હીડોનિક ટ્રેડમિલ : પરેશ પ્ર વ્યાસ

હીડોનિક ટ્રેડમિલ : હજારો ખ્વાહિશે ઐસી…..

प्याला है पर पी पाएँगे,

है ज्ञात नहीं इतना हमको,

इस पार, प्रिये मधु है तुम हो,

उस पार न जाने क्या होगा!

– हरिवंशराय बच्चन

ફેબ્રુઆરીમાં પ્રેમપર્વ પછી પૈસાપર્વ આવે છે. મહિનો પૂરો થતા થતા તો હજારો બજેટી ઇચ્છાઓ સળવળે છે. અરુણ જેટલી સમજણ અમારી નથી. અને આ તો દેશનું બજેટ છે. મારે શું? પણ પછી તરત જ બીજો પ્રશ્ન થાય; મારું શું? અને જાણે મારા સુખનો બધો દારોમદાર કેન્દ્રીય બજેટ પર છે, એમ માનીને હું સાબદો થાઉં છું. ઇન્કમટેક્સ, સર્વિસ ટેક્સ, ખાધાખોરાકી, ઘર,ગાડી, બાળકોનું ભણતર, દવાદારૂનું કળતર વગેરે… બજેટ મારા ઉચાટનું સ્ટાર્ટઅપ છે! જો કે બજેટનું રજૂ થવું એ ઘટના છે, જે દર વર્ષે ઘટે છે. દેશનાં અર્થની વધઘટનો એ દેશી હિસાબ છે. કરવેરાની વધઘટ, છૂટછાટની વધઘટ, ભાવ અભાવની વધઘટ.

રાબેતા મુજબ શાસક પક્ષીઓ બજેટને આવકારો મીઠો આપતા નજરે પડે છે. રાબેતા મુજબ વિરોધ પક્ષીઓનાં વિરોધી સૂર અધિકારવશ ગોકીરામાં તબદિલ થાય છે. અર્થશાસ્ત્રનાં નિષ્ણાંતો શીઘ્ર છણાવટ કરે છે. કોને શું મળ્યું? કૃષિને શું મળ્યું? ઉદ્યોગ માટે શું? સૂટબૂટને શું મળ્યું? ધોતીચોયણી માટે શું? ગુજરાત મહારાષ્ટ્રનાં સ્માર્ટ વિકાસ માટે કેટલી જોગવાઇ? બિહાર બંગાળને કેટલું આર્થિક પેકેજ? ઉત્તરને શું? દક્ષિણને શું? અને અંતે બધુ થાળે પડે છે. બજેટ આપણને કોઠે પડી જાય છે.

દર વર્ષે બજેટની ગતિવિધિની શરૂઆત ‘હલવા સેરેમની’થી થાય છે. બજેટ બનાવવાનાં જોતરાયેલા તમામને નાણાંપ્રધાન ઘીમાં લસલસતો શીરો ખવડાવે, એવો રિવાજ છે. અમને ચાર્વાક યાદ આવે છે. એ ચાર્વાક કે જેમણે જન્મોજન્મનાં ફેરાની થિયરીને ઠુકરાવી હતી ‘ને હિદાયત આપી હતી કે દેવું કરીને પણ ઘી પીઓ. આ શરીર ભષ્મીભૂત થશે પછી તો જીવન જ ક્યાં છે? માટે મોજશોખ કરી લેવો, સુખને ભોગવી લેવું, જલસા કર ભાઇ જલસા કર. આ ફાની દુનિયા તો છે એક અજબગજબનું જલસાઘર. મર્યા પછી ન તો સ્વર્ગ છે, ન તો નરક. ચાર્વાકને ગુરુ માનતા તમામ લોકો હીડોનિક કહી શકાય. હીડોનિક શબ્દનાં મૂળમાં ગ્રીક શબ્દ છે ‘હીડોનિકોસ’. ‘હીડોન’ એટલે મોજશોખ અને ‘ઇકોસ’ એટલે સિફારિસ કરવી. જે જલસા કરવાની

સિફારિસ કરે એ હીડોનિક. મોજમઝા જ જીવનનું એક માત્ર લક્ષ્ય છે. હરવું ફરવું, ખાણી પીણી, મોજમસ્તી, જિંદગી ના મિલેગી દુબારા….પણ હેં ભાઇ, આ મોજમઝા, આ જલસા કરીને ક્યાં પહોંચવુ છે? અને પછી શબ્દ મળે છે હીડોનિક ટ્રેડમિલ

(Hedonic Treadmill).

ટ્રેડમિલ આપણે જાણીએ છીએ. જીમમાં જઇએ એટલે ત્યાં દોડવાની કસરત માટેનું મશીન. આપણે દોડીએ તે ભેગો નીચેનો પટ્ટો ય ફરતો રહે. જાણે તમે દોડો તે ભેગી પગ તળે જમીન પણ દોડતી રહે. કાનમાં સંગીત ચાલતુ રહે, સામે ટીવી ચાલતુ રહે, ફરજિયાત દોડવું પડે પણ કસરત થઇ જાય, પરસેવો પડી જાય, કેલોરી બળી જાય; પણ હતા ત્યાંના ત્યાં. મોજશોખનું ય ભઇ એવું જ. ઝાઝા પૈસા ભેગા થાય એટલે તમારી ઇચ્છાઓ, તમારી અપેક્ષાઓ લાગટ વધતી જાય. ખ્વાહિશોની ટ્રેડમિલ પર જેમ જેમ દોડવાની સ્પીડ વધારીએ એમ એમ બેલ્ટની સ્પીડ પણ વધતી જાય. તમારું નેટ સુખ તો એટલું ને એટલું જ રહે.

ઓનલાઇન ‘ગુજરાતી લેક્સિકોન’ મારા જેવા લેક્સોફિલ એટલે કે શબ્દ માત્રને બેતહાશા પ્રેમ કરનારાઓ માટે ગીતા, બાઇબલ, કુરાન છે. અમે ગુજરાતી લેક્સિકોનને અવારનવાર રીફર કરતા જ રહીએ છીએ. એમાં હીડોનિકનો અર્થ ‘સુખને લગતું’ અને હીડોનિઝમ એટલે ‘સુખવાદી’ દર્શાવ્યો છે, જે અર્થ અમને બરાબર જણાતો નથી. ‘મોજમઝા’ અને ‘મોજમઝાને લગતું’ લખ્યું હોત તો કદાચ ઠીક હતુ. કારણ કે મોજમઝા એ સુખ નથી. મેરે પાસ બંગલા હૈ, ગાડી હૈ, બેન્ક બેલન્સ હૈ, ક્યા હૈ તેરે પાસ?…

મેરે પાસ મા હૈ…અમિતાભ મોજમઝા કરવા સક્ષમ હતો, પણ સુખ તો શશી કપૂર પાસે હતુ. મોજમઝા સુખ નથી, એ હીડોનિક પેરાડોક્સ (વિરોધાભાસ) છે. આપણે કોઇ પણ ભોગે મોજમઝાને પામવા ભાગીએ છીએ.માત્ર પૈસાની વાત નથી. સામાજિક મોભો, માલિકીભાવ, કારકિર્દી અને સફળ જીવનશૈલીની ઇચ્છા પણ એમાં આમેજ છે. પણ એનો કોઇ અંત નથી. ક્યારેક તો કાંઇ ઓછુ પડે પડે ‘ને પડે. અને બસ ત્યારે આપણને ઓછું આવી જાય. આપણે પછી નાસીપાસ થઇએ. અને સુખ આપણને હાથતાળી આપીને છટકી જાય. આમ કંઇક મળે એટલે કામચલાઉ ધોરણે સુખનું લેવલ અલબત્ત વધી જાય. પરંતુ સમય જતા બીજી અનેક ઇચ્છાઓ ઘેરી વળે. ઇચ્છા દુ:ખની દ્યોતક છે. પાછી જેની આદત પડી ગઇ હોય, તે ન મળે એટલે તો હાહાકાર થઇ જાય. અને એટલે હીડોનિક ટ્રેડમિલ પર દોડતા રહેવું પડે, થકના મના હૈ…

તો પછી કરવાનું શું? પૈસો કમાવાનું જ મુકી દેવાનું? બજારમાં કેવી કેવી ઓટોમોબાઇલ અને કેવા કેવા મોબાઇલ ફોન આવતા જાય છે. ઘર પણ હવે ફૂલ્લી લોડેડ આવે છે. ટીવી, ફ્રિજ, વોશિંગ મશીનનાં નીતનવા ઇચ્છાધારી ઉપકરણો ઉપલબ્ધ છે. અરે, ઘરનું નાવણિયું કે રાંધણિયું ય સ્માર્ટ થતું જાય છે. આજકાલ ટીવી પર જાહેરાત આવે છે. અબજોપતિ યુગલ છૂટાછેડા લેવાનું  નક્કી કરે છે. વકીલોની હાજરીમાં કોને હિસ્સે શું આવશે?- એનાં ભાગ પાડે છે. પણ પછી પોતાનાં ટોઇલેટને જુએ છે. એટલું તો સ્માર્ટ છે કે એનાં ભાગ શી રીતે પાડવા? અને પછી છૂટાછેડા લેવાનું માંડી વાળે છે. હવે તો શૌચાલય પણ એક સોચ બની ગયુ છે. કેવું ઇન્ટેલિજન્ટ ટોઇલેટ છે આ? તમે પહોંચો એટલે તમારા પગલાનો સાદ સૂણીને પોખરાનાં ઢાંકણ ઓટોમેટિક ખૂલે.આછોપાતળો ઉજાસ થાય. સુગંધ રેલાતી જાય, મધુર સંગીત વાગે. અને પછી પોખરાની સીટ પર બિરાજો એટલે પગની ચારેકોર હુંફાળો મંદ મંદ પવન વાતો જાય અને કામ પતે એટલી ધીમી એડજસ્ટેબલ ધારે નવશેકાં પાણીએ બધું ધોવાઇ જાય અને પછી ઓટોમેટિકલી તમારા કર્યા કારવા પર પાણી ફરી વળે. સાલી શૌચક્રિયામાં ય કેવો વટ પડી જાય, હેં ને? પણ આ હીડોનિક ટ્રેડમિલની તકલીફ એ છે કે દોડનારાઓને એ ખબર નથી કે કેટલા પૈસા, કેટલી સુખ સગવડતા બસ થઇ રહેશે. ક્યાં અટકવું?- એ શીખવું અગત્યનું છે. પૈસા કમાઇએ જરૂર અને સાવ ઊડાડી પણ ન મુકીએ. પણ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કરીએ અને ખર્ચ કરવાની ખુમારી પણ રાખીએ. પોતાને માટે અને પારકાં માટે પણ. સલાહ દેવી સહેલી છે. અમલ કરવો અઘરો છે. જરૂરિયાત અને એશોઆરામની વ્યાખ્યા દરેકને મન જુદી હોઇ શકે. શું કરવું જોઇએ? જાત સાથે પ્રામાણિક થવાની જરૂર છે. હજી હેપ્પી થવા કાંઇ ખૂટે છે? તો તમે હજી ટ્રેડમિલ પર જ છો. શું કરવું? બાળક પાસેથી શીખો. એ કેવી રીતે દુનિયા સાથે કનેક્ટ કરે છે? દોસ્ત પાસેથી શીખો. ગલીનાં નાકે ગલ્લા પર પીધેલી આદૂવાળી કટિંગ ચાની ચૂસકી લેવાની મઝા. ઝાડપાન, વનરાજી પાસેથી શીખો. કુદરતનું અપાર સૌંદર્ય માણો. જો કે તમે પોતે તમારી જાતને જાણો એટલું બીજું કોઇ ન જાણે. જાત પાસેથી શીખો. સુખનું તો ભૈ એવું, ન માંગે દોડતું આવે…!

શબ્દ શેષ:

“જ્યારે તમને ખ્યાલ આવી જાય કે તમારી પાસે છે તે પૂરતું છે, ત્યારે તમે સાચા ધનવાન છો.” – તાઓ કહેવત

હીડોનિક ટ્રેડમિલ63329230 (1)

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “હીડોનિક ટ્રેડમિલ : પરેશ પ્ર વ્યાસ

  1. Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:
    શબ્દ શેષ:

    “જ્યારે તમને ખ્યાલ આવી જાય કે તમારી પાસે છે તે પૂરતું છે, ત્યારે તમે સાચા ધનવાન છો.” – તાઓ કહેવત આ જ વાતને રજુ કરતો વાંચવા જેવો લેખ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s