તનકી બાત/પરેશ પ્ર વ્યાસ

તનકી બાત

તમે કાં તો ખૂબ જાડા છો અથવા ખૂબ પાતળા. તમે ક્યારે ય જીતી નહીં શકો.  – અભિનેત્રી, મોડેલ, ગીતકાર અને ગાયિકા નાતાલી ઇમ્બ્રુગ્લિઆ

મુંબઇમાં સાંતાક્રુઝથી જુહુ જઇ રહેલા એક મહિલાએ રિક્ષાવાળાને વચ્ચે રીક્ષા ઊભી રાખવા કહ્યું; જેથી એમનાં માતાને રિક્ષામાં બેસાડી શકે. રિક્ષાવાળાએ મહિલાને જ રિક્ષામાંથી ઊતારી મુક્યા, એમ કહીને કે જાડા પેસેન્જરને એ રિક્ષામાં બેસાડતો નથી. મહિલાએ ફરિયાદ કરી. સરકાર હરકતમાં આવી. જાડી કાયાની ટીકા કરનાર ડ્રાઇવરનું લાઇસન્સ મોટર વેહિક્લ એક્ટ, 1988ની કલમ 53/1ડી હેઠળ સસ્પેન્ડ કરી દીધું. બોડી શેઇમિંગ(Body Shaming)ની જાહેર ઘટના સંદર્ભે સરકારે પગલાં લીધા હોય, એવી કદાચ પહેલી ઘટના છે. બોડી શેઇમિંગ એટલે શરીરને કારણે કોઇ વ્યક્તિને શર્મિંદંગી વહોરવા મજબૂર કરવી.

શરીરનું વધવું, ખાસ કરીને પેટની પરિમિતિ વધે એટલે અનેક લોકો મળતાવેંત સીધી કે આડકતરી અનંત ટીકા કરે. કોઇ તો સીધી ફાંદ થપથપાવીને પૂછે કે કૌન ચક્કીકા પીસા આટા ખાતા હૈ રે ! કોઇ પેટ તરફ નજર ઠેરવીને થોડી સલૂકાઇથી નિવેદન કરે કે આમ બસ ખાધે પીધે સુખી છો, નહીં?! અહીં       સ્ત્રી-પુરુષનો ભેદ નથી. જિસકી બીબી મોટી, છોટી, લંબી, નાટી… ગાઇને અમિતાભે બોડી શેઇમિંગની પ્રાણપ્રતિષ્ઠા કરી છે. શરીરની મજાક આમ જાડાઇ સુધી સીમિત નથી. પાતળુ શરીર હોય તો સાવ…લેવાઇ ગયુ, લંઘરાઇ ગયુ, એવી વાત પણ થતી રહે. બીમાર હતા? સાવ ડાચા બેસી ગયા, ઘરડાં થઇ ગયા એવી કોમેન્ટ થતી રહે. આધેડ વયે માથાનાં વાળ ખરે, ટાલનો આવિષ્કાર થાય તો એવી સરકી ખેતી સૂખ રહી હૈ-ની ઘટના પણ ટીકાને પાત્ર બની જાય.

કસાયેલા, ચૂસ્ત કે ફૂર્તિલા શરીરનાં વખાણ ભલે કરીએ પણ કોઇનાં જાડા પાતળા ભાતીગળ શરીરની ટીકા કરવી યોગ્ય નથી. શરીરની ભૂગોળ વિષેનાં અગણિત જોક્સ વોટ્સએપ પર રીસાયકલ થયા જ રહે. અને વાત વધારે વકરતી જાય. ઇન્ટરનેટની ભાષામાં કહીએ તો સામાવાળાનાં શરીરની વાતો આજકાલ ‘મોસ્ટ ટ્રેન્ડિંગ’ છે. એનું કારણ પણ ઇન્ટરનેટ છે.  ફેસબૂક, વોટ્સએપ્પ કે ઇન્સ્ટાગ્રામ પર વારેઘડીએ દુનિયાભરનાં ફિટ-અનફિટ માણસોની તસ્વીરો આપણે જોતા રહીએ છે. થોડા દિવસ પહેલાં ફિલ્મ એક્ટ્રેસ ઝરીન ખાને પોતે બારમાં ધોરણમાં ભણતી હતી ત્યારનાં ફોટા ઇન્સ્ટાગ્રામ પર બિંદાસ મુક્યા અને લખ્યું કે હું ત્યારે ખાસ્સી જાડી હતી અને તેમ છતાં મારા શરીર ઉપર થતી લોકોની ટીકા કે સલાહને હું મન ઉપર લેતી નહોતી. કારણ આ મારી બોડી છે; આ મારી લાઇફ છે.

લાઇફ સ્ટાઇલનાં સમાચાર સતત આપણાં જહનમાં ઝીંકાતા રહે છે.  સુગર લેવલ, હાઇપર ટેન્સન, કોલેસ્ટરોલની વાત હવે સરિયામ થાય છે કારણ કે તનકી બાત બધાને લાગુ પડતો વિષય છે. ફૂલેલા ફાલેલા શરીર ઉપર સલાહ આપવાનો ધંધો આજકાલ ફૂલ્યોફાલ્યો છે. વળી પોતે સલાહ આપવા સક્ષમ છે, એમ બધા માને છે. શું માણસ ખાઇ ખાઇને જ જાડા થાય છે? અરે ભાઇ, દવાની આડ અસર પણ હોઇ શકે. કોઇનાં જાડા-પાતળાપણાંની ટીકા કરીને તમે એને મદદ નથી કરતા; એની ઉપર માનસિક ત્રાસ ગુજારી રહ્યા છો. બોડી શેઇમિંગ બંધ કરો કારણ કે એમાં કશું જ પોઝિટિવ નથી. તમારા માટે પણ નહીં અને જેની ટીકા કરો છો, એમનાં માટે તો જરા પણ નહીં. બોડી શેઇમિંગથી ભાવ નહીં પણ ભેદભાવ વધે છે. એમ પણ બને કે સતત થતી ટીકા એને કોઇ આખરી પગલું લેવા મજબૂર કરે. સતત બોડી શેઇમિંગનાં પરિણામે એ કાંઇ ન ખાવા કે વધારે પડતા ખાવાનાં છંદે ચઢી જવાની ધાસ્તી રહેલી છે. ઇંગ્લિશમાં એને ઇટિંગ ડિસઓર્ડર કહે છે. બોડી શેઇમિંગનાં કારણે સંબંધ બગડે છે. એક જરા-સી બાતપે બરસોકે યારાને ગયે- એમ પણ થાય. બોડી શેઇમિંગ અલબત્ત જરા-સી બાત નથી.

નો બોડી ઇઝ પરફેક્ટ ! કોઇ તનની વાત કરે કરે તો મન પર ન લો. અને એને બિંદાસ કહી દેવાનું કે પુરુષને પગાર,  સ્ત્રીને ઉંમર ન પૂછાય, અને વજન….. તો ક્યારેય, કોઇનું ય, પૂછવું જ નહીં !

 

11 111 1111

Leave a comment

Filed under ઘટના, પ્રકીર્ણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s