ટોઇલેટ હ્યુમર: પી પી, છી છી અને હાસ્ય…પરેશ પ્ર વ્યાસ

ટોઇલેટ હ્યુમર: પી પી, છી છી અને હાસ્ય…

અમને કૌતૂક થયું’તું જ્યારે રિશી કપૂરે ટ્વિટ્યું કે જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ગાંધી નહેરૂ પરિવારની. એકલા દિલ્હીમાં 64 નામાંકિત જગ્યાઓનાં નામ ગાંધી નહેરૂ પરિવારનાં નામે અંકિત છે. શા માટે દિલ્હી એરપોર્ટનું નામ ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇઅડ્ડા? શા માટે મહાત્મા ગાંધી, ભગતસિંહ, બાબાસાહેબ આંબેડકર કે પછી…. રિશી કપૂર એરપોર્ટ નહીં.. લો બોલો!  અને કોંગેસ ગાંજ્યી જાય તેમ નહોતી. અલાહાબાદનાં કોંગ્રેસી કાર્યકરોએ ગયા અઠવાડિયે એક જાહેર સંડાસનું નામ ‘રિશી કપૂર સુલભ શૌચાલય’ આપી દીધું. નામકરણ કરનાર કાર્યકરે ખરેખર સંડાસમાં જઇને છી છી કરી કે નહીં એ વિષે કોઇએ ચોખવટ કરી નથી. અને તે પછી તેઓએ મળત્યાગ મૂલ્ય રૂ. 2 ચૂકવ્યું કે નહીં એ વિષે પણ અમને કોઇ જ્ઞાન નથી. પણ અમને મઝા પડી. રોજરોજ થતા બિહડ બળાત્કાર, લોહિયાળ આતંકવાદ અને ધર્માંધ ફતવાબાજીનાં અનેક મલિન સમાચારો વચ્ચે એક માત્ર નિર્-મળ (ખરેખર?) હાસ્યનો હલકારો દેતા સમાચાર હતા આ. ચૂંટણીમાં મુસલસલ હારનો સિલસિલો જાળવી રાખતી કોંગ્રેસ અને રાહુલ ગાંધીની અસ્ખલિત શાહમૃગી પલાયનવૃત્તિ એટલે કે ‘ગઢ ગેલા તો પણ સિંહ ન આલા’ જેવી સ્થિતિમાં પણ કોંગેસમાં હજી સેન્સ ઓફ હ્યુમર બચી છે, એનું આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. રિશી કપૂરનો પ્રત્યુત્તર હતો, “ચાલો હું કાંઇ કામ તો આવ્યો. એ કોંગ્રેસી કાર્યકરો તો કોઇ કામનાં નથી.”

આ આખી ઘટના હાસ્યાસ્પદ નથી. હા, એ હાસ્યકારક જરૂર છે. નામમેં ક્યા રખ્ખા હૈ?  રોમિયો મોન્ટાગ્યુ અને જુલિયટ કેપ્યુલેટ એકબીજાનાં પ્રેમમાં પડ્યા પણ…. બન્ને પરિવારો વચ્ચે ખાનદાની દુશ્મની હતી. જુલિયટ રોમિયોને કહે છે કે તારું ખાનદાની નામ મારું વેરી બની ગયુ છે. નામમાં શું હોય? ગુલાબને બીજું નામ દઇએ તો પણ એ એટલી જ મીઠી સુગંધ પ્રસરાવશે, પણ….. સોળમી સદીનાં ઇટાલીની પૃષ્ઠભુમિ પર વિલિયમ શેક્સપિયરે આ રોમેન્ટિક ટ્રેજડી લખેલી. આજકાલ કપૂર ખાનદાન અને ગાંધી નહેરૂ ખાનદાન વચ્ચે નવી દુશ્મની શરૂ થઇ છે. અલબત્ત હિંસક તલવાર યુદ્ધનાં સ્થાને હવે અહિંસક ટ્વિટર યુદ્ધ થાય છે. અહિંસા આપણો પરમ ધર્મ છે. અહિંસા ગાંધી બાપૂની દેન છે. રિશી કપૂરનાં શબ્દોમાં કહું તો અહિંસા બાપ-કા-માલ હૈ!  ‘રોમિયો જુલિયટ’ સોળમી સદીની ટ્રેજડી હતી. ‘કપૂર ગાંધી’ એકવીસમી સદીની કોમેડી છે. નામમાં શું હોય? જાહેર શૌચાલયને રિશી કપૂર  નામ આપો તો પણ એ એટલું જ ગંધાશે! સુલભ શૌચાલય નામકરણ સંસ્કાર વિધિ, આ ટોઇલેટ હ્યુમર(Toilet Humour) શું છે?

હ્યુમર આપણે જાણીએ છીએ. માણસ અને જનાવરમાં એ જ તો ફરક છે. આપણે હસી શકીએ છીએ. હ્યુમરનાં ઘણાં પ્રકાર છે. હ્યુમર આંગિકમ હોઇ શકે, વાંચિકમ પણ હોય. શ્રાવ્ય હોય તે સંગીત કે દૃશ્ય હોય તે ચિત્ર પણ હ્યુમર હોઇ શકે. હ્યુમર જોક(રમૂજી ટૂચકો), સ્લેપ-સ્ટિક(ઠાઠાઠીઠી વાળું નાટક) કે પછી વધારે ગંભીર સૅટાયર(વ્યંગ) કે આઇરની(વક્રોક્તિ) પણ હોઇ શકે. બોલચાલની ભાષામાં કહીએ તો હસવું વેજ અને નોન-વેજ હોઇ શકે. શુદ્ધ નિર્મળ હાસ્ય જે કુંટુંબનાં તમામ સભ્યો સાથે બેસીને માણી શકે એ વેજ. અને બીજી બધી ગંદી ગંદી ગંદી વાત, સેક્સને લગતી હાસ્યજનક વાત, જે સમવયસ્કો સાથે બેસીને કરે એ નોન-વેજ હાસ્ય. થોડા મહિનાઓ પહેલાં કરણ જોહરે એઆઇબી રોસ્ટ કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો અને એની પર તવાઇ આવી હતી એ નોન-વેજ હ્યુમર. ટોઇલેટ હ્યુમર એવું હાસ્ય છે જે નોન-વેજ હોવું જરૂરી નથી. એ ઇન્ટેલિજન્ટ હોઇ શકે, એ સ્માર્ટ પણ હોઇ શકે. ટોઇલેટ હ્યુમરની સાદી વ્યાખ્યા એ છે કે એ મળ, મૂત્ર કે વાછૂટ જેવી કુદરતી શારીરિક પ્રક્રિયા સાથે સંકળાયેલું હાસ્ય છે. કદાચ ઊલટી કે પ્રસ્વેદની છાંટ પણ એમાં હોઇ શકે. ટોઇલેટ હ્યુમર અને સેક્સ હ્યુમર વચ્ચે ગૂંચવાડો થઇ શકે કારણ કે સર્જનાત્મક લૈંગિક આવેગ હોય કે વિસર્જનાત્મક મળમૂત્રવાયુ પ્રત્યાવેગ, આવી બન્ને પ્રકારની શારીરિક

ક્રિયામાં ઉપયોગમાં આવતા અંગ ઉપાંગ કોમન છે. પણ ટોઇલેટ હ્યુમર એ નિતાંત સેક્સ હ્યુમર નથી. અન્ય સાથે સીધા કે આડાઅવળા શારીરિક સંબંધોની વાત એમાં હોવી જરૂરી નથી. કદાચ તમે એને એગિટેરિઅન હ્યુમર કહી શકો. વેજીટેરિયન લોકો ઇંડાની ઓમલેટ ખાતા હોય એમ પણ બને. યુ સી!

ટોઇલેટ હ્યુમર બધી ઉંમરનાં લોકોમાં પ્રિય છે પણ બાળકો અને કિશોરોમાં એ વધારે ચાલે છે. માનવ શરીરની કુદરતી ઉત્સર્ગની ક્રિયા જેમને માટે હજી એક નોવેલ્ટી છે, એની ચર્ચા પર કોઇ પ્રતિબંધ શા માટે? મોઝાર્ટ જેવા મહાન સંગીત સર્જકે યુવા વયે પોતાની પિત્રાઇ બહેનને પત્ર લખો હતો કે વેલ, આઇ વિશ યુ ગૂડ નાઇટ, બટ ફર્સ્ટ શિટ ઇન યોર બેડ એન્ડ મેક ઇટ બર્સ્ટ… પથારીમાં છી છી કરવાની વાત અલબત્ત મજાક હતી પણ પછી જર્મનીની મુલાકાતે ગયેલા તત્કાલીન વડાપ્રધાન માર્ગારેટ થેચરે આ વાત જાણીને નાકનું ટીચકું ચઢાવ્યું હતુ. મોઝાર્ટની બાલિશ સેન્સ ઓફ હ્યુમર થેચર સમજી નહોતા શક્યા એવું વિખ્યાત ઇંગ્લિશ થિયેટર અને ફિલ્મ ડાયરેક્ટર સર પીટર ફેડ્રિક હૉલનું માનવું છે. આપણે પણ માર્ગારેટ થેચર જેવા જ કન્ઝર્વેટિવ છીએ. સંસ્કારની મશાલ ફરકાવતા આપણે, મળમૂત્રનાં હાસ્યની વાતને અધોગતિનો મારગ ગણતા આપણે, એક મજેદાર ટોઇલેટ હ્યુમરનાં સાક્ષી બનવા જઇ રહ્યા છીએ. ગઇકાલે એક ટોઇલેટ હ્યુમરની વેબ સીરીઝ ‘લેડીઝ રૂમ’નો પહેલો મણકો રજૂ થયો. છ એપિસોડ, છ ટોઇલેટ્સ. ક્યારેય વિચાર્યું છે કે જ્યાં કોઇ પુરુષ ક્યારેય જઇ નથી શકતો એવા ફાઇનલ ફ્રન્ટિયર સમા લેડીઝ વોશરૂમમાં છોકરીઓ એકલી નહીં પણ જોડીમાં કે પછી ઘણી બધી છોકરીઓએ સાથે મળીને ભેગી કેમ જાય છે? અને ત્યાં કેવા કેવા ટોળટપ્પા કરે છે? છોકરીઓ ગાળ બોલે? છોકરીઓ સેક્સાલાપ કરે? યશરાજ ફિલ્મ્સની આ વેબ સીરીઝમાં ડિન્ગો અને ખન્ના નામની બે યુવતીઓની કંઇ કેટલી, ક્યારેક વધારે પડતી છી છી કે થૂ થૂ કરાવતી ટોઇલેટ ટોક અજુગતી લાગે પણ આપણામાં મોઝાર્ટ વસાવીને આ અજુગતાં ટોઇલેટ હ્યુમરનું આચમન કરી લેવામાં હરકત સરખું નથી. શૌચ(મળત્યાગ) વિષેની સોચ (વિચાર) શોચનીય(અફસોસકારક) નથી. સમજી લેવું જોઇએ કે ટોઇલેટ હ્યુમર માનવ સહજ છે. એને દબાવી રાખવું મનની કબજિયાત છે. અને આપ તો જાણો છો કે કબજિયાત સર્વ રોગનું મૂળ છે. અલબત્ત ટોઇલેટ હ્યુમરનાં ચૂર્ણનું  કાયમ સેવન કરવું પણ હિતાવહ નથી. ટેવ પડે તો નડે. હેં ને?

શબ્દ શેષ:                                                                                                                                                                                                                                                                                        “કંઇક વિચિત્ર લાગણી શું હોઇ શકે? ટોઇલેટ સીટ પર બેઠાં હો અને ચોકલેટ કેન્ડી ખાતા હો!”

–અમેરિકન કોમેડીયન જ્યોર્જ ચાર્લીન

s-2116

 

 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “ટોઇલેટ હ્યુમર: પી પી, છી છી અને હાસ્ય…પરેશ પ્ર વ્યાસ

  1. આતો જબરી વાત કહેવાય. ગમી.

  2. ‘રોમિયો જુલિયટ’ સોળમી સદીની ટ્રેજડી હતી. ‘કપૂર ગાંધી’ એકવીસમી સદીની કોમેડી છે.

    આ વાતમાં દમ છે.અહી ગાંધી એટલે બનાવટી ગાંધી રાહુલ ગાંધીની વાત છે.

    મેં એક ગામમાં બાર્બરની સલુનના નામનું બોર્ડ વાંચેલું … મહાત્મા ગાંધી હેર કટિંગ સલુન.

    લ્યો બોલો, તાલિયા ગાંધી અને હેર કટિંગને કેવો મેળ બેસે !

    પીકું ફિલ્મમાં અમિતાભ બચ્ચન ની કબજીયાત વિષેનો ટોઇલેટ હ્યુમર ગમે એવો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s