એમ્પથી: સહભાવ, સહ-અનુભૂતિ, તાદામ્ય/પરેશ પ્ર વ્યાસ

maxresdefault (2)

એમ્પથી: સહભાવ, સહ-અનુભૂતિ, તાદામ્ય
એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.   –મરીઝ

સોનુ નિગમ છદ્મવેશે જૂહુ મુંબઇનાં એક અજાણ્યા રસ્તે ફૂટપાથ પર બેસીને વાજાપેટી વગાડતા ગીત ગાય છે. લોકો ધીરેધીરે ભેગા થાય છે. એને ઓળખી નથી શકતા પણ એની ગાયકીની પ્રસંશા કરે છે. એક યુવાન પાસે આવીને ઉકડું બેસે છે, કહે છે કે માશા અલ્લાહ આપકી આવાઝ બહોત અચ્છી હૈ. મોબાઇલ ફોન સામો ધરીને પૂછે છે કે “મૈં રેકોર્ડ કર શકતા હૂં?” પછી ગીત પૂરું થાય છે. લોકો તાળી પાડીને વૃદ્ધ ગાયકને વધાવી લે છે. પેલો યુવાન હાથ મિલાવવાની રજા માંગે છે. કહે છે કે અંકલ આપને નાસ્તા કિયા? અને અન્ય કોઇને ખબર પણ ન પડે એ રીતે હાથ મિલાવતી વેળા બાર રૂપિયા એનાં હાથમાં સેરવી દે છે. વૃદ્ધ ગાયકનાં સ્વાંગમાં સોનુ નિગમ ત્યાંથી ઊઠીને ચાલી જાય છે. યુ ટ્યુબની ‘બીઇંગ ઇંડિયન’ ચેનલનો આ એક સામાજિક પ્રયોગ હતો લોકમાનસમાં પ્રવેશીને જોવાનો કે લોકો બસ કાલની દોડમાં હાલ્યા જાય છે કે પછી ઊભા રહે છે અને આજને માણે છે, આજનાં સંગીતને માણે છે. વાહ, સોનુ નિગમ !

પછી સોનુ પોતાની ઓફિસ પહોંચીને પોતાનો મેકઅપ ઉતરાવતી વેળા કેમેરાને સંબોધીને કહે છે કે પેલાં અજાણ્યા યુવાને આપેલી બાર રૂપિયાની સૌગાદ લાખો રૂપિયાથી પણ વહાલી છે. સોનુની આ વાત સોના જેવી છે. હેં ને? આપને ખ્યાલ આવી જ ગયો હશે કે આપને નાસ્તા કિયા? એમ પૂછવું અને ચોરી છૂપીથી મદદનું હસ્તાંતરણ કરવું, એ પરમાર્થ છે. આપણી સંસ્કૃતિમાં સ્વાર્થની નહીં પણ પરમાર્થની મહત્તા છે. પશ્ચિમી સંસ્કૃતિને ભાંડતા આપણી સંસ્કૃતિનાં તથાકથિત રક્ષકો સ્વાર્થને પાપ ગણે છે. સ્વાર્થ એ પાપ નથી.  સ્વાર્થને સદગુણ કહેતી અમેરિકાની વિચારક અને લેખિકા આયન રેન્ડ લખે છે કે ‘ સ્વ અર્થે કાંઇ કરવું પાપ કઇ રીતે હોઇ શકે?’ પણ આપણી સંસ્કૃતિ પરમાર્થની પૂજા કરે છે.  અને આમ જુઓને તો જે પરમાર્થ થાય છે એ પણ તો પોતાના માટે જ થાય છે, કોઇને કાંઇ દઇ દેવું, એ દેનારાની પોતાની મનોસ્થિતિને પુલકિત કરવાની પ્રક્રિયા છે. આ એક જાતનો સ્વ અર્થ જ છે જે પરમ અર્થ કરાવે છે.

અંગ્રેજી ભાષામાં દયા, હમદર્દી કે અનુકંપાની લાગણી બયાન કરતા પિટી, સિમ્પથી, એમ્પથી, કમ્પૅશન જેવા શબ્દો છે. બોલચાલની ભાષામાં એ એકબીજાની જગ્યાએ પણ વપરાય છે પણ એનાં અર્થમાં અંતર છે. ગુજરાતી લેક્સિકોન અનુસાર પિટી(PITY) એટલે દયાભાવ અથવા અફસોસનું કારણ, સિમ્પથી (SYMPATHY)  એટલે સહાનુભૂતિ કે હમદદર્દીની શક્તિ, એમ્પથી(EMPATHY) એટલે સહભાવ, સહાનુભૂતિ, તાદામ્ય અને કમ્પૅશન(COMPASSION)  એટલે દયા, કરુણા. આ શબ્દો સરખા લાગે છે પણ સોશિયલ નેટવર્ક ઉપર વાઇરલ થયેલા સોનુ નિગમનાં સોશિયલ એક્પેરીમેન્ટનાં વિડિયોનું દ્રષ્ટાંત લઇને એમનાં અર્થને સમજીએ. એક ઘરડાં લઘરવઘર સ્ટ્રીટસિંગરનાં વેશમાં સોનુ નિગમ ગાવા બજાવવાની શરૂઆત કરે છે ત્યારે સાડી પહેરીલી સ્ત્રી, સ્કૂલ યુનિફોર્મમાં છોકરીઓ, બે ભાઇઓ વગેરે રાહદારીઓ માત્ર નજર નાંખે છે અને આગળ વધી જાય છે. આ તો મુંબઇ છે. કોઇને સમય જ ક્યાં છે? કવિ શ્રી કૃષ્ણ દવેની કવિતાને ટાંકીને કહું તો સૂટબૂટમાંથી છટકી ક્યાં જાશો જેન્ટલમૅન ? છપ્પન છપ્પન વરસ ખાઈ ગઈ છ છપ્પનની ટ્રેન ! અહીં બધા દોડે છે. કોઇ વૃદ્ધ સ્ટ્રીટ સિંગરને જોવું એ પિટી છે, દયાભાવ છે, અફસોસ છે. તે સિવાય કાંઇ નથી. પરંતુ જે અટકે છે, ધ્યાનથી સાંભળે છે, એમને સિમ્પથી છે. અરે એક સાયકલ સવાર છોકરો તો ઊભો રહી જાય છે અને સાઇકલને સ્ટેન્ડ પર ચઢાવીને નજીક જઇને સાંભળે છે. આ સહાનુભૂતિ છે. ગીત પતે ત્યારે સાંભળનારા તાળી પાડીને, બહોત બઢિયા કહીને સ્ટ્રીટસિંગરની હોસલા અફઝાઇ કરે છે, એ સિમ્પથી છે. પણ એ પૈકી એક યુવાન છે જે એનાં વૃદ્ધ ગાયકનાં અવાજનાં માશા અલ્લાહ કહીને વખાણ કરે છે, એને એમ્પથી છે, સહભાવ છે, એને એનાં જેવી જ અનુભૂતિ થાય છે. એટલે જ કદાચ એ એનો અવાજ રેકર્ડ કરી લેવાની પરવાનગી પણ માંગે છે. અને આ એ જ યુવાન છે જેને એ વૃદ્ધ ગાયક પ્રત્યે કમ્પૅશન છે, કરુણા છે જે કોઇ પણ જાતનાં દેખાડો કર્યા વિના બાર રૂપિયા દઇ દે છે. લેનારને લાચાર બનાવ્યા વિના મદદ કરી આપવી, એથી વધારે કરુણા બીજી કઇ હોઇ શકે?  

એમ્પેથી ગ્રીક શબ્દ એમ્પેથિઆ(અનુરાગ અથવા તો ઉત્કટ પ્રેમ) પરથી આવ્યો છે. મૂળ શબ્દ પેથોઝ એટલે ઉત્કટ પ્રેમ અથવા તો પીડા. એ પરથી જર્મન શબ્દ આઇન્સફુલુન્ગ (Einsfuhlung)  એટલે ફીલિંગ ઇન-ટૂ.  એટલે કે અંદરથી લાગણીઓનો સ્વયં અનુભવ કરવો. આ જર્મન શબ્દનો ઇંગ્લિશ તરજૂમો ‘એમ્પેથી’ થયો. એમ્પેથી એટલે સામી વ્યક્તિ સાથેનું તાદાત્મ્ય. આપણે એનાં સ્થાને છે અને એની લાગણીનો આપણી પોતે સ્વયં અનુભવ કરીએ છીએ. કોઇને પગમાં પહેરેલો જોડો ડંખતો હોય તો.. અરેરે, બહુ વાગી ગયુ, એવું સાચ્ચા દિલથી કહેવું એ સિમ્પથી છે પણ એનાં જોડા પોતે પહેરીને એ પીડાને પોતીકી કરે એ એમ્પથી. એમ્પથીમાં સામાની લાગણી સમજવાની હોય છે. અહીં કારણનું પિષ્ટપેષણ નથી. અહીં સામી વ્યક્તિની પીડાનું મૂલ્યાંકન, પૃથક્કરણ કે નિદાન પણ નથી. અહીં ન્યાય તોળવાની વાત નથી. અહીં કોઇ લવાદ નથી, કોઇ મુનસફ નથી. એમ્પેથી સામી વ્યક્તિની પીડાની ચિંતા છે અને એને પીડામાંથી મુક્તિ મળે એવા પ્રયત્નો છે. અહીં કાંઇ કરી નથી શકતા એટલે દયનીય નજર નાંખીને ચાલ્યા જવાની વાત નથી. પુરુષો પૈકી સ્ત્રીઓમાં એમ્પેથીનું વધારે હોવું કુદરતી છે. માતા બાળકને પોતાનાં ઉદરમાં ઉછેરે એનાથી વધારે તાદાત્મ્ય તો બીજું શું હોઇ શકે?

બધાને સમજાય એવી અછાંદસ કવિતાનાં પિતામહ ગણાતા અમેરિકી કવિ વોલ્ટ વ્હિટમેનની દીર્ઘ કવિતા ‘સોન્ગસ ટૂ માયસેલ્ફ’ એમ્પેથીની ભાવનાને ઉજાગર કરે છે. અમેરિકી આંતરવિગ્રહનાં સમયે લખાયેલી આ કવિતામાં દરેક પીડીત વ્યક્તિમાં પરકાયા પ્રવેશ કરીને કવિ એની પીડાને સમજવાની કોશિશ કરે છે. પંક્તિ છે; હું ઘાયલને પૂછતો નથી કે તને શું થાય છે? તારી ફીલિંગ્સ શું છે? હું ખુદ એ ઘાયલ વ્યક્તિ બની જાઉં છું. આ પરકાયા પ્રવેશ એમ્પથી છે. દુનિયાને સામાવાળી વ્યક્તિની નજરથી જોવાની અને એની પીડા, એનો આનંદ અનુભવવાની વાત એમ્પેથી છે.

શબ્દ શેષ:
આપણે જે કરીએ છીએ માત્ર એ માટે જ નહીં, પણ આપણે જે નથી કરતા એ માટે પણ આપણે જવાબદાર છીએ. –ફ્રેંચ નાટ્યકાર મોલિયેર (1622-1673)

 

10 ટિપ્પણીઓ

Filed under Uncategorized

10 responses to “એમ્પથી: સહભાવ, સહ-અનુભૂતિ, તાદામ્ય/પરેશ પ્ર વ્યાસ

 1. પરેશભાઈનો આ લેખ .બહુ જ…બહુ જ…બહુ જ… ગમ્યો.
  આપણે ત્યાં પ્રિન્ટ મિડિયામાં આવા સમાચારો આવવા લાગે – એવી આશા રાખીએ.

  વોશિંગ્ટન ડી.સી. ની આ વાત યાદ આવી ગઈ …
  https://gadyasoor.wordpress.com/2009/04/17/washington_dc/

  • pragnaju

   Very nice article
   First try to understand-Violine String Sampler is a fun and easy way to actively learn, study and play beautiful string music from a wide variety of styles and eras. 54 pieces are featured, representing styles and music history periods such as: Medieval, Renaissance, Baroque, Classical, Romantic, 20th Century, Fiddle, Klezmer, Gypsy, Chinese, Greek, Carnatic, Arabic, Mariachi, Ragtime and Blues. These arrangements include a representative sampling of most major forms of string music such as concertos, symphonies, sonatas, quartets and trios. A study guide, sold separately, explains the history and musical form of the selected pieces, and includes violin technique tips for each piece of music.મને લાગે છે કે લોકો ૧૦૦-૨૦૦ ડૉલર જેવી મોંઘી ટીકીટ લઈ પ્રોગ્રામોમાં જાય, તેનું કારણ કદાચ અમે આવા મહાન કલાકારને પણ માણ્યા છે, એવા અહંકારને પોષવા માટે હશે. આપણે ઘણી વાર સાંભળીએ પણ છીએ કે, “મેં ફલાણા ફલાણાને પણ પ્રત્યક્ષ સાંભળ્યા છે.” પણ તેની કલા ખરેખર માણી હોય છે ખરી?

 2. પરેશભાઈનો એક વધુ બહુ જ સરસ વિચારવા જેવો લેખ.

  સિમ્પથી અને એમ્પથી વિષેનો ફર્ક સોનું નિગમનો પ્રસંગ ટાંકીને એમણે સરસ સમજાવ્યો છે.

  કોઈ દુખી માણસ કે જનાવરને જોઈને હૃદયમાં માત્ર સહાનુભૂતિની લાગણી થાય, એ સિમ્પથી કહેવાય અને જો આવી સંવેદના,દયાની લાગણી કોઈનું દુખ દુર કરવા કે ઓછું કરવા માટે કોઈ પગલું ભરીને સક્રિય બનાવે તો એ એમ્પથી કહેવાય .

  સહાનુભૂતિ એટલે સિમ્પથી નિષ્ક્રિય હોય છે, સંવેદના એટલે એમ્પથી સક્રિય હોય છે .

  • pragnaju

   રસપ્ર્દ માહિતી The Empathy Quotient (EQ) is a 60-item questionnaire (there is also a shorter, 40-item version) designed to measure empathy in adults. The test was developed by Simon Baron-Cohen at ARC (the Autism Research Centre) at the University of Cambridge.

   Clinically, the empathy measurements provided by the EQ are used by mental health professionals in assessing the level of social impairment in certain disorders like Autism. However, since levels of empathy vary significantly between individuals, even between those without any mental health disorders, it is also suitable for use as a casual measure of temperamental empathy by and for the general population.

 3. પરેશભાઈ ના આ લેખમાં સોનું નિગમ ની જે વાત કહી છે એનો વિડીયો મેં જોયો હતો.
  આ વિડીયો વાઈરલ થયો હતો.
  યુ-ટ્યુબમાંથી શોધીને એ વિડીયોની લીંક અહી મૂકી છે.

  The Roadside Ustaad

 4. P.K.Davda

  બહુ સરસ વિશ્લેષણ કર્યું છે.

 5. બહુ સુંદર રચના છે .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s