નાની સ્ટેટ: સંસ્કારી કે સિનકારી…/પરેશ પ્ર વ્યાસ

0

નાની સ્ટેટ: સંસ્કારી  કે સિનકારી….

કલરવોનું શું થયું?
કેમ કાગારોળ છે !

– અમૃત ઘાયલ

જો બોલે સો નિહાલાની-ની રંજાડ છે કારણ કે  ‘ઊડતા પંજાબ’માં ગાળની કાગારોળ છે. મુંબઇ હાઇકોર્ટનો ફેંસલો છે કે ફિલ્મમાં ગાળ સાંભળીને પુખ્ત વયસ્કો ગાળ બોલવા પ્રેરાય એવી સંભાવના નથી. કલાની અભિવ્યક્તિ માટે ગાળ બોલાતી હોય તો ભલે બોલાય. લોકોને નક્કી કરવા દો કે કાનમાં કીડા પડે એવા ભૂંડા બોલ સાંભળવા કે નહીં. આમ તો પહલાજ નિહાલાનીએ ચાર મહિના પહેલાથી જ ઇંગ્લિશ અને દેશી ભાષાની ચુનંદા ગાળની યાદી આપીને ફિલ્મ નિર્માતાઓને કહ્યું’તું કે આ ગાળ કોઇ પણ ફિલ્મમાં ન હોવી જોઇએ. આ યાદીમાં    ****   ,*****  ,*&*&
વગેરે શબ્દો શામેલ હતા. અમને યાદ છે કે શેક્સપિયરનાં ‘ઓથેલો’ પર બનેલી વિશાલ ભારદ્વાજની ‘ઓમકારા’ જોવા સહકુંટુંબ ગયેલાં અમારા એક મિત્રએ ચાલુ પિક્ચરે સિનેમાગૃહત્યાગ કર્યો હતો. સરસ્વતીચંદ્રનાં ગૃહત્યાગ પછીની આ બીજી શકવર્તી ઘટના હતી! અમારા મિત્ર આંધળી સંસ્કારીતાનાં પ્રચારક નથી. એમની વિચારસરણી જડ રૂઢિચુસ્ત પણ નથી. સમયનાં બદલાવને આવકારે છે, અપનાવે છે. તેમ છતાં ગાળનાં અસ્ખલિત ઉચ્ચારણને કારણે તેઓ આ ફિલ્મ જોઇ શક્યા નહોતા. અલબત્ત ‘ઊડતા પંજાબ’માં કેવી અને કેટલી ગાળ છે- એ તો ફિલ્મ જોઇએ ત્યારે જ ખબર પડે; પણ એ નક્કી કે પહલાજ નિહાલાની સંસ્કારિતાનાં ઠોસ ઠેકેદાર સાબિત થયા છે. ફિલ્મમાં મા-બહેનની ગાળ તો ના હોવી જોઇએ પણ મળતી માહિતી મુજબ એમણે ‘પંજાબ’, ‘જલંધર’, ‘અમૃતસર’, ‘એમપી’, ‘એમએલએ’, ‘પોલિટિક્સ’, ‘પાર્લામેન્ટ’, ‘પાર્ટી’ વગેરે શબ્દો પણ દૂર કરવા કહ્યા. આ તો હદ છે. હાઇકોર્ટે ચૂકાદો આપતા જાહેરમાં પી પી કરવાનાં માત્ર એક સીન પર કાતર ફેરવી (સ્વચ્છ ભારત મિશન અમર રહો!); બાકી બધા પર મંજુરીની મહોર મારી. અને કહ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન(સેન્સર બોર્ડ?!) દાદીમાની જેમ વર્તવાનું બંધ કરે. અનુરાગ કશ્યપે ગાયું હોત કે… દાદીઅમ્મા દાદીઅમ્મા માન જાવ- તો કદાચ પહલાજ નિહાલાની પહલેથી જ માની ગયા હોત. પણ તેમણે  બોર્ડને હાઇકોર્ટમાં પડકાર્યું અને જીત્યા. ત્યાં ‘ઊડતા પંજાબ’ પંજાબની સાંસ્કૃતિક ધરોહર વિરુદ્ધ છે એમ કહીને કોઇકે એની રીલીઝને પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં પડકારી છે.  ભારત મારો દેશ છે; જે હવે વધારે ને વધારે ‘નાની સ્ટેટ’ બનતો જાય છે, એવો અભિવ્યક્તિની સ્વતંત્રતાનાં હિમાયતીઓનો આરોપ છે. શું છે આ નાની સ્ટેટ(Nanny State)?

નાની સ્ટેટ બ્રિટિશ ઇંગ્લિશ શબ્દ છે. નાની એટલે બાળકની ધાવમાતા કે આયા. બાળકનું ધ્યાન રાખનારી સ્ત્રી. ‘આમ નહીં કરવું’, ‘તેમ તો નહીં જ ચાલે’, એવા ઉચ્ચારણો એનાં મુખેથી બોલાતા રહે. કારણ કે બાળક તો બાળક છે. એનાં પોતાના માટે શું સારું? શું ખરાબ?- એની ખબર એને પોતાને ન જ હોય.  નાની સઘળું ધ્યાન રાખે; જેથી રાજા બેટા કે રાણી બિટીયા પોતાને જ નુકસાન થાય તેવું ન કરે. બગડી ન જાય. વ્યસની ન થઇ જાય. સ્ટેટ એટલે સરકાર. સરકાર આપણું ધ્યાન રાખે. આપણે બગડીએ નહીં એવી એની અદમ્ય ઇચ્છા. અને એટલે સંસ્કારનાં સિંચન કરવાનો કોઇ મોકો છોડે નહીં. આખરે સરકાર છે. પ્રજાનાં હિતની વાત તો એને હૈયે વસેલી જ હોય. નાની સ્ટેટ એટલે વધારે પડતી સરંક્ષક શાસન વ્યવસ્થા જે સામાન્ય માણસની વ્યક્તિગત પસંદગીમાં બિનજરૂરી દખલગીરી કરે. એવું માને કે પ્રજા તો બાળક છે અને એને આયાની સારસંભાળની જરૂર છે. સરકારની આવી વધુ પડતી સરંક્ષક નીતિની ટીકા કરતી વેળા પ્રથમ વાર નાની સ્ટેટ શબ્દપ્રયોગ વર્ષ 1965માં બ્રિટિશ એમપી ઇઆન મેકલોડે કર્યો હતો. 1980નાં દાયકાનાં બ્રિટિશ પૂર્વ પ્રાઇમમિનિસ્ટર આયર્ન લેડી માર્ગારેટ થેચર ‘નાની સ્ટેટ’નાં વિરોધી હતા. જો કે બ્રિટનમાં નાની સ્ટેટની નીતિ ચાલતી રહી. વર્ષ 2004માં થયેલા એક સર્વેક્ષણમાં ધુમ્રપાન કે ફાસ્ટફૂડનાં ઉપયોગ સામે લેવાયેલા સરકારી પગલાંની મોટા ભાગનાં લોકોએ સરાહના કરી.
સરકારની દખલગીરી ક્યાં સુધી?  કલાની અભિવ્યક્તિમાં વાસ્તવિકતા લાવવા નગ્નતા કે અશ્લીલતા લાવવી પડે. વેશ્યાગૃહનું દ્રશ્ય હોય તો દલાલ અને ગ્રાહક સુસંસ્કૃત ભાષામાં વાત ન જ કરે. એમાં ગાલીગલોચ શબ્દોનો પ્રયોગ જાયજ ગણાય. ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડનાં નિયમોનો શબ્દસહ અમલ હાસ્યાસ્પદ લાગે. એની સાપેક્ષ ઇન્ટરનેટ પર કોઇ પાબંદી નથી. આજકાલ ટૂંકી ફિલ્મ્સ વેબસીરીઝ તરીકે બિંદાસ રજૂ થાય છે. સંસ્કારી બાબુજી તરીકે સોશિયલ મીડિયા પર બહુ ગવાયેલા આલોકનાથ નવા સિનકારી અવતારમાં રજુ થયા છે. સિન એટલે પાપ. ધર્મપારાયણ વસ્ત્રો ધારણ કરીને તેઓ શ્રોતાઓને પૂછે છે કે સૂતા પહેલાં આપનામાંથી કોણ યોન કરે છે? પછી ફોડ પાડે છે કે એ ઇંગ્લિશ શબ્દ યોન(Yawn) એટલે બગાસાની વાત કરતા હતા. લો બોલો ! દ્વિઅર્થી અભદ્ર ઉચ્ચારણ.. સંસ્કારી કે સિનકારી?  લોકો બગડવાનાં હોય તો ઇન્ટરનેટથી જ બગડી જાય, ઊડતા પંજાબની રાહ જોવાની ક્યાં જરૂર છે?
સામે પક્ષે એ પણ સમજી લેવાની જરૂર છે કે પસંદગીનો અવકાશ હોય તો આપણે ખરેખર યોગ્ય નિર્ણય લઇએ છે ખરા? ખબર હોય તો ય સિગારેટ પીવાનું ક્યાં છોડાય છે? દારૂનું સેવન તો આજકાલ સંસ્કારી પરિવારમાં શિરસ્તો બની ગયો છે. હેલ્મેટ, સીટબેલ્ટ, સેલ્ફી પ્રતિબંધિત ઝોન, નો પાર્કિંગ વગેરે સરકારી નાનીપણાં આપણા જેવા બાળસહજ ભલાભોળા લોકો માટે જરૂરી છે. બળાત્કારનાં બનાવોમાં વધે છે કારણ પોર્ન ફિલ્મ્સ જોવી સરળ બની છે. વાતાવરણની પણ તો અસર થાય. કાપેલું સફરજન હવામાં કાળુ પડી જાય. હમણાં હરિયાણામાં શિક્ષિકાઓએ જીન્સ ન પહેરવાનો સરક્યુલર કર્યો, વિરોધ થયો અને સરકારે કહ્યું કે અમે એવો કોઇ સરક્યુલર કર્યો જ નથી. અલબત્ત જીન્સ પહેરવાથી કાંઇ બાળકનાં કુમળા દિમાગમાં આડઅસર ન થાય. પણ સાડી કે સલવાર કમીઝ પહેરે તો સારું  લાગે.  હરિયાણાને નાની સ્ટેટ તરીકેની ટીકા ગમતી નથી પણ સરકારની ટીકા કરવાની સૌને છૂટ.  સરકાર ‘નાની’ બને તો  ખોટી, ન બને તો નબળી! મેરા દેશ બદલ રહા હૈ!

આપણે સિંગાપોરનાં વખાણ કરતા થાકતા નથી. આધુનિક સિંગાપોરનાં ઘડવૈયા પૂર્વ વડાપ્રધાન લી યૂએ તો ખુલ્લેઆમ કહ્યું હતું કે સિંગાપોર જો નાની સ્ટેટ હોય તો મને ગર્વ છે મેં એવા દેશની નાનીની માફક માવજત કરી છે. એમણે કહ્યું હતુ કે “ મારી ઉપર વારંવાર આરોપ મુકવામાં આવ્યો છે કે હું મારા નાગરિકોનાં અંગત જીવનમાં દખલ કરું છું. હું કોઇ પણ જાતનાં પશ્ચાતાપ વિના કહેવા માંગુ છું કે જો મેં એમ ન કર્યું હોત તો સિંગાપોર આજે છે તેવું હોત નહીં. તમારી અંગત બાબતો, તમે કેવી રીતે જીવો છો, કેટલો અવાજ કરો છો, ક્યાં થૂંકો છો, કઇ ભાષા બોલો છો, તમારા પાડોશી કોણ છે વગેરે બાબતોમાં મેં દરમ્યાનગીરી ન કરી હોત તો આટલો વિકાસ શક્ય બન્યો ન હોત. જેને જે કહેવું હોય તે કહેતા રહે. શું સાચુ છે તે અમે નક્કી કરીશું.” નાની સ્ટેટ એ જે તમને તમારાથી બચાવે !00

 

 

શબ્દ શેષ: “જ્યાં સુધી બીજાને નુકસાન થાય એ રીતે તમે આનંદ કરો તો એમાં સરકારને કોઇ રસ ન હોવો જોઇએ. આ ફિલસૂફી નાની સ્ટેટની સરકારોને સમજાતી નથી.”  –કાલ્પનિક વિજ્ઞાનકથા ‘2083’નાં લેખક રોબર્ટ બ્રીઝ

0000

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s