સ્વયંપાકી બનો, સ્વસ્થ રહો. .પરેશ વ્યાસ

0000

 

સ્વયંપાકી બનો, સ્વસ્થ રહો.
બા નવી નવી ‘ડિશ’ શીખવા ‘cooking class’માં ગઈ નહોતી
છતાં ઇંગ્લિશ નામ ખડક્યા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.                                                                                                                                                                                                                                                  – વિપિન પરીખ; ‘પ્રેમને કારણો સાથે’માં

બાએ બનાવેલું ભોજન ભાવે છે કારણ કે એમાં ભારોભાર પ્રેમ સમાયેલો છે. બાનો પ્રેમ જેમાં ઇન્ગ્રીડિઅન્ટ ન હોય એવા બજારુ રેડી-ટૂ-ઇટ કે રેડી-ટૂ-કૂક ફૂડ જીભને કદાચ ભાવે પણ એ અમૃત તો ક્યાંથી બને? ફેક્ટરીમાં મશીનો જે ફૂડ બનાવે એ તો કેવું હોય? એ ક્યાં, કેવી રીતે, કયા વાતાવરણમાં અને કેવી કેવી સામગ્રીમાંથી બનાવાયો, કોને ખબર? રેસ્ટોરંટમાં રાંધતા રસોઇયાઓની આંગિકમ સ્વચ્છતા કેવી હોય અને કેવી નહીં? એનાં વિચારો દુણાયેલા હોય તો એની ખિન્નતા ખોરાક વાટે આપણામાં પ્રવેશી જાય. આવા જંકફૂડ આરોગવાની ટેવ હોય પછી સ્વાસ્થ્ય ક્યાંથી સુધરે? પછી…… શરીર હોરિઝોન્ટલ વધે. સ્ટ્ર્રેસ તો હોય જ. અને કસરત માટે સમય ન હોય. એટલે ડાયાબીટિસ, હાઇપરટેન્સન અને હાર્ટએટેક… આ ટાળવા ડાયેટિંગ કરવાની જરૂર નથી. સ્વયંપાકી થઇ જાવ.

જાતે રાંધવાનો તો ટાઇમ જ ક્યાં છે? અને અમે રહ્યા મરદ, બૈરાંનાં કામ વળી અમે કરીએ? અને રસોઇ અમને ના આવડે. આપણે બહાનેબાજ છીએ. અરે ભાઇ, બિઝી માણસ પાસે જ ટાઇમ હોય છે, નવરાંને તો ઘડીની ય ફુરસદ હોતી નથી! એટલે સમયનું બહાનું કાઢશો નહીં. વર આગલા રૂમમાં આરામખુરશીમાં બેસીને છાપું વાંચે અને બૈરી રસોડામાં રાંધે, એ જમાના ગયા. ડ્રોઇંગ રૂમ અને કિચન વચ્ચેની દિવાલ તોડી નાંખો અને જુઓ કેવું અદભૂત તારામૈત્રક રચાય છે! અને પુરુષને રાંધતા ન આવડે? જુઓને, માસ્ટરશેફનાં તમામ કૂકિંગ એક્સપર્ટસ્ ભાયડા જ તો છે.  જાતે રસોઇ રાંધવાનાં અનેક ફાયદા છે. તમે જાણી શકો કે ખાવાનામાં શી શી સામગ્રી વપરાઇ? અને તે ય કયા પ્રમાણમાં? તમે પોતે હાથ ધોઇને રાંધો, વાસણ પણ ચોખ્ખા, શાકભાજીને પણ સાચા અર્થમાં ‘સુધારો’ એટલે બધું હાઇજીનિક બની જાય. તેલનો ઉપયોગ ઘટાડી શકાય. ખાંડગોળ સાવ ઓછા. મરીમસાલા સ્વાદાનુસાર. એટલે જે બને એ ક્વોલિટી ફૂડ. અને થોડા દિવસોનાં અનુભવ પછી ક્વોન્ટિટી ય ખબર પડી જાય. વધારે બને નહીં એટલે વધે નહીં. આપણને ફૂડ ફેંકી દેવું ગમતું નથી એટલે અન્નદેવતાનાં અપમાન ન કરવાનાં બહાને દાબી દાબીને ખાઇએ છીએ અને પછી પાચકચૂરણ શરણમ ગચ્છામિ થવું પડે.

આજકાલ મોટા ઘરની વહુઓ રાંધવામાં આળસુ બની ગઇ છે. ધણીઓ તો પહેલેથી જ જડસું હોય છે. પછી રસોઇઓ રાખવો પડે; જે સવાર પડે ને ઘરે આવીને પકાવે. ક્યાંક ઝઘડીને આવ્યો હોય કે વિચારે દરિદ્રી હોય તો એની બનાવેલી રસોઇ ખાનારાઓનાં મન, વચન અને કર્મ પણ પ્રદૂષિત થાય. વળી એ તો જતો રહે પછી ખાવા ટાણે ટાઢું ખાવાનું ફ્રીજમાંથી કાઢી ફરી ગરમ કરીને ખાવાનું. જેટલી વખત ખાવાનું પ્રોસેસ થાય એટલા પોષક દ્રવ્યો ઘટે. તૈયાર બજારુ ખાવાની પણ આ જ તકલીફ છે. એ પોષક આહાર ક્યાંથી હોય? ગરમ થાય, ઠંડા થાય, સંગ્રહાય, પોટલાં બંધાય, હેરફેર થાય; એમાં કેટકેટલી ઉર્જા વેડફાઇ જાય. પોષક દ્રવ્યો નામશેષ થાય. સ્વયંપાકી એટલે સ્વનિર્ભરતા. મલ્ટીનેશનલ કંપનીઓને ટામેટામાં નહીં પણ  ટામેટા-કેચઅપમાં રસ છે. આ ગુલામી છે.

મોબાઇલ ફોન મનગમતી પ્રવૃત્તિ છે, પણ એનો આનંદ બે જ્ઞાનેદ્રિયો, આંખ(દેખવું) અને કાન(સુણવું) પૂરતો સીમિત છે. એની સરખામણીમાં સ્વયંપાકીતા એક કમ્પ્લીટ આહલાદક અનુભવ છે. સ્પર્શ, સુગંધ અને સ્વાદ પણ એમાં શામેલ છે. ધણીઓ પોતાની બેટરહાફ ધણિયાણીઓ માટે અને ધણિયાણીઓ એમનાં વર્સ્ટહાફ(!) ધણીઓ માટે પકાવે તો… વાહ! ક્યા બાત હૈ. ધીમે તાપે રસોઇ થાય. રસોઇઘર-કમ-દીવાનખંડમાં સંગીત સુરાવલિ વચ્ચે જન્મજન્માંતરનાં પ્રેમીઓ અલકમલકની વાતો કરતા જાય. ક્વોલિટી ફૂડ રંધાય અને સાથે મળીને ખવાય; એનાથી મોટું સુખ બીજું કયુ? જેનાં અન્ન ભેગા એનાં મન ભેગા.

રેસ્ટોરાંમાં ખાવા પર 14.5% સર્વિસ ટેક્સ હતો. આ મહિનાથી વધારાનો 0.5% કૃષિ કલ્યાણ સેસ ઉમેરાયો. મારું ચાલે તો રેસ્ટોરાં પર વધારાનો 5% સ્વયંપાકી કલ્યાણ સેસ ઝીંકી દઉં. ઘા ભેગો ઘસરકો, તંઇ શું?    

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “સ્વયંપાકી બનો, સ્વસ્થ રહો. .પરેશ વ્યાસ

  1. જો મને રાંધવાનું સૂચન ન કરાયું હોય તો આ લેખ ખૂબ સરસ છે.

  2. ઘરકા ખાના – સબસે અચ્છા ખાના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s