ચરબી વેરો.. /પરેશ વ્યાસ

                      ચરબી વેરો..

ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પિત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ. લીમડાને આવી ગ્યો તાવ.                                                                               –કૃષ્ણ દવે

વર્ષો પહેલાં આઇઝેક ન્યૂટન સફરજનનાં ઝાડ નીચે બેઠાં’તા અને સફરજન માથે પડ્યું એટલે એમણે ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો. વર્ષો પછી આઇઝેક થોમસ કદાચ મેકડોનાલ્ડ, પિત્ઝા હટ, કેએફસી, ડોમિનોઝ, સબ-વેમાં બેઠાં હશે અને પિત્ઝા,બર્ગર, ટાકોસ, ડોનટ્સ, સેન્ડવિચ, પાસ્તા એમને માથે પડ્યા હશે એટલે એમણે ટેક્સાકર્ષણ(!)નો નિયમ શોધ્યો. આઇઝેક થોમસ કેરળનાં નાણાંપ્રધાન છે. એમણે ગયા અઠવાડિયે ‘ફેટ ટેક્સ’(ચરબી વેરો)ની ઘોષણા કરી. અમે કહ્યું, એમણે કર્યું! થોડા દિવસો પહેલાં ‘અર્વાચિંતનમ્’નાં ‘સ્વયંપાકી બનો, સ્વસ્થ રહો’ લેખમાં અંતે અમે લખ્યું’તું કે ‘મારું ચાલે તો રેસ્ટોરાં પર વધારાનો 5% સ્વયંપાકી કલ્યાણ સેસ ઝીંકી દઉં. ઘા ભેગો ઘસરકો, તંઇ શું?’ પણ એમણે તો બ્રાન્ડેડ રેસ્ટોરંટ્સનાં ફાસ્ટફૂડ પર 14.5% ફેટ ટેક્સ ઝીંકીને ઘસરકા ભેગો ઘા કરી દીધો!  અલબત્ત બિહારમાં  મોંઘી મીઠાઇ અને સમોસા પર સરચાર્જ છે પણ ‘ગોડ્સ ઓવ્ન કન્ટ્રી’એ બ્રાન્ડેડ ફાસ્ટફૂડ પર ફેટ ટેક્સની નવતર પહેલ કરી. અભિનંદનમ્ કેરાલા!

00

 

 

અમેરિકાવાળા તો વર્ષોથી વાતુ કરે છે. ફિજીયોલોજિસ્ટ કાર્લસને 1942માં પહેલી વાર સૂચવ્યું કે જાડા માણસો પાસે સરેરાશથી વધારાનાં વજન માટે ફી વસૂલવામાં આવે. સેન્ટર ફોર ફૂડ પોલિસી એન્ડ ઓબેસિટીનાં ડાયરેક્ટર કેલી બ્રાઉનવેલે 1980માં જંક ફૂડ પર ફેટ ટેક્સ નાંખવાનું સૂચવ્યું.વિરોધ થયો. લોકોનાં અંગત જીવનમાં સરકારની દખલગીરી? નહીં ચલેગી, નહીં ચલેગી!  લોકોને પસંદગીની સ્વતંત્રતા જેવું કાંઇ હોય કે નહીં? ફાસ્ટફૂડની ધંધાદારી લોબી એટલી સ્ટ્રોંગ છે કે અમેરિકામાં ફેટ ટેક્સને મુદ્દે કોઇ ફાવ્યું નથી. દુનિયાનો ડેન્માર્ક એકમાત્ર એવો દેશ હતો કે જેણે દેશનાં મેદસ્વી નાગરિકોની ચિંતા કરીને 2011માં દૂધ, ચીઝ, પિત્ઝા, માખણ, માંસ અને તેલ પર ફેટ ટેક્સ નાંખ્યો પણ ડેનિસ નાગરિકોની ખાવાપીવાની ટેવ સુધરી નહીં. પાડોશી દેશનાં ચરબીયુક્ત ખાદ્યપદાર્થો સસ્તા હતા એટલે સ્વદેશી વેપારીઓનો ધંધો પડી ભાંગ્યો. ટીકા થઇ અને એક જ વર્ષમાં ચરબી તો નહીં પણ ચરબી વેરો જરૂર ઓગળી ગયો! જાપાનમાં દર વર્ષે 40થી 75વર્ષનાં નાગરિકોની ફાંદ મપાય છે. જ્યાં અપેક્ષિત ઘટાડો ના થયો હોય ત્યાં ફૂડ કંપની અને સ્થાનિક મ્યુનિસિપાલિટીઓ પાસે પેનલ્ટી વસૂલાય છે. પણ કેરળનો ફેટ ટેક્સ અનન્ય છે.

મેદસ્વિતા અનેક રોગોનું કારણ છે. ડાયાબિટિસ, હાઇપરટેન્સન, હાર્ટએટેક તો ખરાં જ. ઉપરાંત શારીરિક સ્થૂળતા કેન્સર, લીવરની બિમારી, ડિપ્રેશન અને ઊંઘને લગતા રોગોની પણ જનક છે. શરીરનો ઘેરાવો વધે એનું મુખ્ય કારણ જંક ફૂડ છે. અમેરિકન મેડિકલ એસોસિએશને 2013માં ઑબેસિટી(મેદસ્વિતા)ને જ રોગ તરીકે જાહેર કર્યો છે. આ પહેલાં ચરબી  રોગનું મૂળ કહેવાતી, હવે ચરબી ખુદ-બ-ખુદ એક રોગ છે.

ફાસ્ટ(FAST)ફૂડ એ ફેટ(FAT)ફૂડ જ છે. કોઇએ ફેટની જોડણીમાં એસ(S) અક્ષર ઉમેરીને આપણને એસ(ASS-ગધેડા) બનાવ્યા છે. ફાસ્ટફૂડ એટલે ફેટ, કાર્બોહાઇડ્રેડ અને ઉપરથી ઉમેરાયેલી સ્યુગર. એમાં વિટામિન્સ અને મિનરલ્સનું પ્રમાણ નહીંવત. સત્વ જ નથી. જીભને ચટકા પણ સ્વાસ્થ્યને ફટકા! પાછું હેલ્ધીફૂડનાં મુકાબલે ફાસ્ટફૂડ સસ્તુ મળે. ફટાફટ રંધાઇ જાય. તમે એ પણ જોયું હશે કે ફાસ્ટ ફૂડ જંબો સાઇઝમાં જ મળે. મહારાજા મેકબર્ગરની જાહેરાતમાં એને મોટ્ટુ સોશિયલ બર્ગર કહે છે. એટલું મોટું કે ખાતા વાર લાગે.  ભૂખ ના હોય તો પણ તમે ખાતા જાવ, વાતોચીતો કરતા જાવ અને…. જાડા થતા જાવ!. ફાસ્ટફૂડની ફ્રેંચાઇઝી દુકાન ઠેર ઠેર હોય. દેખાય એટલે ખાવાનું મન થાય. અને ત્યાં જવામાં જો આળસ થાય તો ઓનલાઇન ઓર્ડર કરો અને ફાસ્ટફૂડ ઘર બેઠાં આવી જાય. ડિલીવરી મોડી થાય તો એક પિત્ઝા ફ્રી. લો બોલો! આમાં લોકોની ચરબી ન વધે તો બીજું થાય શું?

ચરબી વેરો વ્યાજબી છે. પ્રજાને પોતાનાં સ્વાસ્થ્યની કાંઇ પડી નથી. સરકારે ચિંતા કરવી પડે. હવે પિત્ઝાનાં ખોખા પર કાનૂની ચેતવણી લખવી જોઇએ કે ફાસ્ટફૂડનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે!

0000

The Truth About The UK Fat Tax – YouTube

https://www.youtube.com/watch?v=P9fp1BpfdrA

Mar 23, 2014 – Uploaded by WideShut UK

Download MP3 / View Source Material @ http://wideshut.co.uk/uk-fattax/ In this episode I explore the …

 

1 ટીકા

Filed under Uncategorized

One response to “ચરબી વેરો.. /પરેશ વ્યાસ

  1. માનું છું કે આ પોસ્ટ માત્ર મહિલાઓ માટે જ છે. ફાંદ વાળા પુરુષોએ વાંચવા જેવી નથી. તમ તમારે ખાવાનું ચાલુ રાખો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s