શૅમ્પેન: અનન્ય, અનુપમ, અદ્વિતીય../પરેશ પ્ર વ્યાસ

૧ 

  વઝીર શેમ્પેન ફિલ્મ છે. યુનિક છે. એ મુન્નાભાઇ એમબીબીએસની જેમ નવો ચીલો પાડશે.” અભિજાત જોષીએ એક ફિલ્મ મેગઝીનનાં ઇન્ટરવ્યૂમાં આમ કહ્યું. મુન્નાભાઇ એમબીબીએસ, 3 ઇડિયટ્સ , પીકે અને હવે વઝીર-નાં પટકથા લેખક અભિજાત અમદાવાદનાં છે. મારા ગમતા સ્ટાર લેખકે ફિલ્મ માટે ‘શૅમ્પેન’(Champagne)  શબ્દ વિશેષણ તરીકે ઉપયોગ કર્યો હોય તો એનું કોઇ તો કારણ હોવું જોઇએ. શૅમ્પેન શબ્દનો અર્થ થાય છે એવો ફ્રેંચ દારૂ જેની બોટલ ખોલતા ઝીણા પરપોટા નીકળે અને કોઇ ખાસ પ્રસંગે કે જીતની ખુશાલીમાં, ઉજવણીનાં ભાગ રૂપે જેનો ઉપયોગ થાય. જો કે ઇન્ટરનેટ પર ફિલ્મનાં બન્ને ટીઝર્સ અને ઓફિસિયલ ટ્રેલર જોયા પણ શૅમ્પેન શબ્દ જોવા/સંભળવા મળ્યો નહીં. એક વ્હીલચેર સવાર ચેસ ગ્રાન્ડમાસ્ટર પંડિત ઓમકારનાથ ધાર(અમિતાભ બચ્ચન) અને એક બહાદુર એટીએસ ઓફિસર ડાનિસ અલી(ફરહાન અખ્તર) પોતપોતાની વિષાદની પળોમાં નસીબ સંજોગે ભેગા થઇ જાય છે. ફિલ્મમાં આતંકવાદી ગતિવિધિની ધડબડાટી પણ છે. પ્રેમની પળો પણ છે. જેની પરથી ફિલ્મનું નામ છે એ વિલન વઝીર(નીલનીતિન મુકેશ) પરપીડનવૃત્તિમાં માહેર બતાવાયો છે. અમિતાભ અને ફરફાન બન્ને શતરંજ રમે છે. પણ શૅમ્પેન પીતા જોવા મળ્યા નહીં.  હા, અમિતાભ બચ્ચન ‘રશિયામેં રશિયન લડકીકે સાથ રશિયન વોડકા પીનેકા મઝા હી કુછ ઔર હૈ’ એવો સંવાદ બોલીને વોડકા ગટગટાવતા જોવા જરૂર મળ્યા. પણ વોડકા તો રશિયન શરાબ છે. અભિજાતે વઝીર ફિલ્મને ‘વોડકા ફિલ્મ’ કહ્યું હોત તો ઠીક હતુ. ચેસ આમ પણ રશિયામાં લોકપ્રિય છે. અને શૅમ્પેન તો ફ્રાંસનો શરાબ. વળી ચેસની રમત ફ્રાંસમાં એટલી લોકપ્રિય પણ નથી. વઝીર, એક શૅમ્પેન ફિલ્મ? શૅમ્પેનનો એક અર્થ થાય છે એવી વસ્તુ જે વૈભવી હોય, એવી વસ્તુ જે શ્રેષ્ઠ હોય. શ્રેષ્ઠતાનાં પર્યાયનાં અર્થમાં, કદાચ વઝીર શૅમ્પેન ફિલ્મ હોઇ શકે. જો કે આ શરાબનું નામ શૅમ્પેન ક્યાંથી પડ્યું? એ અનન્ય શા માટે છે? એની વાત ઘણી મઝાની છે.

મરીઝનો શે’ર છે;  ‘ખુદા તારી નેઅમતનું પૂછવું શું? ફળોમાં, અનાજોમાં દીધી મદિરા.’ નેઅમત એટલે દુર્લભ કે કિમતી વસ્તુ. અને દ્રાક્ષમાંથી મળતી શૅમ્પેન ખરેખર દુર્લભ છે. હવે દ્રાક્ષમાંથી તો અનેક પ્રકારની મદિરા બને, પણ એમાં શૅમ્પેન લાજવાબ છે. મદિરાને દ્રાક્ષનાં ભૌગોલિક ઉત્પાદન ક્ષેત્ર પ્રમાણે નામ, સંજ્ઞા કે પદવી આપવાની પદ્ધતિ(ઍપલેશન) પુરાણી છે. બાઇબલમાં પણ સમારિયાની મદિરા, કાર્મેલની મદિરા વગેરે નામોલ્લેખ છે. શૅમ્પેન એ ફ્રાંસનો શૅમ્પેન નામનાં વિસ્તારનો દારૂ છે. આ વિસ્તારની જ ખાસ પ્રકારની પિનો નોઇર કે પિનો મેનુઇર દ્રાક્ષ , એને ખાસ પ્રકારે મસળવાની, એમાં ખાસ પ્રકારનો પ્રાથમિક આથો ચઢાવવાનો, તે પછી એને બંધ બોટલમાં ભરીને, એમાં યીસ્ટ ઉમેરીને, બીજો આથો ચઢે એની રાહ જોવાની; જેથી બોટલ ખોલીએ એટલે એમાંથી વાયુનાં પરપોટા નીકળે, એ ઊભરાતી જાય, સ્પાર્કલિંગ..ફુગરાતી, ફીણાતી જતી મસ્ત મદિરા એટલે શૅમ્પેન. જો કે બધી ફીણાતી મદિરા શૅમ્પેન નથી. માત્ર શૅમ્પેન પ્રદેશની ખાસ દ્રાક્ષમાંથી બનતી અને એની ચોક્ક્સ નીતિરીતી અનુસરીને બનતી મદિરા જ શૅમ્પેન કહી શકાય. અન્ય એવી મદિરાને શૅમ્પેન કહેવું ગેરકાયદેસર ગણાય છે.
શૅમ્પેન પ્રદેશની મદિરા મધ્યકાલીન યુગથી ખ્યાતિપ્રાપ્ત છે. પાંચમી સદી પહેલાથી ફ્રાંસનાં ઇશાન ખૂણે શૅમ્પેન પ્રદેશમાં રોમન્સ દ્રાક્ષની ખેતી કરતા. પછી સ્થાનિક દેવળોએ દ્રાક્ષનાં બગીચાઓ પોતાના હસ્તક લીધા. તેઓ  ભગવાન ઇશુની ‘લાસ્ટ સપર’ને લગતી ધાર્મિક વિધિમાં ચૅમ્પેન મદિરાનો ઉપયોગ કરતા. શૂળીએ ચઢતા પહેલા આખરી ભોજન દરમ્યાન ભગવાન ઇશુએ એમનાં અનુયાયીઓને બ્રેડ અને વાઇન આપીને કહ્યું હતું કે મારા મૃત્યુ બાદ મને યાદ કરજો, આ બ્રેડ એ મારું શરીર છે અને વાઇન એ મારું લોહી છે. આ પ્રતિકાત્મક વાતની ધાર્મિક વિધિમાં વાઇન તરીકે શૅમ્પેનનો ઉપયોગ થવા માંડ્યો. ફ્રેંચ રાજાઓની તાજપોશી પણ અહીંનાં રીમ્ઝ શહેરમાં થતી અને તેમાં પણ શૅમ્પેનનો શાહી દારૂ તરીકે ઉપયોગ થવા માંડ્યો. ફીણ નીકળતો દારૂ ફ્રેંચ દેવળમાં બન્યો એ માત્ર અકસ્માત જ હતો. પણ પછી અંગ્રેજ વૈજ્ઞાનિક ક્રિસ્ટોફર મેરેટે સમજાવ્યું કે દારૂમાં આથો આવવાની પ્રક્રિયા પૂરી થતા પહેલાં એમાં ખાંડ ઉમેરવાથી પરપોટા પેદા થાય છે. ફ્રેન્ચમાં બનતી કાચની બોટલ્સ નાજુક હતી એટલે આવો ફીણાતો દારૂ આંતરિક દબાણને કારણે બોટલ તોડી નાંખતો. અંગ્રેજ કવિ સેમ્યુઅલ બટલરે શૅમ્પેનને બ્રિસ્ક(ચપળ, તેજ, ઝડપી) વાઇન તરીકે ઉપમા આપી હતી.  ફ્રેંચ લોકો એને ડેવિલ્સ વાઇન એટલે શૈતાની મદિરા પણ કહેતા. પણ પછી આવી મદિરાને કેદ કરવા પૂરતી શક્તિવાળી રીઇન્ફોર્સ્ડ કાચની બોટલ્સ ઇંગ્લેંડમાં બનવા માંડીઅને ઓગણીસમી સદીમાં શૅમ્પેન એક રોયલ, લક્ઝુરિયસ, યુનિક બ્રાન્ડ તરીકે  ઉભરી આવી.
આજે તો ઉજવણીનાં ભાગ રૂપે જીતની ખુશાલીમાં સર્વત્ર શૅમ્પેન બોટલનો ઉપયોગ થાય છે.  ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતનાં  વિજય બાદ ચૅમ્પેન બોટલનું ફીણ ચારેકોર ઊડાડાયુ હતુ. ફોર્મ્યુલા-1 રેસીંગ કારનાં વિજેતા પણ મંચ પર શૅમ્પેન બોટલ ખોલે છે. જો કે દારૂબંધી છે એવા બહેરીનમાં 2004થી શૅમ્પેનની બોટલ ખોલીને ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યાં દાડમ અને ગુલાબજળનાં બેનકેફી પીણાંની બોટલ ખોલીને ઉજવણી થાય છે. આમ તો ગુજરાતમાં પણ દારૂબંધી છે. ખબર નથી રાજકોટ આઇપીએલની નવીનકોર ટીમ કઇ રીતે ઉજવણી કરશે? ફીણાતી ફુગરાતી મસાલા છાશ એક વિકલ્પ છે ! સ્પાર્કલિંગ સ્પાઇસ્ડ઼્ બટરમિલ્ક !
 શૅમ્પેનનો જો કે કોઇ વિકલ્પ નથી, કોઇ જોડ નથી. એટલે તો વિશ્વવિજેતા નેપોલિયન બોનાપાર્ટે કહ્યું’તું કે ‘શૅમ્પેન ! વિજયમાં અમે તને પીવાનાં હકદાર છીએ અને પરાજયમાં અમને તારી જરૂરિયાત છે.’ લેખક ઓસ્કાર વાઇલ્ડ માનતો કે શૅમ્પેન વિનાનો આનંદ કેવળ કૃત્રિમ છે. ફ્રેંચ ફેશન ડીઝાઇનર લેડી કોકો ચાનેલ કહે છે કે ‘હું શૅમ્પેન માત્ર બે વાર પીઉં છું. એક વાર જ્યારે હું પ્રેમમાં હોઉં અને બીજી વાર જ્યારે હું પ્રેમમાં ન હોઉં.’  હ્યુમરિસ્ટ માર્ક ટ્વેઇનનાં મતે કોઇ પણ વસ્તુ અતિશય માત્રામાં લેવાય તો એ ખરાબ છે. પણ વધારે પડતી શૅમ્પેનની એકદમ બરાબર છે. વિશ્વયુદ્ધ વેળા ઇંગ્લેંડનાં વડાપ્રધાન ચર્ચિલે કહ્યું હતું કે ‘યાદ રાખો સજ્જનો, આપણે માત્ર ફ્રાંસને બચાવવા નથી જંગે ચઢ્યા, ઇટ્સ શૅમ્પેન…’ ટૂંકમાં શૅમ્પેન અનન્ય છે. અનુપમ છે. અદ્વિતીય છે. અથવા એમ કહીએ કે જે અનન્ય, અનુપમ કે અદ્વિતીય છે, એ શૅમ્પેન છે.
શબ્દ શેષ:                                                                                                                                                               “શૅમ્પેન એ દારૂનો રાજા છે અને રાજાનો દારૂ છે.” –જર્મન સંગીતનાટકનું પાત્ર પ્રિન્સ ઓર્લોફ્સ્કી 
૨

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પરેશ વ્યાસ, પ્રકીર્ણ

2 responses to “શૅમ્પેન: અનન્ય, અનુપમ, અદ્વિતીય../પરેશ પ્ર વ્યાસ

  1. પરેશ ભાઈને વિનંતી કે, આવો લેખ બાસુદી કે રબડી માટે લખે તો આ બામણ ખુશ ! શેમ્પેનસે અપુનકો ક્યા? !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s