બટરફ્લાય ઇફેક્ટ: હાલ વાત નાની પણ ભાવિ અસર ભારે મોટી/પરેશ પ્ર વ્યાસ

00

 

 

 

 

फिसले जो इस जगह तो लुढ़कते चले गए,
हमको पता नहीं था कि इतना ढलान है ।                                                                    दुष्यन्त कुमार

જેએનયુ, જાદવપુર કે હૈદરાબાદ વિશ્વવિદ્યાલયો જ્યાં અભ્યાસ થવો જોઇએ ત્યાં અંધાધૂંધીનો માહોલ છે. અથવા કદાચ એમ પણ હોય કે આવું કાંઇ ખાસ નથી. અથવા તો કદાચ એમ કે આપણે ધૃતરાષ્ટ્ર છીએ અને જેમની પાસે સંજય દ્રષ્ટિ છે એવી ઇંગ્લિશ ટીવી ન્યૂઝ ચેનલ્સ રાઇનો પર્વત બનાવે છે અથવા રાઇનો પર્વત ‘બતાવે’ છે. દૂધમાંથી પોરા કાઢવા એ એમની આજીવિકા છે; પણ હવે તો પોરામાંથી દૂધ કાઢવા એ એમની ભૂમિકા બની ગઇ છે. બધે અફરાતફરી, બધે જ અવ્યવસ્થા. રમેશ પારેખનાં શબ્દોમાં ‘જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ, સોનલ આ તારા દેશને એવું થયું છે શું?’ અને મને શબ્દ જડી આવે છે બટરફ્લાય ઇફેક્ટ (Butterfly Effect).0

‘બટરફ્લાય ઇકેક્ટ’ (પતંગિયાની અસર) મૂળ તો ગણિતશાસ્ત્રનો શબ્દ છે. ગણિતથી ઘણું સમજાવી શકાય છે. ગણિતથી વિધિનાં લેખ વાંચી પણ શકાય અને સમજાવી પણ શકાય. તેમ છતાં શરૂઆતમાં નાની સૂની લાગતી વાત જ્યારે ગતિશીલ વાતાવરણમાં આવે ત્યારે શું થશે?- એ ઘણીવાર કહી શકાતુ નથી. દાખલા તરીકે ગુણાકાર ભાગાકાર કરતી વખતે સરળતા ખાતર આંકડાને રાઉન્ડ ફિગર(શૂન્યાંત આંકડા)માં તબદીલ કરો પણ એની સંચિત અસર ઘણી વાર તદ્દન અલગ હોય છે. એ સ્પષ્ટ છે કે વર્તમાન જ ભવિષ્ય નક્કી કરે છે. એટલે વર્તમાનની ચોક્ક્સ માહિતી પરથી ચોક્ક્સ ભવિષ્ય ભાખી શકાય. એ જ તર્ક આગળ વધારીએ તો વર્તમાનની લગભગ માહિતી હોય તો એ આધારે ભવિષ્યનું લગભગ અનુમાન થઇ શકતું હોવું જોઇએ. પણ ઘણી વાર એ શક્ય બનતુ નથી. અમેરિકન ગણિતજ્ઞ અને હવામાનશાસ્ત્રી એડવર્ડ લોરેન્જે કહ્યું હતુ કે સાવ નાની બાબતની અસર એવડી મોટી થાય છે કે શું થશે?- એ કહી શકાતુ નથી. વાવાઝોડું કે ચક્રવાત ક્યાં અને કેટલી અસર કરશે?- એનો આધાર કદાચ કેટલા ય અઠવાડિયા પહેલાં દૂર જંગલમાં કો’ક પતંગિયાએ ફફડાવેલી પાંખ હોઇ શકે.  

બટરફ્લાય ઇફેક્ટ સમજવા રે બ્રેડબરીએ 1952માં લખેલી એક વિજ્ઞાનની કાલ્પનિક ટૂંકી વાર્તા માણીએ.  ઇ. સ. 2055ની વાત છે જ્યારે સમયની આરપાર સફર કરવું શક્ય બન્યુ હતુ. તેવા સમયે ‘ટાઇમ સફારી’ નામની ટ્રાવેલ કંપની ધનિક સાહસિકોને જુરાસિક ભૂતકાળમાં લઇ જઇને હાલ વિલુપ્ત થઇ ગયેલા ડાયનાસોરનો શિકાર કરવાની રોમાંચક સ્કીમ રજૂ કરી. એકેલ્સ નામનો એક શિકારી 10000 ડોલરનાં ખર્ચે ડાયનાસોરનાં શિકારની ગાઇડેડ ટૂરમાં જોડાઇ છે.  ટાઇમ મશીનમાં સવારી કરવા માટે સ્ટેશન પર રાહ જોતા પેસેન્જર્સ સાંપ્રત એટલે કે સને 2055ની પ્રેસિડન્ટ ચૂંટણીની ચર્ચા કરે છે. તેમને રાહત થાય છે કે ઉદાર મતવાદી (મોડરેટ)  વિચારસરણી ધરાવતા ઉમેદવાર કીથ તેમનાં પ્રતિદ્વંદ્વી ફાસીવાદી(ફાસિસ્ટ) મનાતા ડોઇચરને હરાવીને પ્રેસિડન્ટની ચૂંટણી જીતી જાય છે. શિકારી પાર્ટીમાં એકેલ્સ સાથે બીજા બે અન્ય શિકારીઓ, એક ગાઇડ અને ગાઇડનો એક આસિસ્ટન્ટ છે. ગાઇડ સમજાવે છે કે બધાએ હવામાં તરતા રહીને જ શિકાર કરવાનો છે. પ્રાચીન પૃથ્વી પર ઉતરીને એને ડીસ્ટર્બ કરવાની નથી. ટૂર કંપનીનાં સ્વયંસેવકોએ કોનો શિકાર કરવાનો છે એ ડાયનાસોર પહેલેથી જ નક્કી કરી લીધો હોય છે. આ એવો ડાયનાસોર છે જે અમથો પણ મિનિટોમાં મરી જવાનો છે. પણ જુરાસિક કાળમાં પહોંચીને મહાકાય ડાયનાસોરને જોતા જ એકેલ્સ ગભરાઇ જાય છે અને પૃથ્વી પર ઊતરી જંગલ તરફ ભાગે છે. પરિણામે ગાઇડને ડાયનાસોર પર ગોળી છોડવા ફરજ પડે છે. ડાયનાસોર મરી જાય છે. એકેલ્સ પાછો ફરે છે.  તેઓ મૃત ડાયનાસોરનાં શરીરમાંથી ગોળીઓ કાઢે છે કારણ કે એમનાં આવ્યાનો કોઇ પણ અવશેષ અહીં છોડી જવાની મનાઇ છે. તેઓ જ્યારે સાંપ્રત સમયમાં પૃથ્વી પર પાછા ફરે છે ત્યારે એકેલ્સ જુએ છે કે લખાતી બોલાતી ઇંગ્લિશ ભાષા કંઇક જુદી જ છે, લોકો વિચિત્ર રીતે વર્તી રહ્યા છે અને ફાંસીવાદી વિચારસરણી ધરાવતો ઉમેદવાર ડોઇચર અમેરિકાનો પ્રેસિડન્ટ બની ચૂક્યો છે. એકેલ્સ પોતાનાં બૂટ પર ચોંટેલો કાદવ સાફ કરવા જતા જુએ છે કે ત્યાં કચડાયેલા મૃત પતંગિયા ચોંટ્યા હોય છે. પતંગિયાનું મરવું સાવ નાની ઘટના છે પણ ભૂતકાળનું એક જરા સરખું ડીસ્ટર્બન્સ ભવિષ્યમાં મોટો બદલાવ લાવી દે છે. એકેલ્સ પાછો ભૂતકાળમાં જઇને પતંગિયાને જેમ હતા તેમ ગોઠવી દેવા માંગે છે. પણ હવે એ શક્ય નથી. એ જ સમયકાળમાં પાછા ફરવાની મનાઇ છે. (જેથી એકમેકથી વિરોધી ગતિવિધિ ટાળી શકાય). એક પતંગિયાનું મોત એવો તો બદલાવ લાવે છે કે ગાઇડ પોતાની બંદૂકને માત્ર ઊઠાવે છે અને આકાશમાં વીજ કડાકો થાય છે. અહીં વાર્તા ‘અ સાઉન્ડ ઓફ થન્ડર’ પૂર્ણ થાય છે.

ક્ષુલ્લક વાતની ગંભીર અસર થાય એ બટરફ્લાય ઇફેક્ટ છે. ગંભીર અસર થશે એમ ખબર હોય તો નુકસાની ટાળી શકાય, એમાંથી બચી શકાય. પણ અહીં ક્યાં, ક્યારે અને કેટલી અસર થશે એની ભવિષ્યવાણી થઇ શકતી નથી. ગરીબીથી કે વાણી નિયત્રંણ કે પછી અન્ય કોઇ પણ દૂષણથી આઝાદી મેળવવાની કન્હૈયા કુમારની ગુલબાંગ લાંબે ગાળે કેવો અને કેટલો  ચક્રવાત લાવી શકે, એ કહી ન શકાય. ઘણાં બુદ્ધિજીવીઓ જેએનયુની ઘટનાઓને વ્યર્થ વિવાદ ગણે છે. વિદ્યાર્થીઓ પર લેવાયેલા પગલાંઓને વાણી સ્વાતંત્ર્ય પર તરાપ ગણે છે. તેઓ માને છે  વિરોધનાં મામૂલી સૂરને દેશદ્રોહ કઇ રીતે કહી શકાય? કીડીને વળી કોશનાં ડામ હોતા હશે? પણ પતંગિયાની પાંખને હળવાશથી ન લેવાની નીતિ સારી છે. સાધ્વી પ્રાચી કે યોગી આદિત્યનાથનાં વાણીવિલાસ પણ એવા જ પતંગિયાની પાંખ છે. એમની બટરફ્લાય ઇફેક્ટનો ડર કદાચ એવો છે કે સરકાર તરફી ગણાતા અનુપમ ખેર એ બન્નેને જેલમાં પૂરવાની વાત કરે છે. ખુદા ખેર કરે ! પણ જેએનયુનો વિવાદ વધારે ને વધારે વકરતો જાય છે. ઝી ન્યૂઝ અનુસાર જેએનયુ પ્રોફેસર નિવેદિતા મેનન વિદ્યાર્થીઓને સંબોધીને કહે છે કે ભારત દેશે 30% થી 40% પ્રદેશ પર બળજબરીથી કબજો જમાવ્યો છે. સ્થાનિક લોકો ઇચ્છે છે એટલે ઉત્તરનું કાશ્મીર અને ઉત્તરપૂર્વનું મણિપુર ભારતે સ્વેચ્છાએ છોડી દેવું જોઇએ. લો બોલો ! અને આમ જુઓ તો નિવેદિતાબેનનાં નિવેદન માત્રથી કાંઇ થાય ખરું? પણ સાહેબ, આપ એ સમજો કે આ પતંગિયાની પાંખ આજે ફફડી છે. ભવિષ્યમાં એની શી અસર થશે?- એ કહેવું મુશ્કેલ છે.

શબ્દ શેષ:                                                                                                                                                                             “એક વસ્તુ બદલો અને બધું બદલાય.” – ‘ધ બટરફ્લાય ઇફેક્ટ’ ફિલ્મ (2004) ની ટેગલાઇન

The Butterfly Effect – YouTube

https://www.youtube.com/watch?v=yreck-Kp8kI
Jan 15, 2014 – Uploaded by warnervod

A young man struggling to access sublimated childhood memories finds a technique that allows him to travel .

 

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “બટરફ્લાય ઇફેક્ટ: હાલ વાત નાની પણ ભાવિ અસર ભારે મોટી/પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  harnish jani
  to me
  અદ્ભૂત લેખ બન્યો છે. ધન્યવાદ.

 2. સુંદર લેખ . અભિનંદન પરેશભાઈ

 3. pragnaju

  Rajan Bhatt
  To Pragna Vyas Today at 12:23 PM
  Very beautiful!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s