉકેલ ઘરઝૂરાપો

વતનની યાદ આવે છે તો લાગે છે મને એવું
કે ઢળતી સાંજનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે આદમ
હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે                                                                                                                        –    શેખાદમ આબુવાલા

પરદેશમાં તો એકાંત સાલે. પણ કવિ શેખાદમને ‘ભીડ સાલે છે!’ સાલવું એટલે શલ્યની માફક ખૂંચવું. નડવું. પરદેશની ભીડ અને એ ય ગુલાબી હોય તો પણ એ ભીડ ખૂંચતી હોય છે. હમણાં ફરી એક વાર નમો થોડા દિવસ માટે અમેરિકા ગયા અને અમને અમેરિકી એનઆરઆઇ યાદ આવી ગયા. ત્યાં સિલિકોન વેલીમાં નમોએ અમેરિકી નિવાસી ભારતીયોને સંબોધીને કહ્યું કે તમે અમને છોડીને અહીં વસ્યા, એ બ્રેઇન ડ્રેઇન નથી, બ્રેઇન ગેઇન છે. મતલબ કે ભારતમાતાની જે બુદ્ધિપ્રતિભાઓ માતૃભૂમિને છોડી ગઇ છે તેઓ ગમે ત્યારે આ અબ લૌટ ચલે-નું ગાણું ગાશે. અને ગમે ત્યારે એ બુદ્ધિપ્રતિભા ભારતને ફરી સાંપડશે. સવાલ એ છે કે એવા વિદેશી લોકો પાછા આવે ત્યારે એમને માટે વતન વિદેશ થઇ જાય છે. અઘરું બની જાય છે ભારત મહીં રી-સેટલ થવાનું. સ્વદેશમાં રહેતા માતા-પિતા જેના બાળકો વિદેશ વસે છે; એ ઓરફન પેરન્ટ્સ(અનાથ માબાપ!) કહેવાય છે. પણ પછી આવા અનાથ માબાપ પણ સ્વર્ગે સિધાવે તો પછી કોઇ પાછા શા કાજે ફરે?

ઘરથી, વતનથી દૂર વસેલા લોકોને પૂછજો, કેવો ઘરઝૂરાપો સતાવે? વાતો કરવાવાળું કોઇ ન મળે. વિદેશથી ફોન આવે અને કલાકોનાં કલાકો વાતો કરે. આપણે ય વાતો કરીએ. પણ સન્મુખ મળવાનું ક્યારે? આ ઘરઝૂરાપાની મનોસ્થિતિને અંગ્રેજીમાં હોમસિકનેસ કહેવાય છે. દુનિયાનો છેડો ઘર. પણ એવા ય લોકો છે જે દુનિયાને ઓલે છેડે વસે છે અને આ છેડે, માદરેવતનમાં એમનું કહી શકાય એવું કોઇ ઘર નથી. મકાન પણ નથી. કોઇ સગા ય નથી રહ્યા. વ્હાલાની તો વાત જ જવા દો. પરદેશમાં રહે, વતનની યાદ સતાવે પણ જાવું ક્યાં? આવા વણઉકેલ ઘરઝૂરાપા માટે એક એક્સક્લુઝિવ શબ્દ મળી આવે છે અને એ છે હિરેથ (Hiraeth) .

યુકેનાં વેલ્સ પ્રાંતનો શબ્દ હિરેથ ઇંગ્લિશ ભાષાએ અપનાવ્યો છે. પૌરાણિક ઇન્ડો-યુરોપિયન ભાષા સેલ્ટિકનાં શબ્દ સર-એક્સટો(તીવ્ર ઝંખના) પરથી આવેલો શબ્દ ‘હિરેથ’નો અર્થ થાય છે: એવા ઘરનો ઘરઝૂરાપો જ્યાં તમે જઇ ન શકો અથવા એવું ઘર જે હોય જ નહીં. હિરેથ એ સાદો ઘરઝૂરાપો નથી. એમાં ગૂમાઇ ગયેલા કે છોડી ગયેલાનું દુ:ખ કે ઉદાસીની છાયા છે. ભૂતકાળની યાદો પીછો છોડતી નથી. એ જગ્યાની યાદ, એની ઇચ્છા, ઝંખના ઘેરી વળે છે.

આવા વણઉકેલ ઘરઝૂરાપાનો ઇલાજ શું છે? હાલમાં અમેરિકી પ્રેસિડન્ટ બનવા માટે ભારતીય અમેરિકન બોબી જિન્દલ પણ દોડી રહ્યા છે. તેઓ હંમેશા કહે છે કે હું મારી જાતને ભારતીય અમેરિકન ઓળખાવવાનું પસંદ કરતો નથી. હું તો સ્વત: અમેરિકન છું. મને લાગે છે કે આ માણસ મૂળને ભૂલી ગયો છે. મને એટલે જ તો આ માણસ પહેલાં ગમ્યો નહોતો. પણ હિરેથનો વિચાર કરું તો મને લાગે છે કે આ માણસને ક્યારેય ઘરઝૂરાપો, આવો વણઉકેલ ઘરઝૂરાપો નડ્યો નહીં હોય અને નડશે પણ નહીં. આ માણસે જેવો દેશ, એવો વેશ કરી લીધો છે. તંઇ શું?  આ અહીંના ય નહીં ‘ને તહીંના ય નહીં, એવી સ્થિતિ તો વોશરમેનનાં ડોગ જેવી કહેવાય. હેં ને? એક એવું પણ તારણ છે કે તમે અમેરિકામાં ત્યારે જ સુખી રહી શકો જો તમે ઇંડિયાને, ઇંડિયાની ધૂળને, ઇંડિયાનાં ધૂમાડાને, ઇંડિયાનાં દૂષિત પાણીને, ગંદકીને, ઠેર ઠેર ઉઘાડે છોગ થતા મળમૂત્ર વિસર્જનને ધિક્કારો. ભારત પાછા જવાનો માર્ગ બંધ જ કરી દેવો. યુ સી ! પાછા આવવું જ નહીં. જન મન ગણ ભૂલી જઇને સ્ટાર્સ એન્ડ સ્ટ્રાઇપ્સ ફોરએવરનું રટણ ચાલુ રાખવું. પણ તો ય, ઘરની યાદ તો આવે, આવે કે નહીં ચંદુભાઇ…

શબદ આરતી:

h2 h1

 

“જ્યાં તમે પ્રેમ કરો એ ઘર છે. જ્યાં પગ જતા રહે પણ હૃદય રોકાઇ જાય એ ઘર.” –ઓલિવર વેન્ડલ હોમ્સ

7 ટિપ્પણીઓ

Filed under Uncategorized

7 responses to “હિરેથ: વણઉકેલ ઘરઝૂરાપો/પરેશ વ્યાસ

 1. P.K.Davda

  આજે જ્યારે પ્રવાસ અને સંપર્ક આટલા સહેલા બન્યા છે, સસ્તા બન્યા છે, ત્યારે ઝુરાપો શબ્દ હવે લાગુ પાડી શકાય નહિં. પંકજ ઉધાસની ચીઠ્ઠી સાંભળીને લોકો રડી પડતા એ સમય જતો રહ્યો. છેલ્લા ૧૫ વરસથી હવે લોકો વતનના રોદણાં રડતા નથી. ઢોરપણ જ્યાં ઘાસ લીલું હોય ત્યાં ચરવા જાય છે. મારા બાપુજીની કર્મભૂમી કચ્છ, મારી મુંબઈ, મારા દિકરાની અમેરિકા, હવે પછીની ક્યાં હશે શી ખબર?

  • pragnaju

   મા દાવડાજી,
   હવે ઘરઝૂરાપા જેવા શબ્દો ભૂલાતા જાય છે પણ હજુ ઘરઝૂરાપા સાલતો હોય તેવા જોવા મણે છે, કેટલાક તો ૫૦-૬૦ વર્ષ પહેલા આવેલા તે ઘર યાદ કરીને આંસુ પાડતા જોયા છે.મારી ૪ દીકરીઓ કેનેડા,અમેરીકા ,નાયજેરીઆ અને સુરતમા અને અમે ચલકચલાણી કરતા દરેક ની જુદી જુદી પરિસ્થિતી સંભાળતા જોયા છે.હંમણા સાઉથ કેરોલીનાના સમાચાર જોઇ ફોન કર્યો તો છેલ્લા વાક્યમા સૂર હોય કે હવે તેમણે અમારી ફિકર કરવાની !
   આપનો પ્રતિભાવ વિચારપ્રેરક અને પ્રેરણાદાયી હોય છે…અમારા બીલીયન $ના મેન્સનમા રહેતા મિત્ર કહે છે તેમ-‘યે ગરીબખાનાપે તશરીફ લાકે મજકૂર ફરમાના…’
   આપ પણ પધારતા રહેશોજી

 2. “જનની જન્મભૂમિસ્ચ સ્વર્ગાદપિ ગરીયસી” એટલે કે જન્મદાતા મા અને જ્યાં જન્મ થયો હોય એ વતનની ધરતી સ્વર્ગ કરતાં ય ચડિયાતાં છે.

  મશહુર ગઝલકાર અને ગાયક પંકજ ઉધ્હાસ અમેરિકામાં એમના પ્રોગ્રામમાં જ્યારે વતનસે ચિઠ્ઠી આઈ હૈ એ ગીત લલકારે છે ત્યારે ઘણા વર્ષોથી અહી રહેતા હોવા છતાં ઘણા ભારતીય અમેરિકનોની આંખોમાં આંસુ ડોકાય છે એ શું બતાવે છે? બાબર હિન્દુસ્તાનનો શહેનશાહ બન્યો પણ એના હૈયે વતનપ્રેમ જ્વલંત હતો .તેને હમેશાં મધ્ય એશિયાનાં તરબુચ યાદ આવતાં હતાં.જગવિખ્યાત લેખક અને પ્રખર વિચારક રશિયાના મહાત્મા લિયો ટોલસ્ટોય એક વખત એમના વતનના ગામ યાસ્નાયા પોલ્યાનાની મુલાકાતે ગયા ત્યારે ગામના અભણ અને બરછટ રીતભાતના ખેડૂત પડોશીઓએ એમને પૂછ્યું,”મહાશય ,તમે તો દેશ પરદેશમાં ખુબ ફર્યા છો.વિદેશોમાં બધું આપણા આ ગામ કરતા ઘણું જ બહેતર હશે ખરું ને ?”ટોલસ્ટોયે જવાબ આપ્યો,” બિલકુલ નહી,પોતાના વતન કરતાં સારું કોઈ સ્થળ હોઈ જ ન શકે.મારે મન મારું આ નાનું ગામ યાસ્નાયા પોલિયાના વિશ્વ ઉપરનું સુંદરમાં સુંદર સ્થળ છે. “

  ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ ગઝલો-કાવ્યો રચીને નામ અમર કરી જનાર આદીલ મન્સૂરી ૧૯૮૫માં વતન અમદાવાદની વિદાય લઈને તેઓ નવેમ્બર ૨૦૦૮ માં અવસાન પામ્યા ત્યાં સુધી અમેરિકામાં,હોબોક્ન, ન્યુ જર્શીમાં રહ્યા.આ આદીલ મન્સુરીએ આપણી ગુજરાતી ભાષામાં એમના વતનપ્રેમ અને વતન ઝૂરાપા ને ઉજાગર કરતી કેટલીક સુંદર ગઝલો લખી છે એમાંની કેટલીક પક્તિઓ અહી રજુ કરીને મારો લેખ પુરો કરું.

  વતનની ધરતી માટેનો તલસાટ વ્યક્ત કરતા એમણે લખ્યું:

  વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,

  અરે આ ધૂળ, પછી ઉમ્રભર મળે ન મળે .

  કાલે પાછા ચાલ્યા જાશું ,નક્કી કાલે પાછા,

  કાલે કાલે કરતાં કરતાં જર્શીમાં વર્ષો કાઢ્યાં.

  આદિલને મળવું હોય તો મુશ્કિલ નથી કે એ

  જર્શીમાં જો ન હોય તો સરખેજ હોય છે.

  મૃત્યુ પણ આદિલ અચાનક આવશે

  જન્મવું પણ જ્યારે અણધાર્યું હતું. ——-આદિલ મન્સૂરી

 3. pragnaju

  આપની પ્રેરણાદાયક પ્રતિભાવ બદલ ધન્યવાદ

 4. pragnaju

  avinkant Shastri
  To Pragna Vyas pkdavda@gmail.com Oct 8 at 10:35 PM
  હું કંઈક કહું?
  ૪૭ વર્ષ પહેલાં સૂરત છોડ્યું. ઓટલો ઉતરીને ચપટી ભરીને આંગણાની ધૂળ માથે ચડાવી. ફળીયાના આડોસી પાડોસીની આંખો સજળ હતી. એ ભાવ હતો. હું અમેરિકામાં છું પણ સ્વપ્ના તો સૂરતના જ આવે. ગયા જાન્યુઆરીમાં સૂરત જવાનું થયું. એ ફળીયું મારું નથી. એ શહેર મારું નથી. ત્યાં મારી સ્મૃતિઓને ફરી સજીવન કરી શકું એવું કોઈ સ્થાન નથી. યાદોને પંપાળવાને બદલે આંસુથી પલાળવાનું જ રહ્યું છે. હા એ હોમસીકનેસ માત્ર સીકનેસ જ બની રહે છે. એક વિધવા ડોસીની પિયરની ઝંખના જેવી જ હોમસીકનેસ. આજે મારા સંતાનો અને ગ્રાન્ડચિલડ્રનને માટે અમેરિકા જ ઘર છે. એમને માટે અમેરિકા ભાડાનું મકાન નથી. પહેલી પેઢીમાં પણ લાગણીની અભિવ્યક્તિમાં ફેર પડે. પહેલી પેઢીએ ૫૦ વર્ષ પરદેશમાં ગાળ્યા છે કે ૧૫ વર્ષ ગાળ્યા છે. પિયરના ઝરૂપાની ઈન્ટેન્સીટી નવવધૂની અને સાસુ કે વડસાસુ બની ગયેલી હોય એ બે સ્ત્રીઓ માં ફેર રહેવાનો.

 5. pragnaju

  P.K.Davda

  આજે વિશ્વભરમાં ભણેલા લોકોની જમાત વણજારા બનતી જાય છે. વણજારાને પણ યાદો તો રહે છે, પણ જ્યાં લીલું ઘાસ હોય ત્યાં જ ઢોરઢાંખર સાથે જવું પડે છે. મારી લગ્નબાદ એક અઠવાડિયામાં જ ગોવા ટ્રાન્સફર થયેલી. મેં એક નિયમ બનાવ્યો, “નોકરી કરવી હોય તો નખરા નહિં”. આને ટાટા અને અંબાણીના છોકરાઓને ભારત છોડીને ક્યાંય જવાની જરૂર નથી, આપણાં છોકરાઓને છે. તમે રડીને પરદેશમાં રહો, કે પરદેશનો આનંદ ઊઠાવો, તમારા હાથમાં છે.

  • pragnaju

   ગુંજે

   મેલી મત જા મને એકલી વણજારા – કાજી મામદશા
   મેલી મત જા મને એકલી વણજારા
   મેલી મત જા, પરદેશમાં વણજારા
   જીઓ વણજારા, જીઓ વણજારા….

   સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા,
   મારે કરમે નીકળ્યા કથીર રે, વણજારા…
   જીઓ વણજારા, જીઓ વણજારા…

   ડુંગર માથે તારી દેરડી વણજારા,
   હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણજારા…
   જીઓ વણજારા, જીઓ વણજારા….

   કાજી મામદશાની વિનંતી વણજારા,
   તમે રહી જાઓ આજની રાત રે, વણજારા….
   જીઓ વણજારા, જીઓ વણજારા…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s