કસાન્ડ્રા સીન્ડ્રોમ : સાવ સાચી ભવિષ્યવાણી પણ કોઇ માને નહીં.પરેશ પ્ર વ્યાસ

૦કસાન્ડ્રા સીન્ડ્રોમ : સાવ સાચી ભવિષ્યવાણી પણ કોઇ માને નહીં.

ચૉકના ટુકડાથી કંઇક તો લખું
જરા ડસ્ટરને સ્પર્શી લઉં હજુ એક વાર
આજનો સૂરજ આ ડૂબી જશે ને
કંઇક ડૂબી જશે પછી ગમતી સવાર                                                                                                      –‘નિવૃત્ત થતા શિક્ષકનું ગીત’ મુકેશ જોષી

રઘુરામ રાજન હંમેશા શ્રેષ્ઠ શિક્ષક રહ્યા હશે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આ શબ્દો છે. અર્થતંત્રની આંટીઘુંટી વડાપ્રધાનને સમજાવવામાં રઘુરામની કાબેલિયતની આ જાહેર પ્રશંસા હતી. હવે રઘુરામ રાજન ચિકાગો યુનિવર્સિટીમાં ફરીથી શિક્ષક બનવા જઇ રહ્યા છે. નિવૃત્તિ પ્રવૃત્તિ હોઇ શકે. રીટાયરમેન્ટ એ રી-ટાયર-મેન્ટ છે. નવા ટાયર, નવી રેસ. રીઝર્વ બેન્કનાં ગવર્નર તરીકે એમને કેટકેટલાં વિશેષણ મળ્યા. કોઇકે એમને રોકસ્ટાર કીધા, કોઇકે જેમ્સ બોન્ડ. કોઇકે એને બાજ પક્ષીની ઉપાધિ દીધી. અલબત્ત એમણે પોતે પોતાને લક્ષ્મીજીનું વાહન ઘુવડ કહ્યા. રાત આખી જાગે અને ધ્યાન રાખે એ ઘુવડ. કોઇક ટીકાકારે એને ગ્લૂમ એન્ડ ડૂમ ગાય(Gloom and Doom Guy)પણ કહ્યા. ભવિષ્યનું વિનાશકારી ચિત્ર સદાકાળ દોરતા રહેતા હોય એવા માણસ એટલે ગ્લૂમ એન્ડ ડૂમ ગાય. પણ રઘુરામ અર્થશાસ્ત્રનાં અગમનાં એંધાણને ઓળખી શકે છે. આ એ રઘુરામ રાજન છે કે જેમણે 2005માં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડનાં વડા તરીકે ભયંકર વૈશ્વિક મંદી આવશે એવી ભવિષ્યવાણી ભાખી હતી. ત્યારે બધાએ એ વાત હસી કાઢી હતી પણ વર્ષ 2008માં વિકસિત રાષ્ટ્રોની મંદી હકીકત બની. વર્ષ 1930ની ‘ગ્રેટ ડિપ્રેશન’ તરીકે ઓળખાતી ભયાનક આર્થિક મંદી પછીની સૌથી મોટી મંદી હતી આ.  અને આમ ભવિષ્યને પહેલેથી જોનારા અને જાણનારા રઘુરામ રાજનને આપણે સહદેવનાં સહોદર કહી શકીએ. આ જ કારણોસર એમનાં ધર્મપત્ની રાધિકા રાજન પતિદેવને પ્રેમથી ‘કેસી’ કહીને બોલાવે છે. કેસી એટલે કસાન્ડ્રાનું ટૂંકુ હુલામણું નામ. સહદેવની જેમ કસાન્ડ્રાને પણ ભવિષ્યની દરેક વાતનો ઇલમ પહેલેથી જ હતો. ભવિષ્યવાણીનું વરદાન. ફરક માત્ર એટલો સહદેવ કોઇ પૂછે તો જ ભવિષ્ય કહી શકતા હતા અને કસાન્ડ્રા ભવિષ્ય વિષે બધું જ સાફ સાફ કહી દેવા છતાં એને એવો શ્રાપ હતો કે એની ભવિષ્યવાણી કોઇ માનતુ જ નહીં. કોણ છે આ કસાન્ડ્રા?

ગ્રીક પૌરાણિક કથા અનુસાર ટ્રોયનાં રાજા પ્રાયમ અને રાણી હેક્યુબાનાં ઓગણીસ સંતાનો પૈકી એક હતી કસાન્ડ્રા. ક્યાંક એને એલેક્ઝાન્ડ્રા પણ કહે છે. દંતકથા અનુસાર ઘેરા તપખીરિયા વાંકડિયા વાળ, ઘેરી બદામી આંખોવાળી કસાન્ડ્રા બેહદ સુંદર છોકરી હતી અને અત્યંત બુદ્ધિશાળી પણ. પણ એને બધા ગાંડી કહેતા. એનું આ મનાતુ ગાંડપણ આભારી હતુ સંગીત, કલા, કવિતા, દૈવી સાક્ષાત્કાર, ધનુર્વિદ્યા, ઔષધિ, સુર્ય, પ્રકાશ અને જ્ઞાનનાં દેવતા એપોલોનાં કારણે. કહેવાય છે કે એણે એપોલો પાસે ભવિષ્યને

જોઇ શકાય એવું વરદાન માંગ્યુ. એપોલોએ દીધું. બદલામાં એપોલોની ઇચ્છા કસાન્ડ્રા સાથે સેક્સ સંબંધ બાંધવાની હતી પણ કસાન્ડ્રાએ ના પાડી. એપોલોએ નારાજ થઇને શ્રાપ આપ્યો કે તું ભવિષ્ય જોઇ પણ શકશે, બોલી પણ શકશે પણ તારું કોઇ માનશે નહીં. યુદ્ધમાં લાકડાનાં ઘોડા ટ્રોજન હોર્સમાં છૂપાયેલા દુશ્મન સૈનિકો અને ટ્રોયનાં પતનની આગાહી સહિત બધી જ ભવિષ્યવાણી કસાન્ડ્રાએ કરી હતી. પણ એનાં પિતા એને ગાંડી અને જૂઠડી ગણીને મહેલનાં પિરામીડ ઓરડામાં બંધ રાખતા. અતિજ્ઞાન એને માટે અભિશાપ અને ઘોર હતાશાનું કારણ બન્યુ હતું. એવું જ્ઞાન જે હોય સાચું પણ કોઇ માને નહીં તે પરથી શબ્દ આવ્યો ‘કસાન્ડ્રા સીન્ડ્રોમ’(Cassandra Syndrome) . એવી લાક્ષણિક ઘટના કે જેની ચેતવણી કે ચિંતાની જાણ આગોતરી કરી દીધી હોય પણ લોકો એને માને જ નહીં.  જા જા, એવું તે કાંઇ થાતુ હશે, જૂઠા કહીંકા…! એકલા રઘુરામ રાજન જ નહીં, વોરેન બફેટે પણ 1990માં શેરમાર્કેટનો પરપોટો ફૂટી જવાની આગાહી કરી હતી. પણ શેરબજારિયા માન્યા નહીં. પરપોટો ફૂટ્યો અને કંઇ કેટલા ધોવાઇ ગયા. અને તે પછી વોરેન બફેટને ‘વોલસ્ટ્રીટ કસાન્ડ્રા’નું ઉપનામ મળ્યું હતુ.  

રઘુરામ રાજને એનડીટીવીનાં ઇન્ટરવ્યૂમાં થોડા દિવસો પહેલાં જ કહ્યું’તું કે રચનાત્મક ટીકાનું સ્વાગત છે પણ અંગત ટીકા કે વ્યક્તિગત આરોપનો શો જવાબ દેવો? પણ જવાબ દીધો. દસ દિવસ પહેલાં શનિવારની સમી સાંજે ઇ-મેલથી એમનાં સાથીદારોને જાણ કરી કે એમની ઇચ્છા હવે બીજી ટર્મમાં ગવર્નરી કરવાની નથી. અબ તુમ્હારે હવાલે રીઝર્વ બેન્ક સાથીઓ… રઘુરામ આમ તો કાયમ મીડિયાનાં ડાર્લિંગ રહ્યા છે.  તેમ છતાં કેટલાંક મીડિયાએ ઇ-નારાજીનામું દેવાની રીત અને તે માટે પસંદ કરેલા સમયને વખોડી નાંખ્યો. એક તરફ બ્રેક્ઝિટ(બ્રિટનની યુરોપિયન યુનિયનમાંથી એક્ઝિટ)ની રામાયણથી વિશ્વબજારમાં ગભરાટ અને બીજી તરફ રેક્ઝિટ (રઘુરામ+એક્ઝિટ)નાં કારણે વિદેશી મૂડીરોકાણકારોમાં દ્વિધાભાવ. આ અબ અમેરિકા લૌટ ચલે ગીતનું કવેળાનું ગાયન અલબત્ત ચિંતાનો વિષય હતો પણ કેન્દ્ર સરકારે તરત જ વિદેશી મૂડીરોકાણનાં અધખૂલાં દ્વાર મોકળાં ખોલી નાંખીને રેક્ઝિટની અસરને સરભર કરી.  રઘુરામ રાજને ગયા મહિને કહ્યું હતુ કે ભારતે વધારે પડતા મહત્વકાંક્ષી થવાની જરૂર નથી કારણ કે દુનિયા આખી અનિશ્ચિતતાથી ભરપૂર છે. ભારતનો 7.5%ની જીડીપી(સકલ ઘરેલુ ઉત્પાદ) ઘણો સારો કહેવાય. પણ એટલો ને એવો વૃદ્ધિદર જ સારો, જે એકધારો જાળવી રાખી શકાય. વૃદ્ધિદર સારો પણ આર્થિક ફુગાવો જો નિયંત્રણમાં ન રહે તો એવા વિકાસનો કોઇ અર્થ ન રહે. દેશનો વિકાસ થાય પણ નાગરિકની આવક વધી? ચીની નાગરિકની સરેરાશ આવક ભારતીય નાગરિકની સરેરાશ આવક કરતા આજે ચાર ગણી વધારે છે.  ભારતનો વિકાસદર બેશક વધારે છે પણ મંઝિલ હજી દૂર છે. ધીરા સો ગંભીર-ની આર્થિક નીતિ ટકાઉ આર્થિક સ્થિતિ આપશે. આપણી દેશી ભાષામાં, તેલ જુઓ, તેલની ધાર જુઓ. આ તેલ ખનિજ તેલ હોઇ શકે. ચોમાસુ પણ આપણાં અર્થતંત્રનું પોષક છે. રઘુરામ કહે છે કે એ ગેટ-કીપર છે. એ અને સરકાર એકમત ન થાય એ અર્થતંત્ર માટે સારી વાત છે.

રઘુરામ હવે નહીં હોય ત્યારે કોણ? આ પસંદગી એક વિકટ પ્રશ્ન છે. સારા ગેટ-કીપર ન હોય તો વિજય માલ્યા જેવા કંઇક ગેટ-ક્રેશર ઘૂસી, લોન લઇ, ભાગી જાય. આમ પણ ગેટક્રેશિંગ એમની આદત છે. હમણાં જ લંડનમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં નહોતા ઘૂસી ગયા? હવે તો બ્રિટનમાંથી મેક્ઝિટ(માલ્યા+એક્ઝિટ) થાય ત્યારે સાચુ. એની વે, આર્થિક મુદ્દે સરકારને આવનારા ભવિષ્યનો તડ ને ફડ ચિતાર આપે એવા કસાન્ડ્રા ગવર્નરની તાતી જરૂરિયાત છે. ચોકનાં ટૂકડાથી લખે અને આપણને સમજાય પછી ડસ્ટરથી ભૂંસી નાંખે એવા શિક્ષકની જરૂર છે. મારે ય નહીં અને ભણાવે ય નહીં એવા શિક્ષક શું કામનાં?

શબ્દ શેષ:
જિંદગી એટલે ઘણી બધી શ્રેણીબદ્ધ પસંદગીઓ –ભવિષ્યવેત્તા નોસ્ત્રાદોમસ (1503-1566)

Leave a comment

Filed under Uncategorized

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s