વુમન સ્ટેન્ડિંગ: છેલ્લે સુધી ટક્યા એટલે જીત્યા./પરેશ પ્ર વ્યાસ

 

1-CnHHp-BXgAAUGyH-001 (1)

 

વુમન સ્ટેન્ડિંગ: છેલ્લે સુધી ટક્યા એટલે જીત્યા.

यहाँ किसी को कोई रास्ता नहीं देता
मुझे गिराके अगर तुम सम्भल सको तो चलो                                                                     –निदा फ़ाज़ली

ડેવિડ કેમરૂન ગયા અને થેરેસા મે આવ્યા. ‘બ્રેક્ઝિટ’ પછી બ્રિટનને આર્થિક રીતે સંભાળવાનું કપરું કામ હવે પ્રાઇમ મિનિસ્ટર થેરેસા મેનાં ભાગે આવ્યું છે. થેચર પછી થેરેસા બ્રિટનનાં બીજા મહિલા પ્રધાનમંત્રી બન્યા છે. આ અણધારેલી ઘટના છે. આમ તો બ્રેક્ઝિટનાં સમર્થક લંડનનાં પૂર્વ મેયર બોરિસ જોહ્નસન પ્રાઇમ મિનિસ્ટર બને એવી શક્યતા હતી. પણ એનાં જ ટેકેદારોને લાગ્યું કે એ માત્ર ક્રાઉડપ્લિઝર છે, લોકોને ગમે તેવી વાત કરે છે. આવા કપરાં કાળમાં નેતા તરીકે બધાને સાથે લઇને ચાલે એવા સ્ટેટ્સમેનની જરૂર છે. સાથીઓએ કરેલા પીઠ પાછળનાં ઘા(બેકસ્ટેબિંગ)ને કારણે એમણે હરીફાઇમાંથી નીકળી જવું પડ્યું. પીએમ પદની અન્ય એક મહિલા દાવેદાર આન્દ્રેયા લીડસમે બોલીને બગાડ્યું. એણે કહ્યું કે થેરેસાને ભત્રીજા ભત્રીજી હશે પણ મારે તો (પોતાના) બાળકો છે. એના ય બાળકો થશે. એમનાં ભવિષ્ય માટે આજની ઘડી અગત્યની છે. થેરેસાએ લગ્ન કર્યા છે પણ એને બાળકો થયા નથી એવી આડકતરી ટીકા, એવું વાંઝિયામેહણું(મધરહૂડ કોમેન્ટ્સ) આંદ્રેયા લીડસમને નડ્યું. એણે થેરેસાની માફી માંગીને પીએમ પદની દાવેદારી પાછી ખેંચવી પડી. અને આમ બ્રિટિશ કન્ઝર્વેટિવ પાર્ટી બોર્ડે પીએમ પદનાં બચી ગયેલા આખરી દાવેદાર થેરેસા મે-ને પીએમ બનાવી દીધા. પાર્ટીનાં એક વરિષ્ઠ સાંસદે થેરેસાને ‘બ્લડી ડિફિકલ્ટ વુમન’ કહ્યા છે. ‘ખૂબ અઘરી સ્ત્રી’ એવો અર્થ થાય. આ એમની ટીકા નથી, તારીફ છે. અત્યારે બ્રિટનને એવા નેતૃત્વની જરૂર છે જે કડક હાથે કામ લઇ શકે. બ્રિટિશ સ્થાનિક ટેબ્લોઇડ અખબારોએ આ નાટકીય સમાચારને રસપ્રદ હેડલાઇન્સથી ચમકાવ્યા. ‘ડેઇલી સ્ટારે’ હેડલાઇન બનાવી કે ‘આઇ વિલ મેક બ્રિટન ગ્રેટ અગેઇન; કમ વ્હોટ મે…’ ‘મેટ્રો’એ મથાળું બાંધ્યુ: ‘અનધર ડે ઓફ મેહેમ’. અન્ય અખબાર ‘મોર્નિગ સ્ટાર’ની હેડલાઇન હતી:  ‘મેડે! મેડે!’ પ્રધાનમંત્રીની અટક ‘મે’ હોય તો અખબારોને હેડલાઇનની રમઝટ બોલાવવાની મઝા પડે. કમ વ્હોટ મે(Come What May) એટલે જે થાય તે. ‘મેહેમ(Mayhem) મતલબ સંપૂર્ણ અવ્યવસ્થા. ‘મેડે(Mayday)’ તો આંતરરાષ્ટ્રીય સંકટસૂચક રેડિયો સિગ્નલ. પણ અમને ‘ફાઇનાન્સિઅલ ટાઇમ્સ’નું મથાળું ગમ્યું : ‘લાસ્ટ વુમન સ્ટેન્ડિંગ(લાસ્ટ Last Woman Standing)..’ આખર સુધી અડીખમ ઊભેલી આખરી નારી- એવો સામાન્ય અર્થ થાય; એ મુહાવરાની વ્યુત્પત્તિની વાતો  રસપ્રદ છે.                                                                             

ઓરિજિનલ મુહાવરો જો કે ‘લાસ્ટ મેન સ્ટેન્ડિંગ’ છે. ઇંગ્લિશ ભાષામાં ‘મેન’ કહે એટલે એમાં ‘વુમન’ આવી ગઇ, એવો જેન્ડર ન્યુટ્રલ(તટસ્થ લિંગભેદ) ભાવ છે. હવે જો કે બદલાતું જાય છે. હવે ચેરમેનને બદલે ચેરપર્સન, ફાયરમેનને બદલે ફાયરફાઇટર, સ્ટ્યુઅર્ડ કે સ્ટ્યુઅર્ડિસની જગ્યાએ ફ્લાઇટ એટેન્ડન્ટ, બારમેન કે બારવુમનની જગ્યાએ બારટેન્ડર વપરાય છે. અહીં ‘લાસ્ટ પર્સન સ્ટેન્ડિંગ’ એવો શબ્દપ્રયોગ યોગ્ય હોત પણ પ્રાઇમ મિનિસ્ટર હવે સ્ત્રી છે એ ભારપૂર્વક કહેવાની વાત અહીં હોઇ શકે.

‘લાસ્ટ મેન સ્ટેન્ડિંગ’ શબ્દો સ્પર્ધા દર્શાવે છે. એક હરીફાઇ, એક રેસ કે જેમાં એકથી વધારે દાવેદાર છે. એક પછી એક દાવેદાર ખડતા જાય છે. એક જે ઝીંક ઝાલે, ડગે નહીં, ફગે નહીં, આખરી ઘડી સુધી અડીખમ, કોઇને મચક ન આપે, બળકટતાથી ટકી રહે, એવો આખરી દાવેદાર વિજયી ભવે છે. મુહાવરાનો  ‘સ્ટેન્ડિંગ’ શબ્દ કદાચ મુક્કાબાજીની રમત પરથી આવ્યો છે. પ્રતિદ્વંદ્વીને  મુક્કા મારીને એવો પછાડો કે પછી ઊભો જ ના થઇ શકે એ ‘નોક-આઉટ પંચ’નાં પ્રતાપે જે જીતે એ બોક્સિંગ રિંગમાં ઊભેલો બોક્સર લાસ્ટ મેન સ્ટેન્ડિંગ કહેવાય. જો કે કેટલાંક એમ પણ કહે છે કે મિલિટરી ટ્રેનિંગમાં કપરી શારીરિક કસોટી કરતી દોડમાં જે છેલ્લે સુધી ટકી રહે, એ પરથી લાસ્ટ મેન સ્ટેન્ડિંગ મુહાવરો આવ્યો છે. કેટલાંકનાં મતે શબ્દ જોડણી કે પછી નૃત્ય સ્પર્ધાનાં સંદર્ભે પણ આ મુહાવરો પ્રચલિત થયો હોઇ શકે કે જેમાં હારનારાઓને બેસાડી દેવામાં આવે અને જે છેલ્લે ઊભો રહી જાય એ ‘લાસ્ટ મેન સ્ટેન્ડિંગ’ એટલે કે વિજેતા ઘોષિત થાય.

આ મુહાવરો એટલો તો લોકપ્રિય છે કે ‘લાસ્ટ મેન સ્ટેન્ડિંગ’ શીર્ષક હોય એવી ત્રણ ફિલ્મ્સ, સાત મ્યુઝિક આલ્બમ્સ, પાંચ ટેલિવિઝન સીરીઝ, બે વિડિયો ગેમ્સ અને ત્રણ પુસ્તકો ઉપલબ્ધ છે. અરે, ‘લાસ્ટ વુમન સ્ટેન્ડિંગ’ નામે પણ ફિલ્મ અને નવલકથા છે. એવરીબડી લવ્સ એ વિનર! યૂ સી! અત્યારે આ મુહાવરો કોઇ પણ સ્પર્ધાનાં વિજેતા માટે વપરાય છે. વિજેતા શારીરિક રીતે ખરેખર છેલ્લે ઊભો જ હોય અને હારેલાઓને બેસાડી દીધા હોય એવી વાત હવે ગૌણ છે. રણભૂમિ(War)માં, રમત(Sports) કે પછી રાજરમત(Politics)નાં મેદાનમાં, કોઇ પણ રસાકસીનાં ખેલમાં, પોતાનાં વિષય કૌશલ્ય, લડાયક મિજાજ, ટકી રહેવાનાં સામર્થ્ય કે પછી અન્ય કોઇ પણ કારણોસર વિજયી થયા હોય, એવા વિજેતા માટે આ મુહાવરો હવે છૂટથી વપરાય છે. અહીં વિજેતા માટે નીતિનિયમને અનુસરવું કમ્પલસરી નથી. શામ, દામ, દંડ, ભેદ પણ હોઇ શકે. અહીં વિદૂર નીતિ ચાલે, ચાણક્ય નીતિ ય ચાલે. અરે! અ-નીતિ(!) ય ચાલે. સાવ નસીબનાં જોરે પાસો સવળો પડે ‘ને જીતી જાય તો એ પણ ચાલે. જો જીતા વો સિકંદર. પછી ઇ સિકંદર ભલે ઘોડા પર બેઠ્યા હોય તો પણ ઇ…. લાસ્ટ મેન સ્ટેન્ડિંગ જ કહેવાય. હેં ને?

શબ્દ શેષ:  

 દરેક ચેમ્પિયન એક વાર તો સામાન્ય સ્પર્ધક જ રહ્યો હોય છે, એવો સ્પર્ધક;

જેણે કોઇ પણ સંજોગોમાં પીછેહટ કરવાનો ઇન્કાર કરી દીધો હોય.

-સિલ્વેસ્ટર સ્ટેલોન. ફિલ્મ ‘રોકી’

 

3 ટિપ્પણીઓ

Filed under Uncategorized

3 responses to “વુમન સ્ટેન્ડિંગ: છેલ્લે સુધી ટક્યા એટલે જીત્યા./પરેશ પ્ર વ્યાસ

  1. come what may- Last woman standing…very fine article..thx

  2. May flower -the ship !
    ——–
    એટલે જ ‘બ્લોગર’ શબ્દ નપુંસક છે(Neutral) !

  3. બ્રિટનનાં નવાં લાસ્ટ વુમન સ્ટેન્ડિંગ વડા પ્રધાન થેરેસા મે અગાઉનાં મજબુત વુમન વડા પ્રધાન થેચર જેવાં મજબુત જણાય છે. તેઓ સફળ થાય એવી શુભેચ્છાઓ આપીએ.

    Theresa May: First speech as Prime Minister – BBC News

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s