ગૂડ સમારિટન ખરેખરો પ્રેમાળ પરગજુ/પરેશ વ્યાસ

 

s4 s1

પહેલી સદીથી ય પહેલાંની વાત છે. સમારિટન એટલે પેલેસ્ટાઈનનાં પ્રાચીન પ્રાંત સમારિયાનાં રહેવાસી. પેલેસ્ટાઈનમાં વસતા યહુદીઓ એમને ધિક્કારતા. બન્ને સમુદાયો વચ્ચે કોઈ મનમેળ નહોતો

ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે,
મ્હેંકની સાથે રજૂ થઈ જાય છે.
તું જ મારી બંદગી, ને તું ખુદા,
જોઉં છું જ્યારે વજૂ થઈ જાય છે.
(વજૂ = નમાજ પઢતા પહેલાં હાથ-પગ-મોં ધોઈ જાતને સાફ કરવાની ક્રિયા)
– દીના શાહ

ચેન્નાઈનો વરસાદ તબાહી મચાવી ગયો. ચોતરફ વિનાશ. મુશળધાર વરસાદ. અવિરત. ઉરાપક્કમ તરીકે ઓળખાતા વિસ્તારમાં ઘૂસેલા પૂરનાં પાણી કેટલુંય તાણી ગયા. અનેક લોકો ફસાયા. પણ દાદ દેવી જોઈએ મોહમ્મદ યુનુસની મદદની. વિનાશનાં માહોલમાં માનવતા મહેંકી ઊઠી. મોહમ્મદ યુનુસ પોતે આમ તો એક નવી શરૃઆતી કંપનીનો યુવાન સીઈઓ. પણ બચાવ માટે એક લાખનું દાન દીધું. એટલું જ નહીં પણ પોતે હોડીઓ લઈને બચાવ કાર્ય માટે ખુદ પહોંચ્યો. એણે જોયું કે બે કુટુંબનાં સભ્યો ગળાડૂબ પાણીમાં ફસાયા હતા. તેઓ બધાને બચાવીને હોડીમાં લીધા. પાછા વળતા હોડી ધરાશાયી થયેલા એક ઝાડ સાથે ભટકાઈને ઊંધી વળી જાત. પણ બધા બચી ગયા. તેઓ સલામત સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે બચી ગયેલા લોકોમાં ચિત્રા નામની સ્ત્રી ગર્ભવતી હતી. બે દિવસ પછી સ્થાનિક હોસ્પિટલમાં ચિત્રાએ એક દીકરીને જન્મ આપ્યો. દીકરીનાં પિતા મોહને મોહમ્મદ યુનુસને મેસેજ મોકલ્યો, ”હાઈ સર, ધિસ ઈઝ મોહન ફ્રોમ ઉરાપક્કમ. અમે અમારી નવજાત દીકરીનું નામ યુનુસ રાખ્યું છે. આપ ફ્રી હો ત્યારે એક દિવસ અમને મળવા ચોક્કસ આવજો. આપણે હોડીમાં હતા ત્યારે આપે સમજાવેલી થિયરી ઓફ મની-ને અમે ભૂલીશું નહીં. હું પણ મારા પગારની ૫૦% રકમ જરૃરિયાતમંદ અને ગરીબનાં ભલા માટે ખર્ચીશ. યુ આર ગ્રેટ.” અંગ્રેજી અખબારોએ મોહમ્મદ યુનુસને ગૂડ સમારિટન કહીને બિરદાવ્યો. શું છે આ ગૂડ સમારિટન (ય્ર્ર્ગ જીચસચિૈાચહ) અને એની થિયરી ઓફ મની ?
પહેલી સદીથી ય પહેલાંની વાત છે. સમારિટન એટલે પેલેસ્ટાઈનનાં પ્રાચીન પ્રાંત સમારિયાનાં રહેવાસી. પેલેસ્ટાઈનમાં વસતા યહુદીઓ એમને ધિક્કારતા. બન્ને સમુદાયો વચ્ચે કોઈ મનમેળ નહોતો. ઈસુ ખ્રિસ્તનાં અનુયાયીઓ મોટે ભાગે યહુદીઓ હતા. પાડોશી જો સમારિટન હોય તો તેને પણ પ્રેમ કરવાનું કહેતી લવ ધાઈ નેઈબર-વાળી ઈસુ ખ્રિસ્તની વાત યહુદીઓને ગળે ઊતરતી નહોતી. ત્યારે વ્યવસાયે એક વકીલ અનુયાયીએ ઈસુ ખ્રિસ્તને સવાલ કર્યો કે ”આ જનમ જનમનાં ફેરામાંથી મુક્તિ શી રીતે મળી શકે ?” ઈસુએ કહ્યું, ”તું જ કહે. કાયદો શું કહે છે ?” વકીલે જવાબ દીધો કે, ”કાયદો કહે છે કે પ્રભુને પ્રેમ કરો, દિલથી, દિમાગથી, આત્માથી, તમારી તમામ શક્તિ સમેત, તમારા પાડોશીને પોતીકો ગણીને પ્રેમ કરો.” ઈસુએ જવાબ દીધો કે ”તેં સાચી વાત કહી.” અનુયાયીએ પૂછ્યું કે ”મારો પાડોશી કોણ છે ? અને જવાબમાં ઈસુ ખ્રિસ્તે ગૂડ સમારિટન-ની બોધકથા કહી. એક વાર એક માણસ જેરુસલેમથી જેરિકો જઈ રહ્યો હતો. ત્યાં ડાકૂઓએ એમની ઉપર હૂમલો કર્યો. એને લૂંટી લીધો અને માર મારીને અધમૂઓ કરી રસ્તા પર ફેંકી દીધો. એ માણસ મૃતપ્રાય બનીને સડક પર પડયો હતો. ત્યાંથી એક ધર્મગુરુ નીકળ્યા. એમણે જોયું પણ આંખ આડા કાન કરીને નીકળી ગયા. પછી એક યહૂદી (લેવાઈટ) નીકળ્યો. એ પણ બારોબાર નીકળી ગયો. પણ પછી એક સમારિટન આવ્યો. એ થોભ્યો. એનાં મનમાં કરુણાનો ભાવ હતો. એણે ઘાયલનાં ઘાને દારૃથી સાફ કર્યો. એની પર મલમપટ્ટા કર્યા. પ્રાથમિક સારવાર આપી. એનાં ઘોડા પર બેસાડી એને ધર્મશાળા સુધી પહોંચાડયો અને બીજે દિવસે જ્યારે સમારિટન ત્યાંથી ગયો ત્યારે ધર્મશાળાનાં માલિકને બે દિનાર દેતો ગયો. એમ કહીને કે આ ઘાયલની સારવાર કરજો અને વધારે ખર્ચ થાય તો તે પણ કરજો. ખૂટતા દિનાર હું દઈશ. આ વાત કહ્યા પછી ઈસુ ખ્રિસ્તે એમનાં વ્યવસાયે વકીલ અનુયાયીને પૂછ્યું કે ”કહો જોઈએ સાચો પાડોશી તમે કોને ગણશો ?” વકીલે જવાબ દીધો, ”એને… જેણે ઘાયલ ઉપર કૃપા કરી.” ઇસુ ખ્રિસ્તે કહ્યું, ”તો જાવ, તમે પણ એમ જ કરો.” આમ અજાણ્યા ઘાયલને, જે એની જાતનો ય નહોતો તેને, ખરા ટાણે, છેક સુધી મદદ કરનાર ગૂડ સમારિટન, કાળક્રમે લોકબોલીનો શબ્દ બની ગયો. અહીં એ સમજી લેવું અત્યંત જરૃરી છે કે કરવા પૂરતી કે દેખાવ પૂરતી અધકચરી મદદ કરનાર ગૂડ સમારિટન કહેવાતો નથી. ગૂડ સમારિટન એટલે એવી વ્યક્તિ જે ન્યાત, જાત કે ધર્મનાં વાડા ત્યજીને બીજાને મદદ કરે. એમની વહારે ધાય. માત્ર વાતોના વડાં જ નહીં. નક્કર કામ, અહીં સરકારની વાત નથી. શાસકો કે એમનાં હાકેમોની વાત નથી. એક માણસ બીજા માણસનાં દુઃખમાં દોડી વળે અને એ પણ પોતાની જાતની પરવા કર્યા વિના, જશની ખેવના રાખ્યા વિના, શક્ય હોય એટલી તમામ મદદ કરે એ ગૂડ સમારિટન. ગુજરાતી લેક્સિકોન અનુસાર ગૂડ સમારિટન એટલે ખરેખરો પરગજુ કે સાચો પરોપકારી અને સહાય કરનાર માણસ. ગૂડ સમારિટન નામે ઘણાં સ્વયંસેવી સંગઠનો છે. ઘણી હોસ્પિટલોનાં નામ પણ ગૂડ સમારિટન રખાયા છે.
પણ આવા સાચા સમારિટનને ઘણી વાર કડવાં અનુભવ થતા હોય છે. રસ્તે પડેલા ઈજાગ્રસ્તને બચાવવા કોઈ એટલા માટે ઊભા નથી રહેતા કે પોલિસના લફરાંમાં કોણ પડે ? પછી પોલિસ સ્ટેશનનાં ચક્કર કાપવાનાં. કોર્ટ કચેરીનાં તેડાં આવે. મદદ કરવા ગયા પણ જાણે પોતે ગુનો કર્યો હોય તેવું લાગે. ધરમ કરવા જતા ધાડ પડી હોય એવું લાગે. કેન્દ્ર સરકારે ગયા જુનમાં ગુડ સમારિટન ગાઈડલાઈન્સ બહાર પાડી છે. જેથી ઘાયલને સારવારમાં આસાની મળે અને મદદગારને કોઈ હેરાનગતિ ન થાય. પણ સ્વયંસેવી સંસ્થાઓ આવી માર્ગદર્શિકાને સ્થાને કાયદો ઘડવાની માંગ કરી રહ્યા છે. જોકે માર્ગદર્શક નિયમો કે કાયદા, હોય કે ન હોય, લોકોને મદદ કરવાનો ભેખ જેણે લીધો છે એવા મોહમ્મદ યુનુસ જેવા ગૂડ સમારિટન્સને સો સો સલામ છે.

Keywords shbd,shita,

Leave a comment

Filed under ઘટના, પરેશ વ્યાસ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s