Daily Archives: ડિસેમ્બર 2, 2015

ન્યુઝીલૅંડ દ્રુષ્યો/બુકર ટી. વોશિંગ્ટન-હરનિશ જાની

1

બુકર ટી. વોશિંગ્ટન (આત્મકથા) – એક અનુવાદ

હરનિશ જાની
27-11-2015

હાલમાં વિચારવલોણું પરિવાર પ્રકાશનની પુસ્તિકા “બુકર. ટી. વોશિંગ્ટન”ની આત્મકથા, સંક્ષેપ્તમાં – ગુજરાતીમાં વાંચવામાં આવી. બુકર. ટી.ના નામથી બહુ ઓછા ગુજરાતીઓ પરિચિત હશે. તેમણે અમેરિકાના ગુલામોના ઇતિહાસ સંબંધક ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. પ્રેસિડન્ટ લિંકને ગુલામોને આઝાદી તો અપાવી, પણ તેમાંના એક ગુલામ બુકર ટી. વોશિન્ગ્ટને ગુલામોને તેમના ગુલામ વિચારોમાંથી મુક્તિ અપાવી હતી. બુકર ટી. વોશિંગ્ટન ગુલામીમાં ૧૮૫૬માં જન્મ્યા હતા. ત્યારે હજુ કાળા લોકોને ગુલામીમાંથી મુક્તિ નહોતી મળી. તે એક ગોરા અમેરિકન અને કાળી ગુલામ માતાના સંતાન હતા. તે સમયના ગુલામોની સ્થિતિ એક ઢોર કરતાં પણ બદતર હતી. માલિક કંતાનનાં કપડાં પહેરાવતા. જે શરીર પર ઘસાતાં. ખાવામાં મકાઈ અને ડુક્કરનું માંસ અને રહેવા માટે ભીંતો વિનાના છાપરાં. અને ભૂલ થાય તો માલિકો ચાબખા મારતા.

પ્રેસિડન્ટ લિંકનના પ્રયત્નોથી, સિવિલ વોરના અંતે, ૧૮૬૩માં ગુલામોને મુક્તિ મળી. ત્યારે બુકર. ટી, સાત વરસના હતા. તેમને  વાંચવા, લખવાની ખૂબ તમન્ના હતી. એ જ શિક્ષણની તીવ્ર ઈચ્છાએ એમને શિક્ષક, કેળવણીકાર અને અવ્વલ નંબરના ભાષણકર્તા બનાવ્યા. કાળા લોકોના લિડર બનાવ્યા, એટલી હદે કે એમના સમયના અમેરિકન પ્રેસિડન્ટ કાળા લોકોના પ્રશ્નોની ચર્ચા માટે બુકર ટી.ની સલાહ લેતા. હાર્વર્ડ યુનિવર્સિટીએ ૧૮૯૬ ડોક્ટરેટની માનદ્દ ડિગ્રી પણ એનાયત કરી. અને પ્રોફેસર વોશિન્ગટને, પત્ની  સાથે યુરોપની લેકચર ટુર પણ કરી.

“બુકર ટી વોશિંગ્ટન” ની આત્મકથાનો અનુવાદ ઈંગ્લિશ પરથી કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અનુવાદ કોણે કર્યો છે. એ બહુ અગત્યનું હોય છે. અનુવાદક મૂળ કૃતિને કેટલા વફાદાર રહી શકે છે, તે પણ જોવું પડે. અને તે માટે મૂળ કૃતિની ભાષા અને અનુવાદની ભાષાનું જ્ઞાન જરૂરી છે. જ્યારે બુકર ટી.ની આત્મકથાનો ગુજરાતી અનુવાદ તો  વાંચ્યો પણ અનુવાદકે ગુજરાતી શબ્દનો પ્રયોગ કયા અંગ્રેજી  શબ્દ પરથી લીધો હશે. તેની  રમત પણ મગજમાં ચાલતી હતી.

આ પુસ્તકમાં અનુવાદકને બે ચેલેન્જ હતી. એક તો મૂળ આત્મકથનનું સંક્ષિપ્તીકરણ કરવાનું અને તેનું ભાવાનુવાદ કરી ગુજરાતી વાચકના મનમાં પ્રવેશવાનું હતું. આ પુસ્તકનો ભાવાનુવાદ અશોક વિદ્વાંસે કર્યો છે. અશોકભાઈ ગોપાલરાવ વિદ્વાંસના સુપુત્ર થાય. ગોપાલરાવે મારા જેવા લાખો ગુજરાતીઓને મરાઠી સાહિત્યનો પરિચય કરાવ્યો છે. વિ.સ.ખાંડેકરનાં પુસ્તકો ગામની લાયબ્રેરીમાંથી મેળવી, વાંચી, અમે મોટા થયા. મારા માટે ગોપાલરાવ નામ તો પુણ્યશ્લોક છે.

હું વિવેચક નથી. પણ ધ્યાનપૂર્વક વાંચતો વાચક જરૂર છું. પુસ્તક જે રીતે સમજ્યો છું. તેની વાત કરીશ. મારે કહેવું પડશે કે અશોક વિદ્વાંસે આ પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરી આ મહાન વ્યક્તિનો પરિચય ગુજરાતી વાચકોને કરાવી બહુ મોટું કામ કર્યું છે. ખાસ કરીને જેઓને અમેરિકન ગુલામોનો ઇતિહાસ જાણવો હોય તેને માટે પુસ્તક ખૂબ અગત્યનું છે. અમેરિકાના ઇતિહાસમાં કાળા લોકોની પ્રગતિ કેવી રીતે થઈ તે સમજવા માટે આ પુસ્તક વાંચવું રહ્યું. અને આ અદ્દભુત વ્યક્તિને ઓળખવી બહુ જરૂરી છે. એકદમ જ આઝાદ થયેલા ગુલામોને આઝાદીના પહેલા દિવસે શું કરવું, તેની જ ખબર નહોતી એટલે “ઈક્વલ રાઈટસ્ – સમાન હકો”ની તો વાત જ ક્યાંથી હોય? આઝાદ થયા. હવે શું કરવાનું? એની કેટલી દ્વિધા થઈ હશે!

આ આઝાદી પહેલાં જુદા જુદા માલિકને ત્યાં ગુલામી કરતાં તેમના માતા અને ગુલામ ઓરમાન પિતા હવે ભેગા થયા અને તે લોકોએ ૩૦૦ માઈલ પગપાળા માલ્ડેન, વેસ્ટ વર્જિનિયા જવાનું નક્કી કર્યું. નાના બુકર ટી.ને જો એક માત્ર ધૂન ભરાઈ હોય તો તે ભણતરની. કોઈપણ હિસાબે આંકડા અને અક્ષર શીખવા હતા. પરંતુ પિતાએ માલ્ડેન ગામમાં તેમને કોલસાની ખાણમાં નોકરીએ લગાડ્યા બપોરે સ્કૂલ પતાવી સાંજે સ્કૂલમાં જતા, ત્યાં નાના બુકર કોલસાના પીપડાં પર લખેલા આંકડાઓ પરથી આંકડા શીખ્યા. માતાએ તેમને એક ડિક્ષનરી લાવી આપી. જેનાથી તે વાંચતા લખતા થયા.  સ્કૂલમાં ભણતા  ભણતા તેમણે ‘બુકર ટેલિફાનો વોશિંગ્ટન” નામ અપનાવ્યું. માલ્ડેન, વેસ્ટ વર્જિનિયાથી ૫૦૦ માઈલ પૂર્વમાં દૂર વર્જિનિયા સ્ટેટના હેમ્પટન ગામમાં ભણવા ગયા. ત્યાં જનરાલ આર્મસ્ટ્રોંગની દેખભાળ હેઠળ તેમણે હાઈસ્કૂલ પૂરી કરી. આ જનરલે સિવિલ વોર વખતે કાળા લોકોની બ્રિગેડની આગેવાની લીધી હતી. એ બુકર ટી.ના જીવનભરના હિતેચ્છુ રહ્યા. જ્યારે ટસ્કેજી, અલાબામાના ગોરા લોકોએ કાળા ગુલામો માટે સ્કૂલ ચાલુ કરી, ત્યારે જનરલ આર્મસ્ટ્રોન્ગના સૂચનથી બુકર ટી.ને સ્કૂલ ચાલાવવા નિયુક્ત કર્યા.

હવે બુકર ટીએ નક્કી કર્યું કે સ્કૂલનું બિલ્ડીંગ વિદ્યાર્થીઓ બનાવશે. તેમની પાસે ૩૦ વિદ્યાર્થીઓ હતા. આખો દિવસ તેઓ સ્કૂલ બાંધવાની ઈંટો બનાવવાથી માંડીને સુથારી કામ પણ જાતે કરતા. અને રાતે બુકર ટી ભણાવતા.

તેઓ માનતા કે દરેક વિદ્યાર્થીએ ભણ્યા પછી ગોરા લોકો સાથે ભળવું હોય તો કોઈ હુન્નર શીખવો જોઈએ. એ જ સાચું ભણતર હતું. તેમની સ્કૂલમાં લુહારીકામ કડિયાકામ, સુથારીકામ શીખવાડવામાં આવતું. તે માનતા કે ગોરી પ્રજાની સામે બળવો કરવા કરતાં તેમને “મોટા ભા” કરીને ઈકોનોમિક સ્ટેટસ વધારવું જોઈએ. તેમણે આખી જિંદગી સ્કૂલ ચલાવવા ગોરા લોકો પાસેથી ફાળો ઉઘરાવ્યો છે.

તેમણે ગોરા લોકોનો સહકાર  સહેલાઈથી મળતો. તે માનતા કે જો કાળી પ્રજા ભણેલી ગણેલી હશે તો પૈસે ટકે સુખી થશે. પછી બીજા પ્રશ્નો હલ કરતાં વાર નહીં લાગે.

આત્મકથામાં ક્યાં ય લખ્યું નથી. પરંતુ મારા અમેરિકન અનુભવથી કહું તો બુકર ટી. વોશિંગ્ટનને ગોરા પિતા તરફથી વારસામાં સફેદ ચામડી અને માંજરી આંખો મળી હતી. તેથી સ્કૂલ ચલાવવા માટે ફાળો ઉઘરાવવામાં તે વાત મદદ રૂપ રહેતી હશે. એમને આખી જિંદગી ગોરા લોકોએ પુષ્કળ પ્રેમ અને સહકાર આપ્યા છે. એટલી હદે કે એગ્રીકલચર મેળામાં ૧૮૯૫માં આપેલા પ્રવચનથી પ્રભાવિત થઈને પ્રમુખ ગ્રોવર ક્લિવલેન્ડે એમને મુલાકાત પણ આપી. એ પ્રવચનમાં તેમણે કાળા લોકોને ગોરાઓને મદદ કરવાની અને ભાઈભાઈ બની રહેવાની શીખામણ આપી હતી.

ટસ્કેજીમાં એક ઓરડાના બિલ્ડીંગવાળી સ્કૂલમાં ત્રીસ વિદ્યાર્થી સાથે ચાલુ કરેલી સ્કૂલમાં એમના મૃત્યુ ટાણે, તેની ૨,૩૦૦ એકર જમીન પર ૬૦થી વધુ બિલ્ડીંગોવાળી જાત જાતના વિષયો શીખવતી ૧૧૦ ના સ્ટાફવાળી યુનિવર્સિટી બની ગઈ હતી. ૧૦૦૦ એકર પર વિદ્યાર્થીઓ ખેતી કરતા અને જે આવક થાય તેમાંથી યુનિવર્સિટીનો ખર્ચો કાઢતા.

આત્મકથા લખવામાં મોટામાં મોટું ભયસ્થાન એ છે કે વ્યક્તિને પોતાના વખાણ કરવા હોય તો ન કરાય. અને ન કરે તો એ આત્મકથા અધૂરી ગણાય. તો બુકર ટી.ની એક વાત મને ગમી કે તેમણે પોતે આપેલું પ્રવચન કેટલું સરસ હતું અને લોકોએ કેવી રીતે વધાવ્યું. તે માટે તેમણે બીજા દિવસના સમાચાર પત્રોમાં તેમના વિષે કેવું અને શું લખાયું હતું. એ જણાવીને પોતાના વિષેની સારી વાતો જણાવી  છે. મને એ ગમ્યું.

બીજી એમની મર્યાદા મને સમજાઈ નહીં. તેમણે પોતાના વિરોધીઓ વિષે એકે શબ્દ નથી લખ્યો. તે સમયમાં W.E.B. Du Bois નામના બીજા કાળા લિડર હતા. એ પહેલી કાળી વ્યક્તિ હતી, કે જેણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ૧૮૯૫માં ડોકટરેટ ડિગ્રી મેળવી હતી. તે માનતા કે જ્યાં સુધી કાળા લોકોને “સમાન હક્કો” અને “મતાધિકાર” ન મળે ત્યાં સુધી બધું નકામું. તેમણે બીજા લિડરોને મળીને કાળા લોકો માટે ૧૯૦૯માં’NAACP’  National Association  for  the Advancement of  Colored People. જે આજ સુધી કાર્યરત છે.

જ્યારે બુકર ટી. કાળા લોકો માટે એજ્યુકેશન અને ઈકોનોમી પર ભાર મુકતા.

અશોક વિદ્વાંસને ખૂબ ખૂબ અભિનંદન. ઇતિહાસમાં છુપાયેલા રત્ન ઉપર પ્રકાશ ફેંકવા બદલ. અને સીધી અને સરળ ભાષાના સામાન્ય વાચક સમજી શકે એવા આ ગુજરાતી અનુવાદ બદલ ધન્યવાદ.

2 3 4 5 6 7 8 9 10 11 12

Leave a comment

Filed under Uncategorized