Daily Archives: જૂન 21, 2016

આવ રે વરસાદ…પરેશ પ્ર વ્યાસ

.

આવ રે વરસાદ…
કોણ વરસાદનું કદ જુએ છે?
કોણ છાંટાનાં નિરખે ઠઠારા?

કોણ જુએ છે રેલાની દાનત?

કોણ જાણે છે ઝીણા મૂંઝારા? –રમેશ પારેખ

‘કેરળમાં ચોમાસુ બેઠું, એક મર્યો’ એવી સમાચાર હેડલાઇન વાંચીને રાજી થવું કે શોક મનાવવો? -એ સમજાયું નહીં. વરસાદમાં સાવચેતી રાખવાની અગમચેતી રાખવી કે પછી ભીની ભીની ઋતુને કોઇ પણ ભોગે ભોગવી લેવી? અર્વાચીન ચિંતન એ છે કે કવિતાનાં રવાડે ચઢવું નહીં. કાળજી લેવી, તનની અને મનની, ખોંખોંની, હાક્કછીની, ટાઢિયા તાવની, (એકાં)તરિયા તાવની. અંધરાયેલું આકાશ, સૂર્યપ્રકાશનો અભાવ. મન ખિન્ન રહે અને પછી નિરાશા, હતાશા..ઊફ યે બરસાત… અને તેમ છતાં વરસાદી ઋતુ મને પ્રિય છે.

વરસાદનું પંચામૃત વરસે ત્યારે શરીરની પાંચે ય ઇન્દ્રિયો સાગમટે રમણે ચઢે. ઘોર ગરમીનાં કારપેટ બોમ્બિંગ પછી મન મુકીને વરસાદ પડે ત્યારે કુણી કુણી લાગણીઓ બિલાડીનાં ટોપની માફક મશરૂમી ઊઠે છે. આપણે સૌ બારીની બહાર જોતા જ રહી જઇએ. વૃક્ષ ઉપર કે પછી સુક્કી ધરા ઉપર રૂમઝૂમ થતું વરસાદી અવરોહણ અનિમેષ નજરે જોયા કરવાનું બાળસહજ કુતૂહલ આપણો પીછો છોડતું નથી. વરસાદી પાણીનાં સ્પર્શમાત્રથી ઉર્ધ્વીભૂત થયેલી માટીની ગંધ એવી તો માદક છે કે કોઇ પણ પરફ્યુમ કે ડીઓડરન્ટ એની સામે પાણી ભરે! વરસાદમાં ધંધા પાણી હળવા હોય. ભણવાગણવામાં ય મનગમતી મંદી હોય. વરસાદી ભેજમાં ભલભલાં ભણેશરીઓ ભણવાનાં નામે શુષ્ક બની જાય. દે-માર પડતો વરસાદ હોય અને આપણે બાલ્કનીમાં બેસીને રેઇન્ફી(રેઇન+સેલ્ફી) ફોટા પાડીએ, અપલોડ કરીએ. આ તો વર્ચ્યુઅલી ભીંજાવાની વાત! ફિલ્મી નટનટીઓનાં અનેક કિસ્સાઓ આપણી આંખ સામેથી ચલચિત્રની માફક પસાર થઇ જાય. ભારતભૂષણ-મધુબાલાની ‘બરસાત કી રાત’(1960)નાં જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત-થી લઇને ..ટાઇગર શ્રોફ- શ્રદ્ધા કપૂરની ‘બાગી’(2016)નાં નાચું મૈં આજ છમછમ છમછમ… સુધી. આ વરસાદ પ્રેમીઓને મળવા મળાવવાનાં કેવા કેવા કાવતરાં કરે છે. હેં ને? અને જો એમ ન કરી શકાય તેમ હો તો કો’ક પુસ્તકમેળામાંથી ખરીદેલી પણ ઇ-ગેજેટ્સનાં બંધાણનાં કારણે નહીં વાંચેલી કુંવારી ચોપડીઓનાં કૌમાર્યભંગ કરવાનો મોકો ય જવા દેવા જેવો નથી. વાંચનનાં વિકલ્પે ભૂરાદાંત(!)ની મદદથી હેડફોની કાનનાં દિવાન-એ-ખાસમાં સરસ મઝાનાં ગીતસંગીતનો જમાવડો કરી જલસો ય કરી શકાય. અને સ્વાદેન્દ્રિયને તો કેમ રે ભૂલાય? વરસાદ આવે તો કેટકેટલી ય ગરમાગરમ વાનગીઓ યાદ આવી જાય. ભજીયાં અને સરસિયા ખાજા તો ખાઇએ જ. પણ આદુવાળી ચા, ગરમાગરમ સૂપ નૂડ્લ્સ, શેકેલા મકાઇ કે આલૂપરોઠાંને પણ આપણાં આસ્વાદનો અધિકાર છે. કવિ ભગવતીકુમાર શર્મા ભલે લખે કે ઘરમાં રહું ને તોય ભીજાવું સોંસરવી એવો રે વરસાદ ક્યાંથી લાવવો? આજકાલ ઘરમાં રહીને વરસાદને વર્ચ્યુઅલી છાતી સોંસરવો માણીએ અને ઘરની બહાર નીકળી પડવામાં પણ બાધ નથી. વરસાદ પડે એટલે લોકો નદી, નાળે, તળાવે દોડી જાય છે. ક્યાંક ડેમ, રીવરફ્રન્ટ કે પછી સ્વિમિંગપૂલમાં તબદીલ થયેલા અન્ડરપાસ પર લોકો ભેગા થઇ જાય. રંગીન વરસાદી પહેરવેશ, અવનવા જેકેટ્સ, હેટ્સ/બૂટ્સની વિશાળ શ્રેણી.. કોઇ પાર્ટીમાં જતા હોઇએ એમ આપણે વરસાદને માણવા જઇએ. રેઇનકોટ ય આજકાલ ડીઝાઇનર્સ રેન્જનાં મળે છે. છત્રી ય મેઘધનૂષી રંગોની હોય. એ જમાના ગયા જ્યારે છત્રી માત્ર કાળી હતી. ભારે પવન ભરાવાથી ઊંધી થતી તો આપણે કહેતા કે છત્રી કાગડો થઇ ગઇ. હવેની રંગીન છત્રી પવન ભરાવાથી ઊંધી થાય તો એ છત્રી મોર થઇ જાય, મકાવ કે પછી કિંગફિશર ય થઇ જાય!
અને હા, એવું એક વરસાદી એટીએમ હોવું જોઇએ જેમાં ડેબિટ કાર્ડ ઘાલીએ, પિન નંબર દબાવીએ તો માંગ્યા મુજબનાં પાંચસો, હજાર રૂપિયાની કાગદી નોટ્સની જગ્યાએ એટલી રકમનાં ચલણી સિક્કા ખણખણ કરતા દડી પડે. સિક્કાનાં બે ફાયદા. વરસાદમાં નોટોની માફક પલળીને પૂરણપોળી થઇ જાય, એવો ખતરો નહીં. અને પાતળી વ્યક્તિનાં ખિસ્સામાં હોય તો કાઉન્ટર વેઇટની ગરજ સારે. વાવાઝોડાંમાં ઊડતા રોકે!

અમેરિકન કવિ હેન્રી લોન્ગફેલો લોન્ગ એગો કહી ગયા કે વરસાદ પડતો હોય ત્યારે જે શ્રેષ્ઠ કામ આપણે કરી શકીએ તે એ છે કે આપણે વરસાદને પડવા દઇએ! હેં ને?

5 ટિપ્પણીઓ

Filed under Uncategorized