રેટરિક: વાતને ગળે ઉતારવાની વાત /પરેશ પ્ર વ્યાસ

૦૦૦૦૦

રેટરિક: વાતને ગળે ઉતારવાની વાત

જે ઓળખી જશે તે સદાકાળ હો અજય,
રમવું દે સાથ તો રમે વક્તા અને વિષય                                                                                                                                                                          – સંજુ વાળા

નવજ્યોતસિંઘ સિદ્ધુ ઓળખી ગયા છે. ભાજપ ભેળા રમવું સાથ દેતુ નથી એટલે દાવ ડિકલેર કર્યો. આ

કોમેડી નાઇટ્સ વિથ કપિલ નથી. આ ટ્રેજડી ડેઇઝ વિથ બાદલ છે. એક તો સિદ્ધુપાજી પહેલેથી જ શિરોમણી અકાલી દલ(સેડ)થી દુ:ખી હતા. અને પછી એમણે અરુણ જેટલી માટે અમૃતસરની સીટ ખાલી કરવી પડી. અને પછી તેઓ પોતાની જ પાર્ટીમાં ક્રમશ: હાંસિયામાં ધકેલાતા ગયા. ચાર મહિના પહેલાં રાજ્યસભામાં ચૂંટાયા પણ મંત્રીપદ મળ્યું નહીં. રીઝર્વ ખેલાડી રહેવા કરતા એમણે ટીમ જ બદલી નાંખી. હવે નવી ટીમની નવી ઇનિંગમાં નવી જ્યોત પેટાવવા નવજ્યોત હવે ઓપનિંગમાં આવશે. હવે નવો દાવ રમવાનો છે. એ સદાકાળ અજય રહશે કે કેમ? એની ખબર નથી; પણ એ વક્તા ઘણો સારો છે. ‘ફર્સ્ટ પોસ્ટ’ લખે છે કે ‘પંજાબની આવનારી ચૂંટણીમાં સિદ્ધુનું નવતર રેટરિક(Rhetoric) અને લોકોને આકર્ષવાની ક્ષમતાને ઓછી ન આંકી શકાય’.  

રેટરિક એટલે વાક્છટા. મૂળ ગ્રીક શબ્દ ‘રેટરિક ટેકને’ જેનો અર્થ થાય વક્તવ્યની કલા અને તે પરથી આવેલો શબ્દ રેટરિક. ‘ગુજરાતી લેક્સિકોન’ અનુસાર રેટરિક એટલે લોકો પર પ્રભાવ પાડવા અપાતું પ્રવચન કે લખાતું લખાણ તે સંપૂર્ણ પ્રામાણિક કે નિષ્ઠાવાળું હોતું નથી, પ્રભાવી રીતે બોલવા લખવાની કળા, આડંબરી અથવા અત્યુક્તિભરી ભાષા, અલંકારશાસ્ત્ર, વક્તૃત્વ. રેટરિક સંપૂર્ણ પ્રામાણિક ન જ હોય, એવા ગુજરાતી લેક્સિકોનનાં અર્થઘટન સાથે અમે સહમત નથી.  કોણ બોલે છે? અને કેવી રીતે બોલે છે?- એ સદંર્ભે રેટરિક પોઝિટિવ કે નેગેટિવ હોઇ શકે.  છતાં નેગેટિવ અર્થમાં એ વધારે વપરાય છે. રાજકારણીઓ પોતાનાં વિરોધીઓની વાતને, એની દલીલને ‘મિયર(નર્યું) રેટરિક’ છે, એવું કહીને ઉતારી પાડે છે, રદિયો આપે છે, હંસી કાઢે છે. જેમ કે વિરોધ પક્ષ મોદી સરકારને ‘જુમલા સરકાર’ કહે છે. જુમલો એટલે વાક્ય. વાત સારી રીતે, સમજાય એ રીતે, યાદ રહી જાય એ રીતે, જમાવટ કરી દે એ રીતે કહેવાય પણ આમ એમાં કાંઇ ભલીવાર ન હોય એવા નકારાત્મક અર્થમાં, એને રેટરિક કહેવાય. ટીવી ચર્ચા જોતા હોઇએ તો એમાં ‘રેટરિક ક્વેશ્ચન’ એવા શબ્દો પણ બોલાતા રહે છે. જ્યારે કોઇ સવાલ પૂછે પણ એનાં ઉત્તરની અપેક્ષા નથી. સવાલ માત્ર એક મુદ્દો સ્પષ્ટ કરવા પૂછાતા હોય છે. હેં ને?( આ ‘હેં ને?’ રેટરિક પ્રશ્ન છે!) હેં ને?!!!

રેટરિક એટલે સામે જે શ્રોતાગણ છે એને સમજાય એ ભાષામાં, કોઇ ચોક્ક્સ મુદ્દો એમનાં ગળે ઉતારવાની વાત. રાજકારણી મતની ભીખ માંગે, વકીલ અસીલ વતી ન્યાય માટે કરગરે, વેપારી પોતાનો માલ વેચવા ઘરાકને જાહેરાતનાં આટાપાટામાં આંટે, સરકાર પ્રચાર પ્રસાર કરે કે મેરા દેશ બદલ રહા હૈ.. એ સઘળું રેટરિક છે. વાત સાચી હોય કે ખોટી પણ સામાવાળાને ગળે ઉતરી જાય એવી કોશિશ અહીં જરૂર હોય છે. રેટરિક અલબત્ત હકારાત્મક પણ હોય છે. મુંબઇ જઇને માને ભૂલી ગયેલા દીકરાનાં ખબરઅંતર પૂછવા ગામડેથી આંધળી મા કાગળ લખાવે એ ‘આંધળી માનો કાગળ’ રેટરિક છે. આજકાલ અમેરિકા જઇ વસેલા દીકરાને લખેલો ભાળતી માનો ઇ-મેલ પણ રેટરિક હોઇ શકે. ઇસરો વૈજ્ઞાનિકો જ્યારે વીસ સેટેલાઇટ્સ એકીસાથે લોન્ચ કરીને આપણને આપણી અંતરિક્ષ ક્ષમતાનું ભાન કરાવે એ રેટરિક છે. હું રેટરિક શબ્દની સંહિતાની ચર્ચા કરું, એ પણ રેટરિક છે. સામાન્ય રીતે વક્તવ્ય સાથે સંકળાયેલો શબ્દ અન્ય માધ્યમ જેમ કે લખાણ, ચિત્ર, ચલચિત્ર કે તસ્વીરકલા માટે પણ વાપરી શકાય. રેટરિકમાં એક બોલનારો(કે લખનારો કે ચીતરાનારો કે તસ્વીરકારો..) હોય, એક શ્રોતાગણ(કે વાંચક કે દર્શકગણ) હોય અને એમાં એક સંદેશો હોય, જે સારી રીતે દેવાનો હોય.

ગ્રીક ફિલોસોફર એરિસ્ટોટલ અનુસાર અસરકારક રેટરિક માટે ઇથોસ(Ethos), પેથોસ (Pathos) અને લોગોસ (Logos) જરૂરી છે. ‘ઇથોસ’ એટલે બોલનાર કે લખનાર ભરોસાપાત્ર હોવો જોઇએ. એ પોતે સક્ષમ ન હોય તો કોઇ એની વાત માને ખરાં? નીવડેલી વ્યક્તિ પર જ આપણે ભરોસો મુકીએ. પાડો જણતી ભેંસનું રેટરિક કોણ માને? ‘પેથોસ’ એટલે લાગણીથી લોકોને કરવામાં આવેલી અપીલ. દાખલા તરીકે દેશપ્રેમની વાત. અથવા તો માણસની પોતાની ઇચ્છાશક્તિથી સઘળું શક્ય છે, એવો લોકોને અહેસાસ કરાવવો તે. રેટરિક અસરકારક હોય તો લોકો વાત માની જાય અને એમ કરવા માંડે. જેમ કે સ્વચ્છતાનાં સંદેશ દેવામાં આવે અને લોકો સફાઇ તરફ વળે. જો કે લાગણી તો નકારાત્મક રીતે પણ ઉશ્કેરી શકાય. જન્માષ્ટમીનાં તહેવારો પર મિત્રો આપણાં લોભ-ની લાગણીને ઉશ્કેરીને જુગાર રમવા પ્રેરે કે ટીવી જાહેરાતમાં સેક્સ-ની લાગણી ઉશ્કેરીને આપણને ખરીદી કરવા પ્રેરે, એ પણ ‘પેથોસ’ કહેવાય. અને છેલ્લે ‘લોગોસ’ એટલે લોજિક અથવા તો તર્ક. ઘણી રીસર્ચનાં અંતે તારવેલી આંકડાકીય માહિતી, ઘણાં પૂર્વાપરનાં સંબંધોનું બયાન, ઘણાં તથ્યોની જાણકારી વગેરેની વાતો મુદ્દાસર કહેવાય તો લોકો વાતને માને.  

સિદ્ધુ વાક્છટાનો શહેનશાહ છે.ક્રિકેટ કોમેન્ટરી દરમ્યાન એણે એક વાર કહેલું કે  ‘બેટ્સમેન બેટનો ઉપયોગ કરીને એટલાં ફટકા મારે છે કે ફિલ્ડર્સને આખા મેદાનમાં દોડ દોડ કરવું પડે છે;  જેમ મારી પત્ની ઝાડૂનો ઉપયોગ કરીને મને આખા પંજાબમાં દોડતો રાખે છે.’ આજે એ જ સિદ્ધુએ કમળ છોડ્યું અને ઝાડૂ પકડ્યું. ‘આપ’(!) યું હી અગર હમસે મિલતે રહે દેખિયે એક દિન પ્યાર હો જાયેગા..

શબ્દ શેષ:

રેટરિક એ લોકોનાં મગજ પર શાસન કરવાની કલા છે.  -પ્લેટો

૦૦૦૦ ૦૦૦ ૦૦ ૦

1 ટીકા

Filed under Uncategorized

One response to “રેટરિક: વાતને ગળે ઉતારવાની વાત /પરેશ પ્ર વ્યાસ

  1. બોલો! બોલો! કુછ તો બોલો!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s