ક્રાઉડફન્ડિંગ: ટોળાંનો સાથ, ધંધાનો વિકાસ/પરેશ વ્યાસ

0ક્રાઉડફન્ડિંગ: ટોળાંનો સાથ, ધંધાનો વિકાસ

અચ્છા સોચો, સોચકે દેખો                                                                                                                ખેતમેં ઊગતી ટોફી,                                                                                                                      પેડપે ફલતે લડ્ડુ પેંડે,

નલ ખોલો તો કોફી,                                                                                                                                        દીદી, ઐસા ક્યું નહીં હોતા હૈ?                                                                                                         ગુલઝાર, ‘કાયદા કાયદા’ ગીત,                                                                                                          ફિલ્મ: ‘ખૂબસૂરત’ (1980)

અબ હોગા. અબ શાયદ ઐસા હોગા. ખેતરમાં ટોફી કે ઝાડ પર લડ્ડુ પેંડા કદાચ ન ઊગે કારણ કે ઊગવાની ઘટના કુદરતને આધીન છે. પણ નળનું નેટવર્ક પણ આપણું અને કોફી પણ આપણે બનાવીએ એટલે એવું ચોક્કસ થઇ  શકે. આપણે ધારીએ તો નળમાંથી કોફી નીકળે. પણ કોફી પીનારા કેટલાં? પાઇપલાઇન નાંખવાનો ખર્ચ અને એનો પમ્પિંગ ખર્ચ પણ તો પોષાવો જોઇએ. એટલે હજી એ બાબતે તો કાંઇ થયું નથી પણ યુરોપનાં એક નગરમાં નળ ખોલો તો બીયર નીકળે એવી તજવીજ થઇ રહી છે. લો બોલો !

બેલ્જિયમ દેશનું સવા લાખની વસ્તી ધરાવતું ઐતિહાસિક નગર બ્રુસ(Brudges).  મૂળ ડચ શબ્દ બ્રુસનો અર્થ થાય બ્રિજ, પૂલ, સેતુ.. ઉત્તરનું વેનિસ ગણાતું બ્રુસ નહેરોનાં નેટવર્કને કાંઠે વસ્યું છે એટલે પૂલો તો હોય જ. નગરમાં એક બીયર બનાવવાની ફેક્ટરી. બીયર બને, ટેન્કરમાં ભરાઇને પરિવહન થાય અને નગરને બીજે છેડે બોટલિંગ પ્લાન્ટમાં બોટલ્સ ભરાય. બીયરનો ગાળનાર, ફેક્ટરીનો માલિક ઝેવિયર વેનેસ્ટને એક દિવસ વિચાર આવ્યો કે આ ટેન્કર ભરવાની રોજરોજની કડાકૂટ જ મટી જાય, જો આપણે પાઇપ લાઇન નાંખી દઇએ. આમ તો ગાંડા જેવો વિચાર. કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના. હેં ને? પણ બીયરનું નામ જ હતું ‘બ્રુસ ઝોટ’. ડચ ભાષામાં ઝોટ એટલે ગાંડો માણસ.  એક સ્થાનિક રેસ્ટોરંટનાં માલિકને આ વિચાર ગમી ગયો. એણે 11000 ડોલર દીધા અને કહ્યું કે “કરો કંકુનાં, નાંખી દો પાઇપલાઇન, આ બીયર પણ ક્રેઝી છે અને હું પણ. કોઇ ગાંડો માણસ જ આવું કરે.” પછી તો લોકોએ મજાક કરવા માંડી કે “અમે ય પૈસા દઇએ શરત એ કે ઘૂઘવતો બીયર અમને રોજેરોજ નળ વાટે મળવો જોઇએ!” અને ઝેવિયર્સને ક્રાઉડફન્ડિંગ(CROWDFUNDING)નો વિચાર આવ્યો. ક્રાઉડ એટલે ટોળું. માણસોનો સમૂહ. જાણ્યા અજાણ્યા લોકો. બધા પાસે થોડું થોડું લઇને પ્રોજેક્ટ માટે ફંડ ભેગુ કરીએ એ ક્રાઉડફન્ડિંગ કહેવાય. બીયર ફેક્ટરીની માલિક ઝેવિયર્સે લાઇફલોન્ગ ડ્રિન્કિંગ ગેરંટીવાળી બ્રોન્ઝ, સિલ્વર અને ગોલ્ડ સ્કીમ મુકી. જે જણ 7500 યુરો આપે એને આજીવન એક બીયરની બાટલી  દરરોજ મળે. ગાંડાનાં ગામ કાંઇ જુદા થોડા હોય? ઘણાં સ્કીમમાં હોંશે હોંશે જોડાયા. અને આમ 400 જેટલાં ઝોટ એટલે કે ગાંડા માણસોએ બ્રુસ ઝોટ બીયરની પાઇપલાઇન માટે ફાળો કર્યો અને જોતજોતામાં 4લાખ યુરો ભેગા થઇ ગયા.  ઝેવિયર્સભાઇએ બાકીની રકમની લોન લીધી અને 3 કિ.મી. લાંબી પાઇપલાઇન નાંખવાનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી ઓક્ટોબરથી આ પાઇપલાઇનમાં કલાકનાં 4000 લીટર બીયરનું પમ્પીંગ થશે. લો બોલો!

ક્રાઉડફન્ડિંગ પૈસો ભેગો કરવાનો અનોખો નૂસખો છે. નવતર તો ન કહી શકાય કારણ કે આવું થતું આવ્યું છે. કોઇની ખર્ચાળ બિમારીની સારવાર અર્થે અખબારમાં ટહેલ નંખાતી અને પૈસા એકઠાં થઇ જતા, એ એક જાતનું ક્રાઉડફન્ડિંગ જ તો હતુ. ક્યાંક ગૌશાળા કે અન્ય કોઇ ચેરિટી માટે લોકસંગીત કાર્યક્રમ થાય, શ્રોતાઓ સાંભળે અને પૈસા ઊડાડે એ ય ક્રાઉડફન્ડિંગ જ થયું. આજકાલ ઇન્ટરનેટનો ઉપયોગ થાય છે કારણ કે ઇન્ટરનેટ તો ભગવાનની માફક સર્વવ્યાપી છે. બધે જ પહોંચી જાય. ઇન્ટરનેટની પહોંચ રવિ, કવિ કે અનુભવી ય વધારે. અહીં પૈસા સાવ અજાણ્યા લોકો પાસેથી ય મળી જાય. ઘણાં એને મજાકમાં ઇ-ભીખવું(E-Begging!) કહે છે. પણ સાવ એવું ય નથી. લેણદાર દેણદારને પૈસા પરત કરે અથવા ઋણ અન્ય કોઇ રીતે સરભર કરે, એમ પણ બને.

ઓસ્ટ્રેલિયન ન્યૂઝ.કોમ અનુસાર ક્રાઉડફન્ડિંગથી એકઠાં કરાયેલા નાણાંનો વૈશ્વિક આંકડો ઓણ સાલ 470 કરોડ ડોલરને વટાવી ગયો છે. ઇન્ટરનેટ પર ટહેલ નાંખો તો પૈસાનો વરસાદ થાય ખરો? હા, થાય. વ્યાજબી અને વિશ્વાસનીય કારણ હોય તો ચોક્ક્સ પૈસા મળે. દેનારાઓ પૈસા દીએ છે એનાં ચાર કારણો છે. એક તો એને કાંઇ સામી અપેક્ષા છે. બીયરની વાત કરીએ તો મરતે દમ તક બીયરની બોટલ મળે તો ક્યાં બાત હૈ? પીનેવાલોકો પીનેકા બહાના ચાહિયે. પછી બીયર થી, પી લી. યુ સી ! બીજું કારણ એ કે કોઇ પણ અપેક્ષા વિના બીજાને મદદ કરવાની ભાવના લોકોમાં હોય જ છે. દેવાનો પણ એક સંતોષ હોય છે. અહીં જોઇએ તો પેલાં રેસ્ટોરંટનાં માલિકે 11000 ડોલર એટલે આપ્યા કે એને થયું કે હું જે બીયર મારા રેસ્ટોરંટમાં પીરસીને કમાયો છું તે બીયરનાં બનાવનારને મારે કાંઇક મદદ તો કરવી જ જોઇએ. ત્રીજું કારણ છે કે ઉમદા હેતુ હોય એવી યોજનાને મદદ કરવી એ લોકોનો સ્વભાવ છે. અહીં ટ્રક દ્વારા બીયરની હેરફેર થાય એમાં તો વાયુ પ્રદૂષણ થાય. પાઇપ દ્વારા કરીએ તો ટ્રાફિક ટાળી શકાય. એક સારો ઉદ્દેશ્ય. એક સારું પ્રયોજન. એટલે પૈસા દેવામાં વાંધો નહીં. અને ચોથું કારણ એ કે કંઇક દઇને આપણે સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની ભાવના. અગાઉ કહ્યું તેમ બ્રુસ ઐતિહાસિક નગર છે. બીયરની ભઠ્ઠી પણ ઘણી જૂની. એક ઐતિહાસિક વારસો. અન્ય બધી ફેક્ટરીઓ સમયાતંરે દૂર શિફ્ટ થઇ ગઇ. આ બ્રુસ ઝોટ(અર્થ:બ્રુસનાં ગાંડાઓ) બીયર બનાવતી ફેક્ટરી જ બચી ગઇ છે. નગરનાં નામ સાથે જોડાયેલી બીયર. જે શહેરનું નામ જ બ્રુસ એટલે કે બ્રિજ હોય એ તો જોડવાનું જ કામ કરે, નહીં કે તોડવાનું. અને એ રીતે નાગરિકો પોતાનાં શહેર માટે, પોતાની કમ્યુનીટી માટે ગાંડપણ(ઝોટપણ!) પણ કરે. અને નાણાં ભેગા થઇ જાય.

સામાન્ય રીતે સ્ટાર્ટ-અપ કંપનીઓ, કલાકારો કે દાનધર્માદા સખાવતી સંસ્થાઓ નાણાં માટે ક્રાઉડફન્ડિંગ કરતી હોય છે. ઇન્ટરનેટ પર આર્ટિસ્ટશેર, ઇંડિગોગો, પોઝિબલ, કિકસ્ટાર્ટર જેવી વેબસાઇટ્સ છે જે તમારા વતી આવી ટહેલ નાંખવાનું કરે છે. અલબત્ત દાન માંગનારની વિશ્વાસનીયતા ચકાસે છે. એની ફી પણ એ લીએ છે. આમ છતાં છેતરાવાનાં ચાન્સ તો છે જ. પણ દેનારા માને છે કે આપણે તો બ્રાહ્મણને લોટો આપીએ, પછી એ પૂજામાં વાપરે કે……. કોને ખબર?

આ બધા આપે છે તો કાંઇ વિચારીને જ દેતા હશે એ ટોળાનાં શાણપણને અનુસરીને દઇ દેવું? કે પછી ટોળાંને અક્કલ ન હોય એમ માનીને ન દેવું? એ તો ખબર નથી પણ…. ઘરાક જોઇને પડીકાં બાંધવા જોઇએ. બીયરનાં ગરાડી હો તો બોટલે બોટલે ડાયરા કરવામાં વાંધો નથી. સામા પક્ષે કોઇ યુવાન પોતાનાં તેજ વિચારને મૂર્તિમંત કરવા માંગતો હોય તો કાઉડફન્ડિંગ ઇઝ અ ગૂડ આઇડિયા. બાકી બેન્ક્સ પાસે લોન લેવા જાવ તો હજાર સવાલ પૂછે. અને આપણે કાંઇ માલ્યા થોડાં છીએ?! આ સંજોગોમાં ઇ-ટહેલ નાંખી ક્રાઉડફન્ડિંગથી પૈસા મેળવી શકાય. પૈસાનાં અભાવને કારણે કાંઇ રહી જાય એવું હવે રહ્યું નથી.

 ૦૧૧

શબ્દ શેષ:

ક્રાઉડફન્ડિંગ માત્ર પૈસા એકઠાં કરવાનો કીમિયો નથી. જેને તમારામાં વિશ્વાસ છે એવા ટોળાંનો સાથ લઇને કંઇક કરવાનું નામ છે ક્રાઉડફન્ડિંગ. સામાન્ય લોકો, ધનાઢ્ય નહીં હોય એવા લોકો, જેમની પાસે સત્તા નથી એવા, મારા તમારા જેવા લોકો, ક્રાઉડફન્ડિંગને સફળ બનાવે છે.”  –ક્રાઉડફન્ડિંગથી સર્જેલા બેલ્જિયન ઓનલાઇન ‘ચાર્લી મેગેઝીન’ની પ્રણેતા જોઝેફિન ડાઇલીમન્સ

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s