આજે એન્ટિ-ડ્રગ્સ ડે…પરેશ પ્ર વ્યાસ

૧આજે એન્ટિ-ડ્રગ્સ ડે…

હદ્દે ઔર સરહદે યે સારી પાર કર ગયા
પહલે મઝા ઔર ફિર મઝાર કર ગયા
મૌતકા વ્યાપાર, તલબ બારબાર
હરકહીં ઇસકી વાર, આર યા પાર
પીલે પતંગોમેં ઊડતા પંજાબ …                                                                                                        –ગીતકાર: શેલી, ફિલ્મ: ઊડતા પંજાબ

પંજાબ કેમ ઊડે છે? સરહદ પાર ઊડીને આવતા નશીલા દ્રવ્યોની નાગચૂડમાં ફસાયેલું યુવાધન બરબાદ થઇ ચૂક્યુ છે. અને આજે 26 જુન માદક દ્રવ્ય દુરુપયોગ એવમ્ અવૈધ વ્યાપાર વિરોધી આંતરરાષ્ટ્રીય દિવસ છે. ગુજરાતી(!)માં કહીએ તો એન્ટિ-ડ્રગ્સ ડે છે.

ડ્રગ એટલે ફૂડ સિવાયનો કોઇ પણ પદાર્થ જે સુંઘીને, ફૂંકીને, ખાઇને, પીને, સોય ઘોંચીને, કે ત્વચા દ્વારા શોષીને શરીરમાં દાખલ કરાય તો હંગામી ધોરણે જલસો થઇ જાય. દિમાગ જ્ઞાનતંત્રનું કારભારી છે. આપણે શીરોપુરી કે પછી પિત્ઝાબર્ગર ખાઇએ તો મઝા આવે કે કારણ કે સંદેશાવાહક(ન્યુરોટ્રાન્સમીટર) નામે ડોપેમિન જીભનો લસલસતો સ્વાદ-સંદેશો દિમાગ સુધી પહોંચાડે છે.  આવા કુદરતી પ્રમાણસરનાં ડોપેમિનની જગ્યા તફડાવીને ડ્રગ્સ તરકટી ડોપેમિનનાં ફુવારા ઊડાડે છે. એટલું ડોપેમિન પેદા થાય કે એમ જ લાગે કે ડ્રગ્સ એ જ સત્ય છે; જગત આખું મિથ્યા છે. અનેકગણો જલસો થઇ જાય. પછી એની ટેવ પડી જાય. દિમાગની પોતાની રીવોર્ડ સિસ્ટમ(સત્કર્મ વળતર યોજના) છે. સ્વાદિષ્ટ ખાઇએ, પીએ તો દિમાગ એનું વિશ્લેષણ કરે અને એને બધુ બરાબર લાગે તો એવી વસ્તુ વારંવાર કરવા એ આપણને પ્રેરણા આપે. પણ શરીરમાં દાખલ થતું ડ્રગ્સ દિમાગને ઊંધા પાઠ પઢાવે. એ કહે કે જે મઝા ડ્રગ્સમાં છે, તે બીજે ક્યાંય નથી. વ્યસની પછી એમ માનવા માંડે કે કુદરતને જો હમકો બક્ષા હૈ, વો સબસે હસીન ઇનામ હૈ યે. પછી તો ડ્રગ્સ મળે તો જ ગમે, નહીં તો ઉદાસીનતા મનને ઘેરી વળે. માનસિક, શારીરિક અને સામાજિક રીતે એની ઘેરી અસર પડે. અંતે નિર્ણય લેવાની શક્તિ, વર્તણુંક નિયંત્રણ, યાદદાસ્ત, ભણતર બધું જ તહસનહસ થઇ જાય. ડ્રગ્સ એટલે બરબાદી.

ચરસી ગંજેરી લોકો બિગડે બાપકી બિગડી ઔલાદ જ હોય એવું જરૂરી નથી. બાપાએ એક લાફો માર્યો હોત તો બગડત નહીં એવું માનવું નહીં. ડ્રગ્સનું શેતાની નેટવર્ક જડબેસલાક ફેલાયેલું છે. ડ્રગ્સનું બલ્ક પ્રોડક્શન કદાચ સહેલું હશે પણ એનું માર્કેટિંગ ભારે આંટીઘુંટીવાળુ છે. નવા સંભવિત નશેબાજ ગોતવા અને રીઢા નશેબાજ સુધી ડ્રગ્સ પહોંચાડવાની વ્યવસ્થા ફૂલપ્રૂફ હોય છે. શાળા કોલેજ કે રહેણાંક વિસ્તારની બહાર પાનનો ગલ્લો કે રેંકડી પર નિયમત રીતે નશીલો પદાર્થ મળે છે. પહેલાં સેમ્પલ સાવ મફત આપે. પછી ચસકો લાગે એટલે આજે ઉધાર અને રોકડાં કાલે…એમ એની ચકડોળ ચાલે. જો રેંકડીગલ્લાવાળો નશીલા દ્રવ્ય વેચવાનો ઇન્કાર કરે તો રેંકડી જ ઉપડી જાય. તંત્ર આટલી હદ સુધી સડેલું છે. એટલે બચકે રહેના રે બાબા, બચકે રહેના રે! અને તેમ છતાં ટેવ પડે તો એનાં ઇલાજ છે જેમાં રોગી જ નહીં એનાં સ્વજનની ભૂમિકા પણ એટલી જ અગત્યની છે.

છેલ્લે આભાર વિધિ. ‘ઊડતા પંજાબ’ ફિલ્મે ડ્રગ્સ વિરોધી જબરજસ્ત જનજાગૃતિ કેળવી છે. અનુરાગ કશ્યપનો આભાર જેઓ ભલે અસ્ખલિત ગાળ(વાચિક જુલાબ) જાળવી રાખવા માટે લડ્યા પણ આપણે આડકતરી રીતે ડ્રગ્સનાં વિષચક્ર વિષે માહિતગાર થયા. મીડિયા, ખાસ કરીને ઇંગ્લીશ ટીવી મીડિયાનાં એન્કર્સ(સૂત્રધાર, ‘લંગરિયા’ તો ન કહી શકાય!)નો આભાર કે જેમણે સેન્સરબોર્ડને વગોવ્યું; પણ પ્રચાર તો એન્ટિ-ડ્રગ્સ ફિલ્મનો થયો. ઘરે બેસીને સોશિઅલ મીડિયામાં સમરાંગણ ખેલતા ચડ્ડી-બનિયાનધારી નરબંકા નેટિઝનોનો આભાર કે જેમણે અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં નામે માદક દ્રવ્ય વિરોધી મુહિમને વાઇરલ પ્રસિદ્ધિ આપી. નામદાર મુંબઇ હાઇકોર્ટને કેમ ભૂલાય? જેમણે સેન્સર બોર્ડનાં વાંધા સામેનાં વાંધાને બહાલ રાખ્યો અને ઓર્ડર ઓર્ડર કહી કાતરનો જવાબ હથોડી(Gavel)થી આપ્યો. પહલાજ નિહાલાનીનો પહલેથી જ આભાર. એમણે કાતર ચલાવી જ ન હોત તો કોઇ વિવાદ થાત જ નહીં. પ્રસિદ્ધિ ય ક્યાંથી મળત? લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, આપ સૌનો આભાર કે જેમણે પૈસા ખર્ચીને સિનેમાહોલમાં અથવા ઇન્ટરનેટ પર ચોરાઉ(પાઇરેટાઉ!) ફિલ્મ જોઇ અને શીખ્યા કે નશાની બદી બધે ત્રાટકી શકે છે. સાવધાનીમાં જ સમજદારી.

1 Comment

Filed under Uncategorized

One response to “આજે એન્ટિ-ડ્રગ્સ ડે…પરેશ પ્ર વ્યાસ

  1. ડ્રગ્સ એટલે બરબાદી છે એ જાણવા છતાં લોકો એને છોડી નથી શકતા એટલા બધા એ આ વ્યસનના ગુલામ થઇ જાય છે.

    અમેરિકામાં જાણીતા ગાયકો અને સીને ક્લાકારો ડ્રગ્સના ખપ્પર માં જુવાનીમાં જ જાન ગુમાવી બેઠાના ઘણા દાખલા છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s