વન આઇડ્ કિંગ: જંગ જીત્યો રે મારો કાણિયો/ પરેશ પ્ર વ્યાસ

Raghuram-Rajan-EP1     
વન આઇડ્ કિંગ: જંગ જીત્યો રે મારો કાણિયો
“ હસે માંડ બે’ક રૂપિયાવારી, પણ બરો? 
રિઝવર બેન્કનાં ગવંડર જેટલો”. 
–રમેશ પારેખ ‘કલમાયણ’  માં બરો એટલે અભિમાન, મગરૂરી. કલમની કિંમત બે રૂપિયા પણ એની મગરૂરી રીઝર્વ બેન્કનાં ગવર્નર જેવી, હોં કે. આજે અમે એ કલમ લઇને રીઝર્વ બેન્કનાં ગવર્નરનાં બહુચર્ચિત મુહાવરા વિષે વાત કરવા જઇ રહ્યા છીએ. રીઝર્વ બેન્કનાં ગવર્નર રઘુરામ રાજને અમેરિકાની મુલાકાત દરમ્યાન કહ્યું હતુ કે અમારું અર્થતંત્ર આંધળાનાં દેશમાં કાણો રાજા(One Eyed King) છે ત્યારે ભારતમાં એમની પર પસ્તાળ પડી. અરે ભાઇ ! આ તો રૂઢિપ્રયોગ છે. આમ પણ રઘુરામ રાજનને મુહાવરામાં વાત કરવાની ટેવ છે. એક વાર એમણે અર્થતંત્રનાં ફુગાવાની વાત ઢોસાનો દાખલો આપીને સમજાવી હતી. ગયે વર્ષે જ્યારે એમણે વ્યાજનાં દર વધાર્યા ત્યારે એમનું વલણ બાજ પક્ષી જેવું છે પણ અર્થતંત્ર પર એની અસર કબૂતર જેવી ધીમી થશે, એવી ટીકા થઇ ત્યારે એમણે જવાબમાં કહ્યું કે “અમે નથી બાજ, નથી કબૂતર. અમે તો ઘુવડ છીએ. બધા ઊંઘે ત્યારે અમે જાગીએ છીએ. અમારા વિચારનાં કેન્દ્રમાં માર્કેટ કે રોકાણકાર નથી પણ સામાન્ય ઉપભોક્તા છે.
ઉપભોક્તાનાં હિતનો ખ્યાલ અમારે રાખવો પડે.” આપણાં દેશમાં ઘુવડનો અર્થ મૂંગુ કે મૂર્ખ થાય છે પણ પશ્ચિમી સંસ્કૃતિમાં ઘુવડ શાણપણનું પ્રતીક છે. અને હા, ઘુવડ લક્ષ્મીજીનું વાહન છે એટલે ભારત દેશમાં લક્ષ્મીજીનાં વ્યવહાર નિયંત્રિત કરતી કેન્દ્રીય બેન્ક ઘુવડ જેવી હોય એ સારી વાત છે. પણ મુહાવરાનાં જુદા જુદા તારણ નીકળી શકે. ગુજરાત રમખાણ વિષે કાર નીચે કૂતરું આવી જાય એવો મુહાવરો પણ ચર્ચાને ચકડોળે ચઢ્યો હતો. અત્યારે આંધળાનાં દેશમાં કાણો રાજા મુહાવરા પ્રયોગ ચર્ચામાં છે.
એનો અર્થ અમે તો સમજી જ ગયા કે વિશ્વનાં દેશોની આર્થિક હાલત એટલી તો ખરાબ છે કે એમની સરખામણીમાં અમે ઘણાં સારા છીએ. અથવા એમ કહી શકાય કે ઉજ્જડ એવા વિશ્વગ્રામમાં આપણે એરંડા છીએ. આ તો આપણાં વખાણ છે. પણ પછી કેન્દ્રીય વાણિજ્ય મંત્રી નિર્મલા સીતારામને ભારતીય અર્થતંત્રને કાણિયા રાજાનું ઉપનામ દેવાની ચેષ્ટાને અયોગ્ય ઠેરવીને કહ્યું કે રીઝર્વ બેન્કનાં ગવર્નરે મહાવરાનાં શબ્દોની પસંદગીમાં સાવચેત રહેવું જોઇએ. વાત સાચી છે. કોંગ્રેસી નેતા મણીશંકર ઐયરે તો જાણી જોઇને આ રૂઢિપ્રયોગનો ઉપયોગ એનાં શાબ્દિક અર્થમાં પ્રધાનમંત્રીની ટીકા કરવા અને બિનજરૂરી દોષારોપણ કરવા કર્યો.
 
નાણાંમંત્રી અરુણ જેટલીએ કીધું કે “અર્થતંત્રનો સાડાસાત ટકાનો વિકાસ દર કોઇ પણ દેશ માટે ઉજવણીનું કારણ બને. પણ આપણે અધીરા એટલે છીએ કે આપણે જાણીએ છીએ કે આપણે આનાથી ઘણું વધારે સારું કરી શકીએ છીએ. અર્થતંત્રનાં ફક્ત બે વેરીએબલ(પરિવર્તનશીલ) મુદ્દાઓ જેવા કે મોન્સૂન(ચોમાસુ) અને રીફોર્મ(સુધારા) આપણી ફેવરમાં થાય તો હજી ઘણું સારું થઇ શકે તેમ છે.” વાત સાચી છે. ભારે ચોમાસાનાં સુવાવડ છે; રીફોર્મ પણ ઠીકઠાક ચાલે છે. આ બે ઓપ્થેલ્મોલોજિસ્ટ અર્થતંત્રને બે ય આંખે દેખતા રાજા કરી શકે એમ છે. જો કે રિઝવર બેન્કનાં ગવંડરે વૃદ્ધિનાં ઉન્માદ સામે ચેતવણી આપી છે.
‘કાણો રાજા’ રૂઢિપ્રયોગ આમ તો વર્ષો જુનો છે. લેટિનમાં ‘અદાજિયમ’ એટલે રૂઢિપ્રયોગ. બહુવચન ‘અદાજિઆ’. ઇ.સ.1500માં મધ્યયુગનાં સંક્રાંતિકાળનાં ડચ પાદરી, શિક્ષક અને સામાજિક સમલોચક ડેસિડેરિઅસ ઇરાઝમસ સંકલિત ‘અદાજિઆ’(Adagia) પુસ્તકમાં ગ્રીક અને લેટિન ભાષાનાં આશરે 800 જેટલાં મુહાવરા હતા. તે પછીની આવૃત્તિઓમાં એ સંખ્યા વધીને 4151 જેટલી થઇ હતી. સાંપ્રત સમયનાં કેટલાક ખૂબ જાણીતા મુહાવરા જેવા કે મગરનાં આંસુ, વન-ટૂ- વન,સોનાની હાથકડી, જ્યાં સુધી શ્વાસ ત્યાં સુધી આશ, જરૂરી દુષણ, બાપ તેવા બેટા, જે થઇ ગયુ એ થઇ ગયુ, આપણે બધા બધુ જ તો ન જ કરી શકીએ, આંધળાનાં દેશમાં કાણો રાજા.. વગેરે આ પુસ્તકમાં પહેલી વાર પ્રકાશિત થયા હતા. જ્યારે રઘુરામ રાજન દેશની ઇકોનોમીની વાત કરતા હતા ત્યારે તેઓ ઇરાઝમસને ટાંકીને કહેતા હતા કે અન્યની સરખામણીમાં તો આપણે જંગ  જીતી ગયા છે. અલબત્ત આંધળાઓનો દેશ હોય તો કોઇ પણ રાજા બની શકે કારણ કે આંધળાઓ ક્યાં જોઇ શકે છે કે એનો રાજા કાણો છે. પણ એવા કાણાંની હાલત કફોડી થઇ શકે. ‘ટાઇમ મશીન’ જેવી વિખ્યાત નવલકથાનાં સર્જક એચ.જી. વેલ્સની વાર્તા ‘આંધળાઓનો દેશ’ માં એક પર્વતારોહક અકસ્માતથી ગબડી જઇને એવા દેશમાં પહોંચી જાય છે જ્યાં બધા આંધળા છે. વારસાગત બિમારીને કારણે બાળકો પણ આંધળા જન્મે છે. અકસ્માતને કારણે પર્વતારોહકને પોતાને એક આંખે ઓછુ દેખાય છે પણ એને લાગે છે કે અહીં આંધળા દેશમાં પોતે કાણો રાજા બની જશે. ત્યાં એ એક છોકરીનાં પ્રેમમાં પડે છે. લગ્નની વાત આવે છે તો લોકોને વાંધો છે કારણ કે આ તે કેવો માણસ છે જે કાયમ દ્રષ્ટિ વિષે, જોવા વિષે વાત કર્યા કરે છે. અહીંનાં લોકો એને ગાંડો ગણી લે છે.. અને
 
નક્કી કરે છે કે એની ‘દેખવા’ની માનસિક બિમારીનાં ઇલાજ માટે એની બન્ને આંખો કાયમ માટે કાઢી લેવી. પછી તો દૂર પર્વત પર થતા તોફાનનાં એંધાણ એ જુએ છે. ગામલોકોને આવનારી આપત્તિની જાણ કરે છે પણ તેઓ હસી કાઢે છે. આખરે તોફાન વચ્ચે એની પ્રેમિકા સાથે ત્યાંથી જાન બચાવીને ભાગી છૂટે છે.
અમને લાગે છે અંધારુ હોય ત્યારે કોઇ મીણબત્તી લઇને નીકળે તો એને નિશાન બનવવાનું યોગ્ય નથી. પોતાની કોમેન્ટથી કોઇ વિઝ્યુઅલી ચેલેન્જ્ડ લોકો દુભાયા હોય રઘુરામ રાજને તેમની માફી માંગી છે. પણ એમ પણ કહ્યું કે “આપણે ક્યાં સુધી ચોક્ક્સ સંદર્ભ સાથે બોલાયેલા શબ્દોનાં અવળા અર્થઘટન કર્યા કરીશું? ગાંધીજીએ કહ્યું કે આંખની સામે આંખ ફોડી નાંખો તો આખું વિશ્વ આંધળુ થઇ જશે ત્યારે ગાંધીજી વેરવૃત્તિને છોડવાની વાત કરતા હતા. એ આંધળાનું અપમાન નહોતુ. અહીં અપમાન થયું છે કે તહીં લાગણી દુભાઇ છે, એવો અર્થ શ્રોતાઓ આજકાલ દરેક વાતમાં ગોતી રહ્યા છે, જે યોગ્ય નથી. વાતનો અર્થ, સંદર્ભ અને પૂર્વાપરનો સંબંધ સમજવો જરૂરી છે. અને હા, સૌથી ખરાબ તો એ હોય કે આપણે કોઇ ચર્ચા જ ન કરીએ. જો એમ થાય
તો કોઇ પણ હકીકત આપણી સમક્ષ તરોડી મરોડીને રજૂ થતી રહેશે અને આપણે એને સ્વીકારતા રહીશું.”
 
શબ્દ શેષ: “આંધળા હોવાથી પણ ખરાબ એક વાત એ છે કે દેખાતુ હોય પણ દ્રષ્ટિ ન હોય.” –હેલન કેલર

2 ટિપ્પણીઓ

Filed under ઘટના, પ્રકીર્ણ, સમાચાર

2 responses to “વન આઇડ્ કિંગ: જંગ જીત્યો રે મારો કાણિયો/ પરેશ પ્ર વ્યાસ

 1. “આંધળા હોવાથી પણ ખરાબ એક વાત એ છે કે દેખાતુ હોય પણ દ્રષ્ટિ ન હોય.”
  – આખા લેખનો આ સાર લાગે છે !

 2. pragnaju

  himatlal joshi
  7:55 AM (23 hours ago)

  to me
  સરસ જ્ઞાન વર્ધક વાત લખી તમે પરેશ વ્યાસ તમને ધન્ય વાદ

  Ataai
  ~sacha hai dost hagiz juta ho nahi sakta
  jal jaega sona firbhi kaalaa ho nahi sakta
  Teachers open door, But you must enter by yourself.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s