વર્નાક્યુલર: દેશ દેશની દેશી ભાષાઓ અને બોલીઓપરેશ વ્યાસ

વર્નાક્યુલર: દેશ દેશની દેશી ભાષાઓ અને બોલીઓ

મારે મોરેશિયસ ઝાવું સે, મારે ગંગાજીમાં ન્હાવું સે,

મારે આણીકોર ઝાવું સે ‘ને ઓલીકોર ઝાવું સે                                                                                              –                                               દિલીપ રાવલ

અને મારે મારી માતૃભાષાની માલીકોર ઝાવું સે. મારી માતૃભાષા એટલે ગુજરાતી. એનાં ય બે પ્રકાર. એક બોલચાલની, તો બીજી સાહિત્યિક. એક લોકભોગ્ય, તો બીજી  વિદ્વદ્ભોગ્ય. એક તળપદી,  તો બીજી કળપદી…. કવિ શ્રી વિપિન પરીખની- ‘પ્રેમને કારણો સાથે’- શીર્ષકની અછાંદસ કવિતાની શરૂઆતની પંક્તિ છે: ‘મને મારી ભાષા ગમે છે કારણ કે મારી બાને હું બા કહી શકું છે’ અને અંતિમ પંક્તિ છે: ‘મને મારી ભાષા ગમે છે કારણ મને મારી બા ગમે છે.’ મા અને મારી મૂળ ભાષા તદ્રૂપ છે, અભિન્ન છે, એકાકાર છે.

માતૃભાષાની વંદનાનાં સાતત્યનું બારમું સોપાન એટલે ગુજરાત સમાચાર અને સમન્વયનો વાર્ષિક કાવ્યસંગીત સમારોહ. દસ દિવસ પહેલા ઉજવાયો તે પાંચ દિવસીય જાજરમાન જલસો. એનાં અંતિમ દિવસે બોલચાલની ગુજરાતી ભાષામાં ‘સ્વપ્નમેવ જયતે’ને સાર્થક કરતુ ઉપરોક્ત રેપ સોંગ ગાઇને મારા પસંદીદા ગાયક પાર્થિવ ગોહિલે જલસો કરાવ્યો. પાંચ દિવસની આખી ય રાતફેરીઓમાં ગહન સાહિત્યની ઉત્તમ રચનાઓની સાથે સાથે બોલચાલની ભાષાની રચનાઓની સંગીતમય પ્રસ્તુતિમાં પણ એટલો જ ઝલઝલો થઇ ગયો. તેમાં ય શતદલનાં પાંચમા પાનાનાં મારા શેઢાપાડોશી રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ સાહેબની ઋજુ ગઝલ ‘હૈયે તો છું, પણ હોંઠેથી ભૂલાઇ ગયેલો માણસ છું, હું મારા ડાબા હાથે ક્યાંક મુકાઇ ગયેલો માણસ છું”  અમર ભટ્ટનાં કંઠે અને ખલીલ ધનતેજવી સાહેબની તડ ‘ને ફડ ગઝલ “તમે અમારી સાથે રહેજો અને ના ફાવે તો બીજી ગાડી પકડી લેજો, બીજુ શું?”  આલાપ દેસાઇનાં કંઠે સાંભળવાની મઝા પડી. આજનો શબ્દ વર્નાક્યુલર(Vernacular)  મારી માતૃભાષાની આવી જ બોલચાલની ભાષાને નિરૂપણ કરે છે. આ શબ્દ અત્યારે એટલે પ્રસ્તુત છે કે ગયા રવિવારે એટલે કે 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય  માતૃભાષા દિન ઉજવાયો. શું છે આ દિનનું મહાત્મ્ય? શા માટે આખુ વિશ્વ એની ઉજવણી કરે છે? અને શું છે આ ‘વર્નાક્યુલર’ શબ્દની સંહિતા?

વર્નાક્યુલર એટલે દેશની દેશી ભાષા. પ્રાચીન રોમમાં ગુલામી પ્રથા હતી. અમીર ઉમરાવ લોકો અભણ ગમાર માણસોને ગુલામ તરીકે રાખતા. ગુલામનાં દીકરા દીકરી પણ ગુલામ. પેઢીઓથી આ ગુલામો અમીરજાદાઓની સેવા કરે. અમીર ઉમરાવ લેટિન ભાષા બોલતા. પણ  ગુલામો દેશી ભાષા બોલતા. લેટિન શબ્દ ‘વેર્ના’ એટલે ઘરે જન્મેલા ગુલામ. એ જે ભાષા બોલે એ ગામઠી કે તળપદી ભાષા લેટિનમાં વર્નાક્યુલર કહેવાતી હતી. વર્નાક્યુલર શબ્દ ઇંગ્લિશ ભાષામાં સને 1706થી ઉપયોગમાં લેવાતો રહ્યો છે; જેનો અર્થ થાય છે: વતનની ભાષા. મારી ભાષા. મારી માતૃભાષા. અહીં ગુલામોની ભાષા એવો અર્થ નથી. પણ દેશી કે ઘરગથ્થુ ભાષા આપણે બોલીએ, લખીએ એટલે સુસંસ્કૃત લોકો આપણી ગણત્રી ગમારમાં કરવા માંડે. ઇંગ્લિશ ના આવડે એ બધા ગમાર કહેવાય, એવી માનસિકતાનાં આપણે ગુલામ છીએ. અલબત્ત ઇંગ્લિશ ભાષા જાણવી જરૂરી છે. એ તમારી પ્રેમિકા હોઇ શકે. પણ ગુજરાતી તો મા છે. મા એ મા અને ઇંગ્લિશ વગડાની વા ! હેં ને? અરે ભાઇ, સાવ એવું ય નથી. મા હોય એટલે પ્રિયતમાને પ્રેમ ના થઇ શકે? સવાલ બે ભાષાનું સંતુલન જાળવવાનો છે. માવડિયા ય બનાય નહીં. અને ઘાઘરઘેલાં તો જરા ય નહીં.

ભાષાનાં સંશોધક લોગાન સ્મિથ વર્નાક્યુલર’ શબ્દને સમજાવતા લખે છે કે બોલચાલની ભાષા લોકો દ્વારા સર્જાય છે. એ પૂર્ણત: ડેમોક્રેટિક પ્રોડક્ટ છે. એ કોઇ ભાષાશાસ્ત્રી કે વ્યાકરણવાદીનું સર્જન નથી. સાવ અભણ હોય એવો જણ પણ એને સર્જી શકે. હા, વિદ્વાનો અને શિક્ષણવિદો એ લોકબોલીને શીખીને એનું સંવર્ધન જરૂર કરી શકે. એમાંથી સુંદર ભાષાનું સર્જન જરૂર કરી શકે. પણ એનાં મૂળ તો ધરામાં ઊંડે ઊંડે ધરબાયેલા હોય છે. અને એમાંથી જ શબ્દોનાં વિરલ પુષ્પ ખીલતા હોય છે.

 

માતાપિતાના બોલવા ઉપરથી બાળક શીખે એ માતૃભાષા. ગાંધીજી લખે છે કેઃ ‘મારી માતૃભાષા ગમે તેવી અધૂરી હોય, તો યે માની છાતીએથી હું અળગો ન થાઉં તેમ માતૃભાષાથી પણ ન થાઉં. મારા જીવનને ઘડનારું દૂધ મને તેના સિવાય બીજે ક્યાંથી મળે ? એ સ્થાને અંગ્રેજી બોલીનો હું આશક છું, પણ જે સ્થાન તેનું નથી તે પડાવી લેવાને તે નીકળે, તો હું તેનો કટ્ટર વિરોધી થાઉં. સૌ કોઇ સ્વીકારે છે કે, અંગ્રેજી આજે આખી દુનિયાની ભાષા બની છે, તેથી હું તેને નિશાળના નહિ, પણ વિદ્યાપીઠના અભ્યાસક્રમમાં મરજિયાત શીખવાના વિષય તરીકે બીજી ભાષાનું સ્થાન આપું અને તે પણ પસંદગીના થોડા લોકો માટે હોય, કરોડોને તો ક્યાંથી હોય ?’

1947માં જ્યારે ભારત પાકિસ્તાનનાં ભાગલા થયા ત્યારે તત્કાલીન પૂર્વ પાકિસ્તાનની બોલાતી ભાષા બંગાળી હતી. પણ પાકિસ્તાનની સરકારી ભાષા ઉર્દૂ એમની પર થોપી દેવામાં આવી. પોતાની માતૃભાષાને ફરીથી સંસ્થાપિત કરવા પૂર્વ પાકિસ્તાનમાં આંદોલન થયા. 1948માં પાકિસ્તાનનાં તત્કાલીન ગવર્નર જનરલ મોહમ્મદ અલી જિન્નાહે ઢાકાની મુલાકાત લીધી અને આંદોલનકારીઓને એવું સમજાવવાની કોશિશ કરી કે ભાષાનાં નામે પાકિસ્તાની મુસ્લિમોનાં ભાગલા પડાવવાની કોશિશ થઇ રહી છે. જિન્નાહનાં મૃત્યુ પછી પણ ‘ઉર્દૂ-ઓન્લી’ પોલિસી જ રહી. 1952ની 21 ફેબ્રુઆરીએ માતૃભાષાની સંસ્થાપના માટે આંદોલન કરતા ઢાકા યુનિવર્સીટીનાં છાત્રો પર પોલિસે દમન કર્યું. ગોળીબાર થયો. કંઇ કેટલા છાત્રો ઘવાયા, કંઇ કેટલાં માર્યા પણ ગયા. આખરે પશ્ચિમ પાકિસ્તાનનાં શાસકોએ નમતુ જોખ્યુ અને 1964માં બંગાળીને સરકારી ભાષાનો દરજ્જો આપ્યો. જો કે તે પછી 1969માં પાકિસ્તાનનાં મિલિટરી શાસક અયુબ ખાને ફેરવી તોળ્યુ. બંગાળી ભાષાને જાકારો આપ્યો. આખરે 1971માં બાંગ્લા દેશનો ઉદય થયો; એનું એક કારણ માતૃભાષાનાં ગૌરવનું પુન: સ્થાપન કરવાનું પણ હતુ. પછી 21 ફેબ્રુઆરી, 1952નાં રોજ માતૃભાષાનાં ગૌરવ માટે શહીદ થયેલા વિદ્યાર્થીઓની યાદમાં યુનેસ્કોએ  ઠરાવ કર્યો. આખુ વિશ્વ આ દિવસ માતૃભાષા દિન ઉજવે છે.

ભારતમાં ‘ભારતવાણી’ પ્રોજેક્ટ અન્વયે શાળાનાં અને વ્યાવસાયિક વિદ્યાનાં પાઠ્યપુસ્તકો, દેશની 22 ભાષાઓમાં ડિજિટાઇઝ કરીને સરકારી વેબપોર્ટલ પર આવી રહ્યા છે. ભારતમાં 234 માતૃભાષાઓ છે. માએ પહેલે પગથિયે પગ મુક્યો છે. મા અને માતૃભાષા આપણા ઓવરણાં લેશે જ. છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય.

શબ્દ શેષ:

“માણસ જે સમજે એવી ભાષામાં તમે એની સાથે વાત કરો તો એ વાત એનાં મગજમાં બેસી જાય, પણ તમે એની સાથે એની પોતાની ભાષામાં વાત કરો તો એ વાત એનાં દિલમાં વસી જાય.” –રંગભેદ વિરોધી આંદોલનનાં પુરસ્કર્તા નેલ્સન મંડેલા(1918-2013) 111

 

 

 

2 ટિપ્પણીઓ

Filed under પરેશ વ્યાસ, પ્રકીર્ણ, સમાચાર

2 responses to “વર્નાક્યુલર: દેશ દેશની દેશી ભાષાઓ અને બોલીઓપરેશ વ્યાસ

 1. pragnaju

  Navin Banker
  to me
  ખુબ સરસ વાત કરી છે, દિલીપભાઈ આપે ! અમને ‘સમન્વય’ નો જલસો પણ કરાવી દીધો.
  નવીન બેન્કર
  Navin Banker (713-818-4239)
  My Blog : navinbanker.gujaratisahityasarita.org
  Ek Anubhuti : Ek Ahesas.

 2. pragnaju

  Pravinkant Shastri
  4:22 PM (19 minutes ago)
  to me, Niravrave
  પ્રતિભાવ ?. પ્રતિભાવ માટે પણ પહેલા ભાવ સમજવો પડે. પ્રજ્ઞાબહેન આપના બધા ઈ મેઇલ હું વાચું છું. અને મૂંગો રહું છું. સમજવા કોશિશ કરતો રહું છું. મારે માટે સંકલીત માહિતીના આ હોમ યુનિવર્સિટિના ભાષાવિજ્ઞાનના લેશન જ છે.
  પ્રવીણ શાસ્ત્રી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s