ભરી કેસરીયા કેસુડાં પ્યાલે નર્યા ફાગણ ને ચૈતર પીધાતાં ડૉ. જગદીપ નાણાવટી

“હોલી કબ હૈ? કબ હૈ હોલી?…” મેં ગબ્બરસિંહની અદાથી સવાલ પૂછ્યો. સાંભા તો હતો નહીં. કોકિલાએ જવાબ આપ્યો, “વિશ્વ રંગભૂમિનાં દિવસે…” રંગ, રંગભૂમિ, વ્રજ, ગોકુલ, કાનજી, રાધા… મારી કોકિલા મને હાથ પકડીને વિચારોનાં વૃંદાવનમાં વિહાર કરવા ઢસડી જાય છે. આ એની ક્ષમતા છે. રંગનો તહેવાર અને રંગભૂમિ દિનનાં સંગમને સાંકળી લેવાની વાત કોકિલા કરે છે. પણ મારા મનમાં આસારામ છવાયા’તા. આસારામ ફાયર બ્રિગેડની હોસ-પાઇપ લઇને સ્ટેજ પરથી લાલપીળા રંગે ભક્તભક્તાણીઓ સાથે હોળી રમે તેમાં છાપાવાળાઓ લાલપીળા થઇ ગયા. દુષ્કાળની સ્થિતિ, પાણીની કિલ્લત અને એમાં હોળી રમીને અડધા લાખ લીટર પાણીનો બગાડ? નાગપૂરમાં આસારામ હોળી રમ્યા તેમાં નાગપૂરની મહાનગરપાલિકાએ પાણીનાં કોમર્શિઅલ ઉપયોગ ગણીને આસારામને દંડ કર્યો. પણ પછી આસારામ નવી મુંબઇમાં ફરી હોળી રમ્યા. અને રમતા પહેલા મિડિયાને ગાળો દીધી હતી એટલે તે પછી એમના ભક્તો અને મિડિયાકર્મીઓ વચ્ચે ધબાધબી પણ થઇ. પાછા આસારામનાં પ્રવક્તા નિલમ દૂબેએ કહ્યું કે આ તો પલાશ, તુલસી, લીમડો અને ગંગાજલનું મિશ્રણ છે. ભક્તો માટે એ પ્રસાદ છે. એનાથી ઠંડક પહોંચે છે, ચામડીનાં રોગ મટે છે, ડિપ્રેશન દૂર થાય છે. આને કહેવાય લાજવાને બદલે ગાજવું. આખરે મહારાષ્ટ્ર સરકારે પાણીનાં બગાડ સામે પ્રતિબંધ મુક્યો. મને લાગે છે કે હવે આ બધું અટકશે. સરકાર સાચી છે. સરકારની વાત સાચી છે. મહારાષ્ટ્રમાં 1972 પછીનો સૌથી કારમો દુષ્કાળ છે. એમાં ધર્મનાં આડમાં પાણીનો બગાડ?- એ કેવી રીતે ચાલે?
રાજકોટમાં રાષ્ટ્રિયશાળામાં કવિ મિત્રોએ કવિ શ્રી સંજુ વાળાની અધ્યક્ષતામાં બુધસભા શરૂ કરી છે. કેટલાંક મિત્રો સાચૂકલા કવિ છે. કેટલાંક મિત્રો કવિ જેવા છે. કવિ અથવા… કવિ જેવા આ મિત્રો દર બુધવારે ભેળા થાય અને ભોળા ભાવે કવિતા અથવા… કવિતા જેવું કાંઇક રજૂ કરે. કેટલાંક શીઘ્રકવિઓ છે; જે પોતાનાં આંતરમનમાં ઊઠતા તરંગોને આ-કવિતા-છે એમ કહીને રજૂ કરે. એક ચોક્ક્સ કવિતાનાં એક્ઝેટ શબ્દો તો યાદ નથી પણ.. એ નવોદિત વડીલ કવિ મિત્રે રાજકોટની પાણીની સમસ્યાનાં સંદર્ભે આ વર્ષે હોળી કેવી રીતે રમવી? એવી યક્ષપ્રશ્ન સભર કવિતા રજૂ કરી, પોતાનો ખેદ વ્યક્ત કર્યો હતો. કવિતામાં ભલે કોઇ ઠેકાણાં નહોતા. પણ એમની વાત સાચી હતી. મને લાગે છે કે આસારામે જો આ કવિતા સાંભળી હોત એમણે પાણીથી હોળી રમવાનું ટાળ્યું હોત.
હશે ભાઇ, જેવી જેની મતિ અથવા જેવી જેની કુમતિ.. હોળી રમીને પાણીનો બગાડ થાય, ઘર ગંદા થાય, શરીર રંગીન થાય પણ પછી આવી રંગીન મિજાજી કાંઇ બારમાસી ચાલે નહીં. સ્નાન કરવામાં ય પાણી ઘણું બગડે. જાવ નથી રમતા હોળી. કોકિલા કહે, “તું આવો ‘ને આવો રહ્યો. દિવાળીએ ફટાકડા ફોડવાની ના પાડતો લેખ લખ્યો, હવે હોળી રમવાની ના પાડે છે.” મેં કહ્યું, “હું ઉજવણીનો લગીર ય વિરોધ નથી કરતો. પણ સુકી હોળી ન રમી શકાય?” કોકિલાને એ ગમ્યું, મને કહે ,”…તો પછી..તિલક હોળી રમીએ?” બજારમાં જે કોઇ રંગ મળે છે એમાં હવે કેમિક્લ્સ ભર્યા હોય છે. ચામડી અને વાળ માટે હાનિકારક છે. તો ઇકો ફ્રેંડલી હોળી કેવી રીતે રમાય? કોકિલા પાસે સ્યોર સજેશન છે. પાલક, ફૂદીનો અને લીમડાનાં પાન મિક્સરમાં પીસી નાંખો, કુદરતી લીલો સુકો રંગ તૈયાર. ગલગોટાનાં ફૂલ સુકાવવાનાં, પણ તડકામાં નહીં, છાયામાં. એને વાટો ત્યારે થોડી હળદર ઉમેરો એટલે પીળો રંગ તૈયાર. લાલ રંગ માટે બીટને ઝીણો સમારી પાણીમાં ઉકાળો. રાત ભર રહેવા દો એટલે લાલ ચટાક રંગ તૈયાર. કાળા રંગ માટે કાળી દ્રાક્ષ અને આમળાને છીણીને પાણીમાં ઉકાળવાનાં, ઠંડા પડે એટલે કાળો રંગ તૈયાર. કુદરતી રંગોમાં આપણા કેસૂડા તો ખરા જ. કૃષ્ણ ભગવાન ક્યારે પણ કેમિકલ રંગોથી હોળી રમ્યાનું સાંભળ્યું છે? કોકિલાએ તો કુદરતી રંગો માટે કેસર અને ચંદનનું સુચન કર્યું હતુ, પણ પછી મોંઘવારીનો ય વિચાર કરવો પડે ને?
સૌથી સારું તો નીંદરમાં અને તેમાં આવેલા સપનામાં હોળી રમવાનું, કોઇ ખર્ચ નહીં, કોઇ બગાડ નહીં, કોઇ નુકસાન નહીં. પણ એવા સપના તો કોઇ નસીબવંતાને જ આવે…ખરું ને?!!!!
કલરવ:
અમે નીંદરડી ગામે ગિયાતાં
તીંયા શમણાના રંગે રંગાતા
નથી પિચકારી, ડોલ કે ઘડુલા
નરી લાગણીથી લથ બથ ભિંજાતા
જરી મુઠ્ઠી ગુલાલ અંગ છાંટ્યો
ત્યાં તો પાલવની પ્રિતે બંધાતા
તમે રમઝટની હોળી પ્રગટાવી
અમે સળગેલા હાથે ઉભાતાં
બધા મસ્તીને માંચડે ચડીને
પછી કોલોવરી કોલોવરી ગાતાં
ભરી કેસરીયા કેસુડાં પ્યાલે
નર્યા ફાગણ ને ચૈતર પીધાતાં
ડૉ. જગદીપ નાણાવટી”

1 ટીકા

Filed under Uncategorized

One response to “ભરી કેસરીયા કેસુડાં પ્યાલે નર્યા ફાગણ ને ચૈતર પીધાતાં ડૉ. જગદીપ નાણાવટી

 1. બધા મસ્તીને માંચડે ચડીને
  પછી કોલોવરી કોલોવરી ગાતાં
  ભરી કેસરીયા કેસુડાં પ્યાલે
  નર્યા ફાગણ ને ચૈતર પીધાતાં
  ડૉ. જગદીપ નાણાવટી”

  સરસ લેખને અંતે મુકેલ સરસ કાવ્ય ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s