પ્લોટ: ડીગરી બબાલનો દરિયો/ પરેશ પ્ર વ્યાસ

પ્લોટ: ડીગરી બબાલનો દરિયો

નકામી મૂંઝવણ માથા ઉપર લેવી જરૂરી છે ?
તું સમજે છે બધી વાતો, પછી કહેવી જરૂરી છે ?                                                                                         – કિરણસિંહ ચૌહાણ

નરેન્દ્ર કુમાર મોદીની ડીગ્રીની યથાર્થતાને લઇને બબાલ થઇ છે.  મને લાગે છે કે

આ નકામી મૂંઝવણ છે. આઇ મીન, મોદી સ્નાતક છે કે નહીં?- એની સાથે આમ આદમીને સ્નાન સૂતકનો સંબંધ નથી. પણ આમ આદમી પાર્ટીને છે. આપને કદાચ ન હોય પણ આપ(AAP)ને છે. આમ આદમીને કયા મુદ્દા સ્પર્શે છે?  દુકાળનાં વાદળ ઘેરાયા છે, મોંઘવારી માઝા મુકે છે, લુખ્ખાગીરી વધી છે, રાજકારણી કે માલેતુજાર બાપનાં બેટા પાપા કેહતે હૈ બડા નામ કરેગા ગાઇને કાં તો રાહદારીને કચડે છે અથવા ઓવરટેક કરનારને ભડાકે દે છે, નોકરી રોજગારનાં ફાટેલા કોટને ઇ.બી.સીની અનામતનો બખિયો મારીને સાંધવાની કોશિશ થઇ રહી છે, આતંકવાદની રોજની ઘટના કોઠે પડી ગઇ છે અને બળાત્કારનાં સમાચાર પર રાજકારણીઓ પકડદાવ રમે છે. આવા કંઇ કેટલા મુદ્દા આમ આદમીને સ્પર્શે છે. પણ આમ આદમી પાર્ટી અને ચીફ મિનિસ્ટર શ્રી શ્રી અરવિંદ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રનાં  કુમાર ઉપનામની વાતો લઇને બેઠાં છે. ગુજરાતીઓમાં કુમાર, ચંદ્ર, ભાઇ, રાય, લાલ, સિંહ વગેરે ઉપનામ હોવા સામાન્ય છે એ આશુતોષભૈને કોણ સમજાવે? આ તો સારું થયુ કે દિલ્હી યુનિવર્સિટીએ ચોખવટ કરી કે મોદીની ડિગ્રી કોઇ બનાવટ નથી. પણ એક પળ માટે માની લો કે મોદીની ડીગ્રી ખોટી છે… તો શું ફેર પડે છે? વડાપ્રધાનનાં હોદ્દા માટે કોઇ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જ હોતી નથી ત્યારે ઊલળી ઊલળીને આળ મૂકવાની શી જરૂર છે? હેન્રી કિસિન્જર કહેતા કે યુનિવર્સીટીનું રાજકારણ સૌથી અધમ હોય છે કારણ કે એમાં લેવાનું કાંઇ હોતુ નથી. અને આ તો રાજકારણીની યુનિવર્સિટીની વાત છે. આવી ક્ષુલ્લક વાત માટે આટલી ચર્ચા કેમ થાય છે? અને અમને મળી આવે છે શબ્દ સમૂહ: પ્લોટ-પાર્કિન્સન્સ લૉ ઓફ ટ્રિવિઍલિટી ( P. L. O. T. – Parkinson’s Law Of Triviality).

ટ્રિવિઅલ એટલે નજીવી બાબત. ક્ષુલ્લક, નગણ્ય, નકામી અથવા તો તદ્દન સામાન્ય વાત. ટ્રિવિઍલિટી એટલે ક્ષુલ્લકતા. ઇ.સ. 1957માં પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનાં નિષ્ણાંત બ્રિટિશ લેખક નોર્થકોટ પાર્કિન્સન દ્વારા આ શબ્દ સમૂહ ચલણમાં મુકાયો. પાર્કિન્સનની દલીલ હતી કે કોઇ પણ તંત્રમાં તંત્રવાહકો સાવ ક્ષુલ્લક કે નગણ્ય વાતને વધારે પડતુ વજન આપે છે. એની ચર્ચા જોરશોરથી થાય છે. બધા પોતાનાં અભિપ્રાય આપે છે. અને ખરેખર મોટી હોય, ગંભીર હોય  એવી કોઇ વાત હાંસિયામાં ધકેલાઇ જાય છે. કહેવત છે ને કે ખાળે ડૂચા અને બારણાં ઉઘાડાં. ગુજરાતી લેક્સિકોન અનુસાર એનો અર્થ થાય છે; નાનીસૂની બાબતમાં બહુ કાળજી રાખવી અને મહત્ત્વની વાત ઉપર ધ્યાન પણ ન આપવું. આવું કેમ?

પાર્કિન્સનનો કાયદો કહે છે કે લોકોનાં કામનાં એજન્ડા પરની દરખાસ્તો પર થતી ચર્ચાનો સમય એનાં પર થનાર ખર્ચનાં વ્યસ્ત પ્રમાણમાં છે. પાર્કિન્સન આ વાત કાલ્પનિક નાટ્ય રૂપાંતર કરીને સમજાવે છે. એક હાઇ પાવર ફાઇનાન્સિઅલ કમિટીએ ત્રણ દરખાસ્તો વિષે નિર્ણયો લેવાનાં છે. પહેલી દરખાસ્ત છે 10 મિલિયન પાઉન્ડનાં ખર્ચે ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ બાંધવાનાં કામનો કોન્ટ્રાક્ટ. બીજી દરખાસ્ત છે 350 પાઉન્ડનાં ખર્ચે કારકૂનો માટે સાયકલ સ્ટેન્ડ બનાવવાનું કામ. અને ત્રીજી દરખાસ્ત છે વેલફેર કમિટીની મીટીંગ દરમ્યાન  ચાકોફી કે નાસ્તા માટે 21 પાઉન્ડ મંજૂર કરવા. મીટીંગ મળી. ચર્ચા થઇ. પહેલી દરખાસ્ત તો ગણીને અઢી મિનિટમાં મંજૂર થઇ ગઇ. ઘણાં મોટા ખર્ચે બનનારો ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ વધારે પડતી ટેકનિકલ બાબત હતી; એમાં કોને સમજ પડે? સવાલ પૂછવા માટે પણ જ્ઞાન તો જોઇએ ને? એજન્ડા પર હવે પછીની દરખાસ્ત હતી સાયકલ સ્ટેન્ડની ખર્ચ મંજૂરી. અહીં બધાને પોતાનાં અભિપ્રાય હતા. કોઇ કહે પતરાનો શેડ બનાવો. કોઇ કહે એલ્યુમિનિયમનો. કોઇ કહે કે શેડની કોઇ જરૂરિયાત જ નથી. સૌ કમિટી મેમ્બર્સે પોતપોતાનાં અનુભવ પ્રમાણે પોતાની વાત કહી. ચર્ચા પોણો કલાક ચાલી. કમિટીએ આખરે 50 પાઉન્ડનો કટ મુકીને બચત સાથે સાયકલ સ્ટેન્ડનો ખર્ચ મંજૂર કર્યો. સૌ કમિટી મેમ્બર્સને સંતોષ થયો કે એમણે ચર્ચા કરીને  લોકોનાં પૈસાનો કરકસર ભર્યો વહીવટ કર્યો. એકાદ બે મેમ્બર્સને કદાચ પતરા અને એલ્યુમિનિયમનો ભેદ પણ ખબર નહોતી પણ જ્યાં એજન્ડાની ત્રીજી દરખાસ્ત આવી ત્યાં બધા જ ચર્ચામાં કૂદી પડ્યા. ચા-કોફીની ખર્ચ મંજુરી એટલે ચા કોફી કેવી રીતે બને? જાતે બનાવવી કે ખરીદવી? ક્યાં સસ્તી મળે? સ્વાદમાં કઇ સારી? બધાને પોતાનાં અભિપ્રાય હતા. ચર્ચા લાંબી ચાલી. સવા કલાક થયો પણ કોઇ મચક નહોતું આપતુ. આખરે નક્કી કર્યું કે ઘણી અગત્યની પૂરક માહિતી તો છે જ નહીં. તો આ કુલ 21 પાઉન્ડની ખર્ચ મંજુરીની આઇટેમ પેન્ડિંગ રાખો. આવતી મીટિંગમાં નિર્ણય લેશું. કરોડોનાં ખર્ચે બનનારો ન્યુક્લિઅર પાવર પ્લાન્ટ તો થોડી મિનિટ્સમાં મંજુર થઇ ગયો. પણ પ્રમાણમાં નગણ્ય એવા બાઇસિકલ શેડમાં ખાસ્સો સમય લાગ્યો. ક્ષુલ્લક બાબતોમાં ચર્ચા થાય, નજીવી બાબતોમાં અભિપ્રાયો અપાય પણ ખરેખર જેની ચર્ચા કરવી જોઇએ એ ન થાય એ ‘પ્લોટ’ એટલે કે પાર્કિન્સન્સ લૉ ઓફ ટ્રિવિઍલિટી જે ‘બાઇક-શેડિંગ’ અથવા તો બાઇક-શેડ ઇફેક્ટ’ તરીકે પણ ઓળખાય છે.  

નાની બાબતની ચર્ચા મોટી થાય. ખોટી સ્નાતક ડીગ્રીમાં બધાને સમજણ પડે પણ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી)માં ઓછા લોકોને સમજ પડે. સંસદનાં દરેક સેસનની શરૂઆતમાં આખા દેશમાં એકસમાન જીએસટી લાગુ કરવાની વાત થાય છે પણ નિર્ણય લેવાતો નથી. બંધારણીય નિર્ણય લેવા માટે બે તૃતિયાંશ બહુમતી જોઇએ. એનડીએ પાસે લોકસભામાં તો બહુમતી છે પણ રાજ્યસભામાં નથી. અત્યારનાં આખા સત્ર દરમ્યાન અગસ્તા વેસ્ટલેન્ડ અને મોદી ડિગ્રીની વાત ચાલી અને જીએસટીની વાત તો એજન્ડા પરથી પણ ભૂલાઇ ગઇ. આ પહેલાં ટોલરન્સ, એવોર્ડ વાપસી, જેએનયુની ચર્ચા ચાલી હતી. આગામી સંસદીય સત્રમાં ફરીથી કોઇ ક્ષુલ્લક વાત આપણો અને સંસદનો સમય ખાઇ જશે અને રીફોર્મની ગાડી પાટા પર ચઢતી અટકી જશે.  

પુસી કેટ પુસી કેટ વ્હેર હેવ યુ બીન.. બાળગીતમાં એક બિલાડી બ્રિટિશ રાણીની તાજપોષીમાં જાય છે અને શું જુએ છે?  મહેલ નહીં, તખ્તોતાજ નહીં, જાહોજલાલીનાં નુમાઇશી અંદાજ નહીં, બસ, રાણીની ખુરશી નીચે એક નાનકડો ઉંદર અને એ એને હાઉક કરીને બીવરાવે છે…..બસ આમ સાવ નાંખી દેવા જેવી વાત.. એક તદ્દન ખોટી અફવા છે કે એ બિલાડીનું નામ હવે અરવિંદ છે.

શબ્દશેષ:

અલૌકિક બુદ્ધિપ્રતિભાથી નકરી ક્ષુલ્લકતા વચ્ચે માત્ર એક કદમનો જ ફાંસલો હોય છે. પૉલિશ લેખક, ફિલસૂફ સ્ટેનિશ્વેવફ વિટ્કિવિઝ (1885-1939)Displaying ST_20160510_SEMODI_2278889.jpg

1 11

Displaying ST_20160510_SEMODI_2278889.jpg

1 ટીકા

Filed under Uncategorized

One response to “પ્લોટ: ડીગરી બબાલનો દરિયો/ પરેશ પ્ર વ્યાસ

  1. પરેશભાઈના લેખ વાંચવાનું ચૂકતો નથી. એમને ધન્યવાદ પાઠવશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s