પ્રેસ સ્ટોપ…/ પરેશ પ્ર વ્યાસ

 00000000

મૃત્યુ અખબાર છે,
વહેલી સવારે તમારા ઘરમાં ઘૂસી શકે છે.

  ચંદુ મહેસાનવી

અને આ તો એક અખબારનાં મૃત્યુની વાત છે. સમાચાર માઠાં છે. એક પ્રેસ સ્ટોપ થયું છે. અઠવાડિયા પહેલાં, ફાગણ વદ ત્રીજ, 26 માર્ચ ‘ને શનિવારે પ્રતિષ્ઠિત બ્રિટિશ અખબાર ‘ઇન્ડિપેન્ડન્ટ’નું 30 વર્ષની વયે દેહાવસાન થયું. બાજ પક્ષી એનું પ્રતીક ચિહ્ન. સ્કૂપ (પોતાના નોખા સમાચાર) એની ખાસિયત. અલબત્ત એનું પ્રકાશન તો ચાલુ જ છે. માત્ર મુદ્રણ બંધ થયું છે. માંહ્યલો ખોળિયું બદલે છે. હવે આ છાપું એનાં ડિજિટલ અવતારમાં, વર્ચ્યુઅલ સ્વરૂપે નેટિઝન્સને નિયમિત રૂપે અલબત્ત ઉપલબ્ધ છે..એની બધી જ હેડલાઇન્સ, બધી જ સાઇડલાઇન્સ, બધા જ બોક્સિસ, બધા જ એડિટોરિયલ્સ યથાવત છે. પણ હવે એને માત્ર જોઇ કે વાંચી શકાશે; એ અખબારી કાગળોને હવે અડકી નહીં શકાય. કોણ જાણે કેમ આજે અમને અડવું અડવું લાગે છે..ગુજરાતી લેક્સિકોન અનુસાર અડવું લાગવું એટલે શોભા વગરનુંસારું નહિ લાગવું; કાંઈક ખૂટતું, રુચિ બહાર લાગવું

કોલકતામાં જન્મેલા અમોલ રાજને બે વર્ષ પહેલાં ‘ઇન્ડિપેન્ડન્ટ’નું તંત્રીપદ સંભાળ્યુ ત્યારે એમને અખબારનાં બંધ થવાનો અણસાર તો હતો પણ આમ અખબારનું છપાવું બંધ થવાની ઘડી, એમનાં શબ્દોમાં ‘પેઇનફુલ શૉક’ હતી. અમોલ લખે છે કે કામ તો ચાલુ જ રહેશે, લક્ષ્ય એ જ છે. કારણ કે એક દરવાજો બંધ થાય તો બીજો ખુલે છે. અખબાર હવે ડિજિટલ ફોર્મેટમાં જ રજૂ થશે. ભવિષ્ય બતાવશે કે આ નિર્ણય યોગ્ય હતો અને બીજા અખબારો પણ એને અનુસરશે. બાજ પક્ષીની નવી ઊડાન હવે નવી ઊંચાઇ આંબશે.

સમય સમયની વાત છે. ઘણી વસ્તુ કાલગ્રસ્ત થઇ જતી હોય છે. પહેલાં વાસણને કલાઇ કરવાનો રિવાજ હતો હવે સ્ટેનલેસ સ્ટીલનાં વાસણ આવી ગયા છે. કપડાનાં બેનર્સ પર પહેલાં ચિત્રકારો ચીતરામણ કરતા હવે ડિજિટલ ફ્લેક્સ બેનર્સ આવી ગયા છે. પહેલાં કોલસાની સગડી હતી, આજે ગેસનાં ચૂલ્હા ગામેગામ પહોંચાડવાની મુહિમ ચાલી રહી છે. તારટપાલ ઇ-મેલમાં તબદીલ થયા છે. જો કે અખબાર વિના કોઇને ચાલવાનું નથી.  જાણવાની જિજ્ઞાસા માનવ સ્વભાવ છે. અખબાર ચોથી જાગીર છે. લોકોને દિશા દેખાડે છે. દશા સુધારે છે. રાજકારણીઓ જ્યાં પૂંછ પટપટાવે છે એ અખબાર કાગળ સ્વરૂપે બંધ થાય તો?

આપણે ત્યાં હજી વાર છે કારણ કે આપણે વાતો 4જીની કરીએ છીએ પણ આપણી  ઇન્ટરનેટની સ્પીડ માત્ર 2.58 એમપીબીએસ છે. ઇન્ટરનેટનાં મામલે સરખામણી કરીએ તો વિશ્વ તેજીલો તોખાર છે અને ભારત…. સુંવાળી શિંગડીંવાળી ગોકળગાય. અહીં લોકો હજી ગરીબ છે જેમને સ્માર્ટ ફોન કે લેપટોપ પોષાતા નથી. એની સરખામણીમાં ફીડલું વાળીને સૂતળીની દોરીથી વીંટેલુ અખબાર સાવ સસ્તા દામ પર ફ્રી હોમ ડીલીવરીનું ટ્રેન્ડ સેટર છે. માત્ર ચાર રૂપરડીમાં એ દુનિયાભરનાં કેટકેટલાંય સમાચારનાં તથ્યો, પૃથક્કરણો અને તારણો આપણી નજર સામે મુકી દે છે. અખબારનાં બીજા ય અનેક ઉપયોગ છે. આપણે શેરીનાં નાકે રેંકડી પર જઇને છાપાની પસ્તીની બનેલી સસ્તી ડિસ્પોઝેબલ ડિશમાં મસ્તીથી ભજિયાં આરોગી શકીએ છીએ. ગાડીનાં કાચ સાફ કરવા આજે પણ છાપાનાં કાગળથી વધારે સારો, સસ્તો અને અસરકારક નુસખો બીજો કોઇ નથી. બબલ રૅપર જેવા પ્લાસ્ટિકનાં પેકિંગ મટીરિયલ્સની સરખામણીમાં અખબારની પસ્તી બાયો-ફ્રેન્ડલી પેકર્સ એન્ડ મુવર્સ છે. નરમ રેશમી વસ્ત્રો પર ઇસ્ત્રી કરતી વેળા ધોબી અખબારનાં કાગળનો ઉપયોગ કરે છે. કેરીની સીઝન આવી છે. ઘાસ પરાળની અવેજીમાં  છાપામાં વીંટેલી કાચી કેરી પાકી જાય છે. ગરમાગરમ સમાચારની કાંઇ તો અસર થાય ને?!! અને હા, કોઇ પંચાતિયાથી બચવા આપણે છાપામાં મોં છુપાવી શકીએ છીએ. સ્માર્ટ ફોનમાં એ શક્ય નથી. ના, હજી આપણે ત્યાં અખબાર છપાતા રહેશે, ફેલાતા રહેશે, વંચાતા રહેશે. અખબાર વિના સવારની ચા ફીકી લાગે. અખબાર વિના પ્રાત: ક્રિયા પણ વસમી લાગે. અખબારની લિપિ, એનાં પૃષ્ઠોનાં આપણે હેવાયા  છીએ. અખબારની એક ગંધ હોય છે. એનો એક રંગ, એક સ્પર્શ હોય છે. દુષ્યંત કુમારનો શે’ર છે; એક આદત સી બન ગઇ હૈ તું, ઔર આદત કભી નહીં જાતી…..!

0000000

3 Comments

Filed under Uncategorized

3 responses to “પ્રેસ સ્ટોપ…/ પરેશ પ્ર વ્યાસ

 1. pragnaju

  From: Pragna Vyas
  Date: April 4, 2016 at 10:11:24 PM EDT
  To: Niravrave Blog
  Subject: પ્રેસ સ્ટોપ…भवन्तः सर्वेषां पाठकवर्याणां टिप्पण्यात्मकः स्नेहः अपेक्षितः।
  Reply-To: Pragna Vyas

  ળોને હવે અડકી નહીં શકાય. કોણ જાણે કેમ આજે અમને અડવું

 2. બોલો! ડિજિટલ મા ની જે, બોલો બ્લોગ દેવની જે !!!!!

  • pragnaju

   એક આદત સી બન ગઇ હૈ તું, ઔર આદત કભી નહીં જાતી…..!
   અડવું અડવું
   ડિજિટલ મા બ્લોગ દેવ !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s