ભ્રષ્ટાચારનાં અવનવાં રૃપરંગ.. – પરેશ વ્યાસ

 A

આજે ઈન્ટરનેશનલ એન્ટી-કરપ્શન ડે છે. વર્ષ ૨૦૦૩માં, યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં થયેલા ઠરાવ અનુસાર, દુનિયાભરમાં દર વર્ષે નવ ડિસેમ્બરને ભ્રષ્ટાચાર વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નવ ડિસેમ્બરની તારીખ જ કેમ પસંદ થઈ ? એ વિષે અમને કોઈ માહિતી નથી. આ દિવસે એટલે કે આજે સોનિયા ગાંધીજીનો જન્મ દિવસ છે. એ ફક્ત ઈત્તેફાક છે.
આ કરપ્શન એટલે શું ? મૂળ લેટિન શબ્દ ‘કોરમ્પીઅર’. એનો પાછલો હિસ્સો ‘રમ્પીઅર’ તોડી નાંખવું અથવા ખરાબ કરવું. અંગ્રેજીમાં ‘રપ્ચર’ શબ્દ એ પરથી જ આવ્યો છે. જે તોડીફોડી નાંખે એ કરપ્શન. જોકે સામાન્ય માણસની ભ્રષ્ટાચારની વ્યાખ્યા એના પોતાના અનુભવ પૂરતી મર્યાદિત હોય છે. આમ આદમીને મન લાંચ એટલે ભ્રષ્ટાચાર. આઈ મીન, સરકારી સેવાઓમાં કાયદેસરનું કે ગેરકાયદેસરનું કામ કઢાવવા માટે આપવો પડતો ચાંલ્લો એટલે લાંચ. ગુનામાં પકડાયા તો લાંચ દઈને છૂટી જવું. ડ્રાઈવીંગ આવડતું હોય પણ કમ્પ્યુટર પરીક્ષામાં નાપાસ થયા હોઈએ અને લાઈસન્સ જોઈતું હોય તો એજન્ટને પૈસા આપો એટલે કામ થઈ જાય. ઘણી સરકારી ઓફિસની બહાર આવા માન્ય અમાન્ય લોકો એજન્ટનાં વેશમાં મળી આવે છે. એવું પણ અનુભવાય કે કેટલાક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઈન્કમ ટેક્સ ઓફિસર્સ માટે, કેટલાક આર્કિટેક્ટ્સ ટાઉન પ્લાનિંગ ઓફિસર્સ માટે અને કેટલાક ક્રિમિનલ લોયર્સ પોલિસ ઓફિસર્સની એજન્ટાઈ કરે છે. અલબત્ત દરેક વ્યાવસાયિક ક્ષેત્રમાં વ્યવસાયની લગતી બુદ્ધિમતા અને અનુભવન તો જોઈએ જ. પણ એટલું પૂરતું નથી. ગોઠવણ (!) કરવાની સૂઝબૂઝ ગૂડ પ્રોફેસનલને સેક્સેસફુલ પ્રોફેસનલ બનાવે છે. જ્યારે નરેન્દ્રભાઈ પહેલી વાર ગુજરાતનાં નાથ બન્યા ત્યારે માતા હીરાબેનનાં આશીર્વાદ લેવા ગયા હતા. માતાએ આશીર્વાદ દેતા એમ કહ્યું’તું કે બેટા, કદી લોંચ ના લઈશ. લાંચ (બ્રાઈબ) લેવી એટલે અલબત્ત ભ્રષ્ટાચાર. એ તો ભ્રષ્ટાચાર છે જ. પણ લાંચ સિવાય બીજો કોઈ ભ્રષ્ટાચાર હોતો નથી એવું માનવું ભૂલ ભરેલું છે. રાજકીય ભ્રષ્ટાચારની વ્યાખ્યા વ્યાપક છે. ભ્રષ્ટાચાર તો હાથી છે. કોઈને હાથીનો પગ હાથમાં આવે તો કહે કે હાથી તો થાંભલા જેવો છે. કાનનો સ્પર્શ થાય તો સૂપડું, પીઠ પર હાથ ફરે તો દિવાલ અને પૂંછ પકડે તો દોરડું પણ આખો હાથી લાંચની લેતીદેતીની સામાન્ય સમજણ કરતા ઘણો મોટો છે. એમાં લાંચ ઉપરાંત બળજબરીથી પૈસા કઢાવવા (એક્સટોર્શન), દોસ્તવાદ એટલે કે નિયમ બહાર જઈને દોસ્તોને મદદગારી (ક્રોનિઝમ), સગાવાદ એટલે ખોટી રીતે સગાને લાભ દેવડાવવો (નેપોટિઝમ), મુરબ્બીવટ એટલે કે પાયાનાં કાર્યકરોને આપવામાં આવતો લાભ (પેટ્રોનેજ), આધિપત્ય જમાવટ યાને પોતાની લાગવગને આધારે ધારેલા સમૂહને લાભ દેવો (ઈન્ફ્લુઅન્સ પેડલિંગ), સરકારી પૈસે ખાનગી ક્ષેત્રને લાભ (ગ્રાફ્ટ), ઉચાપત (એમ્બેઝલમેન્ટ), ચૂંટણી લગત છેતરપીંડી (ઈલેક્ટોલર ફ્રોડ), ગેરકાયદેસરની મદદ માટે અપાયેલા પૈસા (કિક બેક), પોતાનાં ફાયદા માટે નાપાક ગઠબંધન (અનહોલી એલાયન્સ), સંગઠિત ગુનાખોરીમાં ભાગીદારી (ઈન્વોલ્વમેન્ટ ઈન ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ), શામેલ છે. હું કરપ્શન શબ્દ વિષેની સંહિતા તપાસવામાં વ્યસ્ત હતો ત્યાં જ…
આજે કયા શબ્દનું પિષ્ટપેષણ ચાલે છે ? મારી પ્રાણપ્રિય પત્ની કોકિલાએ સ્મિતપૂર્વક પ્રશ્ન પૂછ્યો.
કરપ્શન મેં કહ્યું.
જરૃરી દૂષણ કોકી બોલી. હું ચમક્યો.
ભ્રષ્ટાચાર જરૃરી (!) છે ? મેં મોં મચકોડતા પૂછ્યું.
કેમ વળી ? યાદ છે ગયા મહિને આપણે ચંદીગઢ એરપોર્ટ જતા હતા. ફ્લાઈટનો સમય થઈ ગયો હતો. તમે આગળ બેઠા હતા અને સીટ બેલ્ટ બાંધ્યો નહોતો. પોલિસે પકડયા. ડ્રાઈવરે પોલિસને કહ્યું કે આ તો કોઈ સાહેબ છે. પેલો પોલિસમેન બિચારો ધર્મ સંકટમાં આવી ગયો. લાંચ લઈ ન શકે. અને જવા દઈ ન શકે. ચલાન કરવામાં વીસ મિનિટ થઈ ગઈ. તે દિવસે ફ્લાઈટ મોડી ન હોત તો ચંદીગઢ એરપોર્ટ પર જ લટકી જવું પડત. એનાં કરતા ચૂપચાપ સો રૃપરડી પકડાવી દીધી હોત તો ટેન્શન વિના સમયસર એરપોર્ટ પહોંચી જાત. હેં ને ?
પણ મારી ભૂલ પણ તો હતી જ ને ? મેં રાજા હરિશ્ચંદ્રપણું દાખવતા ઉત્તર દીધો.
ભ્રષ્ટાચાર એવું તેલ છે જે આટલી મોટી સરકારી મશીનરીમાં ઊંજણનું કામ કરે છે. આ ઓઈલિંગ ગ્રીસીંગ ન હોય તો મશીનરી ખોટકાઈ જાય. કોકિલાએ વિવાદી નિવેદન કર્યું. આવું નિવેદન કોઈ ફિલ્મી નટે અથવા તો કોઈ સત્તાધારી પક્ષનાં હાંસિયામાં ધકેલાયેલા રાજકારણીએ અથવા તો સેવા નિવૃત્ત વરિષ્ઠ અધિકારીએ કર્યું હોત તો ટ્વિટર પર બબાલ મચી ગઈ હોત. પણ કોકિલા કોઈ સેલેબ્રિટી નથી એટલે એની અસર ફક્ત મારા સુધી રહી.
તારી વાત પ્રેક્ટિકલ હોઈ શકે પણ સાચી નથી. કોકિલા સાથે હું જવલ્લે જ અસહમત થતો હોઉં છું, પણ ભ્રષ્ટાચારને મુદ્દે તો હિંમત રાખવી જ રહી.
હવે તમે વિચાર કરો કે એ પોલિસે ત્યાંની ચાની રેંકડી ધારક જેવા વચેટિયાની મારફત સો રૃપિયા લીધા હોત તો વચેટિયો પણ એમાંથી વીસેક રૃપિયા કમાયો હોત. વળી ઘરે જઈને એણે આ પૈસા એની પત્નીને આપ્યા હોય અને પત્નીએ બજારમાં જઈ ટામેટાં ખરીદ્યા હોત. એ શાકવાળો પણ કમાયો હોત અને ટામેટાંનો જથ્થાબંધ વિક્રેતા અને ખેડૂતને પણ કમાણી થઈ હોત. તમે ઈકોનોમિક સ્ટિમ્યુલસ વિષે નથી જાણતા ? રઘુરામ રાજન જે કરે છે એ તમે પણ કરી શક્યા હોત ? કોકિલાએ કહ્યું અને હું ચકરાવે ચઢ્યો. રઘુરામ રાજન રેપોરેઈટ ઘટાડી ચૂક્યા છે. પૈસા વ્યાજે લેવાનું સસ્તું થયું છે. પૈસા બજાર ફરતા થયા છે. લાંચના પૈસા પણ ફરતા રહે તો કેટલાંય લોકોને રોજી રોટી મળે એવું કોકિલાનું લોજિક સાચું હશે ? ત્યાં તો કોકિલા કહે છે ઃ
જસ્ટ જોકિંગ, યાર ! જ્યારે કોકિલા મને યાર કહીને સંબોધે ત્યારે મને લાગે છે કે હવે એની દલીલને સમેટી લેવા માંગે છે. કોકિલા વાતને સમેટી લેતા કહે છે, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ખરાબ જ છે. પણ સૌથી ખરાબ એ ભ્રષ્ટાચાર છે જેનાથી લોકોને સીધું નુકસાન થાય. રસ્તામાં ખાડા પડી ગયા હોય અને કોઈ સ્કૂટરિસ્ટનો જીવ જાય તો એવો ભ્રષ્ટાચાર કદાપિ ચલાવી લેવો ન જોઈએ. બાકી બધું ઠીક છે. કોઈને નુકસાન ન હોય તેવા ભ્રષ્ટાચારનો પૈસો કમાવામાં કોઈ ખાસ રોકટોક ન હોવી જોઈએ. એક જ શરત, જ્યારે એ પૈસા ખર્ચીએ ત્યારે ૩૦% ઈન્કમટેક્સ ભરી દેવાનો. રઘુરામ પણ એમ જ કરે છે. રઘુકૂળ રીત સદા ચલી આઈ… યુ સી હું ફરી વિચારે ચઢ્યો. મને થયું કે નાના નાના લાંચરુશ્વતનાં બનાવોને મારે સ્વીકારી લેવા પડશે. એમાં તો દેવાવાળાને દેવા છે. લેવાવાળાને લેવા છે તો આપણે શું કરી શકીએ ? પણ મસમોટા ભ્રષ્ટાચાર તો દેશની આર્થિક વ્યવસ્થા ડામાડોળ કરી દેતા હોય છે.
મોટા મોટા રાજકીય ભ્રષાટાચારની અથવા તો કૌભાંડોની યાદી કરવા બેસીએ તો પાના ઓછા પડે. બોફોર્સ અને ચારા કૌભાંડથી માંડીને કોલસા, ૨જી ટેલિકોમ અને કોમનવેલ્થ સુધીનાં કૌભાંડો લોકમાનસમાં અંકિત થઈ ચૂક્યા છે. શું કરી શકાય ? અમેરિકાનાં ન્યૂયોર્ક રાજ્યનાં પાટનગર અલ્બેનીમાં રાજ્યનાં ભૂતકાળનાં ભ્રષ્ટાચારની કથાવાર્તા કહેતું એક મ્યુઝિયમ બનવા જઈ રહ્યું છે.
એની એન્ટ્રી ટિકિટ ૧૨.૫ રહેશે. તમે એને બ્રાઈબ (લાંચ) કહી શકો. મને લાગે છે કે દિલ્હીમાં પણ ભારતીય રાજકારણનાં ભ્રષ્ટાચારને ઉજાગર (!) કરતું મ્યુઝિયમ બનવું જોઈએ. આવનારી પેઢીને ખ્યાલ આવે કે આપણો ભૂતકાળ કેવો ભવ્ય હતો, હેં ને ?
શબ્દ શેષ ઃ
સત્તા ભ્રષ્ટાચારની પ્રેરક નથી. પણ ડર… કદાચ સત્તા ગુમાવવાનો ડર ભ્રષ્ટાચારનો પ્રેરક છે.
– નોબેલ પારિતોષિક વિજેતા અમેરિકન લેખક જ્હોન સ્ટેઈનબેક (૧૯૦૨-૧૯૬૮)

AA

 

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

2 responses to “ભ્રષ્ટાચારનાં અવનવાં રૃપરંગ.. – પરેશ વ્યાસ

 1. pragnaju

  himatlal joshi
  To Pragna Vyas Dec 10 at 11:09 AM

  ભ્રસ્તાચારની વ્યાખ્યા અને એને લગતું ઘણું જાણવા મળ્યું .
  હેપ્પી બર્થ ડે રાજીવ ગાંધીની હની સોનિયા ગાંધી

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

 2. નવ ડિસેમ્બરને ભ્રષ્ટાચાર વિરોધી દિવસ અને એ જ દિવસે સોનિયા ગાંધીજીનો જન્મ દિવસ ! વાહ , કેટલો યોગ્ય દિવસ પસંદ કર્યો કહેવાય .દીકરો રાહુલ અને મા સોનિયા નેશનલ હેરોલ્ડ ભ્રષ્ટાચાર કેસમાં બરાબર ફસાયાં છે. ૧૯ મી ડિસેમ્બરે કોર્ટના પિંજરામાં ઉભા રહી જુબાની આપવી પડશે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s