ફિર વોહી ફૂરસતકે રાતદિન/પરેશ પ્ર વ્યાસ

ફિર વોહી ફૂરસતકે રાતદિન

બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું
રસગુલ્લાની ચાસણી જેવું વ્હાલ નીતરતું વ્હેતું
-મુકેશ
જોશી

વેકેશન એટલે શું? ગુજરાતી લેક્સિકોન ફંફોસીને જોયું તો વેકેશન એટલે ખાલી કરવું કે ખાલી કરાવું તે, રદબાતલ કરવું તે (૨) ન્યાયાલયો કે વિદ્યાપીઠોમાં અપાતી લાંબી રજા, તહેવાર, રજા. વેકેશનનો સૌથી    અગત્યનો અર્થ છે રજા, જથ્થાબંધ રજા, ફરજિયાત રજા, નક્કી કરેલા સમય ગાળાની રજા. વેકેશનમાં શું કરવાનું? પહેલાંની વાત જુદી હતી. વેકેશન એટલે મોસાળ કે પછી વતનમાં બાને ત્યાં જઇ ગળચટ્ટુ વ્હાલ વોહરવાની મોસમ. પણ કવિ આગળ લખે છે કે ‘કાળ કુહાડી ફરી કપાયાં વેકેશનનાં ઝાડ ; કોઇ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ.’  વેકેશનનાં અર્થ બદલાયા છે. રજા(હોલીડે)માં મોસાળ કે વતનમાં જવા ય હવે માવતરની કે બાળકોની રજા(પરમિશન) લેવી પડે. બાળકોને પણ સગાને ત્યાં હવે ઓછું વહાલું લાગે છે. બાળકો હવે દેશ વિદેશનાં દરિયા કાંઠે કે પર્વત શિખરે લક્ઝુરિયસ  હોટલ કે રીસોર્ટમાં જવાની હઠ લેતા હોય છે. આર્વાચીન રીતિની પ્રતીતિ અજબ છે.

વેકેશનનાં બે પ્રકાર. એક ફિક્સ અને બીજું વેરીએબલ. વર્ષ દરમ્યાન ફિક્સ હોય તે ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશન. ન્યાયાલયોમાં કદાચ આ ઉપરાંત ક્યાંક ક્રિસમસ કે હોળીધૂળેટી વેકેશન પણ હોય. થોડા સમય પહેલાં વડાપ્રધાન અને વડા ન્યાયાધીશ વચ્ચે કોર્ટ વેકેશન બાબતે જાહેર ચણભણ થયાનાં સમાચાર હતા. વડાપ્રધાને કહ્યું કે કોર્ટમાં વેકેશન શા માટે? વડા ન્યાયાધીશ વદ્યા કે વેકેશનમાં અમે કાંઇ મનાલી ટહેલવા જાતા નથી, કામ કરીએ છીએ, ન્યાયિક ચૂકાદા લખીએ છીએ. સર્વોચ્ચ અદાલતનાં નિવૃત્ત વડા ન્યાયાધીશ લોધા કહે છે કે ભૂતકાળમાં ફિક્સ વેકેશન રદબાતલ કરવાનાં પ્રયત્નો થયા હતા પણ વકીલો અને ન્યાયાધીશોએ સાંઠગાંઠ કરીને આવો પ્રસ્તાવ ઠેકાડી દીધો હતો.  જો કે બદલાવ આવી રહ્યો છે. અલાહાબાદ હાઇકોર્ટ અત્યારે વેકેશનમાં હીયરીંગ કરે છે. બેકલોગ ક્લીઅર કરવાનાં પાશેરામાં પહેલી પૂણીનું કામ કરે છે. ભર વેકેશને જ પંજાબ-હરિયાણા હાઇકોર્ટે પણ ધારાસભ્ય બીબી જાગીર કૌરને થયેલી પાંચ વર્ષની સજા સામેની અપીલ સાંભળવાની તૈયારી બતાવી અને વકીલોને પૂછ્યું છે કે દલીલ કરવા તમે રાજી છો કે કેમ? આમ ફિક્સ વેકેશનની બ્રિટિશ માનસિકતા બદલાતી જાય છે. ન્યાયાલયને કાંઇ વેકેશન ગાળો હોતો હશે? જેને રજા જોઇએ, તે વર્ષ દરમ્યાન રજા લઇને જાય ફરવા. તંઇ શું? અલબત્ત શાળાકોલેજનાં વિદ્યાર્થીઓને ઉનાળુ અને દિવાળીનું વેકેશન ફિક્સ હોય છે. પણ એમાં ય સેમેસ્ટર સિસ્ટમ આવી એટલે વેકેશન કાં તો જૂનમાં હોય કાં તો જાન્યુઆરીમાં હોય. અમે વેરીએબલ વેકેશનનાં તરફદાર છીએ. વર્ષ દરમ્યાન જરૂરી છે કે થોડા દિવસો કામને છોડીને નકામા(!) વીતાવવા.

 અમેરિકાની એક એપ ડેવલપર ટેક કંપની ‘ફુલકોન્ટેક્ટ’એ પોતાનાં કર્મચારીઓને આદેશ કર્યો કે બધું કામકાજ છોડીને ત્રણ અઠવાડિયાનું વેકેશન ફરજિયાત લેવું. ક્યારે લેવું? એ તમારી મરજી. અને વેકેશન લો તો જ 7500 ડોલરનું બોનસ મળે. આ ઉપરાંત બીજી શરત એ કે કામથી તદ્દન વિખૂટું પડી જવાનું. ન કંપની તેમને કોઇ ઇ-મેલ, ફોન કરે, ન એમણે કરવાનો. મારા વિના તો ચાલે જ નહીં એવું માનતા કામગરા કર્મચારીઓ ‘હીરો સિન્ડ્રોમ’થી પીડાતા હોય છે. અરે સાહેબ ! કોઇ વિના કાંઇ અટકી પડતું નથી. જાપાન ટાઇમ્સનાં અહેવાલ અનુસાર જાપાનમાં પણ કામઢાં(વર્કોહોલિક) લોકો માટે વેકેશન કમ્પલસરી બનાવવાની વિચારણાં ચાલી રહી છે. કેટલી રજા લેવી?-એ વિષે હાસ્યલેખક જેકબ બ્રાઉડ કહે છે કે ‘એટલી જ રજા લેવી કે તમારા બોસ તમને મિસ કરે. રજા એટલી વધારે ન હોવી જોઇએ કે બોસને લાગે કે ઓહો, આના વિના તો ચાલે!’ લેખિકા લિંડા બ્લૂમ લખે છે કે ‘વેકેશન એશોઆરામ કે ભોગવિલાસ નથી; એક જરૂરિયાત છે.’

 વડા ન્યાયાધીશને વિનંતી કે કોર્ટની ફિક્સ વેકેશન પ્રથા રદ કરો અને અધવચાળે મરજી મુજબનું વેકેશન લેવાનું ફરજિયાત કરો. દેશસેવાને પૂર્ણત: સમર્પિત વડાપ્રધાનને તો કાંઇ કહેવાતુ નથી. પણ એટલું જ કહું કે એક ચૂટકી વેકેશનની કિંમત તુમ ક્યા જાનો નરેન્દ્ર બાબુ !

111

 

6 Comments

Filed under Uncategorized

6 responses to “ફિર વોહી ફૂરસતકે રાતદિન/પરેશ પ્ર વ્યાસ

 1. જિમેલમાં હોય છે –
  Vacation responder !

  • pragnaju

   વાહ
   If you are planning to move away from your office for few days or you have to move with a Vacation, there was need to create an Autoresponder email.જેવી અનેક વાત જાણવા મળી–વધુ ફૂરસતે

 2. વેકેશન માટેનો આ એક સરસ લેખ છે. ભારતમાં તો કહેવાય છે કે સરકારી નોકરીમાં તો કામ પર જવું એ જ વેકેશન છે. રજા હોય ત્યારે જ માણસ કામ કરે છે.
  મને માત્ર અમેરિકાના વેકેશનની જ ખબર છે. પરેશભાઈએ લખ્યું તેમ. ફિકસ અને વેરિયેબલ. કેટલીક મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીઝમાં પ્લાન્ટમાં વધુમાં વધુ બે અઠવાડિયાનું ફિક્સ વેકેશન હોય અને જેઓ બે વીકથી વધુ વેકેશન માટે ક્વોલિફાય થતા હોય તેમને વેરિયેબલ વેકેશનનો લાભ મળે. બધાને પોતાના ઈચ્છિત સમયે ના પણ મળે. જો પતિ પત્ની બન્ને કામ કરતાં તો બન્નેને એક સાથે વેકેશન મેળવવાની પણ ઘણી તકલીફ. વેઠે તે જ જાણે. ઈન્ડિયામા તો બાપૂની કથા છે. ચાલો વેકેશન. ચાલુ નોકરીએ પણ જય રામજીકી. મને સિનિયોરિટી પ્રમાણે મને વર્ષમાં છ વિકનું વેકેશન મળતું. પણ મારા સમયે મારી ઈચ્છા પ્રમાણે વેકેશન લેવામાં ઓછી અડચણો ન હતી. જેમ જેમ જવાબદારી વધે તેમ તેમ સ્વતંત્રતા કપાતી જાય એ વાસ્તવિકતા છે. હવે સમય બદલાયો છે. પહેલાં એક વ્યક્તિ વર્ષો સૂધી એક જ એમ્પ્લોયમેન્ટમાં રહેતા અને વધુ વેકેશન સમય મળતો. હવે જોબ બદલાયા કરે. જ્યાં જાય ત્યાં નવા ને નવા માંડ બે અઠવાડિયા મળે.
  અને એ વાત પણ સાચી કે જો તમે નોકરીમાં બે કરતાં વધુ સમય ગેરહાજર હો, તમારું કામ તમારા વગર વધારાના રિપ્લેસમેન્ટ વગર સરળતાથી બીજાઓ સંભાળી શકે એમ હોય તો કંપની તમારા વગર ચલાવી શકે એમ છે. તમારી જરૂર નથી કે તમારું કામ એટલું અગત્યનું નથી. પોઝિશન કેન બી એલિમિનેટેડ બાય હ્યુમન રિસોર્સિસ.
  આપણે ભારતીય પ્રજા મોટે ભાગે વેકેશનનો ઉપયોગ ટુરિઝમ એટલે કે પ્રવાસ અને ફરવા માટે જઈએ છીએ. મોટા ભાગના અમેરિકનો રિસોર્ટ કે બીચ પર માત્ર આરામ કરવા જ જાય છે. આજે કોમેન્ટમાં જરા વધુ લખાઈ ગયુ. માનું છું કે સ્વીકાર્ય હશે.

 3. pragnaju

  ‘આજે કોમેન્ટમાં જરા વધુ લખાઈ ગયુ. માનું છું કે સ્વીકાર્ય હશે.
  આવકાર્ય !
  ઘણું પ્રેરણાદાયી જાણવાનું મળે છે

 4. અમેરિકામાં શનિવાર અને રવિવાર ની રજા સાથે સોમવારની રજા જો આવે તો એને લોંગ
  વેકેશન કહે છે અને બહાર જવાના પ્લાન લોકો કરતા હોય છે.ત્રણ દિવસની રજા એ લોંગ વેકેશન ! ભારતમાં શાળાઓમાં તો રજાઓ જ રજાઓ ! તહેવાર એટલી રજાઓ અને ઉનાળાનું લાંબુ વેકેશન.

  વેકેશન એ વેકેટ પરથી આવ્યો લાગે છે. વેકેટ એટલે ખાલી કરવું. વેકેશનમાં મજા કરીને મનનો તનાવ ખાલી જ કરીએ છીએ ને !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s