વાલ્ડન ઝોન: પરેશ પ્ર વ્યાસ

વાલ્ડન ઝોન:Живое фото. Птичка થેંક યૂ હાર્દિક પટેલ….

હાઇશ !  હવે શાંતિ થઇ. પાટીદાર, પોલિસ અને પોલિટિશ્યન્સ વચ્ચેની કશ્મકશમાંથી બહાર નીકળ્યા. કામચલાઉ મુક્તિનો સંચાર થયો.  વોટ્સએપ, ટ્વિટર, ફેસબૂક બંધ હતા એટલે અફવાની આપલે બંધ હતી. વર્ચ્યુઅલ હો હા અને સ્માર્ટ દેકારા સ્થગિત હતા. જીવને શાંતિ હતી. સમય હતો એટલે એનઆરજી ડાયસ્પોરા બની ગયેલી મારી મા જોડે ફોન પર નિરાંતે વાત કરી. મિત્રને ઘરે જઇને હરિત ચાયની પ્યાલી સાથે અંતરંગ ગુફ્તગૂ કરી. ઓફિસમાં સહકર્મીનાં ખબરઅંતર પૂછ્યા. પત્ની સાથે શાકમાર્કેટમાં જઇ મકાઇ, દૂધી અને ટામેટા લીધા અને વીસ રૂપિયામાં છ મકાઇનાં ડોડા મળી ગયા એનો તો અમે સજોડે હરખ કર્યો. ત્યાં રસ્તામાં ઓળખીતા મળી ગયા તો એની સાથે શું ચાલે છે? કહીને ગપસપ કરી. જ્યાં ગયા, જેને મળ્યા ત્યાં અને તેની સાથે આંખમાં આંખ મિલાવીને, દિલથી ખુલીને, ખીલીને વાતો કરી. કોઇ ખલેલ નહીં, કોઇ વિક્ષેપ નહીં. કોઇ વ્યગ્રતા નહીં, કોઇ ચિત્તક્ષોભ જેવી મનોદશા નહીં. હું કાંઇ અલગ જ હતો. સૌથી સારી વાત તો એ થઇ કે હું મને મળ્યો. મેં મારી સાથે સમય વીતાવ્યો. અંગ્રેજીમાં સરસ શબ્દ છે: મીટાઇમ. મારા માટે, મારી સાથે, મારા દ્વારા વીતાવેલો મનગમતો સમય એટલે આ મી-ટાઇમ. કોંગ્રેસે ભલે એને સોશિયલ મીડિયા કર્ફ્યુ તરીકે નામાભિધાન કરીને સરકારની આગવી અને આકરી ટીકા કરી. વિરોધ પક્ષે વિરોધ તો કરવો જ રહ્યો. પણ સોશિયલ મીડિયાનાં સ્થગિત સંદેશા વ્યવહાર અઠવાડિયા માટે મારા મનને પુલકિત કરી ગયા. હું રહ્યો સ્માર્ટફોનનો હેવાયો. અઠંગ વ્યસની. એનાં બોલનો નકરો અને નફિકરો બંધાણી. ઘડી ઘડી ઘડિયાળની જેમ ટક ટક ટક કરતે, સંદેશે આતે થે,  હમે તડપાતે થે. સંદેશો આવ્યો નથી કે કાં ફોરવર્ડ કાં રીપ્લાય કર્યો નથી. ઓફિસમાં મીટિંગ હોય, હોટલમાં ઇટિંગ હોય કે બગીચામાં સિટીંગ હોય, સ્માર્ટ ફોન પર સતત ઓડાયેલા આપણે છેલ્લે આપણાં પ્રિય પાત્ર સાથે અસ્ખલિત મુખામુખ વાતો ક્યારે કરી છે? અરે ચુંબન કરીએ તેમાં ય સ્માર્ટ ખલેલ પડતી હતી. થેંક્યુ હાર્દિક પટેલ. તું ન હોત તો મારા મનની શાંતિનો અક્સીર ઇલાજ મને ક્યાંથી મળત? થેંક્યુ હાર્દિક પટેલ. થેંક્યુ. તેં મને શીખવાડ્યુ કે મોબાઇલ ફોનને નાંખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ. સ્માર્ટફોનનાં, સોશિયલ મીડિયાનાં સતત મારાથી બચવાનો એક જ ઉપાય હતો વાલ્ડન ઝોન(Walden Zone)માં વિહાર કરવો. શું છે આ વાલ્ડન ઝોન?

પાંચ વર્ષ પહેલાં લખાયેલા અમેરિકન લેખક વિલિયમ પાવર્સનાં પુસ્તક: હેમ્લેટ્સ બ્લેકબેરી- અ પ્રેક્ટિકલ ફિલોસોફી ફોર બિલ્ડિંગ અ ગૂડ લાઇફ ઇન ડિજિટલ એજ:માં પહેલી વાર ‘વાલ્ડન ઝોન’ શબ્દપ્રયોગ થયો. ડિજિટલ યુગમાં આપણાં ઘરમાં ય શાંતિ નથી. અહીં પણ લોકોનાં ટોળેટોળા ત્રાટકે છે. એટલે ઘરમાં પણ શાંત વિસ્તારનું ઝોનિંગ કરવું આવશ્યક છે. જો કે ‘વાલ્ડન’ શબ્દ ઓગણીસમી સદીનો છે. વિખ્યાત અમેરિકન લેખક, કવિ, ફિલસૂફ, ગુલામી પ્રથાનો અંતવાદી, કુદરતવાદી, વેરા વિરોધી અને ઇતિહાસકાર  હેન્રી ડેવિડ થોરો(1817-1862) આધ્યાત્મની સમજણ કેળવવા વનમાં ગયા. વનમાં વાલ્ડન નામનાં સરોવરનાં કાંઠે એમણે કેબિન બાંધી અને સ્વનિર્ભર બનીને બે વર્ષ, બે મહિના અને બે દિવસ રહ્યા. ચિંતન મનન કર્યું અને પુસ્તક લખ્યું- વાલ્ડન: લાઇફ ઇન વૂડ્સ. મહાત્મા ગાંધીની સવિનય કાનૂન ભંગ અને સાદાઇનાં વિચાર આ હેન્રી ડેવિડ થોરોની જ દેન હતા. ઓછામાં ઓછી વસ્તુઓ પર આધારિત રહીને સુખી જીવન શી રીતે જીવી શકાય? એનું આધ્યાત્મિક જ્ઞાન આ પુસ્તકમાં છે. આધુનિક શબ્દ ‘વાલ્ડન ઝોન’ એ પરથી આવ્યો છે. વાલ્ડન ઝોન એટલે એવો વિસ્તાર જ્યાં તમે તમારી સાથે રહો. ડિજિટલ યંત્ર વિના. હા, મિત્રો જોડે મોઢામોઢ ગપસપ કરી શકો. ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ ગુજારી શકો. કોઇ ભૌતિક મજબૂરી ન હોય. મનમાં શાંતિ હોય. નીરવ શાંતિ. એ વાતની ખાસ નોંધ લેવી જોઇએ કે થોરોની ઝૂંપડી અડાબીડ જંગલમાં નહોતી. જંગલની હદમાં વસ્તીથી પ્રમાણમાં નજીક હતી. એણે થોરોએ સામાજિક વિકાસને સાવ ત્યાજ્ય ગણ્યો નહોતો. એ નેચર અને કલ્ચરનાં સાનિધ્યમાં રહીને મધ્યમમાર્ગી રહ્યો હતો. વાલ્ડન ઝોન શબ્દ પણ મધ્યમમાર્ગી છે. તમારા સ્માર્ટ ફોન અને સોશિયલ નેટવર્કિંગને સાવ છોડી દેવાનાં નથી. પણ તમે જ્યાં હો ત્યાં એક ઓરડો એવો હોવો જોઇએ કે જ્યાં તમે અનપ્લગ થઇ શકો. તમારો મોબાઇલ ફોન બહાર રાખવાની વ્યવસ્થા હોય. ઇન્ટરનેટ ન હોય. તમે એકાગ્ર ચિત્તે વિચારી શકો, વાતો કરી શકો, સર્જન કરી શકો અને હા, પ્રેમ પણ કરી શકો. આ ઓરડો સાવ શાંત હોય તે જરૂરી નથી. અહીં વાતચીતની મનાઇ હોય એવું પણ નથી. ચર્ચાની બેલાશક છૂટ છે. વોટ્સ એપ, ફેસબૂકની સતત ખલેલથી, કોણ કોના વિષે શું વિચારે છે એવી, બિનજરૂરી માહિતીનાં વારંવાર થાતા શીઘ્રસ્ખલનથી દૂર રહેવાની જ્યાં જગ્યા મળે, એ વાલ્ડન ઝોન છે.

આ ‘રહો કનેક્ટેડ’-એ ઘાણ વાળ્યો છે. આ વિક્ષેપ યુગ છે. સતત કોઇ ને કોઇ તમારી પ્રાઇવસીમાં સંચરે છે. આ સતત ડિસ્ટર્બન્સ મનને અકળાવે છે. તો શું કરવું? સવારનાં સ્માર્ટ ફોન જોવા નહીં. ડાઇનીંગ રૂમ અને બેડરૂમમાં સ્માર્ટ ફોન લાવવા પર પ્રતિબંધ. શનિવારે અડધો દિવસ અને રવિવારે આખો દિવસ ફોન સ્વિચ-ઓફ. આજકાલ લાંબી બેટરી ચાલે એવા ફોન સસ્તા થયા છે પણ એ નહીં ખરીદવા અમારી નમ્ર ભલામણ છે. મારું ચાલે તો મોબાઇલ ફોનનાં વેન્ટિલેટર એવા પાવર બેંક પર પ્રતિબંધ મુકી દઉં. તમે મારો ફોન કેમ  ઉપાડતા નથી? એવું કોઇ કહે તો સમજવું કે તમારામાં થોડું થોડું થોરોપણું પ્રગટ્યું છે.  

હાર્દિકભાઇએ રીવર્સ દાંડી યાત્રાની ઘોષણા કરી છે. સરકારને વિનંતી છે કે સોશિયલ મીડિયા પર ફરીથી પ્રતિબંધ મુકે. કોંગ્રેસને વિનંતી છે કે સરકાર દ્વારા બળજબરીથી લાદવામાં આવનાર વાલ્ડન ઝોનનો વિરોધ ન કરે. વિરોધ કરવાનાં બીજા ઘણાં મુદ્દા છે. અને હું મને અને મારા પોતાનાને રોકટોક વગર મળી જાઉં તે માટે હાર્દિકભાઇ  નિમિત બને એવી પ્રાર્થના.

શબદ આરતી:

‘સ્માર્ટ ફોન દૂર હોય એને નજીક લાવે છે પણ નજીક હોય એને દૂર કરી નાંખે છે.’ –અજ્ઞાત,

1 ટીકા

Filed under Uncategorized

One response to “વાલ્ડન ઝોન: પરેશ પ્ર વ્યાસ

  1. સરસ , મનનીય લેખ. મૌનનું મહાત્મ્ય.
    બે વરસ પહેલાં ‘નેટ મૌન’નો પ્રયોગ કર્યો હતો અને એમાંથી ‘સ્ક્રેચ’ પર ફાવટ આવી ગઈ હતી. હવે એ પ્રયોગ ફરીથી કરવા જેવો ખરો !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s