નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ: સિકંદર જીતે, કલંદર હારે/ परेश प्र व्यास

000

નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ: સિકંદર જીતે, કલંદર હારે

 

 

 

 

રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે;                                                                                                      હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે.                                                                                                                                  -જયંત પાઠક

ત્રણ વર્ષ પહેલાંની આઇપીએલની એક મેચમાં રોયલ ચેલેન્જર કોહલી છગ્ગો મારવા જતા ઝીલાયો. બધા નાઇટ રાઇડર્સ ગેલમાં આવી ગયા. પછી બન્યું એવું કે રોયલ (રજવાડી) કોહલી અને નાઇટ (ખાનદાની) ગંભીર લડી પડ્યા. માણસ હતા, રમતાં રમતાં લડી પડ્યા. પણ પછીનાં વર્ષોમાં કોહલીનો સિતારો બુલંદ રહ્યો. રાષ્ટ્રીય ટીમમાંથી ગંભીરની બાદબાકી થઇ. આઇપીએલ ક્રિકેટ આમ તો ફ્રેન્ડલી મુકાબલો છે જેમાં આપણે અંદરોદર બાખડીએ એવી વ્યવસ્થા ઇન-બિલ્ટ છે. આપણે અસલ ગુજરાતીઓ છીએ. કોઇ પણ જીતે આપણે હરખાઇએ છીએ. ઇ લોકો બેટિંગ(Batting) કરે, આપણે ય બેટિંગ(Betting) કરીએ. યુ સી! ઓણ સાલ આઇપીએલ ફાઇનલમાં મુકાબલો બેંગલોરની બળુકી બેટીંગ ટીમ અને હૈદરાબાદની બાહોશ બોલીંગ ટીમ વચ્ચે હતો. કોહલી ફેવરીટ હતો પણ જીત્યો વોર્નર. ગંભીરે વોર્નરને અભિનંદન આપતાં ટ્વિટ કર્યું કે નાઇસ ગાયઝ ડૂ ફિનિશ ફર્સ્ટ… વોર્નરની વાહવાહી તો ઠીક મારા ભૈ, પણ જો તમે ટ્વિટર મેસેજની બે લીટીઓની વચ્ચે વાંચો તો આ કોહલીની આડકતરી ટીકા હતી. અલ્યા ભૈ, જે જીતે ઇ હારાં તો જે હારે ઇ નઠારાં? કોહલી મને ગમે છે. એ ઠસ્સાદાર છે, જુસ્સાદાર છે, થોડો ગુસ્સાદાર પણ ખરો. વિકટ પરિસ્થિતિમાં પણ એનું વ્યક્તિત્વ વિરાટ રહ્યું છે. ક્યારેક ટીમ ભલે હારે પણ સામાન્ય રીતે એનો લડાયક મિજાજ મેચ જીતાડતો હોય છે. ગંભીરનાં મતે વર્તણુંકમાં એ ભલે નાઇસ ન હોય પણ ટીમને પહેલાં સ્થાને લઇ જવામાં એ પાવરધો છે. બહુ સારા થવાની ય ક્યાં જરૂર છે? નાઇસ માણસો રેસમાં છેલ્લા આવે. ઓરિજીનલ મુહાવરો છે: નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ(Nice Guys Finish Last).

નાઇસ ગાય એટલે સારો માણસ. સાદો, સીધો, સરળ, સંવેદનશીલ, સીધી લીટીનો માણસ. જીતની જેને ઇચ્છા હોય પણ કોઇ પણ રીતે જીતી જ જવું એવી કિલર ઇન્સ્ટિન્ક્ટ (મારણ વૃત્તિ)નો સ્વાભાવિક અભાવ જેનામાં હોય તેવો માણસ. અહીં સામ છે પણ દામ, દંડ અને ભેદ નથી. હકારાત્મક અર્થમાં નાઇસ ગાય એટલે એવો પુરુષ જે પોતાનાં મુકાબલે બીજાની જરૂરિયાતનું વધારે ધ્યાન રાખે, બીજાની લાગણીને ક્યારેય ઠેસ ન પહોંચાડે, ઝઘડાની અળગો રહે, વાણીવ્યવહારમાં ચોખ્ખો હોય. નકારાત્મક અર્થમાં ગણીએ તો નાઇસ ગાય એટલે એવો પુરુષ જે સ્વભાવે સંશયિત હોય. ટૂંકમાં હચુડચુ હોય. આ કરું કે પેલું? અને કોઇને કેવું લાગશે? પછી પોતાની લાગણી કોઇને કહી ન શકે અને મનમાં ને મનમાં મુંઝાય.  સંઇ પરાંજપેની ફિલ્મ ‘કથા’ (1983)માં નસીરુદ્દીન શાહે આવા જ ઢીલાઢાલાં નાઇસ ગાયની ભૂમિકા ભજવી હતી. સામે પક્ષે ફારુક શેખ ચલતોપૂર્જો શૉમેન હતો. પ્રણય ત્રિકોણની નાયિકા દીપ્તિ નવલને પામવાની સ્પર્ધા હતી. ફિલ્મમાં ઇસપ કથાનો સદંર્ભ છે તે કાચબો અને સસલાં વચ્ચે દોડની સ્પર્ધામાં નાઇસ ગાય કાચબો રેસ હારી જાય છે. જમાનો સ્પીડનો છે. સ્વાભાવિક છે કે સ્પર્ધા હોય તો નાઇસ ગાય  છેલ્લો જ આવે. સાંપ્રત ભાષામાં ‘નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ’ મુહાવરો પ્રેમ પામવાનાં સંદર્ભે વધારે વપરાય છે. નાઇસ ગાય એટલે એવો છોકરો જે સારો હોવા છતાં અથવા તો કદાચ એટલે જ છોકરીનો પ્રેમ પામી શકતો નથી કારણ કે પ્રેમનાં કાવાદાવાથી એ અજાણ છે, પ્રેમનાં પેંતરાથી એ પરે છે. પ્રેમમાં બધું જાયજ હોય પણ એને ચાલાકી આવડતી નથી. એટલે એ છેલ્લો જ આવે. ગૌતમ ગંભીરે આ મુહાવરો સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ બાબતે ટ્વિટ્યો. એનો સંદર્ભ સાચો છે. આ મુહાવરો સ્પોર્ટ્સમાંથી જન્મ્યો છે.  

આપણે ત્યાં જેમ ક્રિકેટ અતિ લોકપ્રિય છે એમ અમેરિકામાં બેઝબોલની રમત પાછળ લોકો ગાંડા છે. આમ તો દડો, ફટકો અને દોડની જ રમત. કૃષ્ણ ભગવાન જમનાનાં કાંઠે રમતા’તા તે ગેડીદડાની આજનાં જમાનાની આધુનિક આવૃત્તિ. પણ રસમ થોડી જુદી, નિયમ થોડા નોખાં. આપણી આઇપીએલની માફક અમેરિકામાં બેઝબોલની નેશનલ લીગ ટૂર્નામેન્ટ થાય. લીઓ ડ્યુરોશર નામનો બેઝબોલનો ટીમનો એક પ્રોફેશનલ વિન-એટ-ઓલ-કોસ્ટ મેનેજર હતો. એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે એને શ્રદ્ધાંજલિ આપતા ન્યૂયોર્ક ટાઇમ્સે લખ્યું કે એને માટે બેઝબોલની રમત ટાઇમ પાસ નહોતો. એને માટે બેઝબોલની રમત ગેરિલા યુદ્ધ હતું. ચાલુ રમતે પ્રતિસ્પર્ધી ટીમનાં સભ્યોને શારીરિક તેમજ માનસિક  રીતે ડારો દેવો, ધાકધમકી દેવી વગેરે એની વ્યુહરચનાનો હિસ્સો હતો. અમ્પાયર્સ સાથે પણ બાખડી પડવામાં એને હરકત સરખું નહોતું. પકડઇ ન જવાય એ રીતે અંચઇ કરી લેવાની ટેકનિક એનાં ખેલાડીઓને એ શીખવાડતો. ‘નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ’ મુહાવરાનો જન્મ 1946માં થયો જ્યારે ડ્યુરોશર બ્રૂકલીન ડોજર્સ ટીમનો મેનેજર હતો. તે સમયે પ્રતિસ્પર્ધી ન્યૂયોર્ક જાયન્ટ્સ ટીમનાં મેનેજર મૅલ ઓટ વિષે એણે કહ્યું હતુ કે ‘મૅલ ઓટ જેવો સારો માણસ દુનિયામાં બીજો કોઇ નથી. પણ  એ ક્યાં છે? છેક સાતમા સ્થાને. અને હું પહેલાં સ્થાને.’ નેશનલ બેઝબોલ લીગમાં કુલ આઠ ટીમ હોય એટલે સાતમું સ્થાન છેલ્લું તો ન ગણાય. પણ આ મુહાવરો અખબારમાં છપાયો ત્યાં સુધીમાં સ્પર્ધા પૂરી થઇ ગઇ હતી અને મૅલ ઓટની ન્યૂયોર્ક જાયન્ટ્સ ટીમ ખરેખર આઠમા એટલે કે છેલ્લા સ્થાને આવી, જ્યારે ડ્યુરોશરની બ્રૂકલીન ડોજર્સ સ્પર્ધા જીતી ગઇ. અખબારે મુહાવરો ય સુધારી નાંખ્યો. નાઇસ ગાયઝ ફિનિશ સેવન્થની જગ્યાએ ‘નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ’ લખ્યું અને એ શબ્દો કાળક્રમે લોકજીભે ચઢ્યા, કટારલેખકોની કલમે લખાયા અને મુહાવરો બની ગયા.

આ તો નાઇસ ગાય એટલે ડાહ્યાં ડમરાં છોકરાની વાત છે. છોકરીને કેવો ગાય ગમે? દેખાવડો ગમે કે દેખાડો કરતો હોય તે ગમે? છોકરો સરળ હોય તો ગમે કે પછી આજકાલની છોકરી કો’ક પેચીદાની પાછળ પડે? મળતાવડો છોકરો વહાલો લાગે કે પછી એને અતડાનાં ઓવારણાં લેવાનું ગમે? ભાવુક છોકરો સારો કે પ્રભાવુક હોય એને પસંદ કરે? વાત જાણે એમ છે કે છોકરીનું મન વિશ્વનો સૌથી રહસ્યમય કોયડો છે. નાઇસ ગાય ગમે છે એવી વાત કરે ખરી પણ છોકરીને ખરેખર તો એવો છોકરો જ ગમી જતો હોય છે કે જેને જીતી જવાની આદત હોય. જેને માટે ‘હમ હોંગે કામયાબ એક દિન..’ એમ નહીં પણ ‘હમ હોંગે કામયાબ હર એક દિન..’ હોય એવા છોકરાની પાછળ એ દિવાની થતી હોય છે. અને એટલે જ જિંદગીની રેસમાં ચાલાક છોકરો પહેલો આવે અને ભલો ભોળો  છોકરો રવડી જાય… આપણે શું કરવું? સુરેશ દલાલ કહી ગયા હતા કે  આપણે આપણી રીતે રહેવું; ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! તંઇ શું?

 

શબ્દ શેષ:                                                                                                          

જિંદગી એ કાંઇ એવી રેસ નથી જેમાં આપણે બધાથી પહેલાં આવવાનું હોય. અગત્યનું એ છે કે જિંદગીની રેસ આપણે સારી રીતે પૂરી કરી અને એમ કરવા જતા કેટલાં અન્ય લોકોને એમની જિંદગીની રેસ પૂરી કરવામાં આપણે મદદ કરી. –માર્ક મેરો, અમેરિકન પૂર્વ મુક્કાબાજ, મલ્લકુસ્તીબાજ અને હવે પ્રેરણાદાયી વક્તા 

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “નાઇસ ગાયઝ ફિનિશ લાસ્ટ: સિકંદર જીતે, કલંદર હારે/ परेश प्र व्यास

  1. નાઇસ ગાય એટલે સારો માણસ. સાદો, સીધો, સરળ, સંવેદનશીલ, સીધી લીટીનો માણસ. જીતની જેને ઇચ્છા હોય પણ કોઇ પણ રીતે જીતી જ જવું એવી કિલર ઇન્સ્ટિન્ક્ટ (મારણ વૃત્તિ)નો સ્વાભાવિક અભાવ જેનામાં હોય તેવો માણસ. અહીં સામ છે પણ દામ, દંડ અને ભેદ નથી. હકારાત્મક અર્થમાં નાઇસ ગાય એટલે એવો પુરુષ જે પોતાનાં મુકાબલે બીજાની જરૂરિયાતનું વધારે ધ્યાન રાખે, બીજાની લાગણીને ક્યારેય ઠેસ ન પહોંચાડે, ઝઘડાની અળગો રહે, વાણીવ્યવહારમાં ચોખ્ખો હોય. નકારાત્મક અર્થમાં ગણીએ તો નાઇસ ગાય એટલે એવો પુરુષ જે સ્વભાવે સંશયિત હોય. ટૂંકમાં હચુડચુ હોય. આ કરું કે પેલું?

    આપણે શું કરવું? સુરેશ દલાલ કહી ગયા હતા કે આપણે આપણી રીતે રહેવું; ખડક થવું હોય તો ખડક, નહીં તો નદી જેમ નિરાંતે વહેવું ! તંઇ શું?

    ——-
    ગૂડ વન. ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.