અથ શ્રી દૃષ્ટાંતકથા../પરેશ પ્ર વ્યાસ

૦૦અથ શ્રી દૃષ્ટાંતકથા..

દૃષ્ટાંત એટલે શું? બૃહદ્વ્યાકરણ અનુસાર બે વાક્યોમાં ઉપમાન અને ઉપમેયની વચ્ચે તેમ જ તેમના સાધારણ ધર્મોની વચ્ચે બિંબપ્રતિબિંબ ભાવનું સાદૃશ્યનું વર્ણન હોય તો તેમાં અલંકાર દૃષ્ટાંત છે. અરે બાપ રે! આ તો નકરું સંસ્કૃત છે. ચાલો, દૃષ્ટાંત વિષે દૃષ્ટાંત આપીને સમજાવીએ.

“ફિલ્મમાં રીઅલ ફાઇટની ફીલ આવે એ માટે 120 કિલોનાં પહેલવાનને જુદા જુદા એંગલથી ઊઠાવીને પટકવા પડતા હતા. આવું એક વાર નહીં અનેક વાર કરવું પડતું. મને રેપની શિકાર મહિલાવાળી ફીલિંગ આવતી હતી. હું સીધો ચાલી પણ નહોતો શકતો.” –ભારતીય  ફિલ્મ અભિનેતા સલમાન ખાન તા. 20/6/2016

“હજી તેઓ(લેબર પાર્ટી) પોતાની પાટલૂન(ખોલવા)ની ચેન ફંફોસી રહ્યા છે ત્યારે અમે(કન્ઝર્વેટિવ પાર્ટી) તો સંભોગ પતાવીને, અમારા મોટાં જોહ્નસનને પાછો ખેંચીને, શાંતિથી સિગારેટનાં કસની મઝા લઇ રહ્યા છીએ….”  -બ્રિટિશ રાજકીય નેતા રુથ ડેવિડસન તા. 11/7/2016

પહેલી દૃષ્ટાંતકથા દેશી હતી. બીજી પરદેશી. એકમાં ફિલ્મી શૂટીંગવિધિ સમજાવવા બળજબરીથી થતા શારીરિક સંબંધનું દૃષ્ટાંત દેવાયું. બીજામાં રાજકીય ગતિવિધિની સમજાવવા સહસંમતિથી થતા શારીરિક સંબંધનું દૃષ્ટાંત દેવાયું. એક વાત પુરુષ અભિનેતાએ કહી. બીજી વાત સ્ત્રી રાજનેતાએ. બન્ને દૃષ્ટાંતકથાઓનું શ્રવણ કરનારાં પત્રકારો હતા અને શ્રવણજ્ઞાનનો પ્રસાદ લઇને તેઓ ખડખડાટ હસ્યા હતા. દૃષ્ટાંત આપીને સમજાવો તો વાત બરાબર સમજાય. પણ સવાલ એ છે કે પુરુષ સ્ત્રીનાં જબરજસ્તીનાં કે સહસંમતિનાં સેક્સ સંબંધો સાથે જે વાતોને નહાવા નીચોવવાનો ય સંબંધ નથી, એ સમજાવવા માટે આવા દાખલા દેવા જરૂરી છે?

સલમાનની સુલ્તાની રૅપ અનાલોજીનું બેકગ્રાઉન્ડ આપણે જાણીએ છીએ. રુથ ડેવિડસનની દૃષ્ટાંતકથાનું બેકગ્રાઉન્ડ પણ જાણી લઇએ. બ્રિટિશ નાગરિકોએ મત આપીને યુરોપિયન યુનિયન(ઇયુ)માંથી અલગ થવાનું નક્કી કર્યું. એટલે ઇયુમાં ચાલુ રહેવાનાં સમર્થક વડાપ્રધાન કેમરૂને સ્વેછાએ રાજીનામુ દીધું. હવે કોન બનેગા વડાપ્રધાન?  શાસક કન્ઝર્વેટિવ પાર્ટીનાં જ ‘બ્રેક્ઝિટ’ સમર્થક બોરિસ જોહ્નસન દાવેદાર હતા પણ આવી અણધારી રાજકીય મથામણમાંથી સમયસર માર્ગ કાઢીને કન્ઝર્વેટિવ પાર્ટીએ ઝડપથી થેરેસા મે-ને વડાપ્રધાન પદે નિયુક્ત કર્યા. શાસક કન્ઝર્વેટિવ પાર્ટીની સરખામણીમાં વિરોધ લેબર પાર્ટીનાં રાજકારણીઓ એમનાં નેતા જેરેમી કોર્બીનનું શું કરવું?- એ હજી નક્કી કરી શક્યા નથી. રુથ ડેવિડસને શાસકપક્ષની ઝડપી નિર્ણય લેવાની ક્ષમતાને ચરિતાર્થ કરતી આ મૈથુન દૃષ્ટાંતકથા લંડનની સંસદીય પ્રેસ ગેલેરીમાં પત્રકારો સાથેની લંચ મીટિંગમાં કરી. લો બોલો!

ના, કોઇ વિવાદ થયો નથી. કોઇએ રુથબહેનને સંવેદનાહીન કહ્યા નથી. એક સ્ત્રી તરીકે જાહેરમાં કેઝ્યુઅલ સેક્સની વાત કરવા બદલ મહિલા આયોગે એમની બેશરમ હરકતનો કોઇ ખુલાસો માંગ્યો નથી. કોઇએ એમ પણ કહ્યું નથી કે સંભોગ બાદ સિગારેટ પીવાની એમણે તરફદારી કરી છે. હવે લોકો સિગારેટ પીશે, એમને કેન્સર થશે અને મરશે, એ માટે રુથબેન તમે જવાબદાર છો! માફી માંગો, માફી માંગો! પણ આપણે ત્યાં સલમાનની રૅપ ટિપ્પણી પર હોબાળો થયો. શું આપણે અસહિષ્ણુ(Intolerant) છીએ? શું આપણે હાસ્યરસજ્ઞતા(Sense of Humour) ગુમાવી બેઠાં છીએ? જરાય નહીં.  સ્ત્રીઓ પર થતા અત્યાચારની વાતનાં દાખલા દેવાય ત્યારે હોબાળો થવો યોગ્ય છે.

ભાષામાં દૃષ્ટાંતનો કોઇ વિકલ્પ નથી. ન સમજાતી પેચીદા વાતને  દૃષ્ટાંતથી બખૂબી સમજાવી શકાય. સવાલ એ છે કે એનાથી કોઇને નુકસાન થાય તેમ છે કે કેમ? વાત મારી અને તમારી નથી. વાત છે ખ્યાતનામ, ઇજ્જતદાર, પંકાયેલી વ્યક્તિઓની. એ જ્યારે બોલે છે ત્યારે લોકો એને સાંભળે છે, એને અનુસરે છે. કોઇ ટ્રકચાલક પોલિસમેનને ‘ઠુલ્લો’ કહે તો એ વિષય ચર્ચાતો નથી પણ મુખ્યમંત્રી શ્રી શ્રી કેજરીવાલ કહે તો એનો અર્થ સમજવા હાઇકોર્ટ પણ માથું ખંજવાળે છે. રોગીઓની સેવા કરતી નર્સને આપણે સિસ્ટર કહીએ છીએ પણ કપિલ શર્મા કોમેડી શૉમાં ડોક્ટર નર્સને ડાર્લિંગ ડાર્લિંગ સંબોધીને  નર્સમાત્રને સેક્સ ઓબ્જેક્ટ તરીકે ચીતરે, એમાં કોઇ સેન્સ ઓફ હ્યુમર નથી. આમીરખાન સલમાનની સંવેદનહીનતાની ટીકા કરે છે પણ પછી એમ પણ કહે કે સલમાન આવે તો સ્ટાર આવ્યો ગણાય,પણ હું આવું તો વેઇટર આવ્યો હોય એમ લાગે. શું વેઇટરગીરી હાંસીપાત્ર વ્યવસાય છે? માટે હે મહાનુભાવો, જબ અપના મુંહ ખોલો તુમ, સોચ સમજકે બોલો તુમ….

2 ટિપ્પણીઓ

Filed under Uncategorized

2 responses to “અથ શ્રી દૃષ્ટાંતકથા../પરેશ પ્ર વ્યાસ

  1. Sense of Humour નું પરેશભાઈએ કરેલ મૌલિક ગુજરાતીકરણ- અનુવાદ હાસ્યરસજ્ઞતા ગમ્યું.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s